રામાનુજાચાર્યની અદ્વિતીય ઉપાસના
રામાનુજાચાર્યે ૩૦૦ વર્ષ પહેલાં અહીં જ શ્રી બાલાજીની ઉપાસના કરી હતી. પોતાના ૧૧ શિષ્યો સાથે રામાનુજાચાર્યે ‘ॐ व्यंकटेशाय नमः’ (ૐ વ્યંકટેશાય નમ:) આ અષ્ટાક્ષરી મંત્રનો સાત કરોડ વાર જપ કરીને આ ઉપાસનાને પૂર્ણતા પ્રદાન કરી હતી. વૈશાખ વિનાયકી ચતુર્થી થી વૈશાખ મોહિની એકાદશીના સમયગાળામાં આ અત્યંત પવિત્ર ઉપાસના સંપન્ન થઈ હતી.
તેના ત્રણસો વર્ષ પછી, ૭ થી ૧૪ મે ૨૦૦૦ દરમિયાન ફરી એક વાર એવો સંયોગ સર્જાયો. આ સમયગાળામાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાનો પાસે ‘ॐ व्यंकटेशाय नमः’ (ૐ વ્યંકટેશાય નમ:) આ અષ્ટાક્ષરી મંત્રનો ‘શ્રી વ્યંકટેશ સપ્તકોટી જપ’ કરાવ્યો. મુંબઈના બાંદ્રા ખાતે હરિગુરુગ્રામ, ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં આ અનુપમ ઉત્સવ સંપન્ન થયો.
‘રામાનુજાચાર્યે જે વિધિવત્ પદ્ધતિથી, જે ભાવ, પ્રેમ અને ભક્તિથી આ ઉપાસના કરી, તેમની ઉપાસનાનો એક લક્ષાંશ જ ભલે હોય, પરંતુ જો તેનો એક નાનકડો અંશ પણ આપણે કરી શકીએ તો એ ખૂબ સુંદર રહેશે. રામાનુજાચાર્ય મહાન હતા, હું બહુ નાનો છું. આપણે બધા બહુ નાના હોઈએ, તો પણ તેમનું અનુસરણ કરવામાં આપણને શું વાંધો છે! આપણે એવું ન વિચારવું જોઈએ કે આપણે નાના છીએ અને તેઓ મહાન છે.
હું કયા માર્ગ પર ચાલું? આ પ્રશ્ન શૌનક મુનિએ પોતાના ગુરુને પૂછ્યો હતો. તેમના ગુરુએ ઉત્તર આપ્યો, ‘येन मार्गेण महाजना गतः’, (યેન માર્ગેણ મહાજના ગતઃ) અર્થાત જે માર્ગ પર શ્રેષ્ઠ પુરુષો ચાલે છે, એ જ માર્ગ પર અવશ્ય ચાલવું જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારનું જોખમ હોતું નથી. રામાનુજાચાર્યના આ જ માર્ગ પર આજે આપણે ચાલવાનું છે.’
શ્રી વ્યંકટેશ સપ્તકોટી જપના આયોજન પહેલાં બાપુએ શ્રદ્ધાવાનોને આ કહ્યું હતું.

સપ્તચક્રો સહિત શ્રી વ્યંકટેશની મૂર્તિ
‘શ્રી વ્યંકટેશ સપ્તકોટી જપ’ ઉત્સવમાં તિરુપતિમાં આવેલી શ્રી વ્યંકટેશની મૂર્તિને હૂબહૂ મળતી સાત ફૂટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી હતી. ભગવાન વ્યંકટેશની એક તરફ પદ્માવતીનું સ્થાન હતું, જ્યારે બીજી તરફ શેષગિરિ વ્યંકટગિરિનું સ્થાન હતું. ભગવાન વ્યંકટેશની મૂર્તિમાં ‘સપ્તચક્રો’ની સ્થાપના કરવામાં આવી હતી. મૂળાધાર ચક્રથી સહસ્રાર ચક્ર સુધી સાતેય ચક્રોની સ્થાપના કરતાં પહેલાં, ૪૯ ભક્તો દ્વારા સાતેય ચક્રોના વિવિધ મંત્રોનો પાઠ તથા અન્ય સાત ભક્તો દ્વારા વિશિષ્ટ મંત્રોનો એક કરોડ વાર પાઠ કરીને આ સપ્તચક્રોને સિદ્ધ કરવામાં આવ્યાં હતાં.
અને ત્યારબાદ જ આ ચક્રોની મૂર્તિમાં સ્થાપના કરવામાં આવી.

જપની પૂર્ણતા અને અભિષેક
‘શ્રી વ્યંકટેશ સપ્તકોટી જપ’ના ઉત્સવ દરમિયાન સવારે ૮ વાગ્યાથી શ્રદ્ધાવાનો મંત્રપાઠ કક્ષમાં આયોજન અનુસાર નિર્ધારિત સ્થાનો પર બેસીને જપ કરતા હતા. આ દરમિયાન દર્શન કરવા માટે આવનારા ભક્તોનાં જપ પણ તેમાં ઉમેરાતા ગયા અને જપની સંખ્યા નિરંતર વધતી રહી. સપ્તકોટી જપ માટે ૭૦૦ ૭૦૦ શ્રદ્ધાવાનોના બે સમૂહ બનાવવામાં આવ્યા હતા. ૭ થી ૧૪ મે ૨૦૦૦ દરમિયાન શ્રદ્ધાવાનો વારાફરતી દરરોજ એક એક કલાકનાં છ સત્રોમાં અત્યંત પ્રેમ અને ભક્તિભાવથી ‘ॐ व्यंकटेशाय नमः’ (ૐ વ્યંકટેશાય નમ:) નો જપ કરતા હતા.
આઠમા દિવસે સવારે જ સાત કરોડ જપ પૂર્ણ થઈ ગયા હતાં. પરંતુ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ જે પ્રમાણે સમજાવ્યું હતું, તે અનુસાર રાત સુધી જપ ચાલુ રહ્યાં. જપની સમાપ્તિ પછી ૧૪ મે ૨૦૦૦ના રોજ ત્રિસાગર સંગમના જળથી અભિષેક કરવામાં આવ્યો અને શ્રી વ્યંકટેશ સહસ્રધારા યજ્ઞ સંપન્ન થયો. આ જપ દરમિયાન પુરુષ ભક્તો દ્વારા તિરુપતિની પરંપરા અનુસાર કરાવવામાં આવેલું મુંડન, એવી જ વિશિષ્ટ વેશભૂષા અને કપાળ પર અષ્ટગંધથી અંકિત નામ (તિલક)ને કારણે ત્યાંનું વાતાવરણ ભક્તિભાવથી છલકાઈ ઊઠ્યું હતું.

‘ॐ व्यंकटेशाय नमः’ (ૐ વ્યંકટેશાય નમ:) જપનું મહત્ત્વ
દરેક મનુષ્ય જીવનમાં આનંદ અને સુખ ઇચ્છે છે અથવા થોડા સમય માટે પ્રાપ્ત થયેલા સુખને નિરંતર જાળવી રાખવા ઇચ્છે છે. પરંતુ તેનો નિશ્ચિત માર્ગ શોધી શકવો સામાન્ય મનુષ્ય માટે ખૂબ કઠિન હોય છે. દરેક મનુષ્યનાં માર્ગમાં તેનું પ્રારબ્ધ અને તેનું પોતાનું મન અવરોધ બનીને ઊભાં રહે છે. આ બંને શત્રુઓને પરાજિત કરનારા કેટલાક મહામંત્રો છે. ‘ॐ व्यंकटेशाय नमः’ ’ (ૐ વ્યંકટેશાય નમ:) તેમાંનો જ એક મહામંત્ર છે.
તેથી આ ઉત્સવમાં સહભાગી થનાર દરેક શ્રદ્ધાવાન આ જપ કરતાં અને તેને પોતાના મનમાં સંઘરીને જ ત્યાંથી બહાર નીકળી રહ્યાં હતાં.
પાપમોચન કુંડ અને પ્રાયશ્ચિત્તની ભાવના
આ સ્થળે ‘પાપમોચન કુંડ’ પણ બનાવવામાં આવ્યું હતું. પાપમોચન કુંડની ચારે તરફ તિરુમલા પર્વત અને પદ્મસરોવરની માટી તથા જળથી બનેલી પવિત્ર ઈંટોને માથા પર રાખીને શ્રદ્ધાવાનો પાપવિમોચન પ્રદક્ષિણા કરતા હતા. પ્રદક્ષિણા દરમિયાન ‘ગોવિંદા ગોવિંદા, જય વ્યંકટેશ ગોપાલા’નો જપ નિરંતર ચાલતો રહેતો હતો. આ ઈંટો અત્યંત પવિત્ર તિરુમલા પર્વત અને પદ્મસરોવરની પવિત્ર માટી તથા પવિત્ર જળથી બનાવવામાં આવી હતી.
‘હે ભગવાન, આજ સુધી મારાથી ઘણી બધી ભૂલો થઈ હશે, પરંતુ ભવિષ્યમાં મારા હાથે ઓછામાં ઓછી ભૂલો થાય.’
પ્રદક્ષિણા કરતી વખતે શ્રદ્ધાવાનો જપની સાથે આ પ્રાર્થના પણ કરતા હતા. આ પ્રાર્થના અને જપ કરતાં શ્રદ્ધાવાનો પોતાની ઇચ્છા અનુસાર પ્રદક્ષિણાનો લાભ લઈ શકતા હતા. સાથે જ શ્રદ્ધાવાનો માટે પોતાની ઇચ્છા અનુસાર નિર્ધારિત દાનમૂલ્ય આપીને ‘તિરુપતિ વ્યંકટેશ રાજોપચાર અભિષેક’ કરવાની સુવિધા પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મહાપુષ્પમ્ અને મહાભોગ
ભગવાન વ્યંકટેશની મૂર્તિને દરરોજ અલંકૃત ‘મહાપુષ્પમ્ હાર’ પહેરાવવામાં આવતો હતો. અર્પણ કરવામાં આવતો મહાભોગ પણ અત્યંત અનોખો અને ભવ્ય હતો.
- ૧. પહેલા અને પાંચમા દિવસે ૧૦૦૮ ફળોનો મહાભોગ હતો.
- ૨. બીજા અને છઠ્ઠા દિવસે ૧૦૦૮ લાડુનો મહાભોગ હતો.
- ૩. ત્રીજા અને સાતમા દિવસે ૧૦૦૮ મમરાના લાડુનો મહાભોગ હતો.
- ૪. ચોથા અને આઠમા દિવસે દહીં ભાતનો મહાભોગ હતો.
આવી રીતે મહાભોગ અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસાદ અનાથાલયોના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને ગરીબોમાં વિતરિત કરવામાં આવ્યો. આ મહાભોગ અર્પણ કરતી વખતે -
‘रमया रमणाय व्यंकटेशाय मंगलम। सर्व लोकनिवासाय श्रीनिवासाय मंगलम्।’
(રમયા રમણાય વ્યંકટેશાય મંગલમ, સર્વ લોકનિવાસાય શ્રીનિવાસાય મંગલમ્)
આ જપનો પાંચ વાર ઉચ્ચાર કરવામાં આવતો હતો.

આરતી, ‘ઠં’ બીજ અને ભક્તિની પરિણતિ
આ ઉત્સવ દરમિયાન થતી આરતી અત્યંત સુંદર હતી. ‘સંતશ્રેષ્ઠ પુરંદરદાસ’ દ્વારા રચિત કન્નડ આરતી અને તમિલનાડુનાં સંત કવયિત્રી ‘દેવી આંડાળ’ની રચના બધા ભક્તો, એ ભાષાઓ ન જાણતા હોવા છતાં, પ્રેમ અને ભક્તિભાવથી ગાતા હતા. દર એક કલાકે આરતી થતી હતી. ઉત્સવના પહેલા જ દિવસે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ આ આરતીનો અર્થ શ્રદ્ધાવાનોને સમજાવ્યો હતો.
આ બાપુએ કહ્યું હતું.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ પોતાના પ્રવચનોમાં ભગવાન વ્યંકટેશ અને વિઠ્ઠલ ભગવાનની કથાઓ સંભળાવી. તેનાથી શ્રદ્ધાવાનોને આ દેવતાઓ સાથે જોડાવામાં અધિક સહાયતા મળી.














