દર ગુરુવારે સમાજનાં વિવિધ વર્ગોમાંથી હજારો લોકો એક જ ઉદ્દેશથી એકત્ર થાય છે - ‘તેમનાં’ સાનિધ્યમાં થોડો સમય વિતાવવા માટે, જેમને તેઓ પ્રેમથી “બાપુ” અર્થાત “અનિરુદ્ધ બાપુ” કહે છે.

કેટલાક લોકો મનમાં એવો ભાર લઈને આવે છે, જેની બીજા કોઈને જાણ હોતી નથી. કેટલાક લોકો વર્ષોથી મનમાં ઉદ્‍ભવતા પ્રશ્નોના ઉત્તર શોધવા આવે છે, તો કેટલાક માત્ર બાપુનું પ્રવચન સાંભળવા માટે આવે છે. તેમાંથી ઘણાં લોકો હળવા મન, નવા ઉત્સાહ અને હવે પોતે એકલા નથી એવાં વિશ્વાસ સાથે પાછા ફરે છે. તેમનાં મનમાં શાંતિ હોય છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની વિશેષતા માત્ર તેમનાં કાર્યની વ્યાપકતામાં જ નથી, પરંતુ આધ્યાત્મિકતા, વિજ્ઞાન, પારિવારિક જીવન, સામાજિક ઉત્તરદાયિત્વ અને ભક્તિનાં અદ્‌ભુત સમન્વયમાં પણ છે, જેને તેમણે પોતાનાં જીવનમાં સાકાર કર્યો છે. તેઓ ભગવાનની શોધ માટે સંસારથી દૂર ચાલ્યા જવાનું સમર્થન કરતા નથી. પરંતુ તેઓ કહે છે કે પોતાના પરિવાર, વ્યવસાય અને ઉત્તરદાયિત્વોની વચ્ચે રહીને પણ આધ્યાત્મિક જીવન જીવી શકાય છે.

દરેક વ્યક્તિ તેમને “બાપુ” શા માટે કહે છે?

હજારો લોકોએ તેમને “બાપુ” કહેવાનું શરૂ કર્યું તેના ઘણા સમય પહેલાં આ નામ તેમને તેમનાં નાનીએ પ્રેમથી આપ્યું હતું. આઠ વર્ષની ઉંમરે જ્યારે તેઓ મુંબઈના વડાલા સ્થિત વિઠ્ઠલ મંદિરમાં દર્શન માટે ગયા હતા, ત્યારે તેમનાં નાનીએ તેમને પ્રેમથી “બાપુ” કહીને બોલાવ્યાં હતા. આ નામ તેમની સાથે કાયમ માટે જોડાઈ ગયું અને ત્યારથી લોકો સ્વાભાવિક રીતે તેમને “બાપુ” કહીને સંબોધવા લાગ્યા.

ભક્તિનાં સંસ્કારોથી ઘડાયેલું બાળપણ

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ અર્થાત અનિરુદ્ધ ધૈર્યધર જોશીનો જન્મ ૧૮ નવેમ્બર ૧૯૫૬ના રોજ ત્રિપુરારી પૂર્ણિમાના મંગલમય દિવસે પ્રાતઃ ૪.૩૫ વાગ્યે થયો.

તેમનો જન્મ એવા પરિવારમાં થયો, જ્યાં ભક્તિ માત્ર કર્મકાંડો પૂરતી સીમિત નહોતી, પરંતુ દૈનિક જીવનનો અભિન્ન ભાગ હતી. તેમના પિતા ડૉ. ધૈર્યધર હરેશ્વર જોશી એક પ્રતિષ્ઠિત ચિકિત્સક હતા, જેઓ ચિકિત્સાક્ષેત્રમાં પોતાની નિપુણતાની સાથે દર્દીઓ પ્રત્યેની પોતાની કરુણા માટે પણ એટલા જ પ્રસિદ્ધ હતા. તેમનાં માતા શ્રીમતી અરુન્ધતી જોશી અંગ્રેજીનાં વિદુષી પ્રાધ્યાપિકા હતાં, જેમની વિદ્વત્તા અને શિસ્તે પરિવારના સંસ્કારો અને વ્યક્તિત્વ ઘડતરને આકાર આપ્યો.

જોકે, તેમનો મોટાભાગનો ઉછેર તેમનાં નાની શ્રીમતી શકુંતલા નરેન્દ્ર પંડિત (પૂર્વ નામ માલતી ગોપીનાથશાસ્ત્રી પાધ્યે)ના સ્નેહપૂર્ણ સંરક્ષણમાં થયો. નાનીના પ્રેમ અને ગહન આધ્યાત્મિક સંસ્કારોએ બાપુજીના વ્યક્તિત્વ પર અમિટ પ્રભાવ પાડ્યો. બાપુનાં પરનાની શ્રીમતી દ્વારકાબાઈ ગોપીનાથશાસ્ત્રી પાધ્યે, જેમને પ્રેમથી “માઈ” કહેવામાં આવતાં હતાં, તેમનો પણ બાપુનાં વ્યક્તિત્વ ઘડતર પર ગહન આધ્યાત્મિક પ્રભાવ હતો.

જે વાતાવરણમાં બાપુનું બાળપણ વીત્યું, ત્યાં આધ્યાત્મિક ગ્રંથોનું નિત્ય પઠન થતું હતું અને ભગવાનનું નિરંતર નામસ્મરણ કરવામાં આવતું હતું. આવી રીતે ભક્તિ સ્વાભાવિક રીતે દૈનિક જીવનનો ભાગ બની ગઈ હતી. આગળ જતાં આ જ સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરા બાપુની પોતાની વિચારધારાના વિકાસનો આધાર બની.

એક સુસંસ્કૃત અને પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મ થયો હોવા છતાં, તેમનાં નાનીએ જાણીજોઈને તેમને કોઈ ઉચ્ચવર્ગીય શાળામાં ન મોકલીને પરેલની ડૉ. શિરોડકર હાઈ સ્કૂલમાં શિક્ષણ અપાવવાનો નિર્ણય લીધો. નાનીની ઇચ્છા હતી કે તેઓ સામાન્ય બાળકો સાથે મોટા થાય, મર્યાદિત સુવિધાઓ ધરાવતા વર્ગોને જે જીવનવાસ્તવિકતાઓનો સામનો કરવો પડે છે તેને સમજે અને સમાજ સાથે તેમનો સંબંધ દૃઢ રહે. આ નિર્ણયે બાપુનાં દૃષ્ટિકોણને ગહનતા આપી અને તેમની અંદર વિનમ્રતા તથા સરળતાનો વધુ વિકાસ કર્યો, જે આજે પણ તેમના અસાધારણ વ્યક્તિત્વની વિશેષતાને ઉજાગર કરે છે.

અત્યંત બુદ્ધિશાળી અને બહુઆયામી વિદ્યાર્થી તરીકે ઓળખાતા બાપુએ ૧૯૭૨માં અગિયારમા ધોરણની મેટ્રિક પરીક્ષા ઉત્તીર્ણ કરી. ત્યારબાદ તેમણે રામનારાયણ રુઈયા મહાવિદ્યાલયમાંથી પ્રથમ વર્ષ વિજ્ઞાન અને ઇન્ટરસાયન્સનું શિક્ષણ મેળવ્યું. વર્ષ ૧૯૭૪માં આ શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે મુંબઈની ટોપીવાળા નેશનલ મેડિકલ કૉલેજ અને બી.વાય.એલ. નાયર હૉસ્પિટલમાં પ્રવેશ લીધો. વર્ષ ૧૯૭૮માં તેમણે એમ.બી.બી.એસ.ની ઉપાધિ પ્રાપ્ત કરી.

ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી તેમણે થોડા મહિનાઓ સુધી ગ્રામીણ મહારાષ્ટ્રમાં સેવા આપી. મર્યાદિત સુવિધાઓ ધરાવતા વિસ્તારોમાં દર્દીઓની સારવાર કરતાં તેમને અત્યંત મૂલ્યવાન વ્યવહારુ અનુભવ પ્રાપ્ત થયાં. ત્યારબાદ વર્ષ ૧૯૮૨માં તેમણે મેડિસિનમાં એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી અને સંધિવાત વિજ્ઞાન (રુમૅટોલોજી)ના ક્ષેત્રમાં વિશેષ પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું.

Child Aniruddha Joshi
અનિરુદ્ધ જોશી

માત્ર શરીરનો જ નહીં, મનનો પણ ઉપચાર કરનારા ચિકિત્સક (ડૉક્ટર)

પોતાના આધ્યાત્મિક કાર્ય દ્વારા અસંખ્ય લોકોના જીવનને સ્પર્શતાં પહેલાં ડૉ. અનિરુદ્ધ જોશી એક પ્રખ્યાત સંધિવાત નિષ્ણાત તરીકે સર્વત્ર આદરપૂર્વક ઓળખાતા હતા. દાદર અને પરેલમાં પોતાનો ચિકિત્સા વ્યવસાય શરૂ કરતાં પહેલાં તેઓ વર્ષ ૧૯૮૫ સુધી નાયર હૉસ્પિટલમાં વ્યાખ્યાતા તરીકે કાર્યરત રહ્યા.

બાપુની ખ્યાતિ માત્ર તેમની ચિકિત્સાકીય નિપુણતાને કારણે નહોતી, પરંતુ દરેક દર્દી સાથે અસાધારણ આત્મીયતાથી વ્યવહાર કરવા તથા તેમને અને તેમના પરિવારજનોને આધાર આપવાને કારણે પણ હતી.

જે અસંખ્ય દર્દીઓ માટે સારવારનો ખર્ચ ઉઠાવવો શક્ય નહોતો, તેમની તેમણે નિઃશુલ્ક સારવાર કરી. દરેક વ્યક્તિના કલ્યાણ પ્રત્યેની તેમની ગહન સંવેદનાએ તેમના ચિકિત્સા વ્યવસાયને કરુણા અને સેવાભાવ સાથે જોડી દીધો હતો.

એક ચિકિત્સક તરીકે માનવીય દુઃખને સમજવામાં વિતાવેલાં વર્ષો આગળ જતાં તેમના આધ્યાત્મિક માર્ગદર્શનની મુખ્ય શક્તિઓમાંની એક બન્યાં. આજે પણ તેમના પ્રવચનોમાં માનવમન, મનુષ્યોના પરસ્પર સંબંધો અને દૈનિક જીવનમાં મનુષ્ય સામે આવતાં ભાવનાત્મક સંઘર્ષો પ્રત્યેની તેમની અસાધારણ સમજ સ્પષ્ટરૂપે જોવા મળે છે.

The Physician Who Healed More Than the Body
માત્ર શરીરનો જ નહીં, મનનો પણ ઉપચાર કરનારા ચિકિત્સક (ડૉક્ટર)

આધ્યાત્મિક કાર્યનો આરંભ

આધ્યાત્મિકતા પહેલેથી જ તેમના જીવનનું કેન્દ્રબિંદુ હતી, પરંતુ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પોતાના જાહેર આધ્યાત્મિક કાર્યનો ઔપચારિક આરંભ વર્ષ ૧૯૯૫માં કર્યો.

તેના પછીના વર્ષે મુંબઈના દાદર સ્થિત શ્રી સમર્થ વ્યાયામ મંદિરમાં દર ગુરુવારે બાપુનાં પ્રવચનોનો આરંભ થયો. તેમની શીખમાં રહેલી સરળતા, સુસ્પષ્ટતા અને વ્યવહારુતાને કારણે સમાજના વિવિધ વર્ગોમાંથી વધુ ને વધુ લોકો તેમની તરફ આકર્ષાવા લાગ્યા. શ્રોતાઓની સંખ્યા વધતાં પ્રવચનોનું સ્થળ ડૉ. એન્ટોનિયો ડિસિલ્વા હાઈ સ્કૂલ અને ત્યારબાદ મુંબઈના બાંદ્રા સ્થિત ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું, જ્યાં આજે પણ ગુરુવારનાં પ્રવચનો આયોજિત થાય છે.

પરંપરાગત ધાર્મિક પ્રવચનોથી અલગ, તેમનાં પ્રવચનો આધુનિક જીવનના પડકારો પર સીધો પ્રકાશ પાડે છે. તેઓ ગહન આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પષ્ટ અને સહજ રીતે સમજાય એવી ભાષામાં સમજાવે છે. તેનાથી શ્રોતાઓને માત્ર આધ્યાત્મિકતા શું છે એટલું જ સમજાતું નથી, પરંતુ દૈનિક જીવનનાં ઉત્તરદાયિત્વો નિભાવતાં આધ્યાત્મિકતાને પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવી એ પણ સમજાય છે.

આધ્યાત્મિકતા અને વિજ્ઞાન વચ્ચેના સાર્થક સંબંધને સ્પષ્ટ કરતાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સમજાવે છે કે સનાતન ધર્મમાં રહેલાં શાશ્વત સત્યો અંધવિશ્વાસ નથી, પરંતુ તર્કસંગત, વિવેકપૂર્ણ અને માનવજીવનને અત્યંત અનુકૂળ એવા સિદ્ધાંતો છે.

ઘણાં શ્રદ્ધાવાનો કહે છે કે તેમના મનમાં અનાયાસે ઊભા થતા પ્રશ્નોના ઉત્તર, પ્રશ્ન પૂછ્યા વિના જ, પ્રવચનો દરમિયાન તેમને મળી જાય છે. જ્યારે કેટલાક લોકો પ્રવચનથી પ્રાપ્ત થયેલા નવા આત્મવિશ્વાસ, માનસિક સ્પષ્ટતા અને જીવનના પડકારોનો વધુ સાહસપૂર્વક સામનો કરવાની શક્તિ લઈને પાછા ફરે છે.

પાછલાં અનેક વર્ષોમાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ વિષ્ણુસહસ્રનામ, લલિતાસહસ્રનામ, રાધાસહસ્રનામ, શ્રીસાઈસચ્ચરિત, રામરક્ષા, બીજમંત્ર, નારદીય ભક્તિસૂત્ર તથા અનેક અન્ય પવિત્ર ગ્રંથો અને જુદા જુદા વિષયો પર વિસ્તૃત પ્રવચનો આપ્યાં છે. આ પ્રવચનોના માધ્યમથી તેમણે આ શાશ્વત જ્ઞાનને આજના જીવનને અનુરૂપ સ્વરૂપમાં રજૂ કર્યું છે.

Sadguru Shree Aniruddha Bapu delivering a pravachan

દૈનિક જીવનમાં આધ્યાત્મિકતા

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની શીખની એક મુખ્ય વિશેષતા તેમનો વ્યવહારુ દૃષ્ટિકોણ છે. તેઓ સમજાવે છે કે ગહન આધ્યાત્મિક જ્ઞાન દૈનિક જીવનમાં કેવી રીતે વ્યવહારુ માર્ગદર્શન પ્રદાન કરી શકે છે.

તેઓ આધ્યાત્મિકતાને આપણા દૈનિક જીવનથી અલગ કરતા નથી. તેનાથી વિપરીત, તેઓ શીખવે છે કે ભક્તિથી માતા-પિતા, પતિ-પત્ની, વ્યવસાયિક, નાગરિક અને એક મનુષ્ય સ્વરુપે આપણાં દરેક ઉત્તરદાયિત્વોને પૂર્ણ કરવાની ક્ષમતા વધવી જોઈએ.

તેઓ વારંવાર આ વાત પર ભાર મૂકે છે કે સાચી આધ્યાત્મિકતાની ઓળખ બાહ્ય દેખાવ, કર્મકાંડો કે સમાજથી દૂર ચાલ્યા જવાથી થતી નથી. તેઓ સ્પષ્ટ કરે છે કે આધ્યાત્મિક પ્રગતિ માટે પોતાના પરિવાર અથવા સાંસારિક ઉત્તરદાયિત્વોનો ત્યાગ કરવો જરૂરી નથી. સંસારથી દૂર ભાગવામાં આધ્યાત્મિક પ્રગતિ નથી, પરંતુ ભગવાને સોંપેલા દરેક ઉત્તરદાયિત્વને પ્રામાણિકતા, પ્રેમ અને ભક્તિ સાથે પૂર્ણ કરતાં સ્વયંમાં પરિવર્તન લાવવામાં છે.

મનને સામર્થ્યવાન બનાવવા માટે અને દૃઢ, સકારાત્મક મનોવૃત્તિ વિકસાવવા માટે બાપુ દ્વારા વિશેષ રૂપે આપવામાં આવતો ભાર, સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શનનું એક વિશિષ્ટ પાસું છે. બાપુનાં અનુસાર જીવનની સૌથી મોટી જીત સૌપ્રથમ પોતાનાં મનમાં પ્રાપ્ત કરવામાં આવે છે. આ જ કારણે શ્રદ્ધાવાનો બાપુનાં તારકમંત્રનો જપ કરે છે -

॥ ॐ मनःसामर्थ्यदाता श्रीअनिरुद्धाय नमः ॥

( ૐ મન:સામર્થ્યદાતા શ્રીઅનિરુધ્ધાય નમ:)

શ્રદ્ધાવાનો બાપુને મનને સામર્થ્ય, સાહસ અને ક્ષમતા પ્રદાન કરનારા સદ્‌ગુરુ રુપે માને છે.

બાપુનું માર્ગદર્શન શ્રદ્ધાવાનોને વિવેકનો સાથ ન છોડતાં શ્રદ્ધા, અંધવિશ્વાસના લેશમાત્રથી રહિત ભક્તિ, અહંકારરહિત સાહસ અને હૃદયની કરુણાને જાળવી રાખીને સફળતા પ્રાપ્ત કરવાની નિરંતર પ્રેરણા આપે છે.

એક પરિવારવત્સલ વ્યક્તિ અને આધ્યાત્મિક માર્ગદર્શક

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનું પોતાનું જીવન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે સાચી આધ્યાત્મિકતાને પારિવારિક અને સાંસારિક જીવનથી અલગ કરવાની જરૂર નથી. તેઓ પોતાની પત્ની, બાળકો અને પૌત્રી પૌત્રો સાથે એક આદર્શ પરિવારવત્સલ વ્યક્તિ તરીકે જીવન વ્યતીત કરી રહ્યા છે. તેમના પુત્ર અને પુત્રી બંને ચિકિત્સાક્ષેત્રમાં કાર્યરત છે અને પોતાના પરિવારની નિઃસ્વાર્થ સેવાની દીર્ઘ પરંપરાને આગળ વધારી રહ્યાં છે.

બાપુ પોતાના જીવન દ્વારા એ દર્શાવે છે કે સાંસારિક ઉત્તરદાયિત્વોને છોડ્યા વગર પણ સર્વોચ્ચ આધ્યાત્મિક આદર્શને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. તેઓ અસંખ્ય શ્રદ્ધાવાનોને ઉત્તમ માતા-પિતા, પતિ-પત્ની, વ્યવસાયિક અને નાગરિક બનતાં આધ્યાત્મિક માર્ગ પર નિરંતર આગળ વધવાની પ્રેરણા આપે છે.

વિજ્ઞાન અને આધ્યાત્મિકતા - બે માર્ગ, એક જ સત્ય

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં પ્રવચનો અને લેખનની અનેક વિશિષ્ટ વિશેષતાઓમાંથી એક છે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો તેમના દ્વારા કરવામાં આવેલો સુંદર સમન્વય.

શ્રદ્ધા અને વિજ્ઞાન એકબીજાના વિરોધી છે, એવી ધારણાને તેઓ દૃઢતાથી નકારે છે.

તેઓ લખે છે -

“વિજ્ઞાન અને ભક્તિ ક્યારેય એકબીજાના ઘાતક નહીં બને, પરંતુ વિજ્ઞાનની સમૃદ્ધિથી ભક્તિના વૈભવમાં વૃદ્ધિ જ થશે અને ભક્તિના સામર્થ્યથી વિજ્ઞાનની સંહારક શક્તિ નબળી પડીને વિધાયક (રચનાત્મક) આવિષ્કારો અધિકાધિક બળવાન બનશે.”

પોતાનાં પ્રવચનો અને લેખનના માધ્યમથી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાનોને વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી (ટેક્નોલૉજી), કૃત્રિમ બુદ્ધિમત્તા (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ Artificial Intelligence), ક્લાઉડ કમ્પ્યુટિંગ (Cloud Computing), નૅનોટેક્નોલૉજી (Nano Technology) અને વૈશ્વિક ઘટનાક્રમોમાં થઈ રહેલી પ્રગતિ સાથે નિરંતર જોડાયેલા રહેવાનો આગ્રહ કર્યો છે. ઝડપથી બદલાતી દુનિયાને સમજવી જરૂરી છે, એ ઓળખીને તેમણે આ વિષયો પર પરિસંવાદો પણ આયોજિત કર્યા છે. શ્રદ્ધાવાનો માહિતીના સ્તરે અદ્યતન રહે, બૌદ્ધિક રીતે જાગૃત રહે અને ભવિષ્યનો સામનો કરવા તૈયાર રહે, એ માટે બાપુએ તેમને પ્રોત્સાહિત કર્યા છે.

બાપુએ નિકોલા ટેસ્લા અને આલ્બર્ટ શ્વાઇત્ઝર જેવા વૈજ્ઞાનિકો તથા દૂરદર્શી વ્યક્તિત્વોના કાર્યથી શ્રોતાઓને અનેક વાર પરિચિત કરાવ્યા છે અને સાથે જ સનાતન ધર્મમાં અંતર્ભૂત શાશ્વત આધ્યાત્મિક સિદ્ધાંતોને પણ સમજાવ્યા છે.

તેમનો દૃષ્ટિકોણ છે કે આધુનિક જ્ઞાન અને પ્રાચીન જ્ઞાનપરંપરા માનવજાતિના કલ્યાણ માટે એકબીજાના પૂરક બને.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ડૉ. નિકોલા ટેસ્લા વિશે માહિતી આપતાં

લેખક, વિચારક અને સંપાદક

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પોતાના વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય દ્વારા પોતાનું આધ્યાત્મિક જ્ઞાન શ્રદ્ધાવાનોને ઉદારતાપૂર્વક પ્રદાન કર્યું છે, જે ભક્તિના માર્ગ પર ચાલનારા અસંખ્ય સાધકોનું આજે પણ માર્ગદર્શન કરી રહ્યું છે અને તેમને પ્રેરણા આપી રહ્યું છે.

શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ

બાપુની મહાન ગ્રંથ સંપદામાંથી એક ગ્રંથ છે ‘શ્રીમદ્‌પુરુષાર્થ અર્થાત્ સત્યસ્મૃતિ’. આ ત્રણ ખંડોનો ગ્રંથ છે - સત્યપ્રવેશ, પ્રેમપ્રવાસ અને આનંદસાધના. વેદો, ઉપનિષદો, ભગવદ્‌ગીતા, રામાયણ, બ્રહ્મસૂત્રો, પુરાણો અને ભારતના મહાન સંતોની શીખમાં રહેલા શાશ્વત જ્ઞાનના આધાર પર આ ગ્રંથત્રયી ગહન આધ્યાત્મિક સત્યોને સરળ અને સહજ ભાષામાં રજૂ કરે છે, જેથી આધુનિક સાધક તેમને સરળતાથી સમજીને પોતાના જીવનમાં ઉતારી શકે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ કહે છે કે આ ગ્રંથો કોઈ નવું દર્શન નથી, પરંતુ ભારતના સનાતન અને શાશ્વત આધ્યાત્મિક જ્ઞાનનું વિનમ્ર સંકલન છે - એવું જ્ઞાન જેણે યુગોથી સાધકોના માર્ગને પ્રકાશિત કર્યો છે અને આજે પણ એટલું જ માર્ગદર્શક છે.

વર્ષ ૨૦૦૫થી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ મરાઠી સમાચારપત્ર ‘દૈનિક પ્રત્યક્ષ’ના કાર્યકારી સંપાદક તરીકે પણ કાર્યરત છે. આ સમાચારપત્રના માધ્યમથી તેઓ આધ્યાત્મિકતા ઉપરાંત અનેક વિષયો પર વાચકો સાથે નિયમિત સંવાદ કરે છે. તેમના સંપાદકીય લેખો સમકાલીન વૈશ્વિક ઘટનાક્રમો, ઇતિહાસ, પર્યાવરણસંબંધિત પ્રશ્નો, અર્થવ્યવસ્થા અને ઊભરતી પ્રૌદ્યોગિકીઓ (ટેક્નોલૉજી) જેવા વિવિધ વિષયો પર પ્રકાશ પાડે છે અને આધ્યાત્મિક સમજની સાથે વિચારપૂર્ણ વિશ્લેષણને પણ નિરંતર પ્રોત્સાહિત કરે છે.

ShreemadPurushartha Grantharaj authored by Sadguru Shree Aniruddha Bapu

નિઃસ્વાર્થ સેવાથી અભિવ્યક્ત થતી ભક્તિ

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં અનુસાર ભક્તિ સ્વાભાવિક રીતે નિઃસ્વાર્થ સેવાનાં માધ્યમથી અભિવ્યક્ત થાય છે.

તેમનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત સંસ્થાઓ દ્વારા માનવતાના હિતમાં કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓ આ જ વિચારધારાથી પ્રેરિત છે.

તેમાં મોટા પાયે આયોજિત રક્તદાન શિબિરો, નિઃશુલ્ક ચિકિત્સા શિબિરો, અનિરુદ્ધાઝ અકૅડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ (AADM)ના માધ્યમથી આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વતૈયારીના કાર્યક્રમો, અન્નપૂર્ણા પ્રસાદમ્, પર્યાવરણને અનુકૂળ ગણેશ પ્રતિમાઓ બનાવવાની પર્યાવરણીય પ્રવૃત્તિઓ અને અન્ય અનેક સમાજકલ્યાણ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

બલવિદ્યાના માધ્યમથી તેમણે પ્રાચીન ભારતીય બલવિદ્યાનું પુનરુત્થાન કર્યું છે અને મહિલાઓને આત્મરક્ષા, આત્મવિશ્વાસ તથા આત્મનિર્ભરતાની તાલીમ આપવા માટે અહિલ્યા સંઘની સ્થાપના કરી છે.

વર્ષ ૨૦૦૫માં બાપુએ ‘અનિરુદ્ધાઝ યુનિવર્સલ બૅન્ક ઑફ રામનામ’ની સ્થાપના કરી અને શ્રદ્ધાવાનોને નિયમિતરૂપે ભગવાનનું નામસ્મરણ કરવાની ટેવ વિકસાવવા માટે પ્રેરિત કર્યા. સમય જતાં જેમ જેમ ડિજિટલ ટેક્નોલૉજીનો વિકાસ થયો, તેમ તેમ આ પ્રવૃત્તિ પણ ડિજિટલ રામનામ વહીઓના માધ્યમથી વિકસિત થઈ, જેથી આ આધ્યાત્મિક ઉપાસના પહેલાંની સરખામણીએ વધુ સરળ બની છે.

‘અનિરુદ્ધાઝ યુનિવર્સલ બૅન્ક ઑફ રામનામ’ જપની માહિતી અને રામનામની મહિમા

બાપુનાં પંચગુરુ

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પોતાની ઓળખ મુખ્યત્વે એક ભક્ત તરીકે આપે છે. તેમનું પોતાનું જીવન અવિરત અને દૃઢ ગુરુભક્તિ તથા પોતાના પંચગુરુઓનાં ચરણોમાં પૂર્ણ સમર્પણનું મૂર્તિમંત ઉદાહરણ છે. બાપુ પોતાના ‘શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ’માં પોતાના પંચગુરુઓનું વર્ણન આ પ્રમાણે કરે છે -

  1. દત્તગુરુ બાપુનાં કરવિતા (કરાવનારા) ગુરુ છે.
  2. શ્રી ગાયત્રીમાતા બાપુનાં વાત્સલ્યગુરુ છે.
  3. શ્રીરામ બાપુનાં કર્તા ગુરુ છે.
  4. મહાપ્રાણ હનુમાનજી બાપુનાં રક્ષક ગુરુ છે.
  5. શ્રી સાઈબાબા બાપુનાં દિગ્દર્શક ગુરુ છે.

આ પંચગુરુઓનાં ચરણોમાં તેમનો અસીમ પ્રેમ, અતૂટ શ્રદ્ધા અને પૂર્ણ સમર્પણ તેમનાં આધ્યાત્મિક જીવનનો મૂળ આધાર છે. આ અવિરત ગુરુભક્તિમાંથી તેમની શીખ, લેખન અને નિઃસ્વાર્થ સેવા સહજરૂપે પ્રવાહિત થાય છે, જે શ્રદ્ધાવાનોને ઈશ્વર અને ગુરુ પ્રત્યેની પોતાની ભક્તિને વધુ દૃઢ બનાવવાની પ્રેરણા આપે છે.

Sadguru Shree Aniruddha Bapu with his Panchaguru
સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પોતાના પંચગુરુઓ સાથે

“હું તમારો મિત્ર છું”

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ અને તેમનાં શ્રદ્ધાવાનો વચ્ચેનાં સંબંધનું સૌથી વિશિષ્ટ પાસું એ છે કે પોતાની ઓળખ આપતાં બાપુ કહે છે -

“હું તમારો મિત્ર છું.”

તેઓ આગળ સ્પષ્ટ કરે છે -

“હું કોઈનો પણ અવતાર નથી. હું પહેલાં પણ અનિરુદ્ધ જ હતો, આજે પણ અનિરુદ્ધ જ છું અને આવતીકાલે પણ અનિરુદ્ધ જ રહીશ.”

તેઓ પોતાના શ્રદ્ધાવાનોને વારંવાર આશ્વસ્ત કરે છે -

બાપુનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવનારાઓ સાથેનાં તેમનાં સંબંધનો મર્મ આ જ શબ્દોમાં પ્રગટ થાય છે.

Sadguru Aniruddha Bapu blessing Shraddhavans at Shree Harigurugram during his Thursday pravachans
સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ ગુરુવારના પ્રવચન દરમિયાન શ્રી હરિગુરુગ્રામ ખાતે શ્રદ્ધાવાનોને આશીર્વાદ આપતાં

મર્યાદા પુરુષાર્થ

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત સંસ્થાઓની સ્થાપના આધ્યાત્મિકતા, આધાર અને આત્મીયતા આ ત્રણ સ્તંભો પર થઈ છે. આ અને અન્ય અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી તેમની દૃષ્ટિ માત્ર વ્યક્તિની આધ્યાત્મિક ઉન્નતિ સુધી સીમિત રહેતી નથી, પરંતુ સમગ્ર માનવજાતિના કલ્યાણ અને હિત સુધી વિસ્તરે છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પોતાની ઓળખ હંમેશા એક પ્રેમાળ મિત્ર તરીકે આપે છે. ‘શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ’માં તેઓ કહે છે કે માનવજાતિને મર્યાદા પુરુષાર્થનાં આદર્શને સમજાવવો, તેને આચરણમાં ઉતારવા માટે સહાયતા કરવી અને મર્યાદા પુરુષાર્થને દૃઢતાથી સ્થાપિત કરવો એ જ તેમનાં જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે. સંત જ્ઞાનેશ્વર મહારાજનાં અભંગની એક ઓવીમાં આ સંકલ્પનાનું સુંદર પ્રતિબિંબ જોવા મળે છે -

“अवघाचि संसार सुखाचा करीन । आनंदे भरीन तिन्हीं लोक ॥”

(અવઘાચિ સંસાર સુખાચા કરીન, આનંદે ભરીન તિન્હીં લોક)

(અર્થાત - સમગ્ર સંસારને સુખી કરીશ, આનંદથી ભરીશ ત્રણેય લોક (આકાશ, પૃથ્વી અને પાતાળ)

આ માત્ર તેમનાં દ્વારા અપનાવવામાં આવેલી એક ઓવી નથી, પરંતુ તેમનાં જીવનનો વાસ્તવિક સંકલ્પ છે, અને આ અનુસાર તેઓ જીવન જીવે છે.

તેમનું દરેક પ્રવચન, દરેક ગ્રંથ, દરેક આધ્યાત્મિક ઉપક્રમ, દરેક સેવાકાર્ય અને તેમનાં માર્ગદર્શન હેઠળ સ્થાપિત દરેક સંસ્થા દુર્બળોને શક્તિ, દુઃખીઓને આશાનું કિરણ, સાધકોને જ્ઞાન અને માનવજાતિને શાશ્વત આનંદ પ્રદાન કરવાનાં પવિત્ર સંકલ્પનાં સાક્ષી છે.

Photo of Sadguru Shree Aniruddha Bapu from his earlier days
Photo of Sadguru Shree Aniruddha Bapu from his earlier days
Sadguru Shree Aniruddha Bapu with his Panchaguru
Sadguru Shree Aniruddha Bapu with his Panchaguru
Sadguru Aniruddha Bapu delivering a Pravachan
Sadguru Aniruddha Bapu delivering a Pravachan
Himalayachi haak written by Aniruddha Bapu in 3rd std
Himalayachi haak written by Aniruddha Bapu in 3rd std
Aniruddha Bapu with Paradkar teacher
Aniruddha Bapu with Paradkar teacher
Bapu's school Dr. Shirodkar High School in Parel, Mumbai
Bapu's school Dr. Shirodkar High School in Parel, Mumbai
School photo of Bapu
School photo of Bapu
Photo of baby Aniruddha (Sadguru Shree Aniruddha Bapu) when He was 7 months old
Photo of baby Aniruddha (Sadguru Shree Aniruddha Bapu) when He was 7 months old
Bapu riding a bicycle
Bapu riding a bicycle
Sadguru Aniruddha Bapu's photo during his wedding
Sadguru Aniruddha Bapu's photo during his wedding
Sadguru Aniruddha Bapu
Sadguru Aniruddha Bapu
Sadguru Aniruddha Bapu
Sadguru Aniruddha Bapu