આપણાં જીવનમાં આપણે ઘણી વાર ‘ભક્ત’ અને ‘શ્રદ્ધાવાન’ આ શબ્દો સાંભળીએ છીએ. પરંતુ વાસ્તવિક અર્થમાં શ્રદ્ધાવાન કોણ હોય છે? અતિશય સરળ અને હૃદયને સ્પર્શી જાય એવા શબ્દોમાં કહીએ તો, જે ભક્તિ કરે છે તે ‘ભક્ત’ છે અને જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે, તે જ સાચો ભક્ત અર્થાત ‘શ્રદ્ધાવાન’ છે.

ભગવાન શ્રીકૃષ્ણનાં વચન

‘શ્રદ્ધાવાન’ શબ્દનો ઉચ્ચાર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્‌ગીતામાં સર્વપ્રથમ ચોથા અધ્યાયમાં અને ત્યારબાદ છઠ્ઠા તથા અઢારમા અધ્યાયમાં એટલે કે કુલ ત્રણ વાર કર્યો છે.

— શ્રીમદ્‌ભગવદ્‌ગીતા ૪/૩૯

श्रद्धावान् लभते ज्ञानं तत्पर: संयतेन्द्रिय:। ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति॥

(શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પર: સંયતેન્દ્રિય:| જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ)

અર્થ : ભગવાન પ્રત્યે એકનિષ્ઠ રહીને ભક્તિમાં તત્પર રહેનાર અને ભક્તિ દ્વારા પોતાની ઇન્દ્રિયોને સંયમિત રાખનાર શ્રદ્ધાવાન જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તે તત્કાળ ભગવત્‌ પ્રાપ્તિરૂપી શ્રેષ્ઠ (પરમ) શાંતિ પ્રાપ્ત કરે છે.

ભક્તની યાત્રાનાં ચરણો

  1. ૧. કનિષ્ઠ સ્તરનાં ભક્ત:

    જે માત્ર ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરે છે; ભૌતિક સુખ મળી ગયા પછી જે પરમાત્મા તરફ ધ્યાન આપતો નથી અથવા તેમને ભૂલી જાય છે અને ફરી જરૂર પડે ત્યારે તેમનું સ્મરણ કરે છે, તેને કનિષ્ઠ સ્તરનો ભક્ત માનવામાં આવે છે.

  2. ૨. ભક્ત:

    ભક્તિમાર્ગમાં ભક્ત પાસે જેટલી અને જેવી શ્રદ્ધા હોય છે, એ જ શ્રદ્ધાથી તે પોતાની યાત્રાનો આરંભ કરે છે. તે પોતાના સામર્થ્ય અનુસાર પોતાના ઇષ્ટદેવતાની ભક્તિ કરતો રહે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તે હંમેશા ભગવાન પ્રત્યે કૃતજ્ઞ રહે છે. તે ભગવાનને વારંવાર કહેતો રહે છે, ‘હે ભગવાન, તમે જ મારા જીવનના સૂત્રધાર છો’ અને ભજન, પૂજન, અર્ચન, પઠન, ગ્રંથ પારાયણ, મંત્રજપ તથા નામજપ કરતો રહે છે.

    ભક્તિમાર્ગમાં આ ભક્ત પોતાના મનમાં ‘હું અલ્પ છું, હું સામાન્ય છું; પરંતુ મારા ભગવાન અનંત છે, અપાર સામર્થ્ય યુક્ત છે અને મારા ભગવાન પ્રેમથી રીઝી જાય છે’ - આ બોધને અધિકાધિક દૃઢ કરતાં જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરે છે.

    આવા ભક્તનું માત્ર એક જ ધ્યેય હોય છે - ‘મારે મારા ભગવાનનો દાસ અને સખા બનવું છે, તેમની ભરપૂર સેવા કરવી છે અને તેમની શરણમાં રહેવું છે.’

  3. ૩. શ્રદ્ધાવાન:

    જ્યારે ભક્તના મનમાં દાસ્ય, સખ્ય અને શરણાગતિના ભાવ, ભલે ક્યારેક ક્યારેક, પ્રગટ થવા લાગે છે, ત્યારે સ્વયંભગવાન એ ભક્તિમાર્ગીને તીવ્ર ગતિએ આગળ લઈ જાય છે અને તેની થોડીક સેવાને પણ દસ ગણી કરીને સ્વીકારતા રહે છે. તેઓ અત્યંત કોમળતાથી એ ભક્તિમાર્ગીને શ્રદ્ધાવાન બનાવે છે, અર્થાત તેને પોતાનો સખા બનાવીને ભક્તિભાવ ચૈતન્યમાં લઈ આવે છે. જે ભક્તિભાવ ચૈતન્યમાં રહે છે, તે જ સાચો ભક્ત અર્થાત શ્રદ્ધાવાન છે.

    ભક્તિમાર્ગમાં આદિમાતા જગદંબાના આદેશ અનુસાર, શ્રદ્ધાવાનનાં જીવનમાં સ્વયંભગવાન ગમે ત્યાં અને ગમે ત્યારે હસ્તક્ષેપ કરતાં રહે છે.

શ્રીહરિગુરુગ્રામમાં શ્રદ્ધાવાનોને આશીર્વાદ આપતાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ

સાચો શ્રદ્ધાવાન

જે શ્રદ્ધાવાન સ્વયંભગવાન સાથે સદૈવ જોડાયેલી તેમની શક્તિ અર્થાત દૈવી પ્રકૃતિ, અર્થાત સ્વયંભગવાનની પ્રેમશક્તિનો આશ્રય લે છે, સ્વયંભગવાનનાં ચરણોમાં શરણાગત થાય છે, સ્વયંભગવાનના મુખનાં સ્મિતથી પ્રસન્ન થાય છે અને સ્વયંભગવાનની દૃષ્ટિમાં વસેલા પ્રેમનો સ્વીકાર કરે છે, એ જ સાચો શ્રદ્ધાવાન છે; એ જ સ્વયંભગવાનનો નિરંતર દાસ અને સખા બની શકે છે.

श्री हरिगुरुग्राम में सद्गुरु अनिरुद्ध बापूजी के साथ मंत्रगजर करते हुए श्रद्धावान
શ્રીહરિગુરુગ્રામમાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે મંત્રગજર કરતાં શ્રદ્ધાવાનો