ઉત્સવમાં કરવામાં આવતી પવિત્ર ઉપાસનાઓ
ધ્વજારોહણ સમારોહ
સૂર્યોદય સમયે ‘વૈદિક રાષ્ટ્રગીત’ના પઠન સાથે ધ્વજારોહણ સમારોહ સંપન્ન થાય છે. આ સમારોહમાં સ્કંદધ્વજ ફરકાવવામાં આવે છે.
શ્રીગણેશ પ્રતિષ્ઠા યાગ
શ્રી માઘી ગણપતિ જન્મોત્સવના આ પાવન દિવસે પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર ‘એકદિન સાધ્ય શ્રીગણેશ પ્રતિષ્ઠા યાગ’ અતિશય વિધિપૂર્વક કરવામાં આવે છે. આ યાગમાં શ્રીગણપતિનાં ‘શ્રીબ્રહ્મણસ્પતિ’ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે.
આ યાગમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીગણેશની મૂર્તિની વિધિવત્ પ્રતિષ્ઠાપના કરવામાં આવે છે. વૈદિક મંત્રપાઠ, હવન, સંકલ્પ તથા અન્ય નિર્ધારિત ધાર્મિક વિધિઓ સાથે આ યાગ ભક્તોનાં જીવનની બાધાઓ દૂર થાય અને તેમના જીવનમાં કલ્યાણ, માંગલ્ય તેમજ સૌહાર્દ જળવાઈ રહે, એ ઉદ્દેશથી સંપન્ન કરવામાં આવે છે.
બપોરના સમયે શ્રીગણેશ જન્મની પવિત્ર વિધિ સંપન્ન થાય છે.
શ્રીબ્રહ્મણસ્પતિ પૂજન અને અભિષેક
આ પાવન અવસરે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં નિવાસસ્થાને નિત્ય પૂજનમાં બિરાજમાન શ્રીગણપતિના ‘શ્રીબ્રહ્મણસ્પતિ’ સ્વરૂપની દિવ્ય મૂર્તિને વિધિપૂર્વક ઉત્સવના પવિત્ર સ્થળે લાવીને તેનું પૂજન કરવામાં આવે છે.
શ્રીબ્રહ્મણસ્પતિના પૂજનમાં ‘નગર પરિક્રમા’ની પવિત્ર વિધિનો પણ સમાવેશ થાય છે. આ વિધિમાં દેવતાની પૂજનીય મૂર્તિને વૈદિક મંત્રોચ્ચાર અને ભક્તિગીતોના જયઘોષ સાથે નિર્ધારિત પરિસરમાં વિધિપૂર્વક શોભાયાત્રા રૂપે લઈ જવામાં આવે છે અને આ રીતે સમગ્ર પરિસરની પરિક્રમા કરવામાં આવે છે.
શ્રીબ્રહ્મણસ્પતિની મૂર્તિ પર અતિશય ભક્તિભાવપૂર્વક પવિત્ર અભિષેક કરવામાં આવે છે. આ મંગલ વિધિ દરમિયાન મંત્રસામર્થ્યથી યુક્ત ‘શ્રીબ્રહ્મણસ્પતિ સૂક્ત’નું પઠન કરવામાં આવે છે.
પૂજનીય ઋષિ ગૃત્સમદ શૌનક દ્વારા માનવજાતને પ્રદાન કરવામાં આવેલું શાશ્વત ‘શ્રીબ્રહ્મણસ્પતિ સૂક્ત’ ઋગ્વેદનાં અતિશય પવિત્ર સૂક્તોમાંનું એક માનવામાં આવે છે. આ સૂક્તનું આધ્યાત્મિક સામર્થ્ય માત્ર વ્યક્તિ અને સમાજ માટે જ નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે પણ કલ્યાણકારી માનવામાં આવે છે. સાથે જ તે દરેક શ્રદ્ધાવાન અને રાષ્ટ્રપ્રેમી નાગરિકમાં નિર્ભયતા તથા સક્ષમતાની ભાવનાને પણ દૃઢ બનાવે છે.
શ્રીગણપતિ અથર્વશીર્ષ પુરશ્ચરણ અને અભિષેક
શ્રીબ્રહ્મણસ્પતિ પૂજન પછી શ્રીબ્રહ્મણસ્પતિની મૂર્તિ પર આઠ પવિત્ર નદીઓમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે અને આ સમયે ગણપતિ અથર્વશીર્ષનું શ્રદ્ધાપૂર્વક પઠન કરવામાં આવે છે.
વિઘ્નવિનાશક પૂજન
જીવનની બાધાઓ અને મુશ્કેલીઓ દૂર થઈને નિર્વિઘ્ન પ્રગતિ તથા કલ્યાણ પ્રાપ્ત થાય, એ માટે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં પવિત્ર સંકલ્પ અનુસાર માઘી ગણપતિ જન્મોત્સવમાં ‘શ્રીવિઘ્નવિનાશક ગણપતિ પૂજન’ કરવામાં આવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાવાનો આ પવિત્ર પૂજનમાં સહભાગી થઈને અતિશય ભક્તિભાવ અને પ્રેમપૂર્વક પૂજન કરે છે.
શ્રી અષ્ટવિનાયક પૂજન અને દર્શન
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ એક અત્યંત ગહન આધ્યાત્મિક સત્ય સમજાવે છે:
“મન, પ્રાણ અને બુદ્ધિથી બનેલા માનવના ત્રિવિધ દેહ તથા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આવશ્યક તેમની સાથે સંબંધિત પ્રક્રિયાઓનું નિયમન શ્રીગણપતિ કરે છે.”
આ આંતરિક વ્યવસ્થાનાં આઠ અતિશય મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્રો શ્રી અષ્ટવિનાયક અર્થાત શ્રીગણેશના આઠ સ્વરૂપોના પ્રત્યક્ષ અને કૃપામય નિયંત્રણમાં હોય છે. ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે સાધકના માર્ગમાં આવતી બાધાઓ અને મુશ્કેલીઓ જે અનેક વાર ખોટા નિર્ણયો અથવા પ્રજ્ઞાપરાધને કારણે ઊભી થાય છે તે શ્રી અષ્ટવિનાયકના ચરણોમાં વિનમ્રતાપૂર્વક પ્રાર્થના કરવાથી પ્રેમપૂર્વક દૂર કરવામાં આવે છે.
આ ઉત્સવમાં શ્રી અષ્ટવિનાયકની બધી મૂર્તિઓનું વૈદિક પદ્ધતિથી પૂજન કરવામાં આવે છે. આ મૂર્તિઓ અષ્ટવિનાયકનાં મૂળ તીર્થક્ષેત્રોમાં સ્થિત તેમનાં દિવ્ય સ્વરૂપોને અનુરૂપ હોય છે. ત્યારબાદ શ્રદ્ધાવાનો શ્રી અષ્ટવિનાયકનાં દર્શન કરે છે. દરેક શ્રદ્ધાવાનને શ્રીબ્રહ્મણસ્પતિ અને શ્રી અષ્ટવિનાયકને પવિત્ર દુર્વા તેમજ લાલ અને સુગંધિત લાલ પુષ્પો અર્પણ કરવાનો મંગલ અવસર પણ પ્રાપ્ત થાય છે.
ભક્તિભાવપૂર્વક અર્પણરૂપે, ઉત્સવ દરમિયાન ‘શ્રીગણપતિ અથર્વશીર્ષ’નું અખંડ પઠન કરવામાં આવે છે. શ્રદ્ધાવાનોને પણ શ્રીબ્રહ્મણસ્પતિ મંત્ર અને અથર્વશીર્ષના ભાવપૂર્ણ પઠનમાં સક્રિય રીતે સહભાગી થવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પઠનથી શ્રદ્ધાવાનોને શ્રીગણેશના દિવ્ય ઊર્જા પ્રવાહ સાથે જોડાવાની અનુભૂતિ પ્રાપ્ત થાય છે.
શ્રદ્ધાવાનો પ્રત્યેના પોતાના નિરપેક્ષ પ્રેમથી સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ બધા શ્રદ્ધાવાનોને નીચેનો ‘શ્રીબ્રહ્મણસ્પતિ મંત્ર’ પ્રદાન કર્યો છે. આ મંત્ર કલ્યાણકારી અને જીવનની બાધાઓને દૂર કરનારો છે:
ૐ શ્રીબ્રહ્મણસ્પતયે પાર્વતીપુત્રાય। મંગલમૂર્તયે ગણપતયે વિશ્વઘનપ્રાણાય। સર્વવિઘ્નનિવારકાય નમો નમઃ॥
શ્રીબ્રહ્મણસ્પતિ અને શ્રી અષ્ટવિનાયકનાં પવિત્ર દર્શનથી શ્રદ્ધાવાનોના જીવનનાં સંકટો અને વિઘ્નો જોતજોતામાં દૂર થવા લાગે છે. સાથે જ સદ્ગુરુની સર્વવ્યાપી પ્રેમમય કૃપાછાયામાં તેમનું જીવન વધુ સમૃદ્ધ અને મંગલમય બનતું જાય છે. આ જ દૃઢ ભક્તિ અને શ્રદ્ધાભાવથી શ્રદ્ધાવાનો દર વર્ષે ‘શ્રી માઘી ગણેશોત્સવ’ ભક્તિપૂર્વક ઊજવે છે.
માતા શિવગંગાગૌરી પૂજન
શ્રીબ્રહ્મણસ્પતિ માતા પાર્વતી અને ગંગામાતાના સંયુક્ત સ્વરૂપ રહેનારા માતા શિવગંગાગૌરીના દિવ્ય પુત્ર છે. તેથી જ્યારે શ્રીગણેશ પ્રતિષ્ઠા યાગ કરવામાં આવે છે, ત્યારે તેની સાથે જ નિર્ધારિત પવિત્ર વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે માતા શિવગંગાગૌરીનું પણ વિધિવત્ પૂજન-અર્ચન અતિશય ભક્તિભાવપૂર્વક કરવામાં આવે છે.
આ પૂજનવિધિ પૂર્ણ થયા પછી અમંગલથી રક્ષા કરતું કવચ માનવામાં આવતી મંગલમય ‘હરિદ્રા’ એટલે કે પવિત્ર હળદર અને પીળાં પુષ્પો માતા શિવગંગાગૌરીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે છે. ઉત્સવના સમાપન સુધી માતા શિવગંગાગૌરીની અષ્ટોત્તરશતનામાવલિનું એટલે કે માતા શિવગંગાગૌરીનાં ૧૦૮ પવિત્ર નામોનું પઠન કરવામાં આવે છે. એવી શ્રદ્ધા છે કે આ નામપાઠથી બધા પ્રકારનાં અમંગલ દૂર થાય છે.
આ દરમિયાન શ્રીબ્રહ્મણસ્પતિ મંત્રનું પઠન કરતાં કરતાં શ્રીબ્રહ્મણસ્પતિને નિરંતર દુર્વા અર્પણ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે.
શ્રીબ્રહ્મણસ્પતિ વિશે વધુ માહિતી : જીવનયાત્રા માટે માર્ગદર્શન
પવિત્ર ધર્મગ્રંથોનાં વર્ણનો અનુસાર શ્રીબ્રહ્મણસ્પતિનાં ચાર દિવ્ય આયુધોનો આપણા પ્રાણમય દેહમાં સ્થિત મૂળાધાર ચક્રની ચાર પાંખડીઓ—આહાર, વિહાર, આચાર અને વિચાર—સાથે અતિશય ગાઢ સંબંધ છે. મૂળાધાર ચક્રની આ ચાર પાંખડીઓ આપણી સાંસારિક અને આધ્યાત્મિક યાત્રાને દિશા આપે છે.
આ ચાર દિવ્ય આયુધોનું મહત્ત્વ અને આપણી ચેતના સાથેના તેમના સૂક્ષ્મ સંબંધને સમજીએ:
પરશુ (કુહાડી)
શ્રીબ્રહ્મણસ્પતિના પરશુનું દિવ્ય કાર્ય આપણા વિચારોને યોગ્ય દિશા આપવાનું છે. પરશુ માનવદેહના વિચાર-કેન્દ્ર પર શ્રીગણપતિના પ્રભાવનું પ્રતીક છે. આ દિવ્ય આયુધ યોગ્ય-અયોગ્ય તથા સારા-ખરાબ વચ્ચેનો ભેદ પારખનારી વિવેકબુદ્ધિને જાગૃત કરે છે, ભ્રમનું આવરણ દૂર કરીને સત્યને સમજવામાં સહાય કરે છે.
પાશ (ફાંસો)
પાશ એ શ્રીબ્રહ્મણસ્પતિનું એવું દિવ્ય આયુધ છે, જે આપણા આચારને યોગ્ય મર્યાદા પ્રદાન કરીને તેનું શુદ્ધીકરણ અને નિયમન કરે છે. આ રીતે પાશ માનવદેહના આચાર-કેન્દ્ર પર શ્રીબ્રહ્મણસ્પતિના માર્ગદર્શક પ્રભાવનું પ્રતીક છે. તે આપણને ‘મર્યાદા’ અર્થાત ઉચિત અને હિતકારી સીમાઓનું મહત્ત્વ સમજાવે છે.
દંત
દંત માનવદેહમાં સ્થિત વિહાર-કેન્દ્ર પર શ્રીબ્રહ્મણસ્પતિના કરુણામય પ્રભાવનું પ્રતીક છે. મનનું નિરંતર ભટકવું, બુદ્ધિની યાત્રા તથા સમય અને અવકાશના વિવિધ સ્તરોના માધ્યમથી સ્થૂળ શરીર અને પ્રાણનું સંચરણ—આ બધામાંથી સુખ-દુઃખનું દ્વંદ્વ ઉત્પન્ન થાય છે. ત્યાગનું પ્રતીક રહેનારો ભગ્નદંત આપણને બિનજરૂરી અને ચિત્તને વિચલિત કરતા વિચારોને છોડી દેવાની તથા મનની અસ્થિર ભટકણને ઓછી કરવાની શીખ આપે છે અને વર્તમાન ક્ષણમાં સ્થિર રહેવાનું માર્ગદર્શન આપે છે.
મોદક (મિષ્ટાન્ન)
મોદક માનવદેહમાં સ્થિત આહાર-કેન્દ્ર પર શ્રીબ્રહ્મણસ્પતિના મંગલમય પ્રભાવનું પ્રતીક છે. તે એવી વ્યવસ્થાનું પ્રતીક છે, જે આપણા સુધી માત્ર સારું, હિતકારી અને ઈશ્વરીય તત્ત્વને અનુરૂપ જ પહોંચે એ માટે કાર્યરત રહે છે. અહીં ‘આહાર’નો અર્થ માત્ર ભોજન ગ્રહણ કરવું એટલો જ નથી; તેમાં મન અને પાંચેય જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં આવતા વિચારો, કલ્પનાઓ, સંસ્કારો અને અનુભૂતિઓનો પણ સમાવેશ થાય છે. આપણે જે કંઈ ગ્રહણ કરીએ, તેને સજાગતા અને વિવેક સાથે ગ્રહણ કરવાનું માધુર્ય મોદક આપણને શીખવે છે.
આ રીતે માઘી ગણપતિ જન્મોત્સવ માત્ર એક ઉત્સવ બની રહેતો નથી, પરંતુ માનવજીવન પર રહેલા શ્રીગણપતિના અખંડ કૃપામય સંરક્ષણનો બોધ કરાવતો પવિત્ર ઉત્સવ બની જાય છે. શ્રીગણપતિ બ્રહ્મણસ્પતિના સ્વરૂપમાં સાધકને તેના અસ્તિત્વના મૂળમાં સ્થિર કરે છે અને તેના વિચાર, આચાર, આહાર તથા વિહારમાં સામંજસ્ય સ્થાપિત કરીને જ્યાં સંભ્રમ ઊભો થયો હોય ત્યાં સંતુલન સ્થાપિત કરે છે.
આ ઉત્સવની ગહન આધ્યાત્મિક ઉપાસનાઓ-વિધિઓ એટલે કે વૈદિક મંત્રપાઠ, અભિષેક, શ્રી અષ્ટવિનાયક દર્શન તેમજ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુના પ્રેમમય માર્ગદર્શનથી માત્ર જીવનની બાધાઓ દૂર થતી નથી, પરંતુ એ જ બાધાઓ આધ્યાત્મિક ઉન્નતિનાં પગથિયાંમાં પરિવર્તિત થાય છે.
અંતે આ બધી અનુભૂતિઓથી શ્રદ્ધાવાનના મનમાં એક દૃઢ અને શાંતિપૂર્ણ વિશ્વાસ અંકુરિત થાય છે. જ્યારે જીવન ભક્તિ સાથે એકરૂપ થઈ જાય છે અને પ્રેમ તથા પવિત્ર ભાવથી ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દેવામાં આવે છે, ત્યારે શ્રીગણપતિ સ્વયં અંતર્યામી માર્ગદર્શક બનીને સાધકને આનંદ, વિવેક અને ચિરંતન માંગલ્યની દિશામાં નિરંતર આગળ લઈ જાય છે.



















