શ્રીસદ્ગુરુ પુણ્યક્ષેત્રમ્નું નિર્માણ
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર શ્રીસદ્ગુરુ પુણ્યક્ષેત્રમ્ના નિર્માણનું કાર્ય વર્ષ ૨૦૧૭માં માર્ગશીર્ષ પૂર્ણિમાથી એટલે કે દત્તજયંતી ઉત્સવથી શરૂ થયું. ૨૯ નવેમ્બર ૨૦૧૭ના રોજ મુંબઈથી પૂજનમાં રાખવામાં આવેલી શ્રીદત્તપંચાયતનની તસવીરો અર્થાત -
- શ્રીદત્તાત્રેય
- શ્રીપાદશ્રીવલ્લભ
- શ્રીનૃસિંહસરસ્વતી
- શ્રીઅક્કલકોટનિવાસી શ્રીસ્વામી સમર્થ
- શ્રીસાઈનાથ
તેમની તસવીરો અને શ્રીદત્તાત્રેય ઉદીકુંભ અમલનેર (મહારાષ્ટ્ર) લઈ જવામાં આવ્યાં. આ શ્રીદત્તાત્રેય ઉદીકુંભમાં સદ્ગુરુ બાપુનાં સંકલ્પ અનુસાર કરવામાં આવેલાં યાગ અને હવનની ઉદી રાખવામાં આવી છે.
આ ઉત્સવ હવે દર વર્ષે અહીં ઊજવવામાં આવે છે. એ જ રીતે વર્ધમાન વ્રતાધિરાજના સમયગાળા દરમિયાન અહીં દત્તયાગ પણ કરવામાં આવતા હતા. હવે આ દત્તયાગ માત્ર વર્ધમાન વ્રતાધિરાજના સમયગાળા પૂરતા સીમિત ન રહેતાં અન્ય દિવસોમાં પણ પૂજકોના બુકિંગ અનુસાર કરવામાં આવે છે.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં પરદાદા શ્રીવિદ્યામકરંદ ગોપીનાથશાસ્ત્રી પાધ્યેજીએ આ જ પવિત્ર સ્થાન પર સતત ત્રણ વર્ષ સુધી, રામનવમી ૧૯૦૬ થી રામનવમી ૧૯૦૯ સુધી તપશ્ચર્યા કરી હતી. આ સમયગાળા દરમિયાન તેમને દૃષ્ટાંતમાં ‘શ્રીવર્ધમાન વ્રતાધિરાજ’ની પ્રાપ્તિ થઈ. શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજના ત્રીજા ખંડ ‘આનંદસાધના’માં શ્રીવર્ધમાન વ્રતાધિરાજ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. શ્રીવર્ધમાન વ્રતાધિરાજના સમયગાળા દરમિયાન ઘણાં શ્રદ્ધાવાનો ઓછામાં ઓછું એક વાર આ શ્રીપુણ્યક્ષેત્રમ્માં આવે છે અને અહીં વ્રતપુષ્પનો પાઠ કરે છે.
ગુરુભક્તિને દૃઢ કરવામાં શ્રીસદ્ગુરુ પુણ્યક્ષેત્રમ્ની ભૂમિકા
‘માતૃવાત્સલ્યવિન્દાનમ્’નાં અધ્યાય ૩૧માં બાપુએ આદિમાતા મહિષાસુરમર્દિનીનાં આઠમાં અવતાર ‘દત્તમંગલચણ્ડિકા’નું વર્ણન કર્યું છે.
“આ દત્તમંગલચણ્ડિકા અષ્ટાદશભુજા જ હતાં, પરંતુ તેમનાં કોઈ પણ હાથમાં કોઈ શસ્ત્ર નહોતું. તેમનાં દક્ષિણ એટલે કે જમણી બાજુનાં નવ હાથોમાં નવ મંગલ આશીર્વાદ અને વામ એટલે કે ડાબી બાજુના નવ હાથોમાં નવ શાપ હતાં.
દત્તમંગલચણ્ડિકાનાં આ નવ આશીર્વાદ આપનારા હાથ શ્રદ્ધાવાનોને અભય પ્રદાન કરનારા અને શ્રીગુરુભક્તોને વરદાન આપનારા હતા, જ્યારે નવ શાપ આપનારા હાથ શ્રદ્ધાહીનોને ભય આપનારા અને શ્રીગુરુભક્તિ સાથે દ્રોહ કરનારાઓને નિષ્ફળતા આપનારા હતા. તેમનાં બંને નેત્રોમાં એક જ સમયે વીરરસ અને વાત્સલ્યભાવ જાગૃત રહેતા હતા. કલિયુગના મનુષ્યનો ઉદ્ધાર કરનારી શ્રીગુરુભક્તિ અર્થાત દત્તાત્રેયભક્તિ જ જેમનું હૃદય છે, એવાં આ મહિષાસુરમર્દિની ‘દત્તમંગલચણ્ડિકા’ છે.”
‘માતૃવાત્સલ્યવિન્દાનમ્’માં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ કહ્યા અનુસાર કલિયુગમાં શ્રીગુરુભક્તિ ઉદ્ધાર કરનારી છે. શ્રીગુરુભક્તિને દૃઢ કરવા, શ્રીગુરુ દત્તાત્રેય અને આદિમાતા દત્તમંગલચણ્ડિકાની કૃપા પ્રાપ્ત કરવા તથા સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અને ઇચ્છાશક્તિથી સ્થાપિત શ્રીસદ્ગુરુ પુણ્યક્ષેત્રમ્નાં આ પવિત્ર સ્થાનથી પ્રાપ્ત થતા અથાગ આધ્યાત્મિક લાભ મેળવવાની અતિશય હાર્દિક શ્રદ્ધાથી શ્રદ્ધાવાનો આ પાવન પુણ્યક્ષેત્રમ્માં આવે છે.














