બાપુનાં પંચગુરુ
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ પરબ્રહ્મ પરમેશ્વર દત્તગુરુની આજ્ઞાનું ક્ષેત્ર છે અને સાથે જ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં પંચગુરુઓનું ક્ષેત્ર પણ છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજનાં દ્વિતીય ખંડ ‘પ્રેમપ્રવાસ’માં પોતાનાં પંચગુરુઓનું વર્ણન કર્યું છે.
- દત્તગુરુ (પરમેશ્વર) - કરવિતા (કરાવનારા) ગુરુ
- શ્રીગાયત્રીમાતા (આદિમાતા) - વાત્સલ્યગુરુ
- શ્રીરામ - કર્તા ગુરુ
- શ્રીહનુમાન - રક્ષક ગુરુ
- શ્રીસાઈનાથ - દિગ્દર્શક ગુરુ

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્નું આધ્યાત્મિક મહત્ત્વ
દત્તગુરુ અર્થાત પરમેશ્વર, એટલે કે પરબ્રહ્મ - વિશ્વવ્યાપક, વિશ્વાતીત, અનિર્વચનીય અને સર્વસમર્થ અનાદિ-અનંત અસ્તિત્વ છે. પરમેશ્વર દત્તગુરુનાં ‘एकोऽस्मि बहुस्याम्’ (એકોઽસ્મિ બહુસ્યામ્) આ આદ્ય સ્ફુરણ એટલે કે ઇચ્છામાંથી આ વિશ્વની ઉત્પત્તિ થાય છે - તે એકમાત્ર પરમેશ્વર સમગ્ર સૃષ્ટિના રૂપમાં સ્વયંને પ્રગટ કરે છે. આ સંકલ્પ સાથે સક્રિય થયેલા પરમેશ્વર-સ્વરૂપને ‘મહાદુર્ગેશ્વર’ કહેવામાં આવે છે; જ્યારે પરમેશ્વરની ઇચ્છા, સ્પંદશક્તિને ‘ગાયત્રીમાતા’ એટલે કે આદિમાતા ચણ્ડિકા, જગદંબા, દુર્ગા, અનસૂયા, શ્રીવિદ્યા કહેવામાં આવે છે.
આ આદિમાતા જગદંબાનું ‘અનસૂયા માતા’ સ્વરૂપ સ્થૂળ સ્તર પર રહેનારું શુભંકરા સ્વરૂપ છે, જ્યારે ‘મહિષાસુરમર્દિની’ સ્વરૂપ આદિમાતા જગદંબાનું સૂક્ષ્મ સ્તર પર રહેનારું અશુભનાશિની સ્વરૂપ છે.
દત્તગુરુ, મહાદુર્ગેશ્વર, આદિમાતા ચણ્ડિકાનું શુભંકરા સ્વરૂપ અનસૂયા માતા, આદિમાતા ચણ્ડિકાનું અશુભનાશિની સ્વરૂપ મહિષાસુરમર્દિની અને ધર્માસન પર અધિષ્ઠિત શ્રીત્રિવિક્રમલિંગ - આ બધાનું, એટલે કે ત્રિ-નાથ અને ત્રિવિક્રમનું સંયુક્ત ક્ષેત્ર છે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્.
આવા શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ની સ્થાપના સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પથી ગોકુળાષ્ટમીના મંગળ દિવસે, ૩ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ થઈ.

દત્તગુરુની પવિત્ર તસવીર
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્નાં ગર્ભગૃહમાં મધ્યમાં દત્તગુરુની એક દુર્લભ તસવીરનાં દર્શન થાય છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં પરનાના શ્રી ગોપીનાથશાસ્ત્રી પાધ્યે સ્વયં અક્કલકોટના શ્રીસ્વામી સમર્થના પરમ ભક્ત હતા. તેઓ વિઠ્ઠલભક્ત પણ હતા. તેમની કઠોર તપસ્યા અને ઉપાસનાનાં ફળસ્વરૂપે તેમને દત્તગુરુનું ચિત્રરૂપ પ્રાપ્ત થયું.
શ્રી ગોપીનાથશાસ્ત્રી પાધ્યેનાં પત્ની દ્વારકામાઈ પાધ્યેએ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુને આઠ વર્ષની વયે દત્તગુરુનું આ મૂળ ચિત્ર આપ્યું હતું. એ જ મૂળ ચિત્ર પરથી સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ આ તસવીર બનાવડાવી. સોમવાર, ૩ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ ગોકુળાષ્ટમીના દિવસે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ની સ્થાપના થયા બાદ સર્વ શ્રદ્ધાવાનો આ તસવીરનાં દર્શન કરવા લાગ્યા.

માતા અનસૂયા
દત્તગુરુની તસવીરની ડાબી બાજુએ અનસૂયામાતાની તસવીર છે. આદિમાતા ચણ્ડિકાએ પોતાનાં માતૃવાત્સલ્યની પ્રત્યક્ષ વર્ષા આ સમગ્ર વિશ્વ પર કરવા માટે જ સ્થૂળ ભૌતિક સ્તરે અનસૂયાના રૂપમાં સ્વયંને પ્રગટ કર્યાં હતાં. શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં આદિમાતા અનસૂયાની તસવીર જોતાં એ માતૃવાત્સલ્યનો અનુભવ થાય છે.

શ્રીમહિષાસુરમર્દિની
દત્તગુરુની તસવીરની જમણી બાજુએ શ્રીમહિષાસુરમર્દિની માતાની પ્રતિમા છે. આદિમાતાનું સૂક્ષ્મ સ્તરનું સ્વરૂપ એટલે શ્રીદત્તગુરુની ઇચ્છાશક્તિ, એટલે કે અશુભનાશિની મહિષાસુરમર્દિની ચણ્ડિકા. મહિષાસુરમર્દિનીનું આ સ્વરૂપ જન્મ લેતું નથી, પરંતુ દિવ્ય તેજનાં કાર્ય અનુસાર ઉચિત આકાર ધારણ કરીને પ્રગટ થાય છે અને કાર્ય પૂર્ણ થતાં જ અંતર્ધાન થાય છે.
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં સ્થાપિત મહિષાસુરનો વધ કરનાર મહિષાસુરમર્દિનીની આ તસવીર માત્ર આદિમાતાની પ્રતિમા નથી, પરંતુ સાક્ષાત્ મહિષાસુરમર્દિની જ છે એવો શ્રદ્ધાવાનોનો વિશ્ર્વાસ છે.
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં શ્રીઆદિમાતા મહિષાસુરમર્દિની ચણ્ડિકાની સ્થાપના સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ રવિવાર, ૯ ઑગસ્ટ ૨૦૦૯ના રોજ શ્રાવણ માસમાં કરી. આ સ્થાપના સમયે નવ દિવસ સુધી આદિમાતા મહિષાસુરમર્દિનીનું ‘શ્રીવજ્રમંડલપીઠપૂજન’ કરવામાં આવ્યું.

શ્રીમહાદુર્ગેશ્વર લિંગ
સદ્ગુરુ અનિરુદ્ધ શ્રી બાપુનાં સંકલ્પ અનુસાર નર્મદામાંથી ઉત્પન્ન થયેલા સ્વયંભૂ શ્રીમહાદુર્ગેશ્વર લિંગને શ્રીશૈલમ્નાં આદરણીય ગુરુજી પાસેથી લાવવામાં આવ્યું. મહાદુર્ગેશ્વર જ મૂળ પવિત્ર અગ્નિ છે.
આ શ્રીમહાદુર્ગેશ્વર લિંગની સ્થાપનાવિધિ દરમિયાન આ લિંગનું તેજ અતિશય પવિત્ર અને પ્રખર હોવાથી આસપાસ કોઈ દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો. અહીં સુધી કે સૂર્યનાં કિરણો પણ એ સ્થાન સુધી ન પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજનના સ્થળે સંપૂર્ણ શીતળતા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
એ સમયે ત્યાં ઉપસ્થિત અનેક કાર્યકર્તાઓ, પુરોહિતો અને અન્ય લોકોએ પણ આ ઘટનાનો અનુભવ કર્યો.

ધર્માસન અને શ્રીત્રિવિક્રમ લિંગ
દત્તગુરુની તસવીરની સામે એક શિલા છે, જેને ‘ધર્માસન’ કહેવામાં આવે છે. જેણે ક્યારેય ધર્મનો ત્યાગ કરીને આચરણ કર્યું નથી, માત્ર એ જ આ ધર્માસન પર બેસી શકે છે. વર્ષ ૨૦૧૮માં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર આ ધર્માસન પર પંચધાતુથી નિર્મિત શ્રીત્રિવિક્રમલિંગની સ્થાપના કરવામાં આવી. શ્રદ્ધાવાનોનો વિશ્ર્વાસ છે કે તેમનાં સદ્ગુરુ આ ધર્માસન પર નિરંતર બિરાજમાન છે.
હરિ અને હરનું સંયુક્ત સ્વરૂપ સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ જ મૂળ સદ્ગુરુતત્ત્વ છે. ‘હર’ એટલે પરમશિવ, જે ખરાબ વાતોનો નાશ કરે છે; જ્યારે ‘હરિ’ એટલે મહાવિષ્ણુ, જે સારી વાતોને પ્રોત્સાહન આપે છે. સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ માત્ર ભક્તિને વશ થાય છે અને જરૂર પડે ત્યારે શ્રદ્ધાવાનોની રક્ષા માટે બધા નિયમો તોડીને માત્ર શ્રદ્ધાવાનોની રક્ષા કરે છે, છતાંય નીતિને અક્ષુણ્ણ (અખંડ) રાખે છે.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની પવિત્ર ચરણમુદ્રાની પાસે સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનાં એકમુખી, ચતુર્ભુજ સ્વરૂપની એક તસવીર છે. આ અદ્વિતીય સ્વરૂપ કોદંડ ધનુષ્ય અને અક્ષય ભાથા (બાણોનો ક્યારેય ન ખૂટતો ભાથો) ધારણ કરનાર શ્રીરામને, શંખ અને ચક્ર ધારણ કરનાર શ્રીકૃષ્ણ સાથે એકરૂપ કરે છે. પવિત્ર પીતાંબર ધારણ કરેલું અને પોતાની અભયમુદ્રાથી નિર્ભયતાનું વરદાન આપતું આ દિવ્ય સ્વરૂપ શ્રીરામ અને શ્રીકૃષ્ણ બંનેના એકીકૃત તત્ત્વને સુંદર રીતે સાકાર કરે છે.

સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની ચરણમુદ્રાઓ
ગુરુગીતામાં શિવ પાર્વતીને કહે છે -
“सर्व तीर्थाश्रयं देवि पादाङ्गुष्ठेच वर्तते”
(સર્વ તીર્થાશ્રયં દેવિ પાદાઙ્ગુષ્ઠેચ વર્તતે”)
અર્થાત “બધા તીર્થો સદ્ગુરુનાં ચરણાંગુષ્ઠમાં નિવાસ કરે છે.”
શ્રીરામનાં ચરણોનાં માત્ર સ્પર્શથી જ શિલા બનેલી અહલ્યાનો ઉદ્ધાર થયો. દાસગણુ મહારાજે સાઈનાથનાં ચરણોમાંથી પ્રગટ થયેલી ગંગા-યમુનાને સ્વયં જોઈ અને અનુભવી પણ હતી. સદ્ગુરુનાં ચરણોનો મહિમા અપાર અને અનંત છે. તેનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડે છે.
આ સદ્ગુરુચરણોનાં દર્શન કરીને તેમનાં પર મસ્તક નમાવવાથી શ્રદ્ધાવાનોને સદ્ગુરુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને સમસ્ત તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. તેથી દરેક શ્રદ્ધાવાનના મનમાં સદ્ગુરુચરણોનાં દર્શનની ઉત્કંઠા હોય છે અને દરેક શ્રદ્ધાવાન તેમનાં પર પોતાનું મસ્તક ટેકવા ઇચ્છે છે.
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં પરમ પૂજ્ય સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની ચરણમુદ્રાઓનાં દર્શન શ્રદ્ધાવાનો કરી શકે છે. આ ચરણમુદ્રાઓ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં ચરણોની પ્રત્યક્ષ છાપ છે, જેનાં દર્શન શ્રદ્ધાવાનોને નિરંતર પ્રાપ્ત થતાં રહેશે.

શ્રીચણ્ડિકાકુળની તસવીર
આ ચરણમુદ્રાઓની સામે શ્રીચણ્ડિકાકુળની તસવીર મૂકવામાં આવી છે. આ તસવીરમાં નીચેના દેવતાઓ છે -
- આદિમાતા ચણ્ડિકા
- જ્યેષ્ઠ ચણ્ડિકાપુત્ર શ્રીદત્તાત્રેય
- મહાપ્રાણ શ્રીહનુમાનજી
- દ્વિતીય ચણ્ડિકાપુત્ર શ્રીકિરાતરુદ્ર
- માતા શિવગંગાગૌરી
- દેવીસિંહસ્વરૂપ પરમાત્મા
અશુભનાશિની નવરાત્રિ ૨૦૧૧ થી શુભંકરા નવરાત્રિ ૨૦૧૨ના સમયગાળા દરમિયાન બાપુએ સ્વસ્તિક્ષેમ તપસ્યા કરી હતી. એ સમયે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્નાં પ્રાકારમાં શ્રીચણ્ડિકાકુળની તસવીરની સામે બનાવવામાં આવેલા વિષમ-અષ્ટાસ્ત્રમ્ કુંડમાં બાપુએ કુંડપાય્ય યજ્ઞ કર્યો હતો.
અનુચિતનો નાશ કરનાર ‘સર્વાંગ બ્રહ્માસ્ત્ર’ અને ભારત તથા દેવયાન પથના પવિત્ર મૂલ્યોને પ્રેમ કરનાર માટે ‘સર્વાંગ કરુણાશ્રય’. તેના કારણે દરેક શ્રદ્ધાવાનને પ્રાર્થના કરવાનું બળ અને તેની પ્રાર્થનાનો પ્રતિસાદ પ્રાપ્ત કરવાનું બળ મળવાનું હતું, એટલે કે ચણ્ડિકાકુળની કૃપા સ્વીકારવાની તેની ક્ષમતા વધતી રહેવાની હતી. પોતાની આ તપસ્યાના ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલાં આ બંનેને બાપુએ ‘શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્’માં અર્પણ કર્યાં.

શ્રીમૂલાર્ક ગણેશ
શ્રીચણ્ડિકાકુળની તસવીરની નજીક બાપુનાં સંકલ્પ અનુસાર શ્રીમૂલાર્ક ગણેશની સ્થાપના કરવામાં આવી છે.
શ્રીમૂલાર્ક ગણેશ કોઈ વિશિષ્ટ વૃક્ષના મૂળમાંથી સ્વયંભૂ સ્વરૂપે પ્રગટ થયેલા ગણપતિ છે. સૃષ્ટિમાં શ્વેતમાંદાર અને નીલમાંદાર - આ બે પ્રકારનાં વૃક્ષો હોય છે. નીલમાંદારનાં પુષ્પો હનુમાનજીને પ્રિય હોય છે અને શ્વેતમાંદારનાં પુષ્પો ભગવાન શિવને પ્રિય હોય છે. આ જ શ્વેતમાંદાર વૃક્ષના મૂળમાંથી શ્રીમૂલાર્ક ગણેશ પ્રગટ થાય છે. તેથી તેમને માંદાર ગણપતિ અથવા શ્વેતાર્ક ગણપતિ પણ કહેવામાં આવે છે.
ગણેશજીના આ દુર્લભ અને પવિત્ર સ્વરૂપને શોધી કાઢવા માટે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ કેટલાક જાણકાર વ્યક્તિઓને આ શોધની જવાબદારી સોંપી હતી. લગભગ દોઢ વર્ષ સુધી ચાલેલી શોધ પછી, સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના દિવ્ય સંકલ્પ અનુસાર, પરળી વૈજનાથમાં અંતે આવું પવિત્ર શ્વેતમાંદાર વૃક્ષ શોધી કાઢવામાં આવ્યું.
બાપુએ આ પવિત્ર કાર્યની જવાબદારી જેમને સોંપી હતી, એ જાણકાર વ્યક્તિઓને આ આધ્યાત્મિક રીતે મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ કરતાં પહેલાં એકવીસ (૨૧) દિવસ સુધી દિગ્બંધન અને આવાહન ઉપાસના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સ્વયંભૂ શ્રીમૂલાર્ક ગણેશને શ્રીદત્ત નિવાસમાં લાવવામાં આવ્યા પછી, શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્માં તેમની પ્રતિષ્ઠાપના કરતાં પહેલાં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ અતિશય વિસ્તૃત અને ગહન આધ્યાત્મિક તૈયારીઓ કરી હતી.
નવ શ્રદ્ધાવાનોને વિશિષ્ટ આધ્યાત્મિક નિયમોનું પાલન કરવા અને સતત એકવીસ દિવસ સુધી દરરોજ એકવીસ વાર ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન શ્રીમૂલાર્ક ગણેશ પર તલના તેલમાં મિશ્રિત અષ્ટગંધથી તૈયાર કરાયેલા પવિત્ર લેપનો અભિષેક (લેપન) કરવામાં આવ્યો હતો.
પ્રતિષ્ઠાપના પહેલાંના ત્રણ દિવસ સુધી બાપુએ સ્વયં સ્વયંભૂ શ્રીમૂલાર્ક ગણેશનું પૂજન કર્યું. આ પવિત્ર અવસરે ભગવાન ગણેશને ભક્તિભાવથી એક લાખ દુર્વા અર્પણ કરવામાં આવી.
તેની સાથે જ બાપુનાં નિવાસસ્થાને દરરોજ સવારે ૮:૦૦ વાગ્યા થી રાત્રે ૯:૦૦ વાગ્યા સુધી અભિષેક અને પૂજન દ્વારા બ્રહ્મણસ્પતિની મૂર્તિનું નિરંતર પૂજન કરવામાં આવતું હતું. દસ પુરોહિતોએ આ અનુષ્ઠાનો સંપન્ન કર્યાં, જ્યારે અન્ય અગિયાર પુરોહિતોએ નિરંતર પવિત્ર સ્તોત્રોનું પઠન કર્યું.

શ્રીમદ્પુરુષાર્થ પુરુષોત્તમ યંત્ર (ક્ષમા યંત્ર)
શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજનાં તૃતીય ખંડ ‘આનંદસાધના’માં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘શ્રીમદ્પુરુષાર્થ પુરુષોત્તમ યંત્ર’નો ઉલ્લેખ કર્યો છે. શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં શ્રીમદ્પુરુષાર્થ પુરુષોત્તમ યંત્રની સ્થાપના સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ૩ સપ્ટેમ્બર ૨૦૦૭ના રોજ કરી.
આ યંત્ર બાપુનાં પંચગુરુઓ - દત્તગુરુ, શ્રીગાયત્રીમાતા, શ્રીરામ, શ્રીહનુમાનજી અને શ્રીસાઈનાથનું સ્થાન છે. આ યંત્રના કેન્દ્રમાં ભક્તશ્રેષ્ઠ, મહાબલી, મહાપરાક્રમી અને ભક્તકૃપાળુ પંચમુખી હનુમાનજી છે. તેઓ અધર્મનો નાશ અને ધર્મની વૃદ્ધિ કરવા માટે તત્પર ઊભા છે.
જાણતાં-અજાણતાં મનુષ્યથી અનેક ભૂલો, પાપો અને અપરાધો પણ થાય છે. આ બધાં માટે ક્ષમા મળવાની સાથે તેમને સુધારવાની તક પણ આ યંત્રની સામે કરવામાં આવેલી પ્રાર્થનાથી મળે છે. નિશ્ચિતપણે જેની પાસે અકારણ કરુણા છે, માત્ર તેની પાસે જ દરેક માટે ક્ષમા હોઈ શકે છે અને આ માત્ર સદ્ગુરુતત્ત્વ જ કરી શકે છે.
ઘંટ
‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથમાં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ આદિમાતાનાં હાથમાં રહેલાં ઘંટ નામના આયુધ વિશે કહ્યું છે...
“જ્ઞાનપૂર્ણા શ્રીસરસ્વતીએ ભગવતીનાં ચરણોમાં ઘંટ અર્પણ કર્યો.” (સંદર્ભ — અધ્યાય ૯)
જે રીતે દીપ પોતાની જ્યોતિ તરફ પતંગિયાં અને કીટકોને આકર્ષિત કરીને તેમને બાળી નાખે છે, એવી રીતે મહિષાસુરમર્દિનીનો ઘંટનાદ અશુભને મોહિત કરે છે, તેને ભયથી વ્યાપ્ત કરે છે અને ભગવતીનાં ચરણો સુધી ખેંચી લાવે છે; ત્યારબાદ એ અશુભનો નાશ થાય જ છે. (સંદર્ભ — અધ્યાય ૧૦)
ઘંટમંત્ર
हिनस्ति दैत्यतेजांसि स्वनेनापूर्य या जगत्।
सा घण्टा पातु नो देवि पापेभ्यो नः सुतानिव॥(હિનસ્તિ દૈત્યતેજાંસિ સ્વનેનાપૂર્ય યા જગત્| સા ઘણ્ટા પાતુ નો દેવિ પાપેભ્યો નઃ સુતાનિવ||)
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ૩૧ ડિસેમ્બર ૨૦૦૯નાં રોજ ઉપરોક્ત મંત્રનો જપ કરીને શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં આ ઘંટની સ્થાપના કરી.
દર મહિનાની ૧૭મી તારીખે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં સવારે ૧૧:૩૦ વાગ્યે ઘંટપૂજન કરવામાં આવે છે.
કૂર્મ
કૂર્મ અર્થાત કાચબો. વસુંધરાને પોતાની પીઠ પર ધારણ કરનાર હરિકૂર્મ મહાવિષ્ણુનાં દ્વિતીય અવતાર ‘કૂર્માવતાર’ છે. મહાવિષ્ણુની બે પત્નીઓ માનવામાં આવે છે. એક ‘શ્રીદેવી’, જેઓ સદૈવ તેમની સાથે રહે છે અને બીજી ભૂદેવી એટલે કે આપણી પૃથ્વી-વસુંધરા. મહાવિષ્ણુએ પોતાનાં પતિધર્મનું પાલન કરવા માટે કૂર્મરૂપ ધારણ કર્યું હતું અને એ સમયે પૃથ્વીને પોતાની પીઠ પર ધારણ કરી હતી.
ઉદીકુંભ
કોઠિંબે સ્થિત ગોવિદ્યાપીઠમ્માં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર અખંડ ધૂણી પ્રજ્વલિત રહે છે. તેમાં લાકડાં, છાણાં અને ભૂસું અર્પણ કરીને બનતી ઉદી; ગુરુકુળ (જુઈનગર)માં યાગ, હવન અને માનતની ધૂપથી બનતી ઉદી; શ્રીહરિગુરુગ્રામનાં ઉત્સવોમાં થનારા યજ્ઞોની ઉદી; તથા સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાને થતા બે વાર્ષિક દત્તયાગોથી બનતી ઉદી - આ બધા સ્થળોની ઉદી શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્નાં ઉદીકુંભમાં એકત્રિત કરવામાં આવે છે.
તેની સાથે જ શ્રીઅનિરુદ્ધધામની સ્થાપનાનાં પૂર્વરંગનાં બંને સત્રોમાં ૨૦૨૫ અને ૨૦૨૬માં કરવામાં આવેલાં યાગ અને હવનથી બનેલી ઉદી પણ ત્યારબાદ આ જ ઉદીકુંભમાં ભેગી કરવામાં આવી હતી.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની શીખ અનુસાર શ્રદ્ધાવાન સવારે સ્નાન કર્યા પછી અને કોઈ પણ કાર્ય માટે ઘરની બહાર નીકળતી વખતે શ્રદ્ધાપૂર્વક પોતાના કપાળ પર આજ્ઞાચક્રના સ્થાને અને ગળા પર વિશુદ્ધચક્રના સ્થાને ઉદી લગાવે છે તથા થોડીક ઉદી ગ્રહણ પણ કરે છે. એ જ રીતે ઘરમાં બનેલા ભોજનમાં અને કોઈ પણ નવી વસ્તુ ઘરમાં લાવ્યા પછી શ્રદ્ધાવાન તેના પર ઉદી લગાવે છે. શ્રદ્ધાવાન આ ઉદીને રક્ષક કવચ તરીકે પ્રવાસ દરમિયાન અને સદૈવ અતિશય શ્રદ્ધાપૂર્વક પોતાની પાસે રાખે છે.

નારિકેલબલિદાનમ્ શિલા (શ્રીફળ વધેરવાની શિલા)
પરંપરાગત ભારતીય રીતિ અનુસાર પવિત્ર તીર્થક્ષેત્રમાં શ્રીફળ અર્પણ કરવાની અથવા નાળિયેર વધેરવાની પ્રથા છે. આવું કરવાથી એ પવિત્ર ક્ષેત્રની યાત્રા સફળ અને પૂર્ણ થાય છે, એવું માનવામાં આવે છે. શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં પણ નારિકેલ બલિદાનમ્ (શ્રીફળ વધેરવામાં) કરવામાં આવે છે. શ્રદ્ધાવાનોની દૃષ્ટિએ તેનું અસાધારણ મહત્ત્વ છે.
‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથનાં ૧૬મા અધ્યાયમાં ચણ્ડ-મુણ્ડનાં વધની કથા આવે છે. તેમાં કાલી માતા શ્રીમહાસરસ્વતીને કહે છે -
“માતા, તમને કષ્ટ આપવાનો પ્રયત્ન કરનારાં ચણ્ડ-મુણ્ડ નામનાં આ મહાપ્રચંડ ‘પશુઓ’ને મેં તમારી સમક્ષ ‘બલિ’ આપ્યા છે. આ બલિઓનો તમે સ્વીકાર કરો.”
મનુષ્યનાં મનની સૌથી મોટી પશુવૃત્તિ કઈ છે? તે છે ‘અહંકાર’. શ્રીફળ મસ્તકનું પ્રતીક છે. આપણે ભગવાન સમક્ષ શ્રીફળ અર્પણ કરીએ છીએ અથવા તેને વધેરીએ છીએ, એટલે કે પોતાના મસ્તકમાં રહેલી પશુવૃત્તિ અને અહંકારનો બલિ આપીએ છીએ અને પોતાની બુદ્ધિ તેમનાં ચરણોમાં અર્પણ કરીએ છીએ.
અહંકારની સાથે અન્ય અનેક દુર્ગુણો પણ હોય છે અને દરેક શ્રદ્ધાવાનની ઇચ્છા હોય છે કે તેની અંદરનાં આ દુર્ગુણો ઓછા થાય. શ્રદ્ધાવાન શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં નારિકેલ બલિદાનમ્નાં સ્થાને શ્રીફળ વધેરે છે. જે સ્થાન પર શ્રીફળ વધેરવામાં આવે છે તેને ‘નારિકેલ બલિદાનમ્ શિલા’ કહેવામાં આવે છે. આ શ્રીફળનો અડધો ભાગ ત્યાં જ અર્પણ કરવામાં આવે છે અને બાકીનો અડધો ભાગ શ્રદ્ધાવાન પ્રસાદ તરીકે ઘરે લઈ જાય છે.
પુરુષાર્થ પુરુષોત્તમ યંત્ર ઉત્સવ - શ્રીહનુમાન ચલીસા પાઠ
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં સ્થિત પુરુષાર્થ પુરુષોત્તમ યંત્ર અર્થાત ક્ષમાયંત્રનો દર વર્ષે ઊજવવામાં આવતો ઉત્સવ છે - ‘શ્રીહનુમાન ચલીસા પાઠ’. આ પાઠ સાત દિવસ સુધી ચાલે છે. દર વર્ષે મે મહિનાના કોઈ એક અઠવાડિયામાં આ ઉત્સવ ઊજવવામાં આવે છે.
દરરોજ સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા સુધી કુલ ૧૨ કલાક, ૧૦૮થી વધુ જપકો બે સમૂહોમાં વહેંચાઈને એક એક કલાકનાં અંતરાલે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્નાં પ્રાકારમાં બેસીને શ્રીહનુમાન ચલીસાનો પાઠ કરે છે.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુના સંકલ્પથી સ્થાપિત આ ગુરુક્ષેત્રમ્ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક ઊર્જા પ્રદાન કરનારું સ્થાન છે. અહીં આવનાર દરેક શ્રદ્ધાવાનનું દરેક રીતે કલ્યાણ કરનાર આ શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ છે.
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ - દિવસભરનાં મહત્ત્વપૂર્ણ ઉપચાર
સવારે ૮.૩૦ વાગ્યે પ્રાતઃપૂજન
આદિમાતા મહિષાસુરમર્દિનીનું પ્રાતઃપૂજન સંપન્ન થાય છે. તેમાં આદિમાતા મહિષાસુરમર્દિનીની સાથે દત્તગુરુ અને આદિમાતા અનસૂયાને દૂધ સાકરનો નૈવેદ્ય તથા ધૂપ અર્પણ કરવામાં આવે છે.
સવારે ૯.૦૦ થી ૧૦.૨૦ વાગ્યા સુધી શ્રીચણ્ડિકા હવન
લગભગ ત્રણ ઘટિકા એટલે કે આશરે ૭૨ મિનિટ સુધી પ્રાકારમાં આદિમાતા શુભંકરા સ્તવન અને આદિમાતા અશુભનાશિની સ્તવનના અખંડ પાઠ સાથે શ્રીચણ્ડિકા હવન કરવામાં આવે છે.
બપોરે ૧૨.૩૦ થી ૧.૪૫ વાગ્યા સુધી મધ્યાહ્ન પૂજન
બધા દેવતાઓનું પૂજન કરવામાં આવે છે, નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. સાથે જ ઔદુંબર વૃક્ષનું પૂજન પણ કરવામાં આવે છે.
બપોરે ૨.૦૦ વાગ્યા પછી શ્રીમૂલાર્ક ગણેશ પૂજન
શ્રીમૂલાર્ક ગણેશનું પૂજન કરવામાં આવે છે અને ૨૧ વાર શ્રીમૂલાર્ક ગણેશ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે.
રાત્રે ૮.૩૦ વાગ્યે નૈવેદ્ય અને સંધ્યા આરતી
ગોમુખ, દત્તગુરુ, આદિમાતા અનસૂયા અને આદિમાતા મહિષાસુરમર્દિનીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે.
રાત્રે ૧૦.૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી શ્રીરામરસાયન પાઠ
શ્રદ્ધાવાનો પ્રાકારમાં બેસીને શ્રીરામરસાયન ગ્રંથનો પાઠ કરે છે અને ત્યારબાદ સ્વેચ્છાએ અન્ય ઉપાસના, સ્તોત્ર-પાઠ અથવા ગ્રંથ વાંચન કરે છે.
વિશેષ પૂજન
- દર મહિનાની શિવરાત્રિએ શ્રીમહાદુર્ગેશ્વર લિંગનું પૂજન કરવામાં આવે છે.
- ચૈત્ર નવરાત્રિ ઉત્સવ - શુભંકરા નવરાત્રિ.
- આસો નવરાત્રિ ઉત્સવ - અશુભનાશિની નવરાત્રિ.
સરનામું
૫૫૧, શ્રી દત્ત નિવાસ, ટી.પી.એસ. ૩, જૂનો ૮મો રસ્તો, ખાર (પશ્ચિમ), મુંબઈ, મહારાષ્ટ્ર — ૪૦૦૦૫૨
















