શ્રીદત્તયાગ
દત્તયાગ શ્રી અવધૂત ચિંતન ઉત્સવનું એક અતિશય મહત્ત્વપૂર્ણ અંગ હતું અને તેની પૂર્વતૈયારી ત્રણ વર્ષથી ચાલી રહી હતી. આ પવિત્ર યાગ માટે અગિયાર શ્રદ્ધાવાનો વિશિષ્ટ અનુષ્ઠાન કરી રહ્યા હતા. નિર્ધારિત સમયગાળામાં આ અનુષ્ઠાન પૂર્ણ થયા પછી જ શ્રીદત્તયાગનો આરંભ થયો. આ શ્રીદત્તયાગમાં સહભાગી થવાથી શ્રદ્ધાવાનનાં શરીર, મન, બુદ્ધિ અને પ્રાણને સુરક્ષા કવચ પ્રાપ્ત થયું.
શ્રીદત્તયાગમાં શુદ્ધ વૈદિક મંત્રોનો સમાવેશ હતો. આ મંત્રોમાં રહેલો ભાવ અને વિચાર સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ દ્વારા રચિત પવિત્ર ‘શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ’ના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુરૂપ હતા. આ શ્રીદત્તયાગનું બીજું એક પવિત્ર ફળ હતું ‘નિયતિચક્રપરિવર્તન પ્રદક્ષિણા’. વર્તમાનમાં અથવા ભવિષ્યમાં શ્રદ્ધાવાનના જીવનમાં આવનારા સંકટો, પ્રતિકૂળ પરિસ્થિતિઓ કે કષ્ટોથી તેનું રક્ષણ કરવા માટે આ પ્રદક્ષિણા એક રોગપ્રતિકારક રસીની જેમ આધ્યાત્મિક સંરક્ષણ પ્રદાન કરનારી હતી.
નિયતિચક્રપરિવર્તન પ્રદક્ષિણા
‘નિયતિચક્ર’નો અર્થ છે ‘નિયતિનું ચક્ર’. દરેક વ્યક્તિ આ નિયતિચક્રમાં ગૂંચવાયેલી હોય છે અને નિયતિ દ્વારા સર્જાતી વિવિધ ઘટનાઓ, પરિસ્થિતિઓ તથા તેનાથી આકાર લેનાર જીવનક્રમનો સામનો કરતી રહે છે.
મારા પોતાના નિયતિચક્રમાં પરિવર્તન લાવવાની જવાબદારી, સામર્થ્ય, ક્ષમતા અને કર્તૃત્વ મારામાં જ છે. હું મારી નિયતિ અને તેનાં પરિણામે મારી આસપાસની પરિસ્થિતિઓને પણ નિશ્ચિતરૂપે બદલી શકું છું. પોતાના નિયતિચક્રનો સામનો કરીને તેના પર વિજય મેળવવાનું સામર્થ્ય મને પ્રાપ્ત થઈ શકે છે; પરંતુ એ માટે મારો મારા સદ્ગુરુ પર પ્રચંડ વિશ્વાસ હોવો આવશ્યક છે. પોતાના નિયતિચક્રમાં પરિવર્તન લાવવાનું આ જ સામર્થ્ય શ્રદ્ધાવાનને આ પ્રદક્ષિણાથી પ્રાપ્ત થતું હતું.
તેથી જ આ વિલક્ષણ પ્રદક્ષિણાને ‘નિયતિચક્રપરિવર્તન પ્રદક્ષિણા’ નામ આપવામાં આવ્યું હતું.

શ્રીસર્વતોભદ્ર કુંભયાત્રા
‘શ્રીસર્વતોભદ્ર કુંભયાત્રા’ શ્રદ્ધાવાન અને સમગ્ર સમાજનું દરેક રીતે કલ્યાણ કરનારી યાત્રા હતી. હજારો વર્ષોથી ભારતીયોના મનમાં કાશીયાત્રાનું અસાધારણ મહત્ત્વ રહ્યું છે. આ પરંપરાગત યાત્રામાં કાશી જઈને ત્યાંનું પવિત્ર ગંગાજળ કાવડમાં ભરીને રામેશ્વરમ્ લઈ જવામાં આવે છે અને એ જળથી ભગવાન રામેશ્વરના શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ ત્રણ સમુદ્રોના સંગમસ્થળ કન્યાકુમારીનું જળ કાવડમાં ભરીને કાશી લાવવામાં આવે છે અને શ્રીકાશીવિશ્વેશ્વરને અર્પણ કરવામાં આવે છે. આ પવિત્ર યાત્રા જીવ અને શિવના મિલનનું પ્રતીક છે - જીવ અને શિવની ભેટ. આ જ યાત્રાને ‘શ્રીસર્વતોભદ્ર કુંભયાત્રા’ કહેવામાં આવે છે. ભગવાન વિશ્વનાથ અને ભગવાન રામેશ્વર બંને ભગવાન શિવનાં સ્વરૂપ છે. કાશીવિશ્વેશ્વરના ભગવાન વિશ્વનાથ પાલન કરનારા શિવસ્વરૂપ છે, જ્યારે ભગવાન રામેશ્વર શત્રુઓ અને વિઘ્નોનો નાશ કરનારા શિવસ્વરૂપ છે.
શ્રી અવધૂત ચિંતન ઉત્સવમાં શ્રીસર્વતોભદ્ર કુંભયાત્રા માટે એક તરફ શ્રીકાશીવિશ્વેશ્વરના ગંગાજળનું જળાશય બનાવવામાં આવ્યું હતું. તેની પાસે શ્રીકાશીવિશ્વેશ્વરની પ્રતિમા અને તેમની સામે પ્રતીકાત્મક શિવલિંગ રાખવામાં આવ્યું હતું. બીજી તરફ શ્રીરામેશ્વરમ્ના પવિત્ર જળનું જળાશય હતું અને તેની પાસે ભગવાન રામેશ્વરની પ્રતિમા તથા તેમનું પ્રતીકાત્મક શિવલિંગ રાખવામાં આવ્યું હતું.
આ યાત્રામાં સહભાગી થનારા દરેક શ્રદ્ધાવાનને એક કાવડ આપવામાં આવી હતી. પહેલાં શ્રદ્ધાવાન એ કાવડમાં ગંગાજળ ભરીને નામપ્રદક્ષિણા કરતાં ભગવાન રામેશ્વર સુધી જતા અને એ ગંગાજળથી તેમનો અભિષેક કરતા. ત્યારબાદ શ્રીરામેશ્વરમ્ના જળાશયનું જળ કાવડમાં ભરીને પુન: નામપ્રદક્ષિણા કરતાં શ્રીકાશીવિશ્વેશ્વર સુધી જતા અને એ જળથી તેમનો અભિષેક કરતા. આ અભિષેક દરમિયાન શ્રદ્ધાવાનોના ‘પાર્વતીપતે હર હર મહાદેવ!’ના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઊઠતું હતું.

શ્રીદ્વાદશ જ્યોતિર્લિંગ કૈલાશભદ્ર મહાપૂજન
‘શ્રીદ્વાદશ જ્યોતિર્લિંગ કૈલાશભદ્ર મહાપૂજન’માં બાર પ્રતીકાત્મક જ્યોતિર્લિંગોને વર્તુળાકારે સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. આ રચનાના મધ્યમાં એક થાળમાં નંદાદીપ અખંડ પ્રજ્વલિત રહેતો હતો. આ બાર જ્યોતિર્લિંગોની રચના, તેમના આકાર અને રંગોમાં પણ એક વિલક્ષણ વિશેષતા હતી.
તેમાં પ્રથમ જ્યોતિર્લિંગ ‘કરાંગુલીપ્રમાણ’, અર્થાત ટચલી આંગળીના કદ જેટલું હતું અને તેનો રંગ સંપૂર્ણપણે કાળો હતો. ત્યારબાદ દરેક જ્યોતિર્લિંગની ઊંચાઈ ક્રમશઃ વધતી જતી હતી. બારમું અને અંતિમ જ્યોતિર્લિંગ ‘પૂર્ણપાણિ’, અર્થાત ખભાથી લઈને મધ્યમા આંગળીના છેડા સુધીના આખા હાથ જેટલું હતું અને તેનો રંગ ધૂસર હતો. આ જ્યોતિર્લિંગોના રંગોની રચના પણ કાળા, સ્ફટિક અને ધૂસર રંગના ક્રમમાં કરવામાં આવી હતી.
આ મહાપૂજનમાં શ્રદ્ધાવાનો હાથમાં ડમરુ લઈને તેને વગાડતાં એક વિલક્ષણ અને પ્રભાવશાળી ‘ડિંડીમ (ડમરુનાદ) આરતી’ ગાતા અને બાર જ્યોતિર્લિંગોની વર્તુળાકાર રચનાની ચારે તરફ પ્રદક્ષિણા કરતા હતા. તેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને પવિત્ર સ્પંદનોથી ભરાઈ જતું હતું.
શ્રીદ્વાદશ જ્યોતિર્લિંગ કૈલાશભદ્ર મહાપૂજનથી શ્રદ્ધાવાનને પોતાની અંદરની ખરાબ વાતો, વાસનાઓ અને દુષ્પ્રવૃત્તિઓનો લય કરવાનો તથા પોતાની અંદરની સારી, શુભ અને હિતકારી વાતોનું પાલનપોષણ કરવાનો અવસર પ્રાપ્ત થયો. જીવનનો વિકાસ કરનારા સદ્ગુણોનું સંવર્ધન કરવું અને એ વિકાસમાં અવરોધ બનતી દુષ્પ્રવૃત્તિઓનો લય કરવો અર્થાત શુભનું પ્રતિપાલન અને અશુભનો લય કરનારી શિવશક્તિનું સામર્થ્ય પ્રાપ્ત કરવાનો અવસર શ્રદ્ધાવાનોને આ મહાપૂજન દ્વારા મળ્યો.
















