શ્રીહરિગુરુગ્રામમાં દર ગુરુવારે થતા ઉપક્રમો
૧. શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજનું આગમન
સૌ પ્રથમ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા લિખિત શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ અર્થાત સત્યપ્રવેશ, પ્રેમપ્રવાસ અને આનંદસાધના - આ ત્રણેય ખંડોની મૂળ હસ્તલિખિત પ્રતો દર ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં લાવવામાં આવે છે.
ગ્રંથરાજને પ્રવેશદ્વારથી મુખ્ય વ્યાસપીઠની નજીક આવેલી મેઘડંબરી સુધી પાલખીમાં શોભાયાત્રા દ્વારા ‘જય જય અનિરુદ્ધ હરિ’ના નામઘોષ સાથે લઈ જવામાં આવે છે. આ સમયે શ્રદ્ધાવાનો ગ્રંથરાજ પર પુષ્પવૃષ્ટિ કરે છે. મુખ્ય વ્યાસપીઠની નજીક આવેલી મેઘડંબરીમાં ગ્રંથરાજને બિરાજમાન કરવામાં આવે છે. દર્શનના સમયે ગ્રંથરાજની નજીક ચામર ઢાળવાની સેવા પણ શ્રદ્ધાવાનો ભક્તિભાવથી કરે છે.

૨. શ્રીદત્તાત્રેયની મૂર્તિનું આગમન
સદ્ગુરુ બાપુનાં નિવાસસ્થાનનાં દેવઘરમાં પૂજાતી શ્રીદત્તાત્રેયની મૂર્તિ ઉપાસના પહેલાં શ્રીહરિગુરુગ્રામમાં લાવવામાં આવે છે. શંખ અને ઘંટના નાદ સાથે પ્રવેશદ્વારથી મુખ્ય વ્યાસપીઠ સુધી શ્રીદત્તાત્રેયની મૂર્તિ પર શ્રદ્ધાવાનો પુષ્પવૃષ્ટિ કરે છે. આ મૂર્તિને પણ મુખ્ય વ્યાસપીઠ પર ઉપાસનાની વ્યવસ્થામાં બિરાજમાન કરવામાં આવે છે.
ગુરુવારની સામૂહિક ઉપાસના શરૂ થાય તે પહેલાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાનેથી લાવવામાં આવેલી શ્રીસાઈસચ્ચરિત્રની પોથી અને રુદ્રાક્ષમાળા પણ મુખ્ય વ્યાસપીઠની ઉપાસના વ્યવસ્થામાં મૂકવામાં આવે છે.

૩. મુખ્ય વ્યાસપીઠ પર ઉપાસનાની વ્યવસ્થા
મુખ્ય વ્યાસપીઠ પર ડાબી બાજુની વ્યવસ્થામાં શ્રીદત્તાત્રેયની મોટી તસવીર મધ્યમાં બિરાજમાન હોય છે અને તેમની જમણી બાજુ અક્કલકોટનિવાસી શ્રીસ્વામી સમર્થ તથા ડાબી બાજુ શ્રીસાઈનાથની નાની તસવીર બિરાજમાન હોય છે. આ ઉપાસના વ્યવસ્થામાં આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ એવી અનેક પવિત્ર વસ્તુઓનો સમાવેશ થાય છે.
તેમાં સપ્તશૃંગ ગઢનો પવિત્ર વિષ્ણુપાદ પાષાણ, રુદ્રાક્ષમાળા, શાલિગ્રામ, ત્રિશૂળ જેવી હેમાડપંતને શ્રીસાઈનાથ પાસેથી પ્રાપ્ત થયેલી પવિત્ર વસ્તુઓ, બે સિક્કા અને ભિક્ષા માટે નીકળેલા શ્રીસાઈનાથના રૂપવાળી તસવીરનો સમાવેશ થાય છે. શ્રદ્ધાવાનો દર ગુરુવારે આ બધાનાં દર્શન કરી શકે છે.
૧) પવિત્ર વિષ્ણુપાદ પાષાણનું મહત્ત્વ
જ્યારે ડૉ. સુચિતદાદા એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહ્યા હતા, એ સમય દરમિયાન તેઓ ડૉ. અનિરુદ્ધ ધૈર્યધર જોશીજી (બાપુ)નાં સંપર્કમાં આવ્યા. બાપુનાં અસામાન્ય દિવ્યત્વનો અનુભવ કરતી વખતે તેમના મનમાં ઊઠેલા અનેક પ્રશ્નોના ઉત્તર તેમને મંગળવાર, ૧૬ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ હનુમાન પૂર્ણિમાના બ્રાહ્મમુહૂર્તમાં મળ્યા.
આ બ્રાહ્મમુહૂર્તમાં બાપુએ કહ્યા પ્રમાણે ૧૦૮ વાર શ્રીહનુમાનચલીસાના પાઠ કર્યા પછી તેમને શ્રીસાઈનાથે પ્રત્યક્ષ દિવ્ય દર્શન આપીને કહ્યું, ‘આજથી તું હંમેશા શ્રી અનિરુદ્ધ સાથે જ રહેજે.’
ત્યારબાદ શ્રીસપ્તશૃંગ ગઢ પર જ્યારે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ સુચિતદાદા પાસે શ્રીવિષ્ણુસહસ્રનામના ‘શ્રીનરસિંહ’ નામનું સંકીર્તન કરાવી રહ્યા હતા, ત્યારે ત્યાં નજીક આવેલા એક પાષાણ પર શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા શ્રીમહાવિષ્ણુના સ્વરૂપનાં દર્શન થયાં. આ પાષાણની પવિત્રતાને ઓળખીને સુચિતદાદા એ પવિત્ર પાષાણને શ્રીસપ્તશૃંગ ગઢથી મુંબઈ લઈ આવ્યા.
બુધવાર, ૨૫ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ મહાશિવરાત્રિના દિવસે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ આ વિષ્ણુપાદ પાષાણની વિધિપૂર્વક સ્થાપના સાઈનિવાસ, બાંદ્રામાં કરી. આ પ્રસંગે ત્યાં ત્રણ દિવસની વિશેષ ઉપાસના કરવામાં આવી. આ ઉપાસના પછી વિષ્ણુપાદ પાષાણ પર શ્રીમહાવિષ્ણુનાં ચરણ સ્વયં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ અંકિત કર્યાં.
સાઈનિવાસમાં જે ડેસ્ક પર હેમાડપંતે શ્રીસાઈસચ્ચરિતનું લેખન કર્યું હતું, તેના પર જ આ શ્રીવિષ્ણુપાદ પાષાણ સ્થાપિત છે. દર ગુરુવારે પિતૃવચનના સમયે શ્રીહરિગુરુગ્રામ, બાંદ્રામાં તથા અન્ય દિવસોમાં શ્રીસાઈનિવાસ, બાંદ્રામાં આ વિષ્ણુપાદ પાષાણનાં દર્શન કરી શકાય છે.
૨) બે સિક્કાઓનું મહત્ત્વ
સન ૧૮૭૮માં બાપુનાં પરદાદાના પિતા શ્રી જગન્નાથરાવ પાધ્યેજી શ્રીસ્વામી સમર્થની આજ્ઞા અનુસાર અક્કલકોટ આવ્યા. તેમનાં પર દિવ્ય કૃપાની વર્ષા કર્યા પછી શ્રીસ્વામી સમર્થે તેમને શિર્ડી જઈને તેમને મળવા માટે કહ્યું અને આશીર્વાદ રૂપે ચાંદીના બે સિક્કા આપ્યા.
ત્યારબાદ જ્યારે જગન્નાથરાવના પુત્ર શ્રી ગોપીનાથશાસ્ત્રી પાધ્યેજી શિર્ડી ગયા, ત્યારે શ્રીસાઈનાથે પોતાની ઝોળીમાંથી ચાંદીના બે સિક્કા કાઢીને ગોપીનાથશાસ્ત્રીજીના હાથમાં મૂક્યા અને પ્રથમ જ મુલાકાતમાં પ્રેમપૂર્વક પૂછ્યું, “आता तरी खूण पटली का?” (શું તને હવે ખરુ સમજાયું?) આ સિક્કા આપીને શ્રીસાઈનાથે શ્રી ગોપીનાથશાસ્ત્રી પાધ્યેજી પર કૃપા કરી.
બાપુના પરદાદાના પિતા શ્રી જગન્નાથરાવ પાધ્યેજીને શ્રીસ્વામી સમર્થ પાસેથી પ્રાપ્ત થયેલા ચાંદીના બે સિક્કા અને બાપુના પરદાદા શ્રીવિદ્યામકરંદ ગોપીનાથશાસ્ત્રી પાધ્યેજી (૧૮૬૬–૧૯૩૮)ને શ્રીસાઈનાથ પાસેથી પ્રાપ્ત થયેલા ચાંદીના બે સિક્કા - આ ચાર પવિત્ર સિક્કાઓમાંથી શ્રીસ્વામી સમર્થે આપેલો એક સિક્કો અને શ્રીસાઈનાથે આપેલો એક સિક્કો દર ગુરુવારે બાંદ્રા સ્થિત શ્રીહરિગુરુગ્રામના મુખ્ય વ્યાસપીઠ પર મૂકવામાં આવે છે.
૩) જપમાળા, શાલિગ્રામ અને ત્રિશૂળ
સાઈનિવાસ હેમાડપંત એટલે કે શ્રી ગોવિંદ રઘુનાથ દાભોલકર (નિવૃત્ત દંડાધિકારી)નું નિવાસસ્થાન છે, જ્યાં સન ૧૯૨૧ થી ૧૯૨૯ દરમિયાન પવિત્ર અપૌરુષેય ગ્રંથ શ્રીસાઈસચ્ચરિતનું લેખન થયું. સન ૧૯૧૮માં સમાધિ લેતાં પહેલાં શ્રીસાઈનાથે હેમાડપંતને ત્રણ પવિત્ર વસ્તુઓ સોંપી હતી - એક નાનું ત્રિશૂળ, એક જપમાળા અને એક શાલિગ્રામ. ૨૮ મે ૧૯૯૬ના રોજ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ સૂચક શબ્દો કહ્યાં અને હેમાડપંતના પૌત્ર શ્રી આપ્પાસાહેબ દાભોલકર પાસેથી આ પવિત્ર વસ્તુઓ માંગીને લીધી.
આ ત્રણેય પવિત્ર વસ્તુઓ દર ગુરુવારે બાંદ્રા સ્થિત શ્રીહરિગુરુગ્રામમાં શ્રદ્ધાવાનોના દર્શન માટે મૂકવામાં આવે છે.
ઉપાસના શરૂ થાય તે પહેલાં શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્નું પવિત્ર જળ ભરેલો કળશ લાવીને વ્યાસપીઠ પર ઉપાસનાની વ્યવસ્થામાં મૂકવામાં આવે છે અને ઉપાસના પૂર્ણ થયા પછી તેને તીર્થ - પ્રસાદરૂપે બધાને વિતરિત કરવામાં આવે છે. સર્વ શ્રદ્ધાવાનોનું પ્રતિનિધિત્વ કરનાર એક નિયુક્ત ઉપાસક આ પવિત્ર વ્યવસ્થાની સામે બેસીને બધા શ્રદ્ધાવાનો વતી ઉપાસના કરે છે.
૪. મુખ્ય વ્યાસપીઠ
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આ વ્યાસપીઠ પરથી દર ગુરુવારે શ્રદ્ધાવાનો સાથે સંવાદ કરે છે. વ્યાસપીઠની જમણી બાજુ સદ્ગુરુનું આસન (સોફા) હોય છે અને તેની પાછળ બાપુનાં રક્ષકગુરુ શ્રીહનુમાનજીની તસવીર હોય છે. મુખ્ય વ્યાસપીઠના મધ્યમાં આદિમાતા જગદંબા મહિષાસુરમર્દિનીની પ્રતિમા (દ્વિમિતીય મૂર્તિ) બિરાજમાન હોય છે અને તેમની તથા ઉપાસના વ્યવસ્થાની વચ્ચે માતા શિવગંગાગૌરીની તસવીર બિરાજમાન હોય છે.
મુખ્ય ઉપાસના શરૂ થાય તે પહેલાં શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માંથી લાવવામાં આવેલું એક શ્રીફળ આદિમાતા મહિષાસુરમર્દિનીની સામે અને એક શ્રીફળ માતા શિવગંગાગૌરીની સામે મૂકવામાં આવે છે. ઉપાસનાના સમયે આ બંને શ્રીફળ પર પૂજનોપચાર અર્પણ કરવામાં આવે છે.
આ બે શ્રીફળ અને શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં આદિમાતા મહિષાસુરમર્દિનીને અર્પણ કરાયેલાં ત્રણ શ્રીફળ આ રીતે કુલ પાંચ શ્રીફળની કાચલીને પ્રસાદ કાઉન્ટર પર રાખેલા મમરાના પ્રસાદમાં ભેગા કરવામાં આવે છે અને દર્શન પછી આ પ્રસાદ શ્રદ્ધાવાનોને તીર્થ સાથે આપવામાં આવે છે.
૫. સામૂહિક ઉપાસના
દર ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં શ્રદ્ધાવાનો પવિત્ર મંત્રો, શ્લોકો અને સ્તોત્રોનું પઠન કરતાં સામૂહિક ઉપાસના કરે છે. દરેક પવિત્ર નામોચ્ચાર હૃદયમાં ગુંજતા રહે છે અને ભક્તનો પરમેશ્વર સાથેનો સંબંધ વધુ દૃઢ કરતો જાય છે.
૬. શ્રી સ્વસ્તિક્ષેમ સંવાદ
શ્રી સ્વસ્તિક્ષેમ સંવાદ એક અનોખો અને વિલક્ષણ આધ્યાત્મિક અનુભવ છે. શ્રી સ્વસ્તિક્ષેમ સંવાદમાં દરેક શ્રદ્ધાવાન આંખો બંધ કરીને ચણ્ડિકાકુળના કોઈ પણ દેવતા સાથે મુક્તભાવે સંવાદ કરે છે. લગભગ પાંચ મિનિટ સુધી ચાલતો આ સંવાદ આદિમાતા, સદ્ગુરુ અને ચણ્ડિકાકુળના દરેક સભ્ય સાથે પ્રત્યક્ષ અને સીધો સંપર્ક સ્થાપિત કરે છે, એવી શ્રદ્ધાવાનોની ભાવના છે. શ્રીહરિગુરુગ્રામમાં કરવામાં આવેલો સંવાદ હોય કે કોઈ પણ અધિકૃત ઉપાસના કેન્દ્રમાં કરવામાં આવેલો સંવાદ હોય, બંનેની આધ્યાત્મિક ફલશ્રુતિ સમાન જ હોય છે.
૭. માતા શિવગંગાગૌરી અને આદિમાતા મહિષાસુરમર્દિનીની ઉપાસના અને પૂજન
શ્રીશિવગંગાગૌરી ગદાસ્તોત્રનો પાઠ કરતાં શિવગંગાગૌરીની સામે રાખેલા શ્રીફળ પર આર્દ્ર હરિદ્રા (ભીની હળદર), હરિદ્રા, કંકુ, ચંદન, ઉદી, હરિદ્રા-અક્ષત, કંકુ-અક્ષત, બિલ્વપત્ર, તુલસીપત્ર અને પુષ્પ અર્પણ કરવામાં આવે છે.
ત્યારબાદ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં અવાજમાં ‘जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥’ (જયન્તી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની| દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોઽસ્તુ તે||) ’ આ શ્લોકનાં ૩૬ આવર્તન થતાં હોય ત્યારે આદિમાતા મહિષાસુરમર્દિનીની સામે રાખેલા શ્રીફળ પર હરિદ્રા, કંકુ, ચંદન, ઉદી, હરિદ્રા-અક્ષત, કંકુ-અક્ષત, બિલ્વપત્ર, તુલસીપત્ર અને પુષ્પ અર્પણ કરીને આદિમાતા મહિષાસુરમર્દિનીનું પૂજન કરવામાં આવે છે.
૮. સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની કૃપાના ભક્તોને પ્રાપ્ત અનુભવ અને ભક્તિરચનાઓ
‘जया मनी जैसा भाव । तया तैसा अनुभव ।’
(‘જેના મનમાં જેવો ભાવ, તેને તેવો જ અનુભવ.’)
શ્રદ્ધાવાનોને બાપુની કૃપાનો વારંવાર અનુભવ કરવાની તક મળે છે. તેમને જીવનની મુશ્કેલીઓ દૂર કરનારા અથવા સંકટોથી તેમનું રક્ષણ કરનારા અનેક આશ્ચર્યજનક અનુભવો થાય છે. આવા અનુભવો મેળવનારા શ્રદ્ધાવાનો સ્વાભાવિક રીતે તેમને અન્ય લોકો સાથે વહેંચવા માટે પ્રેરાય છે અને અન્ય શ્રદ્ધાવાનો સદ્ગુરુની કૃપાના આ વિસ્મયકારી અનુભવોને આતુરતાપૂર્વક સાંભળે છે. શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજમાં આવા દૈવી અનુભવોના કથનને ‘સંકીર્તન’ કહેવામાં આવ્યું છે, જે નવવિધા ભક્તિનું બીજું સ્વરૂપ છે.
ભક્તોને થયેલા અનુભવોનાં વિડિયો રેકોર્ડિંગ દર ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં બતાવવામાં આવે છે. સહશ્રદ્ધાવાનો દ્વારા અનુભવાયેલી સદ્ગુરુલીલાઓ સાંભળવાથી ઉપસ્થિત બધાનાં હૃદયમાં ભક્તિ અને કૃતજ્ઞતા વધુ દૃઢ થાય છે. દરેક અનુભવ-કથન પછી અભંગ અને અન્ય ભક્તિરચનાઓ રજૂ કરવામાં આવે છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ પ્રત્યેનાં અસીમ પ્રેમ અને ભક્તિથી પ્રેરિત આ ભાવપૂર્ણ રચનાઓ પ્રેમ, શરણાગતિ અને કૃતજ્ઞતાનાં ભાવ જગાડે છે તથા દરેક ભક્તને ભક્તિભાવચૈતન્યના આનંદમાં તલ્લીન કરી દે છે.
૯. સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનું શ્રીહરિગુરુગ્રામમાં આગમન
દર ગુરુવારે બધા ભક્તો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જુએ છે, એ ક્ષણ હોય છે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં આગમનની. ‘આલા રે હરિ આલા રે’ના જયઘોષ વચ્ચે સદ્ગુરુ બાપુનું આગમન થાય છે. શ્રીહરિગુરુગ્રામમાં બાપુનાં પ્રથમ દર્શન થતાં જ દરેકનું હૃદય પ્રેમ, કૃતાર્થતા અને ઉત્સાહથી ભરાઈ જાય છે અને સમગ્ર વાતાવરણ આનંદના સાગરમાં પરિવર્તિત થઈ જાય છે. બાપુ દ્વારા કરવામાં આવેલી હાથની એક નાની સરખી મુદ્રા (ઇશારો) પણ કૃપાની વર્ષા બની જાય છે અને તેમની ઉપસ્થિતિથી દરેકનું અંતઃકરણ પ્રફુલ્લિત થઈ ઊઠે છે.
૧૦. આરતી
બાપુનાં આગમન પછી, તેઓ મુખ્ય વ્યાસપીઠ પર પધારે તે પહેલાં આરતી થાય છે. મુખ્ય વ્યાસપીઠ પર બિરાજમાન દેવતાઓ અને શ્રીગ્રંથરાજ સમક્ષ આરતી કરવાનો સુઅવસર શ્રદ્ધાવાન સ્વયંસેવકોને પ્રાપ્ત થાય છે. આ પવિત્ર વિધિમાં સહભાગી થતાં શ્રદ્ધાવાનો ભગવાનનાં ચરણકમળોમાં પોતાનાં અંતઃકરણની કૃતજ્ઞતા અર્પણ કરે છે.
જે શ્રદ્ધાવાન સ્વયંસેવકોનો જન્મદિવસ એ સપ્તાહમાં હોય, તેમને પણ મુખ્ય વ્યાસપીઠની સામે ઊભા રહીને આરતી કરવાની તક મળે છે. એ જ રીતે ‘અનિરુદ્ધાઝ યુનિવર્સલ બૅન્ક ઑફ રામનામ’ની રામનામ વહીઓ લખવાની નિર્ધારિત સંખ્યા પૂર્ણ કરનારા શ્રદ્ધાવાનોને પણ તેના લાભરૂપે મુખ્ય વ્યાસપીઠની સામે ઊભા રહીને આરતી કરવાની તક મળે છે.
સૌ પ્રથમ ‘દુર્ગે દુર્ઘટ ભારી’ આ આદિમાતા જગદંબાની આરતી અને ત્યારબાદ ‘આરતી સાઈબાબા’ આ સદ્ગુરુ શ્રીસાઈનાથની આરતી કરવામાં આવે છે.
૧૧. સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો શ્રદ્ધાવાનો સાથે સંવાદ - બાપુનું પિતૃવચન
જ્યારે બાપુ શ્રદ્ધાવાનો સાથે સંવાદ કરે છે, ત્યારે તે માત્ર કોઈ ભાષણ કે પ્રવચન હોતું નથી. આ એક પ્રેમાળ પિતાનું માર્ગદર્શન - તેમનું પિતૃવચન હોય છે. અસંખ્ય શ્રદ્ધાવાનોને બાપુજીની ચૈતન્યમય વાણી દ્વારા તેમનાં મનમાં ઊઠતા અસંખ્ય પ્રશ્નોના ઉત્તર મળે છે. પહેલાં મરાઠીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં આપવામાં આવતાં પ્રવચનોનાં માધ્યમથી બાપુ લૌકિક તથા આધ્યાત્મિક બંને પાસાંઓ પર માર્ગદર્શન આપે છે અને જીવનને સ્પષ્ટતા, બળ અને દિશા પ્રદાન કરે છે. બાપુનાં આ પ્રવચનોનું ખાસ કરીને યુવા પેઢીમાં મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
તેમનાં દરેક માર્ગદર્શક શબ્દને જીવનમાં ઉતારવા માટે યુવા વર્ગ ખૂબ જ આતુરતા અને લગન સાથે એકત્ર થાય છે.

સન ૧૯૯૫થી આજ સુધી બાપુએ આપેલાં પ્રવચનો નીચેનાં વિષયો પર થયાં છે -
- સદ્ગુરુ શ્રીસાઈનાથનાં ૧૧ વચનો
- વિષ્ણુસહસ્રનામાવલિ
- સંસદ પર હુમલો, મને આવેલું સ્વપ્ન, Self Health જેવા વિશેષ પ્રવચનો
- લલિતાસહસ્રનામાવલિ (હિન્દી)
- રાધાસહસ્રનામાવલિ (હિન્દી)
- મહાસંકટમોચન મહાપાપનિવારક દિવ્યપ્રકાશ આરાધનાજ્યોતિ પુસ્તકનાં મંત્રો અને સ્તોત્રો
- શ્રીરામરક્ષા સ્તોત્ર
- શ્રીગુરુક્ષેત્રમ્ મંત્ર
- ત્રિવિક્રમનાં અલ્ગોરિધમ્સ (Algorithms)
- શ્રીશબ્દધ્યાનયોગ
- શ્રીસાઈસચ્ચરિત (હિન્દી)
- પંચમુખહનુમત્-કવચ
- શ્રીસૂક્ત
- સ્વયંભગવાન ત્રિવિક્રમ (હરિહર) અનંત નામાવલિ
- નારદીય ભક્તિસૂત્ર (અંગ્રેજી)
- વિવિધ ભક્તોની કથાઓ (મરાઠી અને હિન્દી)
૧૨. સદ્ગુરુ વંદન, પ્રદક્ષિણા, દર્શન અને ‘ઝાલર’નું મહત્ત્વ
પિતૃવચન પછી શ્રદ્ધાવાનો ‘ॐ अनिरुद्धाय श्रीसप्तचक्रनिवासिनीपुत्राय दत्तपौत्राय नमः’ (ૐ અનિરુદ્ધાય શ્રીસપ્તચક્રનિવાસિનીપુત્રાય દત્તપૌત્રાય નમઃ) આ મંત્રોચ્ચાર સાથે સદ્ગુરુ સમક્ષ નતમસ્તક થાય છે અને ત્યારબાદ પોતાની ફરતે ત્રણ પ્રદક્ષિણાઓ કરે છે. એ પછી બધા મળીને ત્રણ વાર ‘જય જગદંબ જય દુર્ગે’નો જયઘોષ કરે છે તથા ‘નાથસંવિધ્’નું ત્રણ વાર ઉચ્ચારણ કરીને ફરી સદ્ગુરુને વંદન કરે છે.
ત્યારબાદ શ્રદ્ધાવાનોને ભક્તિગંગામાં આગળ વધતાં સદ્ગુરુનાં દર્શનનો સુઅવસર મળે છે. સદ્ગુરુનાં દર્શનનો આનંદ તથા તેમના પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા શ્રદ્ધાવાનોના ચહેરા પર ઝળકે છે. આ સમયે દર્શનાર્થી શ્રદ્ધાવાનોને આદ્યપિપાના અંતઃકરણમાંથી નીકળેલાં આ શબ્દો સહજ રીતે સ્મરણ થઈ આવે છે -
“भरल्या डोळ्यांनी मी घेतो दर्शन वारंवार। बापू रे जासी हृदयापार ॥”
(“ભરેલી આંખોથી હું વારંવાર દર્શન કરું છું. બાપુ, તમે મારા હૃદયનાં પાર ઊતરી જાઓ છો.”)
દર્શન એ પવિત્ર ક્ષણ છે, જ્યારે દરેક શ્રદ્ધાવાનને સદ્ગુરુ સમક્ષ પોતાનું અંતઃકરણ ખોલવાની તક મળે છે. એક દૃષ્ટિ, જોડાયેલા હાથ, આંસુથી ભરેલી આંખો, એક સ્મિત અથવા તો મૌન પણ સદ્ગુરુ અને તેમના ભક્ત વચ્ચે પ્રેમની ભાષા બની જાય છે. દર્શન-સભાગૃહ ભક્તિ, પ્રેમ, કૃતજ્ઞતા અને આનંદથી છલકાતા પવિત્ર સ્થાનમાં પરિવર્તિત થઈ જાય છે, જ્યાં અસંખ્ય હૃદયો પોતપોતાની અનોખી રીતે બાપુ સાથે બંધાય છે.
૧૩. પવિત્ર ઝાલરનું મહત્ત્વ
દર્શન કરતાં પહેલાં હૉલની બે કમાનો પર અને દર્શન પછી બહાર મેદાનની બે કમાનો પર સદ્ગુરુના સંકલ્પ અનુસાર ‘ઝાલર’ લગાવવામાં આવે છે. ૨૧ મે ૨૦૧૫ના પ્રવચનમાં બાપુએ ઝાલરનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં કહ્યું -
“ઝાલર આદિમાતાનાં આશીર્વાદનું મૂર્ત સ્વરૂપ છે.”
જેવી રીતે માતા પોતાના બાળકને પ્રેમપૂર્વક પોતાની સાડીના પાલવમાં આશ્રય આપે છે, એવી રીતે આદિમાતાની ઝાલર તેમનાં બધા શ્રદ્ધાવાન બાળકોને એવું જ પ્રેમપૂર્ણ સંરક્ષણ આપે છે. સદ્ગુરુ બાપુએ આગળ સ્પષ્ટ કર્યું છે કે શ્રદ્ધાવાનો જ્યારે ઝાલરની નીચેથી પસાર થાય છે, ત્યારે તેમના પ્રભામંડળ (ઑરા)ની અશુદ્ધિઓ અને કરેલાં કર્મોના દોષોની અસરો દૂર થાય છે; સાથે જ તેમનામાં જે આધ્યાત્મિક સામર્થ્યની ઊણપ હોય છે, તે પણ તેમને પ્રાપ્ત થાય છે.
શ્રીહરિગુરુગ્રામમાં લગાવવામાં આવતી ઝાલરોને શ્રીશ્વાસમ્ ઉત્સવ દરમિયાન અભિમંત્રિત કરવામાં આવી હતી, જેના કારણે આ ઝાલરોની પવિત્રતા અધિક વધી જાય છે. આધ્યાત્મિક માર્ગની દરેક બાબતની જેમ આ ઝાલરના માધ્યમથી ભક્તને પ્રાપ્ત થતી કૃપા પણ તે ભક્તની શ્રદ્ધાને અનુરૂપ હોય છે.
શ્રીહરિગુરુગ્રામમાં ભક્તિ ઉપક્રમોનાં વિવિધ માર્ગ
૧. સુદીપ
સુદીપ એક પવિત્ર દીપ છે, જે ભક્તોના અંતઃકરણની પ્રાર્થનાઓને પ્રતીકાત્મક રીતે તેમના સદ્ગુરુ સુધી પહોંચાડે છે. શ્રદ્ધાવાન ઇચ્છાપૂર્તિ, બાધાનિવારક, પીડાનાશક, જન્મદિવસ અને દર્શન (ષડ્રિપુઓને દૂર કરીને ઉચિત વસ્તુ પ્રાપ્ત કરવા તથા દૈવી માર્ગ પર ચાલવા માટે) સુદીપ પ્રજ્વલિત કરે છે. દરેક જ્યોતિ એક મૌન સંદેશવાહક બનીને ભક્તોની પ્રાર્થનાઓ અને અંતઃકરણનાં ભાવોને ચણ્ડિકાકુળ સુધી પહોંચાડે છે.
થોડા સમય પહેલાં સુધી સુદીપ માત્ર શ્રીહરિગુરુગ્રામમાં જ પ્રજ્વલિત કરી શકતા હતાં. પરંતુ દરેક શ્રદ્ધાવાન માટે હંમેશાં શ્રીહરિગુરુગ્રામ આવવું શક્ય નથી, એ બાબતને ધ્યાનમાં રાખીને સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાનોને પોતાના ઘરે, કાર્યસ્થળે અથવા તેઓ જ્યાં ઇચ્છે ત્યાં સુદીપ પ્રજ્વલિત કરવાની કૃપાપૂર્વક અનુમતિ આપી છે. દરેક શ્રદ્ધાવાનના હિતમાં અધ્યાત્મને સરળ, સુલભ અને સહજ રીતે આચરણમાં મૂકી શકાય એવું બનાવવાનો બાપુનો સતત પ્રયાસ આ કરુણામય સંકલ્પમાં જોવા મળે છે.
૨. ઊદ (ધૂપ)
ગુરુવાર અને ઉત્સવોનાં સમયે શ્રદ્ધાવાનો અનિરુદ્ધ અગ્નિહોત્રનાં પવિત્ર અગ્નિમાં ઊદ અર્પણ કરે છે. દેવયજ્ઞનું જ એક સ્વરૂપ એવી આ સરળ ક્રિયા ગૃહસ્થાશ્રમીઓને સાંસારિક ક્લેશ ઘટાડવા તથા કઠિન સમયમાં સદ્ગુરુની કૃપા અને આધાર પ્રાપ્ત કરવાની તક આપે છે.
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજના ત્રીજા ખંડ ‘આનંદસાધના’માં યજ્ઞસંબંધી અધ્યાયમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ધૂપ અને ઊદને દેવયજ્ઞમાં અર્પણ કરવામાં આવતાં હવનદ્રવ્યો ગણાવ્યાં છે. બાપુ લખે છે -
દેવયજ્ઞમાં પરમાત્માની પ્રતિમાની સામે પ્રત્યક્ષ અગ્નિમાં ધૂપ અને ઊદનું હવન કરવું જોઈએ અને એ સમયે શ્રીમદ્પુરુષાર્થમાં જણાવેલાં ભગવાનનાં નામ, સ્તોત્ર અથવા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. ‘પ્રત્યક્ષ અગ્નિ’ એટલે ધાતુના નાના હવનકુંડ અથવા ધૂપદાનમાં કપૂર અને અંગારાની સહાયથી પ્રજ્વલિત કરાયેલ અગ્નિ. પરંતુ તેમાં સૌથી મહત્ત્વની વાત એ ભાવ હોવો જોઇએ કે ‘અમે આ ધૂપ અથવા ઊદ પ્રત્યક્ષ પરમાત્માની સામે અને પરમાત્મા માટે પ્રત્યક્ષ અગ્નિમાં અર્પણ કરી રહ્યા છીએ.’
૩. સત્સંગ
જ્યારે ભક્તગણ સદ્ગુરુનાં દર્શન કરી રહ્યા હોય છે, ત્યારે સત્સંગ સમૂહના શ્રદ્ધાવાનો સંત શ્રીતુલસીદાસજી દ્વારા રચિત ‘શ્રીહનુમાનચલીસા’ અને આદ્યપિપા દ્વારા રચિત શ્રી અનિરુદ્ધચલીસાનો પાઠ કરે છે. તબલા, હાર્મોનિયમ (પેટી) અને મંજીરાના લયબદ્ધ નાદ સાથે થતું આ પવિત્ર સંકીર્તન શ્રીહરિગુરુગ્રામને દૈવી સ્પંદનોથી ભરી દે છે અને દરેકનું અંતઃકરણ પ્રફુલ્લિત કરી દે છે. ત્યાં ઉપસ્થિત શ્રદ્ધાવાનો પણ ઉત્સાહપૂર્વક આ ગાયન અને પાઠમાં સહભાગી થાય છે તથા સદ્ગુરુનાં સાનિધ્યમાં સત્સંગનો આનંદ અને આશીર્વાદ અનુભવ કરે છે.
૪. પ્રદક્ષિણા સૂર પ્રાર્થના
શ્રીહરિગુરુગ્રામનાં ખુલ્લા મેદાનમાં દર ગુરુવારે થનાર આ એક અન્ય આધ્યાત્મિક ઉપક્રમ છે. ગુરુવાર, ૧૦ માર્ચ ૨૦૧૬ના રોજ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પ્રદક્ષિણા સૂર પ્રાર્થનાનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં કહ્યું -
“આ પ્રાર્થના સાંભળતી વખતે આપોઆપ આપણા પોતાના સપ્તચક્રોની, સાથે જ વસુંધરા (પૃથ્વી)નાં સપ્તચક્રોની તથા ત્રિવિક્રમ અને આદિમાતા જગદંબાની પણ પ્રદક્ષિણા થાય છે.”
બાપુનાં પિતૃવચન પછી તરત જ પ્રદક્ષિણા સૂર પ્રાર્થના શરૂ થાય છે અને સદ્ગુરુ દર્શન સાથે ચાલતી રહે છે. બધા શ્રદ્ધાવાનો માટે ખુલ્લા આ ભક્તિ-ઉપક્રમમાં શ્રી એકમુખી દત્તાત્રેયની પવિત્ર તસવીર અને શ્રીત્રિવિક્રમલિંગને મેદાનમાં આવેલા વ્યાસપીઠ પર મૂકવામાં આવે છે.
૫. સદ્ગુરુ ચરણમુદ્રા દર્શન અને ત્રિપુરારિ ત્રિવિક્રમ તોરણ અર્પણ
દરેક ગુરુભક્ત પોતાના સદ્ગુરુની ચરણમુદ્રાઓનું અસાધારણ આધ્યાત્મિક મહત્ત્વ જાણે છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજમાં ત્રિપુરારિ ત્રિવિક્રમ ચિહ્નનું મહત્ત્વ વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યું છે. શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજના બીજા ખંડ ‘પ્રેમપ્રવાસ’માં આજ્ઞાચક્રનું વિવેચન કરતાં બાપુ લખે છે -
“ત્રિપુરારિ ત્રિવિક્રમ ચિહ્ન વિશુદ્ધ ચક્રનું ચિહ્ન છે, જ્યારે ત્રિપુરાસુર કલિ ચિહ્ન પૂર્ણ અશુદ્ધ ચક્રનું ચિહ્ન છે.”
સદ્ગુરુનાં ચરણોની ભક્તિ કરવાથી મારું વિશુદ્ધ ચક્ર વધુ ને વધુ શુદ્ધ થઈને મારા જીવનમાંથી ત્રિપુરાસુર કલિનો નાશ થાય છે, એવો શ્રદ્ધાવાનોનો દૃઢ વિશ્વાસ છે.
તેથી તેઓ પ્રાર્થના કરે છે કે સદ્ગુરુનાં ચરણ પ્રાપ્ત થાય, પરમેશ્વરી માર્ગ પર સફળ યાત્રા થાય, સદ્ગુરુચરણભક્તિ સતત વધતી રહે અને દુષ્પ્રારબ્ધને કારણે જીવનમાં આવતાં તમામ પ્રકારનાં દુઃખો દૂર થાય. તેઓ સદ્ગુરુની ચરણમુદ્રાઓ પર ત્રિપુરારિ ત્રિવિક્રમ તોરણ અર્પણ કરે છે અને તેમની સામે આદરપૂર્વક નતમસ્તક થાય છે. આ પવિત્ર ક્રિયાથી તમામ પ્રકારનાં દુઃખો અને પ્રતિકૂળ પ્રારબ્ધની અસરમાંથી મુક્ત થવામાં સહાયતા મળે છે, એવી ભક્તોની શ્રદ્ધા છે.
નમન કર્યા પછી સદ્ગુરુના સંકલ્પ અનુસાર કાર્યકર્તા સેવકો દ્વારા દરેક વ્યક્તિના કપાળે શ્રીદત્તયંત્રનો સ્પર્શ કરાવવામાં આવે છે.

૬. રામનામ વહીઓ લખવાનાં લાભ
ભગવાનનું નામજપ લખવાનો લાભ બધાને મળે, એ જ ઉત્કટ ભાવનાથી સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ ‘રામનામ વહી’ અને ‘અંજનામાતા વહી’ બધા શ્રદ્ધાવાનો માટે ઉપલબ્ધ કરાવી. આ વહીઓ પૂર્ણ કરીને જમા કરાવનારા શ્રદ્ધાવાન નિર્ધારિત તબક્કાઓ પૂર્ણ કર્યા પછી અનેક વિશેષ આધ્યાત્મિક લાભ મેળવવા માટે પાત્ર બને છે. તેમાં સર્વોચ્ચ લાભ સદ્ગુરુનાં ચરણસ્પર્શનો છે. ૧૫૧ રામનામ વહીઓ પૂર્ણ કર્યા પછી ચરણસ્પર્શનો લાભ મળે છે. શ્રીહરિગુરુગ્રામમાં દર મહિનાના પ્રથમ ગુરુવારે શ્રદ્ધાવાનોને આ લાભ આપવામાં આવે છે.
શ્રીહરિગુરુગ્રામમાં અનુભવાતી કૃપા
શ્રીહરિગુરુગ્રામનાં પવિત્ર પરિસરમાં સદ્ગુરુની કૃપાથી ભક્તોને આધાર, સામર્થ્ય, શાંતિ, ચિંતામુક્તિ, નિર્ભયતા, સંતોષ તથા સાર્થક અને પરિપૂર્ણ જીવન જીવવા માટે ખરેખર જરૂરી એવું બધું જ પ્રાપ્ત થાય છે. દર ગુરુવારે શ્રીહરિગુરુગ્રામ શ્રદ્ધાવાનોને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં અસીમ પ્રેમ અને ભક્તિમાં તરબોળ કરી દે છે. સદ્ગુરુનાં દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી ભક્તો રાહત, શાંતિ અને સંતોષથી ભરેલા હૃદય સાથે પરત ફરે છે.
પ્રવચન પછી જ્યારે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ શ્રીહરિગુરુગ્રામથી પ્રસ્થાન કરે છે, ત્યારે શ્રદ્ધાવાનો તેમને પ્રેમપૂર્વક વિદાય આપે છે. એ માત્ર વિદાય નથી હોતી; એ પ્રેમ, ભક્તિ, કૃતજ્ઞતા અને વિરહની અત્યંત ભાવસ્પર્શી અભિવ્યક્તિ હોય છે. આ દૃશ્ય દરેકનાં હૃદયને સ્પર્શી જાય છે.
પોતાનાં પ્રિય બાપુને મળવાનો આનંદ અને ભક્તિથી ઓતપ્રોત એ સ્મૃતિઓ હૃદયમાં સાચવીને શ્રદ્ધાવાન પોતાના ઘરે પરત ફરે છે. આમ છતાં પરત ફરતી વખતે જ તેમનાં મનમાં આવતા ગુરુવારની ઉત્કટ પ્રતીક્ષા શરૂ થઈ ગઇ હોય છે; કારણ કે પોતાનાં પ્રિય સદ્ગુરુનાં પ્રેમપૂર્ણ સાનિધ્યમાં ફરી એક વાર રમમાણ થવાનો આ પવિત્ર અવસર તેમને હૃદયથી અતિશય પ્રિય હોય છે.
સરનામું
શ્રીહરિગુરુગ્રામ, ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, ગવર્નમેન્ટ કોલોની, ખેરવાડી, બાંદ્રા (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૫૧
ઉપાસનાનો સમય
(દર ગુરુવારે) રાત્રે ૮.૦૦ વાગ્યાથી શરુ...





















