શ્રી જગન્નાથ અષ્ટતીર્થધામ મહોત્સવની પુરીઓ અને ધામ
શ્રી જગન્નાથ અષ્ટતીર્થધામ મહોત્સવમાં શ્રીજગન્નાથ ક્ષેત્ર સાથે શ્રી સંતપુરી, યજ્ઞપુરી અને મોક્ષપુરી આ ત્રણ પુરીઓ તથા શ્રી પતિતપાવન ધામ, શ્રી હયગ્રીવ ધામ, શ્રી સાવિત્રી ધામ, પિતૃધામ અને અનિરુદ્ધ ધામ આ પાંચ ધામોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે આપણે આ દરેક ધામ અને તેની વિશેષતાઓ વિશે જાણીશું.
શ્રી સંતપુરી
‘श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा राधे...’
(શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા રાધે...’)
આ નામસંકીર્તનમાં સંપૂર્ણપણે તલ્લીન થઈ જવાનો અનુભવ માત્ર શ્રી સંતપુરીમાં જ પ્રાપ્ત કરી શકાતો હતો. શ્રીકૃષ્ણના પવિત્ર નામનો અખંડ જપ ચાલતો રહેવાને કારણે સંતપુરી જાણે સર્વ સંતોનું નિવાસસ્થાન બની ગઈ હતી. ભક્તિભાવથી ઓતપ્રોત આ વાતાવરણમાં દરેક શ્રદ્ધાવાનને શ્રી ગૌરાંગચૈતન્ય મહાપ્રભુની સાક્ષાત્ ચૈતન્યમય ઉપસ્થિતિનો અનુભવ થતો હતો.
યજ્ઞપુરી
અગ્નિ, દીપ, આરતી, ધુની અને પવિત્ર જ્યોતિને યજ્ઞપુરુષના પાંચ મૂળભૂત ઘટકો માનવામાં આવે છે. યજ્ઞ આચારસંહિતા અનુસાર યજ્ઞપુરીમાં પાંચ પ્રકારના યજ્ઞ સંપન્ન કરવામાં આવી રહ્યા હતા. ત્યાં શ્રીદત્તગુરુ, શ્રીજગન્નાથ, શ્રીરામ, શ્રીપરબ્રહ્મ અને શ્રીચતુર્વ્યૂહના મંત્રોનો નિરંતર પાઠ કરવામાં આવતો હતો.
મોક્ષપુરી
મોક્ષપ્રાપ્તિની સંકલ્પના ભારતીય મનને સદાય વિશેષરૂપે આકર્ષિત કરતી આવી છે. મોક્ષપુરીમાં જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભનાથજીની મૂર્તિ પ્રતિષ્ઠાપિત કરવામાં આવી હતી. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. અહીં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ એક કરોડ નવકાર મંત્રજપનો સંકલ્પ કર્યો હતો. પરંતુ શ્રદ્ધાવાનોની ભક્તિ અને ઉત્સાહને કારણે કરવામાં આવેલા મંત્રજપની કુલ સંખ્યા આ પવિત્ર સંકલ્પથી પણ વધી ગઈ.
નવકાર મંત્રને અત્યંત શ્રેષ્ઠ અને પવિત્ર મંત્રોમાંનો એક માનવામાં આવે છે તથા પોતાના આધ્યાત્મિક સામર્થ્યને કારણે તે અત્યંત પૂજનીય માનવામાં આવે છે.
શ્રી જગન્નાથ અષ્ટતીર્થધામ મહોત્સવ દરમ્યાન મોક્ષપુરીમાં ભગવાન ઋષભનાથજીની મૂર્તિ

‘શ્રીહયગ્રીવ’ ધામ
‘હયગ્રીવ’ અર્થાત અશ્વમુખવાળા મહાવિષ્ણુના અવતાર. શક્તિના પ્રતીક હયગ્રીવ સાથે સદૈવ ‘બલા’ અને ‘અતિબલા’ દેવીઓ રહે છે. મહત્તમ સકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવા માટે આ ધામમાં માત્ર પુરુષ ભક્તોને જ પ્રવેશ આપવામાં આવતો હતો. તેની પાછળ એવો ઉદ્દેશ પણ હતો કે પુરુષ ભક્તોને પોતાના કર્તવ્ય તથા પારિવારિક અને સામાજિક ઉત્તરદાયિત્વનો બોધ થાય. ચાવ્યમુનિ, પરાશર ઋષિ, અગસ્ત્ય ઋષિ અને અર્જુન, મહાવિષ્ણુના અવતાર હયગ્રીવના પરમ ભક્ત હતા.
શ્રી હયગ્રીવ ધામમાં મહાવિષ્ણુના અશ્વમુખી અવતાર શ્રી હયગ્રીવ

‘શ્રીસાવિત્રી’ ધામ
આદિમાતા સાવિત્રીને સ્ત્રીઓની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. રાજા સત્યવાનની પત્ની સુલક્ષણા સાવિત્રીને ભક્તિ અને નિષ્ઠાનું પ્રતીક માનવામાં આવે છે. ‘આદિમાતા સાવિત્રી’ અને ‘સુલક્ષણા સાવિત્રી’ આ બંનેની મૂર્તિઓ સાવિત્રીધામમાં પ્રતિષ્ઠાપિત હતી. માતા અને પત્ની આ બંને સ્વરૂપોની જવાબદારીઓ સ્ત્રી સશક્ત રીતે નિભાવી શકે, એ માટે તેની અંદર ભક્તિ, શક્તિ અને નિષ્ઠાનો વિકાસ થાય - આ જ સાવિત્રીધામના નિર્માણનો ઉદ્દેશ હતો. જે સાવિત્રીએ મૃત્યુના મુખમાંથી પોતાના પતિના પ્રાણ પાછા ખેંચી લાવ્યાં હતાં, તેમનું પૂજન આ ધામમાં દરરોજ કરવામાં આવતું હતું. અહીં કુમારિકાઓ, વિવાહિત અને અવિવાહિત મહિલાઓ, જેમના પતિઓનું નિધન થઈ ચૂક્યું હતું એવી મહિલાઓ તથા વૃદ્ધ મહિલાઓ બધાને આ ધામમાં પ્રવેશની પરવાનગી હતી.
પિતૃધામ
પોતાના પૂર્વજો માટે કેટલાંક કર્મકાંડ કરવા અને તેમના પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવવાની ઇચ્છા દરેકના મનમાં હોય છે. ભગવાન શંકરનું ‘પરમહંસ બાણલિંગ’ સ્વરૂપ, જે મૃત્યુ પછી આત્માને શાંતિ પ્રદાન કરે છે, એ સ્વરૂપની પ્રતીકાત્મક મૂર્તિ પર બિલ્વપત્ર અર્પણ કરવાની તક આ ધામમાં દરેક શ્રદ્ધાવાનને મળતી હતી. ત્યાં નિરંતર મંત્રપાઠ ચાલતો રહેતો હતો.
અનિરુદ્ધધામ
નવમું ધામ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના શ્રદ્ધાવાનોએ પોતાના સદ્ગુરુ પ્રત્યેના પ્રેમને કારણે બનાવ્યું હતું. અહીં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના માર્ગદર્શન હેઠળ ચાલતી, ‘શ્રી અનિરુદ્ધ ઉપાસના ફાઉન્ડેશન’ દ્વારા પ્રદાન કરવામાં આવતી ભક્તિસેવાઓ વિશેની સમસ્ત માહિતી તથા સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં વિવિધ કાર્યો વિશેની માહિતી શ્રદ્ધાવાનોને આપવામાં આવતી હતી.
‘શ્રીપતિતપાવન’ ધામ
આ ધામમાં એક વિશાળ જળકુંડમાં સાત પવિત્ર નદીઓનું જળ એકત્રિત કરવામાં આવ્યું હતું. અંદરની તરફ વડ, પીપળો અને ઔદુંબર આ ત્રણ વૃક્ષોની ડાળીઓ લગાવવામાં આવી હતી. ગંગોત્રી અને યમુનોત્રીની પવિત્ર માટી તથા ગંગા-યમુના નદીઓના જળનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી શ્રીદત્તદિગંબરની મૂર્તિ આ જળકુંડમાં પ્રતિષ્ઠાપિત હતી. બધા શ્રદ્ધાવાનો આ જળકુંડની પ્રદક્ષિણા કરતા હતા.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના નિર્દેશ અનુસાર આ પવિત્ર ધામનું સ્થાન અને તેની રચના અત્યંત સુંદર અને વિશિષ્ટ બનાવવામાં આવી હતી તથા ત્યાંનું વાતાવરણ અત્યંત પવિત્ર અને મનને પ્રેરણા આપનારું હતું.
શુદ્ધ ભક્તિનો મહોત્સવ - શ્રી જગન્નાથ અષ્ટતીર્થધામ મહોત્સવ
આ ઉત્સવમાં દરરોજ શ્રીજગન્નાથને મહાભોગ અર્પણ કરવામાં આવતો હતો અને એ પ્રસાદ વૃદ્ધાશ્રમો તથા અનાથાલયોમાં વિતરિત કરવામાં આવતો હતો. આ ઉત્સવની એક મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે અહીં દર્શન નિઃશુલ્ક હતાં. દાન માટે કોઈ દાનપેટી કે એવી અન્ય કોઈ વ્યવસ્થા નહોતી. ફૂલો, મીઠાઈ વગેરે કંઈ પણ સ્વીકારવામાં આવતું નહોતું. શ્રીજગન્નાથને માત્ર નાળિયેર અને તુલસીપત્ર અર્પણ કરવાની પરવાનગી હતી.











