શ્રી સાઈ ગાયત્રી મંત્રની ઉપાસના
૨૨ સપ્ટેમ્બરે જ્યારે શ્રદ્ધાવાનો શિર્ડી પહોંચ્યા, ત્યારે સ્વયં બાપુ તેમનાં સ્વાગત માટે ત્યાં ઉપસ્થિત હતા. બપોરનું ભોજન થયા પછી બાપુનાં માર્ગદર્શન અનુસાર બધા શ્રદ્ધાવાનો એક હૉલમાં એકત્ર થયા. બાપુએ એ સમયે ઉપસ્થિત બધા શ્રદ્ધાવાનોને એ દિવસનું આધ્યાત્મિક મહત્ત્વ સમજાવ્યું.
બાપુએ કહ્યું -
“આ દિવસે દેવો અને દાનવોએ ‘અમૃતમંથન’ શરૂ કર્યું હતું. આ કાર્ય માટે દેવોએ દાનવોની સહાય લીધી હતી, તેથી અમૃતની સાથે ‘હલાહલ’ નામનું અત્યંત ઘાતક વિષ પણ બહાર આવ્યું; ભગવાન શિવે એ વિષનું પાન કરીને તેને પચાવી લીધું. ભગવાન શિવની સ્તુતિ કરતી વખતે દેવોએ ‘શિવ ગાયત્રી મંત્ર’નો જપ કર્યો. દેવોએ અમૃતમંથન માટે જે દિવસ પસંદ કર્યો હતો, એ જ દિવસ આપણે આપણી શિર્ડી રસયાત્રા માટે નક્કી કર્યો છે. બધા ભક્તોનાં હૃદયમાં આવી રીતે ભક્તિનું અમૃતમંથન થવું જોઈએ અને આ ભક્તિરસનો આનંદ પ્રદાન કરવામાં શ્રી સાઈનાથ સમર્થ છે.”
અમૃતમંથનનો આરંભ શ્રી સાઈ ગાયત્રી મંત્રની ઉપાસનાથી થયો...
ॐ भूर्भुवः स्वः। ॐ साईनाथाय विद्महे। पूर्णपुरुषाय धीमहि। तन्नो सद्गुरुः प्रचोदयात्॥
ૐ ભૂર્ભુવઃ સ્વઃ| ૐ સાઈનાથાય વિદ્મહે| પૂર્ણપુરુષાય ધીમહિ| તન્નો સદ્ગુરુઃ પ્રચોદયાત્
સાઈભક્તોમાં પ્રચલિત આ શ્રી સાઈ ગાયત્રી મંત્રનો જપ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ ઉપસ્થિત શ્રદ્ધાવાનો પાસે કરાવ્યો.
ત્યારબાદ દરેક શ્રદ્ધાવાનને યમુનાના ક્ષેત્રમાંથી લાવવામાં આવેલી ચીકણી માટીનો એક ગોળો કેળના પાન પર આપવામાં આવ્યો. સદ્ગુરુ બાપુએ શ્રદ્ધાવાનોને એ માટીના ગોળામાંથી શ્રી સાઈનાથની પ્રતીકાત્મક પાદુકાઓ બનાવવા માટે કહ્યું. એ સમયે બાપુએ કહ્યું -
“તમારા દ્વારા બનાવવામાં આવેલી પાદુકાઓ ભલે ગમે તેવી વાંકીચૂકી હોય, મનમાં એવો વિશ્વાસ રાખજો કે સાઈનાથ તેને ધારણ કરવાના છે.”
આ સાથે જ શ્રી સાઈનાથની ‘માખણની પાદુકાઓ’ પણ બનાવવામાં આવી હતી. શ્રી સાઈસચ્ચરિતકાર હેમાડપંતજીનાં પૌત્ર અપ્પાસાહેબ દાભોલકરજી અને તેમનાં પત્ની (હેમાડપંતજીનાં પૌત્રવધૂ) મીનાવૈની દાભોલકરજી આ શ્રેષ્ઠ શ્રદ્ધાવાન દંપતીએ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન હેઠળ આ પાદુકાઓ બનાવી હતી. માખણ એટલે નવનીતને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ભક્તિરૂપી માખણની આ પાદુકાઓ શ્રી સાઈચરણોમાં અર્પણ કરવામાં આવી.
ત્યારબાદ આ નવનીત-પાદુકાઓની ચારે બાજુ દરેક શ્રદ્ધાવાને સ્વયં માટીનાં ગોળામાંથી બનાવેલી શ્રી સાઈનાથની પ્રતીકાત્મક પાદુકાઓ મૂકી અને તેમનાં પર અર્ચનદ્રવ્યરૂપે ‘કસ્તૂરી ગંધ’ અર્પણ કર્યો.
આ બધી પાદુકાઓનું બીજા દિવસે પવિત્ર ગોદાવરી નદીમાં (જેને દક્ષિણ ગંગા પણ કહેવામાં આવે છે) વિસર્જન કરવામાં આવ્યું.
શ્રી શિવ ગાયત્રી મંત્રની ઉપાસના
શિવ ગાયત્રી મંત્રની ઉપાસના અર્થાત ‘અમૃતમંથન ઉપાસના’ એવી આધ્યાત્મિક પ્રક્રિયા, જે અમરત્વનું અમૃત પ્રાપ્ત કરાવે છે. દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધ દરમિયાન ક્ષીરસાગરનું મંથન કરવા માટે દેવોએ દાનવોનો સહયોગ લીધો હતો. આધ્યાત્મિક દૃષ્ટિએ તેનો અર્થ એવો છે કે પ્રગતિ કરવા માટે આપણી અંદરની સારી વૃત્તિઓએ પણ ક્યારેક નકારાત્મક વૃત્તિઓનો સામનો કરવો પડે છે અને તેમનું રૂપાંતરણ કરવું પડે છે.
અમૃત પ્રગટ થતાં પહેલાં ‘હલાહલ’ નામનું અત્યંત ઘાતક વિષ બહાર આવ્યું. અમૃત પ્રાપ્ત કરવા માટે પહેલાં આ વિષનું પાન કરીને તેને પચાવવું આવશ્યક હતું અને તેને સહન કરવાનું સામર્થ્ય માત્ર પરમશિવમાં જ હતું. બધા દેવોની આર્ત પ્રાર્થનાથી પ્રેરાઈને ભગવાન શિવે હલાહલ વિષનું પાન કર્યું અને દેવોને અમૃતનો લાભ પ્રાપ્ત કરાવ્યો.
આ પવિત્ર ઉપાસના ‘શિર્ડી રસયાત્રા’ના પ્રથમ દિવસે સાંજે ૭:૦૦ વાગ્યે સંપન્ન થઈ.
આ અવસરે આદરણીય ભક્ત-દંપતી શ્રી અપ્પાસાહેબ દાભોલકરજી અને મીનાવૈની દાભોલકરજીએ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના માર્ગદર્શન હેઠળ એક શિવલિંગ બનાવ્યું. આ શિવલિંગના પૂજન દરમિયાન સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ બધા શ્રદ્ધાવાનો પાસે ‘શ્રી શિવ ગાયત્રી મંત્ર’નો ૧૦૮ વાર જપ કરાવ્યો.
ॐ भूर्भुवः स्वः। ॐ तत्पुरुषाय विद्महे। महादेवाय धीमहि। तन्नो रुद्रः प्रचोदयात्॥
ૐ ભૂર્ભુવઃ સ્વઃ| ૐ તત્પુરુષાય વિદ્મહે| મહાદેવાય ધીમહિ| તન્નો રુદ્રઃ પ્રચોદયાત્
ત્યારબાદ ઉપાસનામાં આરતી કરવામાં આવી.
આરતી પછી શ્રી સાઈબાબાની ભક્તિમાં રમમાણ શ્રેષ્ઠ ભક્તોનું સ્મરણ કરાવનાર, સ્વયં બાપુ દ્વારા રચિત ગજર બધા શ્રદ્ધાવાનોએ બાપુ સાથે એક જ સૂર અને તાલમાં ગાઇ. આ ગજર હતી -
‘દીક્ષિત, શામા, હેમાડ, બાયજાબાઈ, નાના, ગણુ, મેઘશ્યામ |
યાંચી વાટ પુસતા પુસતા મળેલ આમ્હાં સાઈરામ ॥’‘દીક્ષિત, શામા, હેમાડ, બાયજાબાઈ, નાના, ગણુ, મેઘશ્યામ।
તેમના માર્ગનું અનુસરણ કરતાં અમને સાઈરામ મળશે॥’
બધા શ્રદ્ધાવાનો આ ગજરમાં તલ્લીન અને ભાવવિભોર થઈને મનભરીને નૃત્ય કરી રહ્યા હતા. ગજર પછી અંતે ‘ॐ कृपासिंधु श्री साईनाथाय नमः।’(ૐ કૃપાસિંધુ શ્રી સાઇનાથાય નમ:) મંત્રનો જપ કરવામાં આવ્યો.
ત્યારબાદ બધા શ્રદ્ધાવાનોએ ભોજન કર્યું. આ સમયે બાપુએ પણ બધાની સાથે બેસીને ભોજન કર્યું. ભોજન પછી બધાને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથેના અભૂતપૂર્વ સત્સંગમાં સહભાગી થવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ.
સત્સંગ પછી ઘણા શ્રદ્ધાવાનો સૂવા માટે ચાલ્યા ગયા. માત્ર કેટલાક શ્રદ્ધાવાનો જ બાપુ સાથે રોકાયા હતા. બધા સાથે વાતચીત કરતાં-કરતાં વહેલી સવારે લગભગ ૩.૩૦ વાગ્યે બાપુએ બોલવાનું શરૂ કર્યું. બાપુની એ વાતો, તેમની વાણીની ગંભીરતા અને તેમાં રહેલાં સ્પંદનો આજે પણ એ કેટલાક શ્રદ્ધાવાનોની સ્મૃતિમાં જીવંત છે.
બાપુએ કહ્યું...
‘મી જો કોણી આહે તો ‘મી’ આહે. હે માઝે આણિ માઝ્યા ગુરુંચે યુગાનુયુગાંચે નાતે આહે. હે મી કાલ અનિરુદ્ધ હોતો. આજ અનિરુદ્ધ આહે આણિ ઉદ્યાહી અનિરુદ્ધચ અસેન. માઝ્યાસમોર બસલેલે માઝે પ્રત્યેક લેકરૂ હા માઝા દેવ આહે આણિ યા દેવાચી સેવા કરણે હા માઝા ધર્મ આહે. યા ધર્માચ્યા પાલનાસાઠી મી આહે.’
(અર્થ - “હું જે કોઈ છું, તે ‘હું’ છું. આ મારું અને મારા ગુરુઓનો યુગો-યુગોનો સંબંધ છે. હું ગઈકાલે અનિરુદ્ધ હતો. આજે અનિરુદ્ધ છું અને આવતીકાલે પણ અનિરુદ્ધ જ રહીશ. મારી સામે બેઠેલું મારું દરેક બાળક મારો ભગવાન છે અને આ ભગવાનની સેવા કરવી એ મારો ધર્મ છે. આ ધર્મનું પાલન કરવા માટે હું છું.”)
શિર્ડી રસયાત્રા - બીજો દિવસ
આ દિવસે શ્રદ્ધાવાનોને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ સાથે શ્રીક્ષેત્ર શિર્ડીનાં અત્યંત મહત્ત્વપૂર્ણ પવિત્ર સ્થળોનાં દર્શન કરવાનો અને સ્વયં સદ્ગુરુનાં મુખેથી એ સ્થળોનું આધ્યાત્મિક મહત્ત્વ જાણવાનો અવસર પ્રાપ્ત થયો.
બાપુએ કહ્યું કે અનેક ભક્તો શિર્ડી આવે છે અને માત્ર મંદિરમાં સાઈબાબાની સમાધિનાં દર્શન કરીને પાછા ફરે છે. પરંતુ શિર્ડીમાં કેટલાંક અન્ય મહત્ત્વપૂર્ણ સ્થળો પણ છે, જ્યાં શ્રી સાઈનાથના જીવનકાળ દરમિયાન તેમનું નિયમિત આવવું જવું રહેતું હતું. સાથે જ શિર્ડીમાં શ્રી સાઈનાથનું સાનિધ્ય પ્રાપ્ત કરનારા અનેક ભક્તોની સમાધિઓ પણ છે. બાપુ બધાને આવાં કેટલાંક મહત્ત્વપૂર્ણ સ્થળોએ લઈ ગયા અને એ સ્થળો વિશે માહિતી આપી.
તેમાં સૌથી પ્રમુખ હતી દ્વારકામાઈ.
૨) દક્ષિણમુખી મારુતિ મંદિર
આ મંદિરમાં હનુમાનજીની બે મૂર્તિઓ પાસે-પાસે છે અને તેમની પૂંછડીઓ બે વિપરીત દિશાઓમાંથી એકબીજાની સામે આવે છે. આ અદ્વિતીય સ્વરૂપનું આધ્યાત્મિક મહત્ત્વ સ્પષ્ટ કરતાં બાપુએ કહ્યું, ‘વાનર’ એટલે ‘વિશેષેણ નરઃ’, એટલે કે જે નર અથવા મનુષ્ય કરતાં શ્રેષ્ઠ છે તે વાનર. તેથી એક તરફ હનુમાનજી શ્રીરામના દાસ છે, તો બીજી તરફ જાનકીમાતા તેમને ‘હે તાત’ (પિતા) કહીને સંબોધે છે. મનુષ્યના જીવનનાં દ્વંદ્વ અને વિરોધાભાસોને દૂર કરીને શ્રીરામનાં ચરણોમાં એકનિષ્ઠ ભાવ દૃઢ કરનારા રામદૂત હનુમાનજીના સામર્થ્યનું પ્રતીક આ મૂર્તિઓ દ્વારા દર્શાવવામાં આવ્યું છે.
બાપુએ જણાવ્યું કે સાઈનાથના સમકાલીન સંત દેવીદાસ અને ગંગાગીર મહારાજ થોડો સમય આ મંદિરમાં રહ્યા હતા. શ્રી સાઈનાથજીએ ભક્તોની સહાયથી આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો.
૩) લેંડી બાગ
સાઈનાથજી દરરોજ આ સ્થળે આવતા હતા. આ બાગમાં ‘શિવડી’ નામના કૂવાના મીઠા પાણીથી સાઈબાબા મુખમાર્જન કરતા હતા.
અહીં લીમડા અને પીપળાનાં વૃક્ષો પાસે એક નાનું મંદિર છે અને ત્યાં બાબાના સમયથી પ્રજ્વલિત નંદાદીપ આજે પણ અખંડરૂપે પ્રજ્વલિત છે.
૪) દત્તમંદિર
લેંડી બાગમાં નંદાદીપની સામે દત્તમંદિર છે. આ જ સ્થળે શ્રી સાઈબાબાએ શ્રી ઉપાસની મહારાજને ‘ૐ’ મંત્રની ઉપાસના કરવા માટે કહ્યું હતું. આ મંદિરની પાછળ ઔદુંબરનું વૃક્ષ પણ છે.
આ સમયે બાપુએ બધાને ‘भोः दत्तगुरु! कृपया समागच्छ! ...’ (ભો: દત્તગુરુ! કૃપયા સમાગચ્છ!...) આ જપ કરતાં મંદિરની પાંચ પ્રદક્ષિણા કરવા માટે કહ્યું.
૫) શ્રી ખંડોબા મંદિર
એ સમયે આ મંદિર શિર્ડીની સીમા પર આવેલું હતું. જ્યારે શ્રી સાઈનાથ શિર્ડી આવ્યા, ત્યારે તેઓ આ જ મંદિરમાં આવ્યા અને મંદિરના પૂજારી મ્હાળસાપતીજીએ ‘આવો સાઈ’ કહીને શ્રી સાઈનાથનું સ્વાગત કર્યું. ત્યારથી બધા લોકો બાબાને ‘સાઈ’ કહેવા લાગ્યા. દર વર્ષે અહીં ચંપાષષ્ઠીનો ઉત્સવ ઊજવવામાં આવે છે.
૬) કાનિફનાથ મંદિર
નવનાથોમાંના એક કાનિફનાથનું મંદિર શિર્ડીમાં છે. શ્રી સાઈનાથ શિર્ડીના બજારમાં અથવા નીમગાંવ અને રાહતા ગામ જતી વખતે આ મંદિરમાં આવતા હતા. આ મંદિરના શિખર પર ત્રિશૂળ લગાવવામાં આવ્યું છે.
૭) મ્હાળસાપતીજીની સમાધિ
હંમેશાં શ્રી સાઈબાબા સાથે છાયાની જેમ રહેનારા મ્હાળસાપતીજી ભગતે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે દેહત્યાગ પછી પણ તેઓ સાઈનાથથી બૂમ પાડે એટલા જ અંતરે રહે, તેથી તેમની સમાધિ તેમના નિવાસસ્થાને જ છે.
શ્રી સાઈનાથે ત્રણ દિવસ માટે સમાધિ ધારણ કરી હતી. એ સમયે તેમણે પોતાના શરીરની સંભાળ રાખવાની જવાબદારી મ્હાળસાપતીજીને જ સોંપી હતી. એવું માનવામાં આવે છે કે સાઈનાથને સૌપ્રથમ ‘સાઈ’ કહીને બોલાવનારા મ્હાળસાપતીજીની સમાધિનાં દર્શન વિના શિર્ડીની યાત્રા પૂર્ણ થતી નથી.
તેમના ઘરમાં સાઈનાથજી દ્વારા આપવામાં આવેલા ત્રણ સિક્કા, છડી, પાદુકાઓ અને કફની છે.
૮) નાના વલ્લીજીની સમાધિ
બાબાના નિષ્ઠાવાન ભક્ત નાના વલ્લીજી વિચિત્ર વ્યવહાર કરતાં શિર્ડીમાં રહેતા હતા. શ્રી સાઈનાથની કૃપાથી તેમને અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેમને શ્રી સાઈનાથ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. તેઓ શ્રી સાઈનાથને ‘કાકા’ કહીને બોલાવતા હતા. શ્રી સાઈનાથના દેહત્યાગના તેરમા દિવસે તેમણે પણ દેહત્યાગ કર્યો.
૯) પૂજ્ય ભાઉ મહારાજ કુંભારજીની સમાધિ
તેઓ શ્રી સાઈના એક શ્રેષ્ઠ ભક્ત હતા. એવું કહેવામાં આવે છે કે સાઈબાબાએ તેમને બાળસ્વરૂપે દર્શન આપ્યાં હતાં.
૧૦) તાત્યા કોટે પાટીલજીની સમાધિ
‘શ્રી સાઈસચ્ચરિત’માં પણ ઉલ્લેખ મળે છે કે સાઈભક્ત મ્હાળસાપતીજી ભગત અને તાત્યા કોટે પાટીલજી બંને દ્વારકામાઈમાં શ્રી સાઈબાબા સાથે સૂતા હતા. બાયજાબાઈજીના પુત્ર તાત્યા કોટે પાટીલજી પોતાની માતાની જેમ શ્રી સાઈની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરતા હતા. તેઓ શ્રી સાઈનાથને પ્રેમથી ‘મામા’ કહીને બોલાવતા હતા. તેઓ શ્રી સાઈનાથની સેવામાં હંમેશા તત્પર રહેનારા એક નિષ્ઠાવાન સાઈભક્ત હતા.
૧૧) અબ્દુલબાબાની સમાધિ
શ્રી સાઈના નિકટના ભક્ત અબ્દુલબાબાને ચાલીસ વર્ષ સુધી શ્રી સાઈનાથનું સાનિધ્ય પ્રાપ્ત થયું. તેમની સમાધિ પણ શિર્ડીમાં જ છે. ભક્તોની શ્રદ્ધા છે કે આ બાબાના સૌથી વિશ્વાસુ સહયોગીઓમાંથી એક સાથે સંકળાયેલું પવિત્ર સ્થાન છે.
૧૨) શ્યામસુંદરની સમાધિ
શ્યામસુંદર (જેને શ્યામકર્ણ પણ કહેવામાં આવતો હતો) શ્રી સાઈનાથનો પ્રિય ઘોડો હતો. શ્રી સાઈનાથની ચાવડીની શોભાયાત્રામાં શ્યામસુંદર સૌથી આગળ રહેતો હતો. સાઈનાથને પણ તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. બાબા ક્યારેક તેને ખરારા કરતા, તેને પંપાળતા અને પોતાના હાથે પ્રેમપૂર્વક ચારો પણ ખવડાવતા હતા. બાબાને તેના પ્રત્યે એટલો પ્રેમ હતો કે આ શ્યામસુંદરની સમાધિ લેંડી બાગમાં જ દત્તમંદિરની પાસે બનાવવામાં આવી છે.
આવી રીતે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં પ્રેમપૂર્ણ માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાવાનોને શ્રી સાઈનાથનાં જીવન અને દિવ્ય કાર્ય સાથે સંકળાયેલાં આ પવિત્ર સ્થળોએ જવાનો તથા તેમનું મહત્ત્વ સમજવાનો અવસર પ્રાપ્ત થયો.
યાત્રા દરમિયાન બાપુએ દરેક શ્રદ્ધાવાનને શ્રી સાઈનાથનું વિશેષ પ્રિય ફળ જામફળ પ્રસાદરૂપે આપ્યું. શિર્ડીથી નીકળતાં પહેલાં બાપુએ પાંચ શ્રદ્ધાવાનોને પાંચ નાળિયેર આપ્યાં અને તેમને દ્વારકામાઈમાં અર્પણ કરવા કહ્યું. આ પ્રથમ રસયાત્રાની મધુર અને અવિસ્મરણીય સ્મૃતિઓ પોતાની સાથે લઈને, સદ્ગુરુની કૃપા અને શ્રી સાઈનાથના આશીર્વાદથી સમૃદ્ધ થયેલા બધા શ્રદ્ધાવાનોએ મુંબઈ તરફ પરત ફરવાની યાત્રા શરૂ કરી.

શિર્ડી રસયાત્રાની મુખ્ય વિશેષતાઓ
-
શ્રી સાઈનાથના જીવન અને તેમના ભક્તો વિશે ગહન જાણકારી પ્રાપ્ત થવાથી દરેક શ્રદ્ધાવાનની ભક્તિ અધિક દૃઢ થઈ. શ્રીક્ષેત્ર શિર્ડીનાં પવિત્ર સ્થળોએ જઈને અને તેમનું મહત્ત્વ સીધું સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પાસેથી જાણીને શ્રદ્ધાવાનોનો શ્રી સાઈનાથ સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો.
દ્વારકામાઈ અને સાઈબાબાના ભક્તોના જીવન સાથે સંકળાયેલી અનેક ઘટનાઓના ગહન અર્થ બાપુએ સમજાવ્યાં. મ્હાળસાપતીની દાસ્યભક્તિ, માધવરાવ દેશપાંડેની સેવાતત્પરતા, તાત્યા કોટે પાટીલની નિષ્ઠા, કાકાસાહેબ દીક્ષિતનું આજ્ઞાપાલન, હેમાડપંતનો શરણાગત ભાવ, દાસગણૂની સદ્ગુરુવચન પ્રત્યેની નિષ્ઠા, નાનાસાહેબ ચાંદોરકરનું પૂર્ણ સમર્પણ, બાયજાબાઈનો બાબા પ્રત્યેનો માતૃવત્ પ્રેમ, લક્ષ્મીબાઈની સેવાભાવના અને પશુયોનિમાં જન્મ લેવા છતાં શ્રીસાઈને પ્રેમ કરનારો શ્યામસુંદર.
તેમના જીવન અને તેમની સાથે સંકળાયેલી ઘટનાઓના ગહન આધ્યાત્મિક અર્થ સમજાવતાં બાપુએ શ્રદ્ધાવાનોને દર્શાવ્યું કે ભક્તિના અમૃતરસને કેવી રીતે આત્મસાત્ કરવો અને તેને પોતાના જીવનમાં કેવી રીતે પ્રવાહિત કરવો જોઇએ.
-
સદ્ગુરુના સાન્નિધ્યમાં ઉપાસના કરવાનો અને સત્સંગમાં સહભાગી થવાનો દુર્લભ અવસર
સમગ્ર ‘રસયાત્રા’ દરમિયાન શ્રદ્ધાવાનોને સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની ઉપસ્થિતિમાં વિવિધ ઉપાસનાઓ કરવાનો અને આનંદમય સત્સંગમાં સહભાગી થવા જેવા દુર્લભ અવસરો પ્રાપ્ત થયા.
-
શિર્ડીમાં જ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પાસેથી શ્રી સાઈનાથ વિશે જાણવાનું સૌભાગ્ય
સાઈબાબાના નિવાસથી પાવન બનેલાં એ પવિત્ર સ્થળોએ જઈને સદ્ગુરુના મુખેથી શ્રી સાઈનાથના જીવન અને તેમની શીખ વિશે સાંભળવાને કારણે આ સંપૂર્ણ તીર્થયાત્રા જીવનમાં મોટું પરિવર્તન લાવનાર આધ્યાત્મિક અનુભવ સિદ્ધ થઈ.
-
શ્રદ્ધાના પાયાને અધિક દૃઢ કરનારી તીર્થયાત્રા
સદ્ગુરુના સાનિધ્યમાં થયેલી ‘શિર્ડી રસયાત્રા’ ભક્તિ અને પ્રેમની એક સુંદર યાત્રા સિદ્ધ થઈ - આ જ પ્રત્યેક શ્રદ્ધાવાનનો ભાવ હતો. સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ અમારા હૃદયમાં શ્રદ્ધાની ખૂંટી દૃઢતાથી રોપી દીધી અને આધ્યાત્મિક જીવનનો પાયો પહેલાં કરતાં વધારે મજબૂત અને અડગ બની ગયો - આ જ પ્રત્યેકનાં મનની દૃઢ ભાવના હતી.












