શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્
આવા આ શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં આદિમાતા શ્રીમહિષાસુરમર્દિની જગદંબાનો અવતરણ સમારોહ ૯ ઑગસ્ટ ૨૦૦૯ થી ૧૭ ઑગસ્ટ ૨૦૦૯ દરમિયાન સંપન્ન થયો, જેમાં સ્વયં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ વજ્રમણ્ડલપીઠપૂજનમ્ કર્યું. વર્ષ ૨૦૦૯માં ઘટસ્થાપનાનાં દિવસે એટલે કે નવરાત્રિનાં પ્રથમ દિવસે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા લિખિત ‘શ્રીમાતૃવાત્સલ્યવિન્દાનમ્’ ગ્રંથનું પ્રકાશન થયું.
ત્યારબાદ મંગળવાર, ૩૦ માર્ચ ૨૦૧૦નાં રોજ ચૈત્ર પૂર્ણિમા એટલે કે હનુમાન પૂર્ણિમાનાં પાવન પર્વે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર શ્રીત્રિવિક્રમ લિંગની સ્થાપના થઈ અને એ સમયે બાપુની ઉપસ્થિતિમાં પ્રથમ વખત શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ મંત્રનું પઠન કરવામાં આવ્યું.
ત્યારબાદ ગુરુવાર, ૧ એપ્રિલ ૨૦૧૦નાં રોજ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘શ્રીહરિગુરુગ્રામ’માં અનિરુદ્ધને પ્રેમ કરનારા બધા લોકો માટે ‘શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ મંત્ર’ ઉપલબ્ધ કરાવ્યો અને કહ્યું,
‘જેણે આ ગુરુમંત્રનો સ્વીકાર કરી લીધો છે, તેણે પોતાને ક્યારેય પણ દુર્ભાગ્યશાળી ન સમજવું જોઈએ. કારણ કે આ ગુરુમંત્ર દરેક વ્યક્તિને દેવયાન પથ પર લાવીને સ્થિર કરનાર છે.’
શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ મંત્ર
ૐ શ્રી દત્તગુરવે નમઃ
ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે - સર્વબાધાપ્રશમનં - શ્રીગુરુક્ષેત્રમ્ ।
ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે - સર્વપાપપ્રશમનં - શ્રીગુરુક્ષેત્રમ્ ।
ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે - સર્વકોપપ્રશમનં - શ્રીગુરુક્ષેત્રમ્ ।
ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે - ત્રિવિક્રમનિલયં - શ્રીગુરુક્ષેત્રમ્ ।
ૐ ઐં હ્રીં ક્લીં ચામુણ્ડાયૈ વિચ્ચે - સર્વસમર્થં સર્વાર્થસમર્થં - શ્રીગુરુક્ષેત્રમ્ ।।
ૐ રામાત્મા - શ્રીદત્તાત્રેયાય નમઃ ।
ૐ રામપ્રાણ - શ્રીહનુમન્તાય નમઃ ।
ૐ રામવરદાયિની - શ્રીમહિષાસુરમર્દિન્યૈ નમઃ ।
ૐ રામનામતનુ - શ્રીઅનિરુદ્ધાય નમઃ ।
ૐ માનવજીવાત્મા - ઉદ્ધારક - શ્રીરામચન્દ્રાય નમઃ ।
ૐ માનવપ્રાણરક્ષક - શ્રીહનુમન્તાય નમઃ ।
ૐ માનવવરદાયિની - શ્રીઆહ્લાદિન્યૈ નમઃ ।
ૐ માનવમનઃસામર્થ્યદાતા - શ્રીઅનિરુદ્ધાય નમઃ ।
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ મંત્ર વિશે બોલતાં તેનો મહિમા વર્ણવ્યો. તેમણે કહ્યું:
‘આ શ્રીગુરુક્ષેત્રમ્ મંત્રને જોતાં એવું લાગે છે કે આ ત્રણ અલગ અલગ મંત્રો છે. પરંતુ એવું નથી. આ ત્રણ ભાગોથી બનેલો એક જ મંત્ર છે. તેનાં ત્રણ ભાગ અર્થાત તેનાં ત્રણ રુપ છે - બીજમંત્ર, અંકુરમંત્ર અને ઉન્મીલન મંત્ર.
આપણાં મનમાં જે કંઈ સારું બીજરૂપે વિદ્યમાન છે, તેને અંકુરમાં પરિવર્તિત કરનારો અને જે અંકુરરૂપે છે, તેને ઉન્મીલનમાં પરિવર્તિત કરનારો આ મંત્ર છે.
ઉન્મીલન એટલે કળીમાંથી કર્ણિકા, કર્ણિકામાંથી ફૂલ, ફૂલમાંથી ફળ, ફળમાંથી બીજ અને બીજમાંથી વિશાળ વૃક્ષ બનવાની યાત્રા છે. સંક્ષેપમાં, બીજમાંથી અંકુર અવસ્થા અને અંકુરમાંથી ઉન્મીલન અવસ્થા સુધી લઈ જનારો આ મંત્ર છે.
વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આ મંત્ર દરેક વ્યક્તિનાં સર્વાંગી ઉદ્ધારનો માર્ગ પ્રશસ્ત કરે છે અને દરેક વ્યક્તિને વિકાસની સમાન તક પ્રદાન કરે છે.
અને બીજ, અંકુર તથા ઉન્મીલન - આ ત્રણેય અવસ્થાઓનું મૂળ ‘ૐ શ્રીદત્તગુરવે નમઃ’ આ પરમ મંગલકારી મહામંત્ર છે.’
મંત્રનો મહિમા
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આ મંત્રનો મહિમા વર્ણવતાં કહે છે:
‘આ મંત્ર દરેક વ્યક્તિને ગુરુક્ષેત્રમ્, પંચગુરુઓ અને શ્રી ત્રિવિક્રમની ઓળખ કરાવનારો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ આપણને આપણી પોતાની પણ ઓળખ કરાવનારો મંત્ર છે. આ મંત્રનું પઠન કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કરી શકે છે.’
તેઓ આગળ કહે છે:
‘જ્યારે જ્યારે તમારી સામે કોઈ સમસ્યા આવે અને તમને તમારા “મિત્ર” તરીકે મને પોકારવાની ઇચ્છા થાય, ત્યારે આ મંત્ર બોલજો; અને આમ પણ તેનું પઠન કરતા રહેજો.’
આ મંત્રના સર્વસમાવેશક સ્વરૂપ વિષે બાપુએ સ્પષ્ટ કર્યું:
‘આ ત્રિવિધ મંત્રમાં બધા ગ્રંથો, બધાં ઉપનિષદો અને બધા મંત્રો સમાયેલા છે. જો તમારે કોઈ પણ દેવતાનું ષોડશોપચાર પૂજન કરવું હોય અને તમને બીજું કંઈ આવડતું ન હોય, તો આ ત્રિવિધ મંત્રનું સોળ વખત પઠન કરો અને પ્રત્યેક ઉપચાર સાથે - આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય વગેરે સોળ ઉપચારોથી - પૂજન કરો. તમારું પૂજન પૂર્ણ થઈ જશે.’
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ જાહેર કર્યું:
‘આ મંત્ર મેં માત્ર પ્રવચનમાં આવનારા લોકો માટે આપ્યો નથી, પરંતુ જે તમારો મિત્ર હોય, પોતાનો હોય, જેને બાપુ પ્રત્યે પ્રેમ હોય, એવી દરેક વ્યક્તિ માટે આ ગુરુમંત્ર છે.
આજે, કાલે, પરમ દિવસે, એક મહિના પછી કે એક વર્ષ પછી પણ, જ્યારે શક્ય હોય ત્યારે રાત્રે સૂતી વખતે એક વાર હાથ જોડીને આ અનિરુદ્ધને કહેવું, “હા, મેં આ મંત્રને મારો ‘ગુરુમંત્ર’ સ્વીકાર્યો છે.” એ જ રીતે આવનારા હજારો વર્ષોમાં પણ જે મનુષ્ય આ મંત્રને પોતાનાં ગુરુમંત્ર તરીકે સ્વીકારવા ઇચ્છતો હોય, તેણે આ અનિરુદ્ધને માત્ર એટલું જ કહેવાનું છે કે ‘હે અનિરુદ્ધ! હા, મેં આ મંત્રને મારો ગુરુમંત્ર સ્વીકાર્યો છે.’ આટલું કહેવાથી પણ તેને મંત્ર પ્રાપ્ત થઈ ગયો. આજે પણ અને ગમે ત્યારે પણ! આ મારું વચન છે.’
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં દરરોજ આખો દિવસ આ મંત્રનું પઠન ચાલતું રહે છે અને એ સમયે શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં શ્રી ત્રિવિક્રમ પર અભિષેક થતો રહે છે. તેનાથી ત્યાં ભક્તિમય વાતાવરણનું નિર્માણ થાય છે.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુને તેમનાં પંચગુરુઓ પ્રત્યેનાં અનિરુદ્ધ પ્રેમથી પ્રાપ્ત થયેલો આ વિલક્ષણ મંત્ર અત્યંત પરમ પવિત્ર અને કલ્યાણકારી છે તથા શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ અર્થાત બાપુ અને તેમનાં પંચગુરુઓ સાથે પ્રેમપૂર્વક બાંધીને રાખનાર છે.
ગુરુમંત્ર બધા માટે છે
આ મંત્રનો સ્વીકાર કરવા માટે કોઈ પણ પૂર્વતૈયારીની આવશ્યકતા નથી, કોઈ શરત નથી અને કોઈ બંધન નથી. તેનો સ્વીકાર કરવા માટે કોઈ પણ વિધિ-વિધાનની આવશ્યકતા નથી. કોઈ સ્થળે જઈને તેનો સ્વીકાર કરવાની જરૂર નથી અને કોઈ મધ્યસ્થીની પણ આવશ્યકતા નથી.
જે કોઈ વ્યક્તિ આ મંત્રનો સ્વીકાર કરવા ઇચ્છે છે, તે જ્યાં હોય ત્યાં રહીને પોતાની ઇચ્છાથી તેનો સ્વીકાર કરી શકે છે. તેનો સ્વીકાર કર્યા પછી તેનો જપ કરવા માટે પણ કોઈ બંધન નથી. શૌચ-અશૌચ વગેરે કોઈ પણ બાબત આ મંત્રના જપમાં અવરોધ બની શકતી નથી.
પરમેશ્વરી માર્ગ પર ઉચિત ઉદ્ધાર થાય એવી ઇચ્છા ધરાવતી દરેક વ્યક્તિ આ મંત્રનો સ્વીકાર કરીને પોતાનાં જીવનને આનંદમય બનાવી શકે છે.
અનેક શ્રદ્ધાવાનો અત્યંત વિશ્વાસપૂર્વક શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ મંત્રનું નિયમિત રુપે પઠન કરે છે. સાથે જ, કોઈ સમસ્યા ન આવવા બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પણ તેનું પઠન કરે છે. આ મંત્રને લગતા અનેક અનુભવો શ્રદ્ધાવાનોને પ્રાપ્ત થાય છે.








