નિગમકલ્પતરોર્ગલિતં ફલં શુકમુખાદમૃતદ્રવસંયુતમ્ ।
પિબત ભાગવતં રસમાલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકાઃ ॥

શ્રીમદ્‌ભાગવત મહાપુરાણના અતિશય પ્રસિદ્ધ મંગલાચરણ (૧/૧/૩)માં કહેવામાં આવ્યું છે.

અહીં આપણને સમજાય છે કે શ્રીમદ્‌ભાગવત એ વૈદિક વાઙ્મય રૂપી કલ્પવૃક્ષનું સંપૂર્ણપણે પરિપક્વ થયેલું ફળ છે અને આ ફળ વેદવ્યાસપુત્ર શ્રીશુકદેવ ગોસ્વામીના મુખેથી પ્રગટ થયું હોવાથી તે વધુ રસપૂર્ણ બન્યું છે. અહીં આ રસનું વારંવાર પાન કરવાનું કહેવામાં આવ્યું છે.

ભગવદ્‌ભક્તિપ્રધાન શ્રીમદ્‌ભાગવતનો આ રસ જ ભક્તિરસ છે (ઈશ્વર પ્રત્યેના પ્રેમ અને ભક્તિના આનંદનો અનુભવ કરવો). આ ભક્તિરસ મનુષ્યના જીવનને આનંદમય બનાવે છે. ઈશ્વર તથા સદ્‌ગુરુતત્ત્વની ભક્તિમાં તલ્લીન થઈને જે સંતો અને મહાન ભક્તોએ આ રસનો લાભ મેળવી કૃતાર્થતા પ્રાપ્ત કરી, તેઓ આનંદનું ચૈતન્યમય સ્વરૂપ બની ગયા.

સદ્‌ગુરુ સાથે ચાર ‘રસયાત્રાઓ’

ભક્તિના માર્ગે ચાલનારા સંતો અને શ્રેષ્ઠ ભક્તોના માર્ગદર્શનનો સ્વીકાર કરીને પ્રત્યેક સાધક પોતાના જીવનમાં આ ભક્તિરસને આત્મસાત્ કરી શકે, એ જ ઉદ્દેશથી સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન હેઠળ ચાર ‘રસયાત્રાઓ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે ચાર ‘રસયાત્રાઓ’ અને એક ‘ભાવયાત્રા’ કરવાનું મહાન સૌભાગ્ય શ્રદ્ધાવાનોને પ્રાપ્ત થયું.

  • ભક્તગણ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે આ રસયાત્રાઓ પોતાનાં અંતરમાં રહેલાં ભક્તિરસને વધારવા અને ઈશ્વર પ્રત્યેની પોતાની ભક્તિને અધિકાધિક દૃઢ કરવા માટે કરવાનાં હતાં.
  • આ ‘ભક્તિરસ’માં સંપૂર્ણપણે તરબોળ થઈને તેમાં તલ્લીન થવા માટે તેમણે બાપુ સાથે આ પવિત્ર તીર્થયાત્રાઓ કરવાની હતી.
  • ભક્તગણ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે આ રસયાત્રાઓ ભક્તિરસનું અધિકાધિક પાન કરવા માટે કરવાનાં હતાં.

સાઈ સમર્થ વિજ્ઞાન પ્રબોધિનીનાં તત્ત્વાવધાનમાં (સૌજન્યથી) શિરડી, અક્કલકોટ, દેહૂ-આળંદી અને ગોવાની રસયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું. સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાવાનોએ આ રસયાત્રાઓનાં માધ્યમથી ભક્તિરસનો ભરપૂર આનંદ લઈને તેને પોતાનાં જીવનમાં આત્મસાત્ કરવાનો સંકલ્પ કર્યો.

Rasayatra and Bhaavyatra=
રસયાત્રાઓ અને ભાવયાત્રામાં બાપુ

ચાર રસયાત્રાઓનો ક્રમ

સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અને કૃપા-આશીર્વાદથી સ્થાપિત ‘સાઈ સમર્થ વિજ્ઞાન પ્રબોધિની’ સંસ્થાનું નામ જ ચાર ‘રસયાત્રાઓ’નો ક્રમ દર્શાવે છે.

  • સાઈ (શિરડીનાં ‘સાઈનાથ’)
  • સમર્થ (અક્કલકોટનાં ‘સ્વામી સમર્થ’)
  • વિજ્ઞાન (‘જ્ઞાનદેવે રચિલા પાયા, તુકા ઝાલાસે કળસ’ ‘સંત જ્ઞાનેશ્વરે પાયો રચ્યો, સંત તુકારામ તેનાં શિખર બન્યાં’ - આળંદીના સંતશ્રેષ્ઠ શ્રી જ્ઞાનેશ્વર મહારાજ અને દેહૂના સંતશ્રેષ્ઠ શ્રી તુકારામ મહારાજ)
  • પ્રબોધિની (ભક્તોને બોધ પ્રદાન કરનારા જ્ઞાનોપદેષ્ટા શિવજી ‘મંગેશ’ અને તેમનાં અર્ધાંગિની માતા શાંતાદુર્ગા)

આ જ સંકેત-ક્રમ અનુસાર ચાર રસયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું.

પંઢરપુર ભાવયાત્રા

ચાર રસયાત્રાઓના આયોજન બાદ, જેમનાં ચરણોમાં બધા સંતોનો ભાવ એકત્રિત થયો છે, એ શ્રીક્ષેત્ર પંઢરપુરની ભાવયાત્રાનું આયોજન સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન અનુસાર કરવામાં આવ્યું.

ભગવાન વિષ્ણુનું પૃથ્વી પરનું નિવાસસ્થાન અર્થાત ‘ભૂવૈકુંઠ’ તરીકે પૂજનીય પંઢરપુરની માટીના કણ-કણમાં, જળની બુંદ-બુંદમાં અને વાયુનાં અણુ-અણુમાં બધા સંતો અને વારકરીઓનો ભગવાન શ્રીવિઠ્ઠલ પ્રત્યેનો ભક્તિભાવ સંપૂર્ણપણે સમાયેલો છે.

સદ્‌ગુરુ સાથે યાત્રા — એક દુર્લભ વરદાન

પ્રાચીન કાળથી તીર્થયાત્રા કરવી એ ભારતની આધ્યાત્મિક પરંપરાનું અભિન્ન અંગ રહ્યું છે. તીર્થક્ષેત્રોની યાત્રા કરવી પુણ્યદાયી માનવામાં આવે છે. પોતાના સદ્‌ગુરુ સાથે આવાં તીર્થક્ષેત્રોની યાત્રા કરવાની તક મળવી એ શ્રદ્ધાવાનો માટે વિશેષ સૌભાગ્ય હોય છે.

ચાર રસયાત્રાઓ અને એક ભાવયાત્રા કરતા સમયે આપણે સદ્‌ગુરુ સાથે આ યાત્રાઓ કરી રહ્યા છીએ, ભક્તિરસ અને ભક્તિભાવને પોતાના જીવનમાં કેવી રીતે ઉતારવુ એ તેમની પાસેથી શીખી રહ્યા છીએ, તેમની સાથે સત્સંગ કરી રહ્યા છીએ, એ આપણી પાસે વિવિધ ઉપાસનાઓ અને વિવિધ મંત્રોના પાઠ કરાવી રહ્યા છે,

તેમની સાથે આપણે સંતોના અભંગો સહિત વિવિધ ગજર (ધૂન) કરી રહ્યા છીએ, તેમની સાથે આ પાવન ક્ષેત્રોમાં રહેવાનું, વિહાર કરવાનું અને ભક્તિમાં ભાવવિભોર થઈને ભક્તિરચનાઓ ગાતાં ગાતાં નૃત્ય કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છીએ - આ અનુભૂતિથી બધાનાં હૃદય ભાવવિભોર થઈ ઊઠ્યાં હતાં.

“સદ્‌ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થવું એ ખરેખર એક દુર્લભ અને મહાન સૌભાગ્ય છે.”

આવું શ્રીસાઈસચ્ચરિતમાં હેમાડપંતજીએ (શ્રીસાઈનાથની અનુમતિથી સાઈનાથનું ચરિત્ર લખનારા શ્રેષ્ઠ સાઈભક્ત શ્રી ગોવિંદ રઘુનાથ દાભોલકરજીએ) કહ્યું છે.

ગુરુનામ આણિ ગુરુસહવાસ। ગુરુકૃપા આણિ ગુરુચરણપાયસ।
ગુરુમન્ત્ર આણિ ગુરુગૃહવાસ। મહત્પ્રયાસ પ્રાપ્તી હી॥

(ગુરુનું નામ અને ગુરુનું સાનિધ્ય. ગુરુની કૃપા અને ગુરુચરણોનું પાવન તીર્થ.
ગુરુમંત્ર અને ગુરુગૃહમાં નિવાસ. મોટા પ્રયત્નોથી જ આની પ્રાપ્તિ થાય છે.)

ગુરુનું નામ, ગુરુનું સાનિધ્ય, ગુરુની કૃપા, ગુરુનાં ચરણકમળોનું તીર્થ, ગુરુમંત્ર અને ગુરુના નિવાસસ્થાને રહેવાનું સૌભાગ્ય - આ બધાં માત્ર અસીમ પુણ્યથી જ પ્રાપ્ત થનારા આશીર્વાદ છે.

શ્રીસાઈસચ્ચરિત, અધ્યાય ૧, ઓવી ૫૮

Shraddhavans attending Rasaytra with Sadguru Aniruddha Bapu
સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ સાથે રસયાત્રામાં સહભાગી શ્રદ્ધાવાનો