‘मननात्‌ त्रायते इति मन्त्रः|’

(મનનાત્‌ ત્રાયતે ઇતિ મન્ત્રઃ)

જેનું અથવા જેની સહાયથી મનન, ચિંતન અને સ્મરણ કરવાથી સાધકનું દરેક રીતે રક્ષણ થાય છે, તેને ‘મંત્ર’ કહે છે. શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજના તૃતીય ખંડ ‘આનંદસાધના’માં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ મંત્રની આ અતિશય અર્થપૂર્ણ વ્યાખ્યા સમજાવી છે.

મંત્ર માત્ર કેટલાક અક્ષરો અથવા શબ્દોનો સમૂહ નથી હોતો. તે પરમેશ્વરના ચૈતન્ય સાથે બાંધનારો એક જીવંત સેતુ, એક કડી હોય છે. શ્રદ્ધા, પ્રેમ અને નિરંતરતા સાથે કરવામાં આવેલો મંત્રજપ સાધકને એ મંત્રમાં સમાયેલાં દિવ્ય સામર્થ્ય સાથે બાંધે છે. જેમ જેમ મંત્રનો જપ વધતો જાય છે, તેમ તેમ એ મંત્રના દેવતાનું સાનિધ્ય, તેમની કૃપા અને તેમનું સંરક્ષણ ભક્તના જીવનમાં વધુ ને વધુ પ્રગટ થતું જાય છે.

તેથી મંત્રને તે તે દેવતાનું સૂક્ષ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે. મંત્રનો નિત્ય, શ્રદ્ધાપૂર્વક અને પ્રેમપૂર્વક જપ કરવાથી ઇષ્ટદેવતાનું સામર્થ્ય પ્રાપ્ત થવા લાગે છે; સાથે જ આ જપ તેને એ ઇષ્ટદેવતાની સમીપ લઈ જાય છે અને તેમની કૃપાની છાયામાં સુરક્ષિત રાખે છે.

‘ગુરુગીતા’માં ભગવાન શંકર માતા પાર્વતીને ગુરુમંત્રનું મહત્ત્વ સમજાવતાં કહે છે....

‘गुरुमन्त्रो मुखे यस्य तस्य सिद्धयन्ति नान्यथा । दीक्षया सर्वकर्माणि सिद्धयन्ति गुरुपुत्रके ॥’

(ગુરુમન્ત્રો મુખે યસ્ય તસ્ય સિદ્ધયન્તિ નાન્યથા | દીક્ષયા સર્વકર્માણિ સિદ્ધયન્તિ ગુરુપુત્રકે)

તેનો અર્થ એ છે કે જેના મુખમાં અખંડ ગુરુમંત્રનો વાસ હોય છે, તેનાં તમામ કાર્યો સિદ્ધ થાય છે. ગુરુમંત્ર વિના સાચી કાર્યસિદ્ધિ અન્ય કોઈ માર્ગે પ્રાપ્ત થતી નથી. જેના માટે ગુરુ જ સર્વસ્વ છે, એવા ગુરુપુત્રને સદ્‌ગુરુ પાસેથી મંત્રદીક્ષા પ્રાપ્ત થાય છે અને એ મંત્રના સામર્થ્યથી તેનાં પ્રાપંચિક તથા પારમાર્થિક તમામ કાર્યો સફળ થવા લાગે છે.

તેનાથી ગુરુમંત્રની વિશેષતા સહજ રીતે સમજાય છે. સદ્‌ગુરુ દ્વારા આપવામાં આવેલો મંત્ર માત્ર શબ્દોનું ઉચ્ચારણ નથી હોતો; એ મંત્રમાં સદ્‌ગુરુનો સંકલ્પ, તેમનો પ્રેમ, આશીર્વાદ, કૃપા અને તેમનું દિવ્ય સામર્થ્ય એકરૂપ થઈ ચૂક્યાં હોય છે. તેથી ગુરુમંત્ર શિષ્યને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે, નકારાત્મક શક્તિઓથી તેનું રક્ષણ કરે છે અને દરેક તબક્કે તેને યોગ્ય માર્ગદર્શન આપતો રહે છે. સાચા અર્થમાં ગુરુમંત્ર સદ્‌ગુરુ અને શિષ્ય વચ્ચેનો અખંડ, અડગ અને પ્રેમપૂર્ણ સંબંધ છે. આ મંત્ર માત્ર જપ કરવા માટે નહીં, પરંતુ જીવવા માટે હોય છે.

તે શિષ્યના દરેક શ્વાસ, દરેક વિચાર અને દરેક કર્મમાં સદ્‌ગુરુનું સ્મરણ જાગૃત રાખનારું એક દિવ્ય માધ્યમ છે.

આવી આ અમૂલ્ય ગુરુકૃપાનાં રૂપમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ સર્વ શ્રદ્ધાવાનોને જે મહામંત્ર પ્રદાન કર્યો છે, તે છે સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનો સાર્વભૌમ મંત્રગજર.

સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનાં અઢાર વચનોમાંથી એક અતિશય આશ્વાસન આપનારું વચન છે...

‘શરણાગત થઈને કરશે જે ગજર... તેમનાં જીવનમાં સુખ અપરંપાર..’

આ એક વચનમાં સ્વયંભગવાન દ્વારા દરેક શ્રદ્ધાવાનને આપવામાં આવેલું પ્રેમપૂર્ણ આશ્વાસન સમાયેલું છે. જે પૂર્ણ શરણાગત ભાવથી આ મંત્રગજર કરે છે, તેના જીવનમાં અપાર સુખ, સંતોષ અને ભગવત્કૃપાનો અખંડ પ્રવાહ વહેતો રહે છે. દરેક મનુષ્યની એ સ્વાભાવિક ઇચ્છા હોય છે કે તેનું જીવન આનંદમય, સંતોષપૂર્ણ અને સાર્થક બને. પરંતુ આ સાચો આનંદ માત્ર બાહ્ય પરિસ્થિતિઓમાં નથી, પરંતુ પરમેશ્વર સાથે દૃઢ સંબંધ બાંધવામાં છે. તેથી પરમેશ્વરી માર્ગ દ્વારા પોતાના જીવનને સુંદર, સમૃદ્ધ અને મંગલમય બનાવવાની ઇચ્છા ધરાવનાર દરેક વ્યક્તિ માટે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ અતિશય સહજ, બધા માટે આચરણમાં મૂકી શકાય એવો અને દરેક રીતે કલ્યાણકારી માર્ગ આપ્યો છે - સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનો સાર્વભૌમ મંત્રગજર.

આ મંત્રગજર છે...

રામા રામા આત્મારામા ત્રિવિક્રમા સદ્‌ગુરુસમર્થા ।
સદ્‌ગુરુસમર્થા ત્રિવિક્રમા આત્મારામા રામા રામા ॥

સાર્વભૌમ મંત્રના અદ્વિતીય સ્વરૂપ વિશે અને આ મહામંત્ર ‘સાર્વભૌમ’ શા માટે છે, તેનું અત્યંત સુંદર અને સૂક્ષ્મ વિવેચન સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ કર્યું છે. બાપુ કહે છે,

આ મંત્ર સાર્વભૌમ છે, કારણ કે આ અદ્વિતીય, પરિપૂર્ણ અને સર્વતોભદ્ર છે. આ મંત્રની વિશેષતા એ છે કે જ્યાંથી તેનો આરંભ થાય છે, ફરી ત્યાં જ આવીને તે પૂર્ણ થાય છે. આવી રીતે આ મંત્રનું એક પરિપૂર્ણ મંત્રમંડળ બને છે. એનાથી પણ વિશેષ વાત એ છે કે આ મંત્રના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં રહેલા શબ્દો સમાન છે. પરંતુ તેમની રચના એકબીજાથી વિપરીત ક્રમમાં કરવામાં આવી છે. તેના કારણે આ મંત્ર માત્ર શબ્દોના ઉચ્ચારણનો સમૂહ ન રહેતાં ભક્ત અને ભગવાન વચ્ચેનો અખંડ દિવ્ય સંવાદ બની જાય છે.

‘રામા રામા આત્મારામા ત્રિવિક્રમા સદ્‌ગુરુસમર્થા’ આ પૂર્વાર્ધ શ્રદ્ધાવાન દ્વારા સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ અને ત્રિનાથો (પરમેશ્વર દત્તગુરુ, આદિપિતા નારાયણ અને આદિમાતા નારાયણી)નાં ચરણોમાં કરવામાં આવેલી પ્રેમપૂર્ણ પ્રાર્થના છે. જ્યારે ‘સદ્‌ગુરુસમર્થા ત્રિવિક્રમા આત્મારામા રામા રામા’ આ ઉત્તરાર્ધ સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ તરફથી ભક્ત પર વરસતો કૃપાપ્રસાદ છે.

તેથી જ આ મંત્રમાં પ્રાર્થના અને પ્રસાદ, ભક્ત અને ભગવાન, આવાહન અને આશીર્વાદના અદ્વૈત સ્વરૂપનો અનુભવ થાય છે. આ જ કારણે આ મંત્ર સર્વતોભદ્ર છે. તે દરેક રીતે માત્ર કલ્યાણ જ કરે છે. જીવનમાં જે ઉચિત છે તે જ થાય, જે યોગ્ય છે એ જ પ્રાપ્ત થાય અને દરેક પરિસ્થિતિમાં ભગવત્કૃપાનું સંરક્ષણ મળે એ માટે આ મંત્ર નિરંતર કાર્યરત રહે છે.

ભવિષ્યમાં શ્રદ્ધાવાનના જીવનમાં આવનારી કઠિન પરિસ્થિતિઓનું જ્ઞાન સ્વયંભગવાનને પહેલેથી જ હોય છે. તેથી આ મંત્ર પ્રારબ્ધને કારણે ભવિષ્યમાં સર્જાનારી પ્રતિકૂળ પરિસ્થિતિનો સમર્થ રીતે સામનો કરવા માટે ભક્તને અગાઉથી જ તૈયાર કરે છે. તેથી જીવનમાં સુખ હોય કે દુઃખ, સફળતા હોય કે નિષ્ફળતા, અનુકૂળતા હોય કે પ્રતિકૂળતા આ મંત્રગજર શ્રદ્ધાવાનને ક્યારેય એકલો પડવા દેતો નથી. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ કહે છે કે દરેક પરિસ્થિતિમાં તે સામર્થ્ય આપે છે, ધૈર્ય આપે છે, યોગ્ય દિશા દર્શાવે છે અને ભગવત્કૃપાની અનુભૂતિ કરાવતો રહે છે.

વિશુદ્ધ (કંઠકૂપ) ચક્રનું મહત્ત્વ

મનુષ્યના પ્રાણમય દેહમાં સ્થિત વિશુદ્ધ ચક્ર એક અત્યંત મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે. આ ચક્રની સોળ પાંખડીઓ છે અને કંઠકૂપ સ્થાને સ્થિત હોવાને કારણે તેને ‘કંઠકૂપ ચક્ર’ પણ કહેવામાં આવે છે. શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજના દ્વિતીય ખંડ ‘પ્રેમપ્રવાસ’માં આ ચક્રનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ કહે છે...

‘જે પરમેશ્વરી માર્ગ દ્વારા પોતાના જીવનને સુખી બનાવવા માંગે છે, તેના માટે આ ચક્ર અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જે આ ચક્રને જાણે છે, સમજે છે અને એ અનુસાર પોતાનું આચરણ કરે છે, તે જ સાચા અર્થમાં સફળ થાય છે. તે જ મર્યાદામાર્ગનો અધિકારી બને છે અને તે જ પ્રભુ શ્રીરામની વાનરસેનાનો સૈનિક બનવા માટે પાત્ર બને છે.’

પરમેશ્વર દ્વારા મનુષ્યને આપવામાં આવેલી કર્મસ્વતંત્રતા આ વિશુદ્ધ ચક્રને વધુ ને વધુ શુદ્ધ કરવા માટે પ્રદાન કરવામાં આવેલી દિવ્ય ક્ષમતા છે. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ આ ચક્ર સાથે જોડાયેલું એક અત્યંત સુંદર ઉદાહરણ આપે છે. જેમનું વિશુદ્ધ ચક્ર પૂર્ણરૂપે શુદ્ધ છે, તેઓ એકમાત્ર શ્રીહનુમાનજી છે. જેનું વિશુદ્ધ ચક્ર પૂર્ણતઃ અશુદ્ધ છે, તે રાવણ છે. જે અશુદ્ધતામાંથી શુદ્ધતા તરફ નિરંતર યાત્રા કરી રહ્યો છે, તે વાનર છે અને લંકામાં રહેવા છતાં જેમણે પોતાની શુદ્ધતા જાળવી રાખી, તેઓ વિભીષણજી છે. આ વિભીષણજીના માર્ગદર્શક ગુરુ શ્રીહનુમાનજી છે.

માત્ર સ્વયંને નિરંતર શુદ્ધ કરવાની તત્પરતાની જરૂર છે. સામાન્ય મનુષ્યનું વિશુદ્ધ ચક્ર ન તો સંપૂર્ણપણે શુદ્ધ હોય છે અને ન તો સંપૂર્ણપણે અશુદ્ધ. તે મિશ્ર અવસ્થામાં હોય છે. તેથી દરેક શ્રદ્ધાવાને આ ચક્રની શુદ્ધિ માટે પ્રયત્ન કરવા પડે છે. એ માટે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ અત્યંત સહજ અને બધા માટે શક્ય એવો ઉપાય બતાવ્યો છે. તેઓ કહે છે...

‘જે શ્રદ્ધાવાન આ મંત્રગજરની સોળ માળા દરરોજ, ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી કરે છે, તેના વિશુદ્ધ (કંઠકૂપ) ચક્રની તમામ સોળ પાંખડીઓ શુદ્ધ થઈ જાય છે. તેનું વિશુદ્ધ ચક્ર હનુમત્‌-ચક્ર બની જાય છે. ત્યારબાદ તે દરેક જન્મમાં આનંદપૂર્વક આવે છે, આનંદમાં જીવે છે અને અંતે આનંદમાં જ વિલીન થઈ જાય છે.’

આ માત્ર સાધના નથી, પરંતુ મનુષ્યના અંતઃકરણનું દિવ્ય રૂપાંતરણ કરનારી એક અદ્ભુત આધ્યાત્મિક પ્રક્રિયા છે.

પરંતુ દરેક વ્યક્તિની શારીરિક ક્ષમતા, સમય અને પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે, એ સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ સંપૂર્ણપણે જાણે છે. આ જ કારણે તેમણે શ્રદ્ધાવાનો પર કોઈ પણ બંધન ન મૂકતાં પ્રેમપૂર્વક માર્ગદર્શન આપ્યું છે. તેઓ કહે છે કે જેના માટે દરરોજ સોળ માળા કરવી શક્ય ન હોય, તે પોતાની ક્ષમતા અનુસાર, વિશિષ્ટ સંખ્યાપૂર્તિના આગ્રહ વિના, જેટલું શક્ય હોય એટલું મંત્રગજર કરતા રહે. દરેક જપ પ્રેમપૂર્વક સ્વયંભગવાનનાં ચરણોમાં અર્પણ કરતા રહે. આવા શ્રદ્ધાવાનનું જીવન પણ ભગવત્કૃપાથી વધુ ને વધુ સુંદર બનતું રહે છે.

એનાથી સદ્‌ગુરુની શીખનો એક મહત્ત્વપૂર્ણ સંદેશ સ્પષ્ટ થાય છે. પરમેશ્વર માટે સંખ્યા મહત્ત્વપૂર્ણ નથી હોતી, પરંતુ તેની પાછળ રહેલી શ્રદ્ધા, પ્રેમ અને સમર્પણ મહત્ત્વપૂર્ણ હોય છે. જ્યાં ભક્તિભાવ હોય છે, ત્યાં કૃપાનો પ્રવાહ આપોઆપ શરૂ થઈ જાય છે. આ મંત્રગજરને કારણે શ્રદ્ધાવાનના અંતઃકરણમાં પોતાના સદ્‌ગુરુ અને ઇષ્ટદેવતા પ્રત્યેનો પ્રેમ દિવસે-દિવસે વધુ દૃઢ થતો જાય છે. ભક્તિ ક્યારેય બળપૂર્વક ઉત્પન્ન થતી નથી; તે કૃપાથી ખીલે છે અને એ ભક્તિને ખીલવવાનું કાર્ય આ સાર્વભૌમ મંત્રગજર અત્યંત સહજતાથી કરે છે.

શ્રીહરિગુરુગ્રામમાં સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે મંત્રગજર કરતા શ્રદ્ધાવાનો

મંત્રગજર કરતી વખતે આપણો ભાવ કેવો હોવો જોઈએ

મંત્રગજર કરતી વખતે ભાવ કેવો હોવો જોઈએ? દરેક સાધકનો એક અનુભવ હોય છે. મંત્રગજર કરવા બેસતાં જ મન શાંત રહેતું નથી. મનમાં અનેક વિચારો આવે છે. ક્યારેક સારા, ક્યારેક ખરાબ, ક્યારેક સ્મૃતિઓ તો ક્યારેક ચિંતાઓ. ક્યારેક જપ પણ યંત્રવત્ ચાલતો રહે છે. એવા સમયે અનેક લોકોના મનમાં પ્રશ્ન ઊઠે છે કે આવી અવસ્થામાં કરવામાં આવેલ મંત્રગજર ફળદાયી થશે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ અત્યંત પ્રેમપૂર્વક આપે છે. બાપુ કહે છે...

મંત્રગજર કરતી વખતે દરેક સાચા શ્રદ્ધાવાનનાં મનમાં માત્ર એક જ ભાવ હોવો જોઈએ...

‘હું ભગવાનનો દાસ છું.’

આ દાસ્યભાવ એટલે પોતાનું સર્વસ્વ પરમેશ્વરનાં ચરણોમાં સમર્પિત કરવાનો ભાવ. આ ભાવથી કરવામાં આવેલ મંત્રગજર ધીમે ધીમે મનને સ્થિર કરે છે. મનના અસંખ્ય વિચારો આપોઆપ શાંત થવા લાગે છે. કારણ કે મંત્રનું કાર્ય માત્ર જીભ પર થતું નથી. તે અંતઃકરણમાં કાર્ય કરે છે. જે શ્રદ્ધાવાન પોતાના દૈનિક જીવનમાં પણ આ દાસ્યભાવ જાળવી રાખે છે, તેને પાપ બાધા પહોંચાડતું નથી અને પ્રારબ્ધ પણ તેને અસહાય બનાવી શકતું નથી.

કારણ કે એવા ભક્તનું જીવન તેના પોતાના સામર્થ્ય પર નહીં, પરંતુ ભગવત્કૃપા પર ટકેલું હોય છે. ઇષ્ટદેવતાની ભક્તિ અને સાર્વભૌમ મંત્રગજર કરતી વખતે અનેક શ્રદ્ધાવાનોના મનમાં બીજો એક પ્રશ્ન ઊઠે છે કે ‘હું મારા ઇષ્ટદેવતાની ભક્તિ કરું છું; તો શું હું આ મંત્રગજર કરી શકું?’

આ પ્રશ્નનો ઉત્તર પણ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુએ પોતાના અગ્રલેખમાં અત્યંત સુંદર શબ્દોમાં આપ્યો છે.

“દરેક દેવતાનું નામ અંતે કેશવ સુધી જ પહોંચે છે—‘सर्वदेवनमस्कारः केशवं प्रतिगच्छति।’ (સર્વદેવનમસ્કારઃ કેશવં પ્રતિગચ્છતિ) તેથી પ્રત્યેક ઇષ્ટદેવતાનું નામ આ સાર્વભૌમ મંત્રમાં સમાયેલું છે.”

‘કેશવ’ અર્થાત જેઓ દરેક સ્વરૂપમાં છે અને છતાંય સર્વ સ્વરૂપોથી પરે છે. સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમ જ એ કેશવનું મૂળ સ્વરૂપ છે. ‘કેશવ’ તેમનું જ એક નામ છે. તેઓ જ શ્રીરામ છે, એ જ શ્રીકૃષ્ણ છે, એ જ ભગવાન શિવ છે અને એ જ ભગવાન વિષ્ણુ છે.

મંત્રગજર - સંપૂર્ણ પરિવર્તન લાવનારી પરિવર્તનકારી શક્તિ

તેથી સાર્વભૌમ મંત્રગજર કોઈ પણ ઇષ્ટદેવતાથી દૂર લઈ જનાર નથી, પરંતુ દરેક શ્રદ્ધાવાનને પોતાના ઇષ્ટદેવતા સાથે બાંધનાર છે. મનનું પરિવર્તન થવું એ જ પ્રારબ્ધનું પરિવર્તન છે.

સ્વયંભગવાનના જીવંત અસ્તિત્વનો અને તેમના અખંડ પ્રેમનો દરેક ક્ષણે અનુભવ કરવો એ સામાન્ય મનુષ્ય માટે સરળતાથી શક્ય હોતું નથી. મન વારંવાર ગૃહસ્થી તરફ દોડે છે. વિસ્મરણ થાય છે. ભક્તિમાં વિક્ષેપ આવે છે. પરંતુ જ્યારે શ્રદ્ધાવાન પ્રેમપૂર્વક આ મંત્રગજર કરતો રહે છે, ત્યારે માત્ર થોડોક જપ પણ મહાન આધ્યાત્મિક સામર્થ્ય ધારણ કરવા લાગે છે. ક્ષણિક સ્મરણ અખંડ સ્મરણમાં પરિવર્તિત થવા લાગે છે.

આ મંત્રગજર મન પર અત્યંત સૂક્ષ્મ રીતે કાર્ય કરે છે. મનના નકારાત્મક સંસ્કારો, ભય, હીનભાવના, ઈર્ષ્યા, ક્રોધ અને દુર્બળતાનાં બીજ ધીમે-ધીમે ક્ષીણ થવા લાગે છે. એ જ સમયે પ્રેમ, શ્રદ્ધા, ધૈર્ય, સંયમ, ક્ષમા અને વિશ્વાસનાં બીજ સુદૃઢ થતાં જાય છે. મન તમામ ઇન્દ્રિયોનું નેતૃત્વ કરનારી ઇન્દ્રિય છે. તેથી મન શુદ્ધ થતાં અન્ય ઇન્દ્રિયો પણ આપોઆપ યોગ્ય માર્ગ અપનાવવા લાગે છે. આ મંત્રગજર માત્ર મનને યોગ્ય દિશા જ નથી આપતી, પરંતુ શ્રદ્ધાવાનને પ્રારબ્ધ પર વિજય મેળવવા માટે જરૂરી ભગવત્કૃપા પણ પ્રદાન કરે છે.

આજે ઘણાં વર્ષોથી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન હેઠળ અસંખ્ય શ્રદ્ધાવાનો દરરોજ ભક્તિભાવથી આ સાર્વભૌમ મંત્રગજરની સોળ માળા કરી રહ્યાં છે. તેમનાં જીવનમાં આ મંત્રગજરને કારણે થયેલાં અસંખ્ય સકારાત્મક પરિવર્તનો, સંકટોમાં મળેલું સંરક્ષણ, મનમાં થયેલું સંપૂર્ણ પરિવર્તન અને ભગવત્કૃપાની અનુભૂતિ જ આ મંત્રગજરના સામર્થ્યનું જીવંત પ્રમાણ છે.

॥ રામા રામા આત્મારામા ત્રિવિક્રમા સદ્‌ગુરુસમર્થા ।
સદ્‌ગુરુસમર્થા ત્રિવિક્રમા આત્મારામા રામા રામા ॥

Sadguru Shree Aniruddha Bapu immersed in the Mantragajar of Swayam Bhagwan Trivikram at Shree Harigurugram
Sadguru Shree Aniruddha Bapu immersed in the Mantragajar of Swayam Bhagwan Trivikram at Shree Harigurugram
Sadguru Shree Aniruddha Bapu immersed in the Mantragajar of Swayam Bhagwan Trivikram at Shree Harigurugram
Sadguru Shree Aniruddha Bapu immersed in the Mantragajar of Swayam Bhagwan Trivikram at Shree Harigurugram
Sadguru Shree Aniruddha Bapu immersed in the Mantragajar of Swayam Bhagwan Trivikram at Shree Harigurugram
Sadguru Shree Aniruddha Bapu immersed in the Mantragajar of Swayam Bhagwan Trivikram at Shree Harigurugram
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu
Shraddhavans immersed in Mantragajar with Bapu