રામજન્મનો પવિત્ર સમારોહ
રામનવમી ઉત્સવનું મુખ્ય આકર્ષણ બપોરનાં સમયે ઊજવવામાં આવતો શ્રીરામનો દિવ્ય જન્મોત્સવ અર્થાત રામજન્મ છે. પરમપૂજ્ય સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન અનુસાર નવજાત ભગવાનને પારણામાં ધીમે-ધીમે ઝુલાવતાં શ્રદ્ધાવાનો પ્રેમપૂર્વક પરંપરાગત
“कुणी गोविंद घ्या, कुणी गोपाळ घ्या.... बाळा जो जो रे”
(કુણી ગોવિંદ ઘ્યા, કુણી ગોપાળ ઘ્યા.... બાળા જો જો રે”)
અર્થાત ‘કોઈ ગોવિંદને લો, કોઈ ગોપાળને લો...’ સાથે ‘બાળા જો જો રે...’ આ પરંપરાગત પારણા ગીત (નાનાં બાળકોને પારણામાં સુવડાવવા માટે ગવાતું ગીત) ગાય છે.
ત્યારબાદ નામકરણ સંસ્કાર સંપન્ન થાય છે અને ‘શ્રીરામ’ આ પવિત્ર નામની વિધિવત્ જાહેરાત કરવામાં આવે છે. ત્યારપછી સાકર અને સૂંઠના ચૂર્ણમાંથી બનાવેલ પરંપરાગત પંજરી પ્રસાદરૂપે આપવામાં આવે છે. ત્યારબાદ શ્રદ્ધાવાનોને પારણાની સાથે તેમાં બિરાજમાન બાળસ્વરૂપ શ્રીરામના પ્રતીકાત્મક સ્વરૂપનાં દર્શનનો લાભ મળે છે. આ રીતે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના દિવ્ય અવતરણ સમારોહમાં સહભાગી થઈને તેનો આનંદ અનુભવવાનું સૌભાગ્ય શ્રદ્ધાવાનોને પ્રાપ્ત થાય છે.
રેણુકામાતા પૂજન
આ ઉત્સવમાં ‘રેણુકામાતા પૂજન’ કરવામાં આવે છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુજીના નિવાસસ્થાને રહેલા જગદંબાના તાંદળા એટલે કે માતૃપાષાણનું મંગલવાદ્યોના નાદ સાથે આગમન થાય છે અને એ માતૃપાષાણનો અભિષેક તથા પૂજન કરવામાં આવે છે. ત્યારબાદ બધા શ્રદ્ધાવાનો મા જગદંબાનાં ભાવપૂર્ણ દર્શન કરી શકે છે.
શ્રીરામવરદાયિની મહિષાસુરમર્દિની નવરાત્રિ પૂજન
રામનવમી ઉત્સવમાં ‘શ્રીરામવરદાયિની મહિષાસુરમર્દિની નવરાત્રિ પૂજન’ કરવામાં આવે છે. આદિમાતા મહિષાસુરમર્દિનીને ‘રામવરદાયિની દુર્ગા’ આ નામ કેવી રીતે પ્રાપ્ત થયું, તેની કથા રામાયણમાં આવે છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા લિખિત ‘માતૃવાત્સલ્યવિંદાનમ્’ ગ્રંથમાં પણ આ સંબંધમાં વિસ્તૃત વર્ણન જોવા મળે છે. જ્યારે શ્રીરામ-રાવણ યુદ્ધ વધુ ને વધુ વિકરાળ બનવા લાગ્યું અને પ્રલયાગ્નિ સમાન જણાવા લાગ્યું, ત્યારે શ્રીહનુમાનજીનાં સૂચન અનુસાર પ્રભુ શ્રીરામચંદ્રે આદિમાતાનાં ‘અશુભનાશિની સ્તવન’નો પાઠ શરૂ કર્યો.
મધ્યરાત્રિના સમયે રણભૂમિમાં એ અષ્ટાદશભુજા મહિષાસુરમર્દિની પ્રગટ થયાં અને તેમણે
‘શ્રીરામને વિજય પ્રાપ્ત થશે’
એવા આશીર્વાદ આપ્યાં. ત્યારબાદ રાવણનો વધ કરીને શ્રીરામ વિજયી થયા; ત્યારે તેઓ આદિમાતા ત્રિપુરામ્બા મહિષાસુરમર્દિની સ્વરૂપે પ્રગટ થયાં અને
‘रामो राजमणि: सदा विजयते’
(રામો રાજમણિ: સદા વિજયતે)
આ વર આપીને અંતર્ધાન થઈ ગયાં. આ વરને કારણે ‘રામનામ’ તારકમંત્ર બની ગયું અને મહિષાસુરમર્દિનીનાં આ અવતારને ‘રામવરદાયિની દુર્ગા’ નામ પ્રાપ્ત થયું.

શ્રી સાઈ સત્પૂજન
આ ઉત્સવમાં ‘શ્રીસાઈ સત્પૂજન’ કરવામાં આવે છે. સાઈસચ્ચરિતકાર હેમાડપંતને શિર્ડીનિવાસી શ્રીસાઈનાથે ૧. રુદ્રાક્ષમાળા, ૨. ત્રિશૂળ અને ૩. શાલિગ્રામ આ ત્રણ વસ્તુઓ આપી હતી. આ ત્રણેય વસ્તુઓને સાઈનિવાસથી ઉત્સવસ્થળે લાવીને ભક્તિભાવથી તેમનું પૂજન કરવામાં આવે છે. પૂજન પછી ત્યાં અખંડ ‘શ્રીઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર’નો પાઠ કરવામાં આવે છે.
શ્રી સાઈનાથ મહિમ્ના-અભિષેક - દરેક પરિવાર માટે આશીર્વાદ
આ સાથે જ શ્રીસાઈસદાશિવ મૂર્તિ પર ‘શ્રીસાઈનાથ મહિમ્નાભિષેક’ કરવામાં આવે છે. આ સમયે દરેક ભક્ત પ્રતીકાત્મક પૂજાભિષેક કરી શકે છે. શ્રદ્ધાવાનોનો વિશ્ર્વાસ છે કે આ અભિષેક પરિવારનાં બધા સભ્યોનાં સ્વાસ્થ્ય માટે લાભદાયક અને વિશેષરૂપે ઘરના નાનાં બાળકો માટે ઉપયોગી હોય છે.
તળીભરણ - પ્રેમ અને કૃતજ્ઞતાનો અર્પણભાવ
તળીભરણ (શાબ્દિક અર્થ, ‘પવિત્ર થાળી ભરવી’) પોતાનાં આરાધ્ય દેવતા પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવતી આત્મીય પરંપરાગત વિધિ છે. આ પવિત્ર અર્પણ દ્વારા શ્રદ્ધાવાનો પોતાના પરિવારના કલ્યાણ, સમૃદ્ધિ, સુરક્ષા અને વંશપરંપરાની અખંડતા માટે ભગવાન પાસે આશીર્વાદ માંગે છે.
મંગલવાદ્યોના નાદ સાથે ‘રક્ષ રક્ષ સાઈનાથ, શ્રી સાઈરામ’નો જપ કરતાં જ્યારે કોઈ શ્રદ્ધાવાન ‘તળીભરણ’ કરે છે, ત્યારે એ શ્રદ્ધાવાનને અન્નદાનનું પુણ્ય અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, તેથી શ્રદ્ધાવાનો આ ‘તળીભરણ’ વિધિમાં આનંદપૂર્વક સહભાગી થાય છે.
રામનામ મંત્રજપ અને બુક્કાનો પવિત્ર આદાનપ્રદાન
ઉત્સવસ્થળે
‘ॐ रामाय रामभद्राय रामचंद्राय नम:।’
(ૐ રામાય રામભદ્રાય રામચંદ્રાય નમ:)
આ મંત્રનો જપ આખો દિવસ અખંડ ચાલતો રહે છે. પાઠ કરનારા શ્રદ્ધાવાનો એકબીજાના કપાળે બુક્કો લગાવીને નમસ્કાર કરે છે. ભક્તોની શ્રદ્ધા છે કે જેના કપાળે બુક્કો લગાવવામાં આવે છે, તેને ભક્તશ્રેષ્ઠ પુંડલિકનું સ્વરૂપ માનવામાં આવે છે અને બુક્કો લગાવનારના હાથ જાણે ભક્તશ્રેષ્ઠ પુંડલિકના જ હાથ હોય છે. આ જ ભાવ સાથે તેઓ ભક્તિપૂર્વક પાઠ કરે છે.
શ્રીસાઈસચ્ચરિત્ર અધ્યયન કક્ષ
રામનવમી ઉત્સવસ્થળે એક કક્ષમાં શ્રીસાઈસચ્ચરિત્રનાં એક અધ્યાયનો સામૂહિક અખંડ પાઠ ચાલતો રહે છે. આ કક્ષને ‘શ્રીસાઈસચ્ચરિત્ર અધ્યયન કક્ષ’ અથવા ‘આદ્યપિપા કક્ષ’ પણ કહેવામાં આવે છે.
આદ્યપિપા (શ્રી સુરેશચંદ્ર વૈદ્ય) સાઈનાથનાં અનન્ય ભક્ત અને સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં શ્રેષ્ઠ શ્રદ્ધાવાન હતા. શ્રીસાઈસચ્ચરિત્રમાં જણાવ્યા અનુસાર દર વર્ષે ‘શ્રીરામનવમી’, ‘ગુરુપૂર્ણિમા’, ‘શ્રીકૃષ્ણ જયંતી’ અને ‘દશેરા આ ચાર પવિત્ર દિવસોએ તેમનાં શ્રીસાઈસચ્ચરિત્ર સપ્તાહનું સમાપન થતું હતું. આ તેમનો ૬૦ વર્ષનો નિયમ હતો. વાસ્તવમાં શ્રીસાઈસચ્ચરિત્રના ૧૧મા અધ્યાયમાં વર્ણવાયેલી
‘अखंड राम लाधाल’
(અખંડ રામ મળ્યાં)
આ પંક્તિ તેમના જીવનમાં સત્ય સિદ્ધ થઈ હતી. આ કક્ષમાં પ્રવેશ કરનાર દરેક શ્રદ્ધાવાન આદ્યપિપા જેવાં પૂર્ણ શ્રદ્ધાવાન બનવાનો સંકલ્પ લઈને શ્રીસાઈસચ્ચરિત્રનાં અધ્યાયનો પાઠ કરે છે.
ઉત્સવનું સમાપન - સંકલ્પ લઈને ઘરે પરત ફરતી વખતે
દિવસ પૂરો થવાની સાથે સાઈરામ સહસ્રયજ્ઞનું સમાપન થાય છે અને મહાઆરતી સાથે રામનવમી ઉત્સવ પૂર્ણ થાય છે. દરેક શ્રદ્ધાવાન નવા ઉત્સાહ અને અંતઃકરણમાં નવજાગૃત સંકલ્પ સાથે ઘરે પરત ફરે છે. અનિરુદ્ધ મહાવાક્ય અનુસાર જીવન જીવવાનો દૃઢ નિશ્ચય લઈને -
युद्ध करेंगे मेरे राम। समर्थ दत्तगुरु मूल आधार।
मैं वानर सैनिक साचार। रावण मरेगा निश्चित ही॥(યુદ્ધ કરેંગે મેરે રામ સમર્થ દત્તગુરુ મૂલ આધાર
મૈં વાનર સૈનિક સાચાર રાવણ મરેગા નિશ્ચિત હી)
અર્થ - યુદ્ધ કરશે મારા રામ, સમર્થ દત્તગુરુ મૂળ આધાર
હું વાનર સૈનિક સાચા,ર રાવણ મરશે નિશ્ર્ચિત




















