ઉત્સવની પવિત્ર વ્યવસ્થા
મુખ્ય મંચ પર ચંડિકાકુલનું ભવ્ય ચિત્ર હતું. એક તરફ અંજના માતા પોતાના ખોળામાં બાળ મહાપ્રાણ હનુમાનજીને પ્રેમપૂર્વક લીધેલા હતાં, તો બીજી તરફ શતાક્ષી માતા અર્થાત શાકંભરી દેવીનું ચિત્ર હતું. એનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને કૃપાથી ભરાઈ ગયું હતું.
મુખ્ય મંચ તરફ જતા માર્ગ પર પરિક્રમા કક્ષ હતો. આ પવિત્ર માર્ગ પર પચ્ચીસ આરાધ્ય દેવતાઓનાં ચિત્રો રાખવામાં આવ્યાં હતાં. આ ચિત્રોનું અનાવરણ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ કર્યું હતું. તેમની સામે નાળિયેર, ઘઉં અને ફૂલોનાં હાર અર્પણ કરવામાં આવ્યાં હતાં.
શ્રીશ્વાસમ્ ઉત્સવને ત્રણ પરિક્રમાઓમાં વિભાજિત કરવામાં આવ્યો હતો -
- જોગવા પરિક્રમા
- ગુહ્યસૂક્તમ્ પરિક્રમા
- સમર્પણ પરિક્રમા
આ પરિક્રમાનો આરંભ મૂલાર્ક ગણપતિ, આદિમાતા મહિષાસુરમર્દિની, અવધૂત દત્તાત્રેય અને પંચમુખી હનુમાનજી થતો હતો. ત્યારબાદ આદિમાતાનાં વીસ તેજસ્વી સ્વરૂપો હતાં. તેમાં નારાયણી, અંબાબાઈ, બાલ ત્રિપુરા, શ્રીવિદ્યા, રણદુર્ગા, શારદાંબા, ભુવનેશ્વરી, દંડનાથા, તુળજાભવાની, રેણુકા માતા, નિસર્ગમાલિની, મહાગૌરી, મહાસિદ્ધેશ્વરી, મીનાક્ષી, મહાયોગેશ્વરી, અદિતિ (શ્રી શૂન્યનામ્ શૂન્યસાક્ષિણી), અનસૂયા દુર્ગા અને સપ્તશૃંગીનો સમાવેશ થતો હતો.
આ દરેક સ્વરૂપ આદિમાતાની અનંત કરુણા અને શક્તિના એક વિશિષ્ટ પાસાનું પ્રતિનિધિત્વ કરતું હતું.
આ પરિક્રમાનું સમાપન શ્રી ત્રિવિક્રમ અને શ્રી મહાવિષ્ણુનાં દર્શનથી થતું હતું. તેમની સાથે પવિત્ર કૂર્મ પણ હતો, જેની પીઠ પર શ્રી યંત્ર અંકિત હતું.
અત્યંત મંગલમય પ્રતીક માનવામાં આવતા શ્રી યંત્રને આદિમાતાનાં ચરણકમળોમાં રાખવામાં આવ્યું હતું. તે ઈશ્વરીય કૃપા અને વિશ્વના સામંજસ્ય તથા સુસૂત્રતાના સમરસ થવાનું પ્રતીક હતું.
નજીકનાં સભાગૃહોમાં મહાપ્રાણ પંચમુખી હનુમાનજી અને અશ્વિનીકુમારોની સ્થાપના બાપુએ કરી હતી. સભાગૃહની બીજી તરફ ‘ઉષા પુષ્કરિણી કુંડ’ રાખવામાં આવ્યું હતું. જળથી ભરેલા આ કુંડમાં પંચધાતુઓથી નિર્મિત ત્રિવિક્રમ લિંગની પ્રતિષ્ઠાપના કરવામાં આવી હતી. તેનું અનાવરણ પણ બાપુએ કર્યું હતું.
ઉત્સવનું દરેક પાસું આદિમાતા દ્વારા સ્થાપિત ક્રમનું સાક્ષાત્ પ્રતિબિંબ હતું - જ્યાં દરેક પ્રતિમા, દરેક પ્રતીક અને દરેક પવિત્ર વ્યવસ્થા ગહન આધ્યાત્મિક અર્થો અને દિવ્ય સંકેતોથી પરિપૂર્ણ હતાં..
ત્રણ પવિત્ર પરિક્રમાઓ
૪ મે ૨૦૧૫ના રોજ વૈશાખ પૂર્ણિમાના મંગલમય દિવસે સવારે ૮ વાગ્યે આ સમારોહનો આરંભ થયો. આ દિવસના કાર્યક્રમના ત્રણ ચરણ હતા:
- જોગવા પરિક્રમા
- ગુહ્યસૂક્તમ્ પરિક્રમા
- સમર્પણ પરિક્રમા
જોગવા પરિક્રમા
જોગવા પરિક્રમા તરફ જતાં પહેલાં શ્રદ્ધાવાનોના કપાળે નામ લગાવવામાં આવ્યું. સભાગૃહમાં પ્રવેશ કર્યા પછી પરિક્રમા શરૂ કરતાં પહેલાં તેમને મૂષકના ચિત્રવાળો એક કાગળ આપવામાં આવ્યો. શ્રદ્ધાવાનોને તેના પર મૂષકનાં ત્રણ ચિત્રો દોરવા માટે કહેવામાં આવ્યું.
મૂષકનું મહત્ત્વ
બાપુએ સમજાવેલું મૂષકનું મહત્ત્વ આ પ્રમાણે છે -
મૂષક ગણપતિનું વાહન છે અને ગણપતિ મૂળાધાર ચક્રના અધિપતિ છે. આ મૂષક ‘શ્વાસોચ્છ્વાસ’નું પ્રતીક છે. શ્વાસોચ્છ્વાસથી ઊર્જા ઉત્પન્ન થાય છે અને આ જ ઊર્જા શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડવામાં આવે છે.
જે રીતે મૂષક પોતાના દરમાં અંદર બહાર આવતો જતો રહે છે, એ રીતે શ્વાસ લેવાની અને છોડવાની પ્રક્રિયા ચાલતી રહે છે. તેથી મૂષકનું ચિત્ર ત્રણ વાર દોરવાનું હતું. તેના માધ્યમથી શ્વાસ લેવો, તેનું અભિસરણ અથવા અવશોષણ અને શ્વાસ છોડવો - આ ત્રણ પ્રક્રિયાઓ દર્શાવવામાં આવતી હતી.
આ કાગળ પરિક્રમાના બિલકુલ આરંભમાં બિરાજમાન મૂલાર્ક ગણપતિને નીચેની પ્રાર્થના સાથે અર્પણ કરવાનો હતો -
“હે ઘનપ્રાણ, અમારા શ્વાસોચ્છ્વાસ પર નિયંત્રણ રાખો અને અમારા ત્રિવિધ દેહનું રક્ષણ કરો!”
જોગવા પરિક્રમામાં શ્રદ્ધાવાનો દાળ અને ચોખાના દાણા, ત્રણ કેળાં અને કેટલાંક પાંદડાં આદિમાતાને અર્પણ કરતા હતા. આ અર્પણ કરવું સંપૂર્ણપણે શ્રદ્ધાવાનોની ઇચ્છા પર નિર્ભર હતું.
કેટલાક શ્રદ્ધાવાનોને માત્ર આ પરિક્રમામાં સહભાગી થઈ શકવું પણ પરમ સૌભાગ્ય લાગતું હતું. પરિક્રમાના વિશિષ્ટ ક્રમમાં બિરાજમાન આદિમાતાનાં વિવિધ સ્વરૂપોનાં દર્શન કરવાં જ તેમના માટે ખૂબ મોટી વાત હતી.
સમગ્ર પરિસરમાં ‘જય જગદંબ જય દુર્ગે’, ‘ૐ નમશ્ચન્ડિકયૈ’, ‘મા, તમે પ્રેમમયી છો અને હું અંબજ્ઞ છું’, ‘હે સદ્ગુરુ, તમે પ્રેમમય છો અને હું અંબજ્ઞ છું’ જેવા જયઘોષ ગુંજી રહ્યા હતા.
શ્રી ત્રિવિક્રમનાં દર્શનથી આ પરિક્રમા પૂર્ણ થતી હતી. પરિક્રમા પૂર્ણ કર્યા પછી શ્રદ્ધાવાનોના મનમાં એક દૃઢ વિશ્વાસ ઉત્પન્ન થતો હતો ‘ત્રિવિક્રમ જ આપણા જીવનનો એકમાત્ર અને સંપૂર્ણ આધાર છે!’
અહીંથી આગળ એક જળકુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રદ્ધાવાનો નાની સૂપડીમાં લાવેલા ચોખા અને દાળ સાથે બે કેળાં આદિમાતાને અર્પણ કરતા હતા.
આ દાળ અને ચોખા અન્નપૂર્ણા પ્રસાદમ્ યોજના દ્વારા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવતા હતા. ત્રણ કેળાંમાંથી એક કેળું શ્રદ્ધાવાનોને પ્રસાદરૂપે આપવામાં આવતું હતું.
પરિક્રમા પૂર્ણ કર્યા પછી શ્રદ્ધાવાનો મુખ્ય મંચ પર બિરાજમાન ચંડિકાકુલ અને તેની એક તરફ સ્થિત શતાક્ષી માતા એટલે કે શાકંભરી દેવીના આશીર્વાદ લેતા હતા. બીજી તરફ પોતાના ખોળામાં બાળ હનુમાનને લીધેલા અંજના માતાના પ્રેમમય અને વાત્સલ્યપૂર્ણ સ્વરૂપનાં દર્શન પણ કરતા હતા.
શતાક્ષી માતા (શાકંભરી દેવી)નું મહત્ત્વ
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથમાં શતાક્ષી માતાનું મહત્ત્વ સમજાવ્યું છે - સો વર્ષના દુષ્કાળને કારણે મનુષ્યોની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ હતી. આ જોઈને મહર્ષિ અગસ્ત્ય અને અન્ય મહર્ષિઓએ પરાંબા માતાને આર્તભાવથી પોકારી અને તેમના મહિમાનું ગુણગાન કર્યું. ત્યારે ચંડિકા માતા સ્વયં તેમની સમક્ષ પ્રગટ થયાં.
બધા મહર્ષિઓએ એકસ્વરે માતાની સ્તુતિ કરતાં પ્રાર્થના કરી, “હે ચંડિકા માતા, તમારું તેજસ્વી ‘રણ-રાગિણી’ સ્વરૂપ એક તરફ રાખીને પૃથ્વી પર રહેનારાં આપનાં સંતાનોને માતૃકરુણાથી આશીર્વાદ આપો.”
ઋષિઓની આ ઉદાત્ત પ્રાર્થનાનો સ્વીકાર કરીને આદિમાતાએ શાંત અને સૌમ્ય સ્વરૂપ ધારણ કર્યું. આદિમાતાના આ મનોહર સ્વરૂપને સો નેત્ર હતાં. તેથી તેમને ‘શતાક્ષી’ એટલે કે ‘સો નેત્રોવાળી દેવી’ નામ મળ્યું. તેમના હાથમાં કોમળ પાંદડાંની ડાળીઓ, ફૂલો, ફળો, મૂળ, અક્ષય જળપાત્ર, ધનુષ, બાણ અને હળ હતાં. પોતાના સો નેત્રોથી શતાક્ષી માતાએ પૃથ્વી તરફ કરુણાપૂર્વક જોયું અને પૃથ્વી ફરી હરિયાળી તથા ફળદ્રુપ બની ગઈ.
તેમની કૃપા અને મહિમા જોઈને અગસ્ત્ય ઋષિએ તેમને શાકંભરી, અન્નદા અને નીલદુર્ગા નામ આપ્યાં. આ તેજસ્વી શતાક્ષી માતાનું ચિત્ર ‘શ્રીશ્વાસમ્’ ઉત્સવના મુખ્ય મંચ પર રાખવામાં આવ્યું હતું. બાપુએ શાકંભરી માતાને પ્રાર્થના કરી કે આપણી વસુંધરાને સદૈવ સિંચન પ્રાપ્ત થતું રહે, તે ફળદ્રુપ અને સમૃદ્ધ રહે - સુજલામ્, સુફલામ્ અને સમૃદ્ધ બની રહે.
રાષ્ટ્રના આધારસ્તંભ સૈનિક અને ખેડૂત સમૃદ્ધ બને, આ જ ઉદાત્ત ભાવના ‘શ્રીશ્વાસમ્’ ઉત્સવ પાછળ હતી.
પ્રથમ પરિક્રમાનું સમાપન ચંડિકાકુલ, શતાક્ષી માતા અને પોતાના ખોળામાં બાળ મહાપ્રાણ હનુમાનને પ્રેમપૂર્વક લીધેલા અંજના માતાનાં દર્શન અને નમનથી થયું. શક્તિ, કરુણા અને માતૃવાત્સલ્યનું મૂર્તિમંત સ્વરૂપ બનેલી આ પવિત્ર જોગવા પરિક્રમાએ શ્રદ્ધાવાન અને આદિમાતા વચ્ચેના પ્રેમના બંધનને વધુ દૃઢ કર્યું.
શ્રદ્ધાવાનો બે સ્થળોએ લગાવવામાં આવેલ ‘ઝાલર’ની નીચેથી પસાર થતા હતા. આ ઝાલર આદિમાતાના આશીર્વાદનું પ્રતીક હતું અને એક પવિત્ર વસ્ત્રના સ્વરૂપમાં હતું. તેમાંથી એક ઝાલર મુખ્ય મંચની બરાબર પહેલાં હતી અને બીજી દર્શન કર્યા પછી બહાર નીકળતી વખતે હતી.
અનિરુદ્ધ બાપુએ પોતાના પ્રવચનમાં સમજાવ્યું હતું કે ઝાલર બીજું કંઈ નહીં, પરંતુ માતા ચંડિકાની સાડીનો પાલવ જ છે કે જે દરેક શ્રદ્ધાવાનને પોતાના આશ્રયમાં લે છે.

ગુહ્યસૂક્તમ્ પરિક્રમા - વિશ્વનો Healing Code સાંભળવો
મુખ્ય મંચની ડાબી તરફ આવેલા સભાગૃહમાં પંચમુખી હનુમાનજી અને અશ્વિનીકુમારોની મૂર્તિઓ હતી. અહીં શ્રદ્ધાવાનોએ પવિત્ર જળથી ભરેલા નાના કળશ સાથે પરિક્રમા કરવાની હતી. આ પવિત્ર જળ તાપી, ઇન્દ્રાયણી અને પાંઝરા નદીઓમાંથી લાવવામાં આવ્યું હતું.
શ્રદ્ધાવાનો જળથી ભરેલા નાના કળશને ડાબી હથેળી પર રાખીને અને જમણી હથેળીથી તેનું મુખ ઢાંકીને ગુહ્યસૂક્તમ્ સાંભળતાં આ પરિક્રમા કરતા હતા. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ હતું.
આજે આપણે જોઈએ છીએ કે મનુષ્યની સ્થિતિ માત્ર શારીરિક સ્તરે જ નહીં, પરંતુ માનસિક અને બૌદ્ધિક સ્તરે પણ બગડતી જઈ રહી છે. જીવનના સંબંધો, નોકરી-વ્યવસાય, પારિવારિક જીવન, શિક્ષણ, આર્થિક સ્થિતિ વગેરે અનેક સ્તરો પર ‘Healing’ એટલે કે નિરોગીકરણની અત્યંત આવશ્યકતા અનુભવાય છે. દરેક વ્યક્તિ, સમાજ, દેશ અને સમગ્ર વિશ્વ માટે આ નિરોગીકરણ આવશ્યક અને અનિવાર્ય છે. સદ્ગુરુ બાપુએ તેની અત્યંત આવશ્યકતા અનુભવી અને તેના ઉપાય માટે મોટી મા આદિમાતા ચંડિકાને આર્ત પ્રાર્થના કરી.
તેમની આ પ્રાર્થનાનો ઉત્તર છે ‘વૈશ્વિક નિરોગીકરણમ્ ગુહ્યસૂક્તમ્’ અર્થાત ‘The Universal Healing Code – Guhyasuktam’.
જેવી રીતે માતાના ગર્ભમાં શિશુ માત્ર સાંભળતું રહે છે અને માતાનો શ્વાસ તેના સમગ્ર શરીરમાં પ્રવાહિત થતો રહે છે, એવી રીતે શ્રદ્ધાવાનોએ પણ ગુહ્યસૂક્તમ્ એકાગ્ર થઈને સાંભળવાનું છે.
શ્રદ્ધાવાનો જ્યારે Healing Code સાંભળતાં સ્વાભાવિક રીતે શ્વાસ છોડે છે, ત્યારે તેઓ પોતાના તમામ રોગ, દોષ અને અનિષ્ટ બાબતો શ્વાસના માધ્યમથી બહાર છોડે છે. આદિમાતા એ બધું પોતાનામાં સમાવી લે છે, શ્વાસ લે છે અને તેના બદલામાં પોતાના ઉચ્છ્વાસ દ્વારા નિરોગીકરણ શક્તિ બહાર છોડે છે; શ્રદ્ધાવાનો એ નિરોગીકરણ શક્તિને શ્વાસ દ્વારા ગ્રહણ કરે છે.
બાપુ દ્વારા આપવામાં આવેલી આ ભેટ ગુહ્યસૂક્તમ્ પ્રાપ્ત કરીને શ્રદ્ધાવાનોએ પરમ સંતોષનો અનુભવ કર્યો. આ ગુહ્યસૂક્તમ્ ‘વિશ્વનો Healing Code’ છે. તેને સાંભળતી વખતે તેના પ્રેમપૂર્ણ શબ્દો અને લય શ્રદ્ધાવાનોના મનમાં અદ્ભુત શાંતિ, સહજતા, સંતોષ અને તૃપ્તિ પ્રદાન કરતા હતા.
સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત આદિમાતાની આ નિરોગીકરણ શક્તિ ઉત્સવ દરમ્યાન શ્રદ્ધાવાનો પર મુક્તપણે વરસી રહી હતી.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા લિખિત ‘માતૃવાત્સલ્ય ઉપનિષદ’માં વર્ણવેલા વિગતની જેમ જ પોતાના જીવનની યાત્રા શ્રી ત્રિવિક્રમ દ્વારા માર્ગદર્શિત થઈ રહી છે આ જ વિશ્વાસ સાથે શ્રદ્ધાવાનો પરિક્રમા કરતાં આગળ વધી રહ્યા હતા. શ્રદ્ધાવાનોએ માત્ર પૂર્ણ શ્રદ્ધાથી સાંભળવાનું હતું, બરાબર એ જ રીતે જેમ માતાના ગર્ભમાં શિશુ પોતાની માતાનો શ્વાસ સાંભળતું રહે છે.
ગુહ્યસૂક્તમ્ સાંભળતાં જ્યારે તેઓ સ્વાભાવિક રીતે શ્વાસ લે છે, ત્યારે આદિમાતા તેમના શ્વાસમાંથી તમામ પ્રકારની અશુભ બાબતોને પ્રેમપૂર્વક પોતાનામાં સમાવી લે છે અને પોતાના ઉચ્છ્વાસના માધ્યમથી અરુલા વિશ્વવ્યાપી નિરોગીકરણ શક્તિ પ્રદાન કરે છે.
આદિમાતા દ્વારા સ્થાપિત આ શૃંખલાના માધ્યમથી તેમની કૃપા ભક્તના સપ્તચક્રો સુધી પહોંચે છે. ત્યાંથી શ્રી ત્રિવિક્રમ તેને શરીરના દરેક ભાગ, મન, પ્રાણ અને પ્રજ્ઞામાં પ્રવાહિત કરે છે. આ રીતે પંચપ્રાણ અને સપ્તચક્ર સામંજસ્ય તથા સુસૂત્રતા સાથે કાર્ય કરીને સ્વાસ્થ્ય, કલ્યાણ અને આંતરિક સંતુલનને પુનઃસ્થાપિત કરે છે.
ગુહ્યસૂક્તમ્ વાતાવરણમાં ગુંજતું હતું ત્યારે તેનો દરેક અક્ષર કૃપાનું સ્પંદન બની રહ્યો હતો. જાણે સમગ્ર વાતાવરણ જ શાંતિ, સામર્થ્ય અને નિરોગીકરણથી ભરાઈ ગયું હતું. શ્રદ્ધાવાનોને એવો અનુભવ થઈ રહ્યો હતો કે આદિમાતાની અનંત અરુલા તેમને પ્રેમપૂર્વક પોતાના પાલવમાં સમાવી રહી છે.
સદ્ગુરુ બાપુએ શ્રદ્ધાવાનોને જીવનની દરેક પરિસ્થિતિમાં ગુહ્યસૂક્તમ્ સાંભળવા માટે પ્રોત્સાહિત કર્યા - આનંદની ક્ષણોમાં આનંદને વધુ ગહન બનાવવા માટે, દુઃખના સમયે આધાર મેળવવા માટે, દરેક સવારની મંગલમય શરૂઆત માટે, દરેક રાત્રે શાંત નિદ્રા માટે અને બીમારીના સમયે નિરોગીકરણ તથા સ્વાસ્થ્યલાભ માટે પણ.
આજે ગુહ્યસૂક્તમ્ની ધ્વનિમુદ્રિકાઓ મરાઠી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેથી વિશ્વભરના ભક્તો આદિમાતાની નિરોગીકરણ કૃપાની આ અમૂલ્ય ભેટ પ્રાપ્ત કરી શકે છે.
સમર્પણ પરિક્રમા
ગુહ્યસૂક્તમ્ની પ્રદક્ષિણા ઓછામાં ઓછી ત્રણ વાર કર્યા પછી શ્રદ્ધાવાનોએ પાત્રમાં ભરેલું પવિત્ર જળ ઉષા દેવી અને ત્રિવિક્રમને અર્પણ કરવાનું હતું. આ માટે તેઓ સભાગૃહના બીજા છેડે ‘પુષ્કરિણી તીર્થ’ પાસે બિરાજમાન તેમની મૂર્તિઓ તરફ જોઈને જળ અર્પણ કરતા હતા. ‘સપ્તચક્ર સ્વામિની મહાપૂજન’ મોટી મા અર્થાત માતા ચંડિકાની છબીની સામે શ્રીહરિગુરુગ્રામની નજીક (ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ, બાંદ્રા પૂર્વ) આવેલા ‘ઉત્તર ભારતીય સંઘ હૉલ’માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું.
આ મહાપૂજન કર્યા પછી શ્રદ્ધાવાનોએ શ્રીહરિગુરુગ્રામના મુખ્ય મંચ તરફ પાછા ફરવાનું હતું. ત્યાં શતાક્ષી દેવી એટલે કે શાકંભરી દેવીને ફૂલો, શાકભાજી અને ફળો તથા અંજના માતાને ખણ (એક પ્રકારનું બ્લાઉઝ પીસ) અર્પણ કરવાનું હતું. એનાથી કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
શ્રીશ્વાસમ્ ઉત્સવથી શ્રદ્ધાવાનોને પ્રાપ્ત આધ્યાત્મિક લાભ
- વિશ્વવ્યાપી નિરોગીકરણ શક્તિ: ગુહ્યસૂક્તમ્ દ્વારા દરેક શ્રદ્ધાવાન આદિમાતાની અરુલા એટલે કે વિશ્વવ્યાપી નિરોગીકરણ શક્તિ પ્રાપ્ત કરનાર બન્યો - આ માત્ર આદિમાતા અને સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની અનંત કૃપાથી પ્રાપ્ત થનારી અકલ્પનીય કૃપા હતી.
- પૂર્વકર્મોનું નિરસન: શ્રદ્ધાવાનોની દૃઢ આસ્થા છે કે શ્રીશ્વાસમ્ પ્રતિકૂળ પ્રારબ્ધ અને પૂર્વકર્મોના પ્રભાવોને પરિવર્તિત કરવાનું ઈશ્વરપ્રદત્ત માધ્યમ છે.
- શાશ્વત નિરંતરતા: જેમની શ્રદ્ધા અને ભક્તિ અડગ રહે છે, તેમના માટે શ્રીશ્વાસમ્ની કૃપા માત્ર એક જન્મ સુધી સીમિત ન રહીને આગળ પણ ચાલુ રહે છે.
- દિવ્ય દર્શન: કૂર્મની પીઠ પર અંકિત શ્રી યંત્રનાં દર્શન કરવાની તક પ્રાપ્ત થવી એ પોતાનામાં જ એક વિલક્ષણ અને અત્યંત પવિત્ર કૃપા હતી. આ અદ્વિતીય અને વિશેષ પવિત્ર સ્વરૂપ માત્ર બાપુની કરુણાને કારણે જ શ્રદ્ધાવાનોને અનુભવવા મળ્યું.
- દ્વાદશવિધ નિરોગીકરણ: બાપુએ સમજાવેલાં દુઃખના બાર પ્રકારો પર ગુહ્યસૂક્તમ્ કાર્ય કરે છે અને શરીર, મન, પ્રાણ તથા પ્રજ્ઞા વચ્ચે પુન: સામંજસ્ય સ્થાપિત કરે છે.

અનિરુદ્ધ બાપુનાં પરમ આશીર્વાદ
શ્રીશ્વાસમ્ ઉત્સવનું સમાપન પવિત્ર વિશ્વાર્પણ કળશ સમારોહથી થયું. આ અવસરે બાપુએ દરેક શ્રદ્ધાવાનને એક અત્યંત દૃઢ આશ્વાસન આપ્યું -
“મેં મારો શ્વાસ તમને હંમેશા માટે આપી દીધો છે.”
આ શબ્દો માત્ર આશીર્વાદ નહોતાં - તે તેમનાં અવિરત પ્રેમ, સંરક્ષણ અને સદૈવ સાથે રહેવાનાં શાશ્વત આશ્વાસન હતા.
પ્રત્યેક શ્રદ્ધાવાને એવી પરિપૂર્ણતાનો અનુભવ કર્યો, જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નહોતું. જાણે સ્વયં આદિમાતા જ તેમનાં હૃદયમાં નવજીવનનો શ્વાસ ભરી રહ્યાં હતાં.













