ભારતીય સંસ્કૃતિમાં ગોમાતાનું અનન્ય અને પૂજનીય સ્થાન છે. શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજના તૃતીય ખંડ ‘આનંદસાધના’માં આચમન ૩૮માં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ લખે છે -

“ગાય અર્થાત ગોમાતા આપણા માટે સદૈવ વંદનીય અને પૂજનીય છે. ગોમાંસનું ભક્ષણ કરવાથી મનોમય દેહ અને પ્રાણમય દેહનાં બધા કેન્દ્રો દૂષિત થાય છે તથા ક્રૂરતા, પાપબુદ્ધિ અને હિંસા વધવા લાગે છે.

ગોમાતાને આ સ્થાન કોણે આપ્યું? ભગવાન દત્તાત્રેયે, તેમને હંમેશા પોતાની સાથે રાખીને.

ગોમાતાને આ સ્થાન શ્રીપ્રભુ રામચંદ્રે આપ્યું, સ્વયં ગોમાતાનું પૂજન કરીને.

ભગવાન શ્રીકૃષ્ણે ગોમાતાને આ સ્થાન આપ્યું, સ્વયં ગોપાલ અને ગોવિંદ બનીને તથા સદૈવ ગોકુળમાં નિવાસ કરીને.

ગોવંશને આ સ્થાન પરમશિવે આપ્યું, ગોપતિ નંદીને પોતાનું વાહન બનાવીને.

અને હૃદયથી એક વાત કહું છું મિત્રો, આ અનિરુદ્ધ આ બધી વાતોને નિશ્ચિતપણે દૃઢતાથી માને છે અને ગોવંશનું પાલન મારા હૃદયની અત્યંત નિકટ છે.

ગોવંશનું સન્માન કરનારી પ્રત્યેક વ્યક્તિ મારો મિત્ર છે.”

ભારતીય ગોવંશનાં સંરક્ષણ અને સંવર્ધનનાં ઉદાત્ત ઉદ્દેશ્યથી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ કર્જત નજીક આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી પરિપૂર્ણ કોઠિંબે ગામમાં ૧ એપ્રિલ ૨૦૦૧ના રોજ જમીન ખરીદી અને આ જ ભૂમિ પર ‘શ્રીગોવિદ્યાપીઠમ્’ પરિયોજના સાકાર થઈ.

શ્રીગોવિદ્યાપીઠમ્ માટે જમીન ખરીદ્યાના થોડા જ દિવસો પછી ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ પરિસરમાં ગૌશાળા, ચરાઈ ક્ષેત્ર, અધ્યયન કક્ષ, પુષ્કરણી તીર્થ, ધુનીમાતા, પ્રસાદાલય, કર્મચારીઓનાં નિવાસસ્થાન અને નિવાસ-કક્ષ જેવી વિવિધ ઇમારતો તથા સુવિધાઓનું નિર્માણ શરૂ થયું. આ દરમિયાન સભામંડપ અને અન્ય ઇમારતોના નિર્માણ માટે વિવિધ સ્થળોએથી અનેક શ્રદ્ધાવાનો પ્રેમપૂર્વક શ્રમદાન-સેવા કરવા આવતા હતા. આવી રીતે અનેક શ્રદ્ધાવાનોની ભક્તિ, સેવા અને શ્રમદાનથી શ્રીગોવિદ્યાપીઠમ્‌ની આ પરિયોજના ધીમે ધીમે સાકાર થતી ગઈ.

શ્રીગોવિદ્યાપીઠમ્‌નું વિધિવત્ ઉદ્ઘાટન ૧૩ એપ્રિલ ૨૦૦૨ના રોજ ચૈત્ર શુદ્ધ પ્રતિપદા એટલે કે ગુડીપાડવાના શુભ દિવસે થયું. ગુડીપાડવાથી શરૂ થયેલો આ ઉત્સવ અક્ષય તૃતીયા એટલે કે ૧૫ મે ૨૦૦૨ સુધી સતત ૩૩ દિવસ ચાલ્યો. આ સમયગાળા દરમિયાન દરરોજ સવારે ૧૦ વાગ્યા થી સાંજે ૫.૩૦ વાગ્યા સુધી અખંડ મંત્રપાઠ થતો હતો. વિવિધ સ્થળોએથી ૧૦૮ જપક દરરોજ આ મંત્રપાઠમાં સમાવિષ્ટ થતા હતા. આ અનોખો અને ભક્તિમય ઉત્સવ આજે પણ અનેક શ્રદ્ધાવાનો માટે એક અવિસ્મરણીય અનુભવ છે.

ગોવિંદવિદ્યા અને ગોપાલવિદ્યા આ બંને વિદ્યાઓ મુખ્યત્વે શ્રીકૃષ્ણ સાથે સંબંધિત હોવાથી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર શરૂઆતમાં અહીંના મુખ્ય સભામંડપનાં પૂજાગૃહમાં થોડા સમય માટે શ્રીકૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ભગવાન શ્રીદત્તાત્રેયની પ્રતિમામાં પણ આપણે સદૈવ તેમનાં સાનિધ્યમાં ગોમાતાને જોઈએ છીએ.

આને અનુરૂપ ૧૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ શ્રીહનુમાન પૂર્ણિમાના શુભ દિવસે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અને માર્ગદર્શન અનુસાર મુખ્ય સભામંડપના પૂજાગૃહમાં મહાધર્મવર્મન્ યોગીન્દ્રસિંહ અને વિશાખાવીરાના હસ્તે ભગવાન શ્રીદત્તાત્રેયની મૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવી. ત્યારથી ભગવાન શ્રીદત્તાત્રેયની મૂર્તિ આ પૂજાગૃહમાં સ્થાયી રૂપે બિરાજમાન છે.

દરરોજ આ પૂજાગૃહમાં શ્રીદત્તાત્રેયનું પંચોપચારથી નિત્ય પૂજન કરવામાં આવે છે. દરરોજ બપોરે -

‘ॐ रामाय रामभद्राय रामचंद्राय नमो नमः।’

(ૐ રામાય રામભદ્રાય રામચંદ્રાય નમો નમ:)

આ મંત્રનો જપ કરવામાં આવે છે. સાંજના સમયે શ્રીદત્તગુરુની આરતી બાદ -

‘श्रीराम जय राम जय जय राम’

(શ્રીરામ જય રામ જય જય રામ)

આ મંત્રનો જપ કરવામાં આવે છે.

શ્રીગોવિદ્યાપીઠમ્ શ્રદ્ધાવાનોના દર્શન માટે દરરોજ સવારે ૯.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. દરરોજ બપોરે ૧.૩૦થી ૩.૦૦ વાગ્યા સુધી અને સાંજે ૭.૦૫ વાગ્યાથી બીજા દિવસે સવારે ૯.૦૦ વાગ્યા સુધી પૂજાગૃહ બંધ રહે છે.

શ્રીગોવિદ્યાપીઠમ્‌ના વિશાળ પરિસરમાં વિવિધ શ્રદ્ધાસ્થાનો, ઉપાસના સ્થળો, ગોસેવા સાથે સંબંધિત વિભાગો અને અન્ય અનેક ઉપયોગી સુવિધાઓ છે. તેમાંથી પ્રત્યેકની પોતાની અલગ વિશેષતા છે. આ વિવિધ સ્થાનો અને ઉપક્રમોનો સંક્ષિપ્ત પરિચય -

Shree Govidyapeetham

શ્રીદત્તસ્થાન

‘દત્તગુરુ’ બાપુનાં ‘કરવિતા ગુરુ’ (કરાવનારા ગુરુ) અને અન્નમય કોશના સ્વામી છે. બાપુના સંકલ્પ અનુસાર વર્ષ ૨૦૦૮માં ‘અવધૂતચિંતન’ નામનો અત્યંત વિલક્ષણ, અદ્ભુત અને મનોહર ઉત્સવ ઊજવવામાં આવ્યો.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં જીવન અને કાર્યમાં ભગવાન શ્રીદત્તાત્રેયનું અનન્ય મહત્ત્વ હોવાને કારણે શ્રીગોવિદ્યાપીઠમ્‌માં ભગવાન શ્રીદત્તાત્રેયની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. શ્રીદત્ત સભામંડપમાં ભગવાન શ્રીદત્તાત્રેય અને શ્રીહનુમાનજીની પવિત્ર પ્રતિમાઓની સાથે અનેક પૂજનીય ઋષિ મુનિઓ અને સંતોની તસવીરો છે. સભામંડપની બંને બાજુએ દસ દસ સ્તંભો છે અને પ્રત્યેક સ્તંભ પર કોઈ એક ઋષિ અથવા સંતની તસવીર છે. તેમાં પ્રથમ તસવીર ભક્તિપીઠના આદ્ય આચાર્ય દેવર્ષિ નારદજીની છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘પ્રેમપ્રવાસ’ ગ્રંથમાં આ પૂર્વસૂરિઓનો ઉલ્લેખ કર્યો છે. આ સભામંડપમાં તેમનું નિત્ય સાનિધ્ય શ્રદ્ધાવાનોને ભક્તિમાર્ગ પર આગળ વધવાની પ્રેરણા આપે છે અને તેમના ભક્તિભાવને વધુ દૃઢ બનાવે છે.

આ સભામંડપમાં દીવાલો નથી. ચારે બાજુથી ખુલ્લો હોવાથી આ સભામંડપ આસપાસના પ્રાકૃતિક વાતાવરણ સાથે સીધો જોડાયેલો છે. આવા રમણીય અને પ્રસન્ન વાતાવરણમાં શ્રીદત્તાત્રેયની કોઈ પણ ઉપાસના, સાધના અથવા પ્રાર્થના મનને ઉન્નત કરે છે અને સદ્‌ગુરુતત્ત્વ સાથે અનુસંધાન સ્થાપિત કરવા માટે સહાયતા કરે છે.

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ ઉપાસના કેન્દ્ર દ્વારા દર શનિવાર અને રવિવારે આયોજિત કરવામાં આવતી શ્રમદાન સેવામાં સહભાગી થયા બાદ શ્રદ્ધાવાનો આ સભામંડપમાં એકત્રિત થઈને સત્સંગ અને ભક્તિભાવપૂર્ણ આનંદોત્સવ મનાવે છે. ચાર કલાકની નિઃસ્વાર્થ સેવા પૂર્ણ કર્યા પછી શ્રદ્ધાવાનોને સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના હાથની વાસ્તવિક છાપ ધરાવતી ‘હસ્તમુદ્રા’ને શ્રદ્ધાપૂર્વક મસ્તક પર ધારણ કરવાનો લાભ મેળવવાની તક મળે છે. આ હસ્તમુદ્રાને શ્રદ્ધાપૂર્વક મસ્તક પર ધારણ કરીને ‘ચક્રપાણિ અનિરુદ્ધ...’નો જયઘોષ કરતાં શ્રદ્ધાવાનો ગર્ભગૃહની ત્રણ પ્રદક્ષિણા કરે છે.

Shree Dattatreya at Shree Govidyapeetham

ગૌશાળા

ભારતના પૂજનીય દેશી ગોવંશોમાં ગીર ગોવંશનું ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે. ગોમાતાનું દૂધ, ગોમૂત્ર અને ગોમય જ નહીં, પરંતુ તેમનું સાનિધ્ય પણ પવિત્ર અને અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. ‘શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ’ના તૃતીય ખંડ ‘આનંદસાધના’માં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા શ્રદ્ધાવાનો માટે સમજાવવામાં આવેલી ‘નવ સમાન નિષ્ઠાઓ’માં ગંગામાતા અને ગોમાતા પ્રત્યેની નિષ્ઠાને પણ વિશેષરૂપે રેખાંકિત કરવામાં આવી છે.

આ જ પવિત્ર ભાવનાથી ૧૮ નવેમ્બર ૨૦૦૧ના રોજ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના જન્મદિવસના શુભ અવસરે પ્રાતઃકાળે શ્રીગોવિદ્યાપીઠમ્‌ની ગૌશાળામાં ૧૫ ગીર ગાયોનું આગમન થયું. તેમનું ઔક્ષણ કરીને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવ્યું. બાપુના માર્ગદર્શન હેઠળ આ ગાયોનું પ્રેમપૂર્વક પાલન અને સંવર્ધન કરવામાં આવ્યું. શરૂઆતની આ ૧૫ ગાયોનો ગોવંશ સમય સાથે વધતો ગયો અને આજે શ્રીગોવિદ્યાપીઠમ્‌ની ગૌશાળામાં ૧૦૦થી વધુ દેશી ગાયો છે.

અહીં શ્રદ્ધાવાનોને ગાયોને ચારો અર્પિત કરવાની ‘ગોગ્રાસ સેવા’ના માધ્યમથી ગોમાતાની સેવા કરવાની પવિત્ર તક પ્રાપ્ત થાય છે.

વર્ષ ૨૦૨૩માં ગુડીપાડવાના શુભ દિવસે શ્રીગોવિદ્યાપીઠમ્‌માં પુંગનૂર ગાયોનું આગમન થયું. આ વિશિષ્ટ દેશી ગોવંશ વિશે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ દૈનિક ‘પ્રત્યક્ષ’ના ‘કથામંજિરી’ (ક્ર. ૨-૪૮) અગ્રલેખમાં લખ્યું છે.

આજે શ્રીગોવિદ્યાપીઠમ્‌માં આઠથી નવ પુંગનૂર ગાયો છે અને તેમના માધ્યમથી ભારતની પવિત્ર અને બહુમૂલ્ય દેશી ગોવંશ પરંપરાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

Goshala at Shree Govidyapeetham

દ્વારકામાઈ (ધ્યાન કક્ષ)

શિરડીમાં શ્રીસાઈનાથનાં જીવનકાળ દરમિયાન તેમનો નિરંતર નિવાસ દ્વારકામાઈમાં હતો. આ જ દ્વારકામાઈમાં તેમણે પવિત્ર ધુની પ્રજ્વલિત કરી, ભક્તોને પોતાની લીલાઓના માધ્યમથી અસંખ્ય અનુભવો કરાવ્યા અને દર્શન આપ્યાં.

સમયની સાથે શિરડી આવનારા ભક્તોની સંખ્યા ખૂબ વધી જવાને કારણે દ્વારકામાઈમાં શાંતિપૂર્વક થોડો સમય બેસવું, શ્રીસાઈનાથની પવિત્ર તસવીરના મન ભરીને દર્શન કરવા અથવા શાંતિથી પાઠ કે જપ કરવો શક્ય બનતું નથી. આ જ વાતને ધ્યાનમાં રાખીને શ્રીગોવિદ્યાપીઠમ્‌માં દ્વારકામાઈ અર્થાત ધ્યાન કક્ષની સ્થાપના કરવામાં આવી છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર સ્થાપિત આ વાસ્તુ બાપુના દિગ્દર્શક ગુરુ શિરડીના શ્રીસાઈનાથના નિવાસસ્થાન દ્વારકામાઈનું સ્મરણ કરાવે છે. આ વાસ્તુની અંદરની અને બહારની દીવાલોને ઉદીનો રંગ આપવામાં આવ્યો છે. શ્રદ્ધાવાનો માટે ઉદી સદ્‌ગુરુના ચરણોની પવિત્ર ધૂળ છે. તેથી શ્રદ્ધાવાનોની ભાવના છે કે આ વાસ્તુનાં કણેકણ એ જ પવિત્રતાથી પરિપૂર્ણ છે.

આ ધ્યાનકક્ષની અંદરની છત પર વિવિધ હોમ હવન અને યજ્ઞોમાંથી એકત્રિત કરવામાં આવેલી પવિત્ર કાલિખનો લેપ કરવામાં આવ્યો છે. તેથી આ પવિત્ર વાસ્તુમાં પ્રવેશ કરનારી પ્રત્યેક વ્યક્તિ માટે આ સ્થાન દૈવી સંરક્ષણ પ્રદાન કરનારું માનવામાં આવે છે.

ધ્યાન અને સાધના માટે નિર્મિત આ પવિત્ર અને મંગલમય ધ્યાનકક્ષનો લાભ વર્ષ ૨૦૦૫ની કોજાગિરી પૂર્ણિમાનાં શુભ દિવસથી બધા શ્રદ્ધાવાનો લઈ રહ્યા છે.

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર શ્રદ્ધાવાનો આ ધ્યાનકક્ષમાં શ્રીસાઈનાથની તસવીર સામે બેસીને પાઠ કરી શકે છે. આ પવિત્ર વાસ્તુમાં ઉપાસના, નામસ્મરણ, સદ્‌ગુરુનું ધ્યાન અને પવિત્ર આધ્યાત્મિક ગ્રંથોનું પઠન કરી શકાય છે. શ્રદ્ધાવાનોની શ્રદ્ધા છે કે આ પવિત્ર સ્થાન પર કરવામાં આવેલું પઠન અથવા જપ વિશેષ ફળદાયી હોય છે અને તેનાથી ભક્તિભાવ વધુ દૃઢ બને છે.

આ ધ્યાન કક્ષમાં ભક્તોને ઉદી પ્રદાન કરતા શ્રીસાઈનાથની આરસપહાણની મૂર્તિ પણ છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનો ૫૦મો જન્મદિવસ, ત્રિપુરારિ પૂર્ણિમાના દિવસે, ૭ નવેમ્બર ૨૦૦૬ના રોજ ઊજવવામાં આવ્યો. આ મંગલ અવસરે શ્રીસાઈનાથની આ મૂર્તિ પર હરિદ્રા મિશ્રિત જળથી અખંડ અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ સાઈસચ્ચરિત્રકાર હેમાડપંતના પૌત્ર અપ્પાસાહેબ દાભોલકરના હસ્તે આ પવિત્ર ધ્યાન કક્ષમાં શ્રીસાઈનાથની મૂર્તિની વિધિવત્ સ્થાપના કરવામાં આવી.

Dwarkamai at Shree Govidyapeetham

ધુનીમાતા

ગૌશાળાથી થોડા અંતરે આગળ શ્રીધુનીમાતા છે. ૮ એપ્રિલ ૨૦૦૨ના રોજ પરમપૂજ્ય સુચિતદાદાએ વિધિવત્ અગ્નિ પ્રજ્વલિત કરીને આ પવિત્ર ધુનીની સ્થાપના કરી. એ સમયે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્વયં નિર્ધારિત મંત્રોનું પઠન કર્યું. આ અખંડ પ્રજ્વલિત ધુનીમાંથી પ્રાપ્ત થતી પવિત્ર ઉદીને સાવધાનીપૂર્વક એકત્રિત કરીને અને બારીક ગાળીને મુંબઈ સ્થિત શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ મોકલવામાં આવે છે. ત્યાંના ઉદીકુંડમાંથી આ ઉદી શ્રદ્ધાવાનોને નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

શ્રીગોવિદ્યાપીઠમ્‌માં થનારી ચાર ઉપચાર વિધિઓમાંથી કાષ્ઠ ઉપલા અર્પણ કરવાનો ઉપચાર શ્રીધુનીમાતા પાસે કરવામાં આવે છે. જેમને માત્ર કાષ્ઠ અર્પિત કરવું હોય, તેમના માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવી છે.

Dhuni Mata at Shree Govidyapeetham

ગરુડ હનુમંત સ્તંભ

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પ અનુસાર વર્ષ ૨૦૦૫માં કોજાગિરી પૂર્ણિમાના શુભ દિવસે શ્રીદત્ત સભામંડપ પાસે ‘ગરુડ હનુમંત સ્તંભ’ની સ્થાપના કરવામાં આવી. આ પવિત્ર સ્તંભ ‘પાપવિમોચક સ્તંભ’ના નામથી પણ ઓળખાય છે.

આ સ્તંભના ચબૂતરાની પૂર્વ દિશામાં આવેલી નાની દેવલીમાં એ પવિત્ર કુંભ રાખવામાં આવ્યો છે, જેનો ઉપયોગ આદ્યપિપા સુરેશચંદ્ર દત્તોપાધ્યેએ સર્વપ્રથમ ‘પાપમોચક વિધિ’ કરતી વખતે કર્યો હતો. પાપક્ષાલનની આ પવિત્ર વિધિનો આરંભ આદ્યપિપાએ જ કર્યો.

જીવનની યાત્રામાં પ્રત્યેક વ્યક્તિથી જાણે અજાણે ભૂલો થાય છે અને તેનાથી પાપનો ભાર પણ વધતો જાય છે. અનેક લોકોના મનમાં આ ભારમાંથી મુક્ત થવાની પ્રબળ ઇચ્છા હોય છે, પરંતુ તેના માટે ખરેખર શું કરવું જોઈએ, તે તેમને જ્ઞાત હોતું નથી. શ્રદ્ધાવાનો પ્રત્યે અપાર કરુણાને કારણે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ પાપના આ ભારને ઓછો કરવા અને જીવનની પ્રતિકૂળ પરિસ્થિતિઓથી સંરક્ષણ પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાવાનોને આ સરળ, સહજ પરંતુ અત્યંત મૂલ્યવાન આધ્યાત્મિક ઉપાય સમજાવ્યો છે.

બાપુ તેનાં વિશે કહે છે -

“ક્ષાલન અર્થાત શુદ્ધીકરણ. પાપક્ષાલન અર્થાત પાપોમાંથી શુદ્ધીકરણ. આ જન્મમાં અથવા પૂર્વજન્મોમાં થયેલાં પાપોના પ્રભાવને ઓછો કરવા માટે કરવામાં આવતી આ વિધિ છે.”

આ વિધિનો આરંભ વર્ષ ૨૦૦૬ની ગુરુપૂર્ણિમાથી થયો. આ વિધિમાં શ્રદ્ધાવાનો ષડ્‌રિપુઓના પ્રતીકરૂપ છ ઘટોથી બનેલા લીલા રંગના કુંભને મસ્તક પર ધારણ કરીને ગરુડ હનુમંત સ્તંભની ઓછામાં ઓછી પાંચ પ્રદક્ષિણા કરે છે. ઇચ્છા અનુસાર વધુમાં વધુ ૧૦૮ પ્રદક્ષિણા કરી શકાય છે.

ગરુડ હનુમંત સ્તંભની પ્રદક્ષિણા પૂર્ણ કર્યા પછી શ્રદ્ધાવાનો પુષ્કરણી તીર્થની એક પ્રદક્ષિણા કરે છે. ત્યારબાદ સ્તંભની પાછળ કમળના આકારના હવનકુંડ પાસે એટલે કે ‘પાપદાહન અગ્નિહોત્ર’ પાસે જઈને મસ્તક પર ધારણ કરેલો કુંભ પવિત્ર અગ્નિમાં અર્પિત કરે છે. ત્યારબાદ શ્રીદ્વારકામાઈમાં શ્રીસાઈનાથને પ્રાર્થના કરીને આ પાપમોચક વિધિનું સમાપન થાય છે.

Garud-Hanumant Stambh at Shree Govidyapeetham

પુષ્કરણી તીર્થ

શ્રીદત્તસ્થાનની સામે પવિત્ર ‘પુષ્કરણી તીર્થ’ છે. શ્રીમહાવિષ્ણુને પ્રિય માનવામાં આવતા મુચકુંદ વૃક્ષની ચારે તરફ આ તીર્થનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા અનુસાર મુચકુંદ અને કદંબ ઋષિ, શ્રીકૃષ્ણના પૃથ્વી પર અવતાર લેતાં પહેલાંથી જ તેમના પરમ ભક્ત હતા. શ્રીકૃષ્ણ પૃથ્વી પર અવતરવાના છે એ વાત જ્ઞાત થતાં તેમને પોતાની છાયામાં પ્રેમપૂર્વક વિશ્રામ આપવાની ઉત્કટ ભાવનાથી આ બંને ઋષિઓએ યમુનાના તટ પર વૃક્ષરૂપે જન્મ લીધો. મુચકુંદ વૃક્ષની પ્રદક્ષિણા કરતી વખતે શ્રદ્ધાવાનો પ્રેમપૂર્વક આ જયઘોષ કરે છે -

“શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ, હે નાથ નારાયણ વાસુદેવ રાધે”

Pushkarani Teertha at Shree Govidyapeetham

ધ્યાનકુટીર

પુષ્કરણી તીર્થની પાછળ પાંચ ધ્યાનકુટીર છે. વિશિષ્ટ વાસ્તુરચના અનુસાર નિર્મિત આ શાંત અને પ્રસન્ન ધ્યાનકુટીર ધ્યાન, ચિંતન અને પઠન માટે અત્યંત અનુકૂળ વાતાવરણ પ્રદાન કરે છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ પોતાના પ્રવચનોમાં ધ્યાનનું અનન્ય મહત્ત્વ વારંવાર સમજાવ્યું છે. બાપુ દ્વારા શીખવવામાં આવેલી પદ્ધતિથી ધ્યાન કરવાની તક શ્રદ્ધાવાનોને આ ધ્યાનકુટીરોમાં મળે છે.

તેનાથી ધ્યાનનો ઉચિત અભ્યાસ કરીને આ સાધનાને વધુ ને વધુ ગહન બનાવવામાં અને આગળ પોતાના ઘરે પણ નિયમિતપણે કરવામાં શ્રદ્ધાવાનોને સહાયતા મળે છે.

Dhyan Kutir at Govidyapeetham

ચરાઈ ક્ષેત્ર - પવિત્ર વટવૃક્ષ

ગૌશાળાની નજીક જ ગાયો માટે ચરાઈ ક્ષેત્ર છે. આ જ પરિસરમાં આશરે ૭૫૦ વર્ષ જૂનું માનવામાં આવતું એક પ્રાચીન અને વિશિષ્ટ વટવૃક્ષ (વડનું ઝાડ) છે. આ વટવૃક્ષની એક વિશેષતા એ છે કે તેને લટકતાં મૂળ નથી. તેના પાંચ અલગ અલગ થડ મળીને એક જ વિશાળ અને ભવ્ય વટવૃક્ષ બનાવે છે.

દરરોજ સાંજના સમયે આ વટવૃક્ષની ચારે તરફ બનેલા ચબૂતરા પર પવિત્ર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે. શ્રદ્ધાવાનોને આ ચબૂતરા પર બેસવાની અનુમતિ નથી; પરંતુ જ્યારે ચરાઈ ક્ષેત્રમાં ગાયો ન હોય, ત્યારે શ્રદ્ધાવાનો ત્યાં જઈ શકે છે. એ સમયે પવિત્ર વટવૃક્ષની સામે ગૌશાળા તરફ મુખ રાખીને ‘ગોવર્ધન મંત્ર’નું ૨૭, ૫૪ અથવા ૧૦૮ વાર પઠન કરી શકાય છે.

ગોવર્ધન મંત્ર

“॥ ૐ આદિગુરુ ગોપાલક ભગવાન શ્રી દત્તાત્રેય પાહિ મામ્ ॥”

આવા શાંત, પ્રસન્ન અને પવિત્ર સ્પંદનોથી પરિપૂર્ણ શ્રીગોવિદ્યાપીઠમ્‌નાં દ્વાર બધા માટે ખુલ્લાં છે. શ્રદ્ધાવાનો જ્યારે અહીં સેવા અને ભક્તિ માટે આવે છે, ત્યારે પ્રકૃતિના શાંત સાનિધ્યમાં તેમને મનઃશાંતિ, સંતોષ અને કૃતાર્થતાનો અનુભવ થાય છે. અહીંનાં પવિત્ર સ્પંદનો અને ભક્તિમય વાતાવરણ તેમના અંતર્મનને સ્પર્શે છે.

Vata Vruksha at Govidyapeetham

Photo Gallery

Vata Vruksha at Govidyapeetham
Vata Vruksha at Govidyapeetham
Dhyaan Kutir
Dhyaan Kutir
Dwarkamai (Meditation Hall)
Dwarkamai (Meditation Hall)
Dattasthan
Dattasthan
Pushkarni teertha
Pushkarni teertha
Garud stambha
Garud stambha
Beautiful premises of Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Tulsi Vrindavan at Shree Govidyapeetham
Tulsi Vrindavan at Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Beautiful premises of Shree Govidyapeetham
Shraddhavans performing seva at Govidyapeetham
Shraddhavans performing seva at Govidyapeetham