અસાધારણ બાળપ્રતિભા : ‘હિમાલયની પુકાર’
પરેલ સ્થિત ડૉ. શિરોડકર હાઈસ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે બાપુએ લખેલો ‘હિમાલયની પુકાર’ નિબંધ શાળાના ‘વિકાસ’ નામના વાર્ષિક સામયિકમાં પ્રકાશિત થયો હતો. ચીને ભારત પર કરેલા આક્રમણની પૃષ્ઠભૂમિમાં, એ બાળવયે પણ બાપુએ પોતાની ઉંમર કરતાં ક્યાંય આગળની વિચારશક્તિ દર્શાવતો આ પ્રશ્ન ઉઠાવ્યો હતો :
“મારા યુવા મિત્રો, જ્યારે આપણે દરેક દૃષ્ટિએ આટલા નાના અને બાળવયમાં છીએ, ત્યારે આપણે ભારતની રક્ષા કેવી રીતે કરી શકીએ?”
આટલી નાની ઉંમરે અભિવ્યક્ત થયેલી આ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચેતના એટલી વિલક્ષણ હતી કે તેમના શિક્ષકો અને સહપાઠીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ નોંધપાત્ર નિબંધ આગળ જતાં ‘મેં જોયેલા બાપુ’ પુસ્તકમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે.

આતંકવાદ વિરુદ્ધ મક્કમ વલણ : ભારતીય સંસદ પર હુમલો
૧૩ ડિસેમ્બર ૨૦૦૧નાં રોજ ભારતીય સંસદ પર થયેલાં પાકિસ્તાની આતંકવાદી હુમલા પછી, ૨૦ ડિસેમ્બરે સદ્ગુરુ બાપુએ અત્યંત દૃઢ સંકલ્પ વ્યક્ત કરનારું પ્રવચન આપ્યું. તેમણે પોતાના શ્રદ્ધાવાન મિત્રોને પોતપોતાની ક્ષમતા અનુસાર રાષ્ટ્રસેવા કરવા માટે આહ્વાન કર્યું. તેમણે એ વાતને રેખાંકિત કરી કે ‘ભક્તિ’ આંતરિક સામર્થ્યનો સ્રોત છે. સાથે જ તેમણે દુર્બળોને સક્ષમ બનાવવા તથા ભાષાકીય અને પ્રાદેશિક ભેદોથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય એકતાને વધુ સુદૃઢ કરવાની આવશ્યકતા સ્પષ્ટ કરી. આટલું જ નહીં, બાપુએ યુવાનોને ભારતીય સશસ્ત્ર દળોમાં જોડાઈને રાષ્ટ્રસેવા કરવા માટે પણ પ્રેરિત કર્યા.
આર્થિક આતંકવાદની વાસ્તવિકતા ઉજાગર કરતાં
૨૨ ઑગસ્ટ ૨૦૦૩ના રોજ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ મરાઠી સાપ્તાહિક ‘લોકપ્રભા’ માટે ‘આર્થિક આતંકવાદ’ (Financial Terrorism) નામનો લેખ લખ્યો. ‘ઋણ-આધારિત ડૉલર’ (Debt Dollars) અને ‘ખાધનું ધિરાણ’ (Deficit Finance) જેવા સિદ્ધાંતો સમજાવતાં આ લેખમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના વૈશ્વિકીકરણના પર્યાવરણીય, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
૧૯૭૧ના ‘નિક્સન શૉક’ (Nixon Shock)નો સંદર્ભ આપતાં બાપુએ સમજાવ્યું કે અમેરિકાએ કેવી રીતે અમેરિકન ડૉલર અને સુવર્ણ ભંડાર વચ્ચેનો સંબંધ સમાપ્ત કરી દીધો. તેના કારણે બેંકો દ્વારા આપવામાં આવતી લોનના માધ્યમથી ચલણ નિર્માણનો માર્ગ મોકળો થયો.
બાપુએ તેને એક દુષ્ચક્ર તરીકે વર્ણવ્યું, જેણે વૈશ્વિક ચલણોને નબળાં પાડ્યાં અને અમેરિકા સાથે વેપાર કરતા દેશોને પોતાની ચલણ (કરન્સી) સંબંધી નીતિઓનું પુનર્ગઠન કરવા મજબૂર કર્યા.
અનિરુદ્ધાઝ ઍકેડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ
આંતરરાષ્ટ્રીય સ્તરે થતી ભૂ-રાજનીતિક ઊથલપાથલ અને કુદરતી આપત્તિઓના સમયે સામાન્ય નાગરિકો સામે ઊભાં થતાં જોખમો અને તેમની અસુરક્ષાને ધ્યાનમાં રાખીને બાપુએ ૧૪ માર્ચ ૨૦૦૨ના રોજ ‘અનિરુદ્ધાઝ ઍકેડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ’ (AADM)ની સ્થાપના કરી.
AADM દ્વારા સ્વયંસેવકોને પ્રાથમિક સારવાર (First Aid), CPCR, બચાવકાર્ય, ટ્રાયેજ (Triage) અને ભીડ વ્યવસ્થાપન (Crowd Management)ની તાલીમ આપવામાં આવે છે. આ સાથે તેમને પરમાણુ, રાસાયણિક અને જૈવિક યુદ્ધથી ઊભાં થઈ શકતાં જોખમો વિશે પણ તાલીમ આપવામાં આવે છે અને જાગૃત કરવામાં આવે છે.
જૂન ૨૦૨૬ સુધીમાં AADMએ ૮૭,૦૦૦થી વધુ આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો (Disaster Management Volunteers)ને તાલીમ આપી હતી. સાથે જ ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન વિષય પર પ્રકાશિત થયેલાં પ્રારંભિક પાઠ્યપુસ્તકો પૈકીનું એક મહત્ત્વપૂર્ણ પાઠ્યપુસ્તક પણ AADMએ પ્રકાશિત કર્યું છે.
દૈનિક પ્રત્યક્ષ : વૈશ્વિક ઘટનાક્રમ પર દૈનિક દૃષ્ટિ
૧૫ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ ડૉ. અનિરુદ્ધ ધૈર્યધર જોશીએ કોઈ પણ રાજકીય વિચારધારા સાથે સંકળાયેલું ન હોય એવા મરાઠી દૈનિક ‘દૈનિક પ્રત્યક્ષ’ની શરૂઆત કરી અને તેનાં કાર્યકારી સંપાદક તરીકેની જવાબદારી પણ સંભાળી. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર વિશેષ ભાર મૂકતા ‘દૈનિક પ્રત્યક્ષ’એ છેલ્લાં બે દાયકાથી પણ વધુ સમય દરમિયાન બનેલી મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું ઊંડું, સચોટ અને મર્મસ્પર્શી વિશ્લેષણ સતત વાચકો સમક્ષ રજૂ કર્યું છે.
ડિસેમ્બર ૨૦૧૩થી ‘દૈનિક પ્રત્યક્ષ’ દર વર્ષે પોતાની વર્ષગાંઠના અવસરે ‘વિશેષ, વિલક્ષણ અને વિક્ષિપ્ત’ વિશેષાંક પ્રકાશિત કરતું આવ્યું છે. આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ટેક્નૉલૉજીથી લઈને સંસ્કૃતિ, સિનેમા, પ્રકૃતિ અને અંતરિક્ષ સુધીના વિવિધ વિષયોને આવરી લેતા આ વિશેષાંકો તેમની વિસ્તૃત, અભ્યાસપૂર્ણ રજૂઆત અને વિષયોની વિવિધતા માટે જાણીતા છે.
૨૦૨૫ના વિશેષાંકમાં ‘ઈરાનમાં ઘૂસેલી ‘ક્વીન ઑફ ડેથ’—ઈરાનમાં ઇઝરાયલની જાસૂસ કેથરિન પેરેઝ-શકદમ’ (‘Queen of Death: Catherine Perez Shakdam, Israel’s Spy in Iran’) વિષયક લેખની સાથે ‘અફઘાનિસ્તાનમાં બદલાયેલી ગેમ’ (‘The Great Game Blazing in Afghanistan’), ‘ઍસ્ટેરૉઇડ કે પરગ્રહવાસીઓનું સ્પેસ શિપ?’ (‘3I/ATLAS: Asteroid of Alien Space Ship?’) અને ‘એલ લોકોઃ જેવિયર મિલેઈ’ (‘El Loco: Javier Milei’) જેવા વિવિધ વિષયો પરના લેખોનો સમાવેશ થયો હતો.
સદ્ગુરુ બાપુએ વાસ્તવિક ઇતિહાસ અને શાસનકળા (Statecraft)ને આધુનિક રાષ્ટ્રનીતિ સાથે જોડતી અનેક સંપાદકીય લેખમાળાઓ પણ લખી છે. તેમાં ‘વૈશ્વિક ગુપ્તચર તંત્ર’ (‘World’s Intelligence Agencies’), ‘સમર્થ ભારત - મહાન ઇતિહાસ’ (‘Samartha Bharat – The Grand History’) જેવી અનેક નોંધપાત્ર લેખમાળાઓનો સમાવેશ થાય છે.
તૃતીય વિશ્વયુદ્ધ
૪ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ સદ્ગુરુ બાપુએ ‘તૃતીય વિશ્વયુદ્ધ’ પુસ્તક પ્રકાશિત કર્યું. ‘દૈનિક પ્રત્યક્ષ’માં સમયાંતરે તેમના દ્વારા લખાયેલા લેખોનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના સમયની ઐતિહાસિક ઘટનાઓ તથા વર્તમાન આંતરરાષ્ટ્રીય રાજકારણની વાસ્તવિકતાઓ વચ્ચેનો સંબંધ ઉજાગર કરતાં બાપુએ આ પુસ્તકમાં એવાં અનેક વિશ્લેષણો રજૂ કર્યાં છે, જે સમયની સાથે પ્રાસંગિક રહ્યાં છે.
આ પુસ્તકમાંનાં નોંધપાત્ર વિશ્લેષણોમાંનું એક તત્કાલીન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ વિશે બાપુએ કરેલું વિશ્લેષણ છે. બાપુએ ઉલ્લેખ કર્યો હતો કે તેમનામાં જર્મનીનું નેતૃત્વ કરવા માટે જરૂરી ક્ષમતા નથી. તેની સાથે તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે ભવિષ્યમાં જર્મની વૈશ્વિક સ્તરે સમસ્યાઓ ઊભી કરનાર રાષ્ટ્ર બની શકે છે. યુરોપમાં પાછળથી સર્જાયેલા પ્રવાસી સંકટ (Migrant Crisis)ની પૃષ્ઠભૂમિમાં આ અવલોકનને વિશેષ મહત્ત્વ પ્રાપ્ત થયું.
આ પુસ્તકમાં ચીન, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા - આ ત્રણ દેશોનો ઉલ્લેખ ‘ભયપ્રદ ત્રિકૂટ’ અથવા ‘અભદ્ર (અશુભ) ત્રિકૂટ’ તરીકે પણ કરવામાં આવ્યો છે.
‘તૃતીય વિશ્વયુદ્ધ’ પુસ્તક પ્રકાશિત થયા પછી પણ સદ્ગુરુ બાપુએ પોતાના સંપાદકીય લેખો અને પ્રવચનોના માધ્યમથી આંતરરાષ્ટ્રીય રાજકારણની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પ્રત્યે શ્રદ્ધાવાનોને સતત સજાગ કર્યા છે.
પાકિસ્તાનનો વિનાશ થાય
વર્ષ ૨૦૦૮માં મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદી હુમલાઓ પછી સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ કડક અને પ્રભાવશાળી સંપાદકીય લેખો લખ્યા. સાથે જ જનતાના અસંતોષને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડવા માટે ‘સહકારી સત્યાગ્રહ’ (Cooperative Satyagraha)ની સંકલ્પના રજૂ કરી. તેમજ ભારતે ‘ટેરરિસ્તાન પાકિસ્તાન’ પર હુમલો કરીને તેનો નાશ કરવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો. આ આંદોલનની અસર એટલી વ્યાપક હતી કે ૨૬/૧૧ના હુમલા પછી ભારતીય સંસદમાં થયેલી ચર્ચાઓમાં પણ તેનો સંદર્ભ આપવામાં આવ્યો હતો.
કાશ્મીરી પંડિતો માટે આશ્વાસન આપનાર સંદેશ
૨૬/૧૧ના હુમલાના થોડા મહિનાઓ પછી, ૫ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ પુણેમાં બ્રાહ્મણ સંમેલનને સંબોધતાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ કાશ્મીરી પંડિતોને વિશેષ આશ્વાસન આપ્યું કે તેઓ એકલા નથી અને ટૂંક સમયમાં જ તેમનું તેમના પોતાના કાશ્મીરમાં પુનર્વસન થશે. આજની પરિસ્થિતિમાં બાપુના એ શબ્દોની સાર્થકતા અને મહત્ત્વ વધુ સ્પષ્ટપણે અનુભવાય છે.
વૈશ્વિક ધ્રુવીકરણનું વર્ષ (The Year of Global Polarization)
૧૭ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ આપેલા એક પ્રવચનમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ અનુમાન વ્યક્ત કર્યું હતું કે વર્ષ ૨૦૧૬ વૈશ્વિક ધ્રુવીકરણના એક નવા યુગની શરૂઆત થશે અને તેના કારણે તૃતીય વિશ્વયુદ્ધ તરફ આગળ વધવાની ગતિ વધુ ઝડપી બનશે.
“અનિરુદ્ધ બાપુએ અગાઉથી જ અનુમાન લગાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬થી વૈશ્વિક ધ્રુવીકરણના એક નવા યુગની શરૂઆત થશે,”
ત્યારબાદ વર્ષ ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય રાજકારણ, રાજકીય વ્યવસ્થા, પ્રૌદ્યોગિકી (Technology) અને જાહેર આરોગ્ય (Public Health)ના ક્ષેત્રોમાં અનેક મોટી ઊથલપાથલ થઈ. તેમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીમાં જીત, બ્રેક્ઝિટ, બ્રાઝિલમાં રાજકીય સત્તાપરિવર્તન, ઉરી હુમલા પછી ભારત દ્વારા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સ, ઝીકા વાયરસને કારણે સર્જાયેલી આરોગ્ય કટોકટી (Health Emergency) અને કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence)નો મુખ્યધારામાં ઉદય સામેલ હતા.
રશિયા - ભારતનો અતિશય જૂનો અને સમજદાર મિત્ર
એક તરફ ભારત અને અમેરિકાના સંબંધો ઝડપથી સુદૃઢ થઈ રહ્યા હતા, તો બીજી તરફ ભારત - રશિયાના સંબંધો થોડા નબળા પડી રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ૧૨ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ‘દૈનિક પ્રત્યક્ષ’માં સમગ્ર ભારતવર્ષને એક વિનમ્ર આહ્વાન કર્યું હતું. આ આહ્વાનના માધ્યમથી તેમણે ભારત અને રશિયા વચ્ચેની દીર્ઘકાલીન મિત્રતા જાળવી રાખવાની અને તેને વધુ સુદૃઢ કરવાની આવશ્યકતાને રેખાંકિત કરી. અમેરિકા સાથે વ્યવહારુ સંબંધો વિકસાવવાનું સમર્થન કરતાં તેમણે એ બાબતે પણ સાવચેત રહેવા કહ્યું કે રશિયા સાથેની દીર્ઘકાલીન મિત્રતાને કોઈ આઘાત ન પહોંચે. ત્યારબાદ ભારતની વિદેશનીતિમાં થયેલા પરિવર્તનોએ બાપુએ રજૂ કરેલા આ વલણના મહત્ત્વને વધુ સ્પષ્ટપણે રેખાંકિત કર્યું.
ઇઝરાયલ વિશે લેખમાળા અને પુસ્તક
૨૦૧૭માં ભારત અને ઇઝરાયલના રાજદ્વારી સંબંધોને ૨૫ વર્ષ પૂર્ણ થયાં. આ અવસરે ‘દૈનિક પ્રત્યક્ષ’એ ભારતીય-ઇઝરાયલી યહૂદી લેખિકા શુલામિથ પેણકર-નિગ્રેકરની ‘ઇઝરાયલ : એક લાંબી યાત્રા, પરંતુ સફળ!’ લેખમાળા શરૂ કરી. આ લેખમાળાની પ્રસ્તાવનામાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ભારત - ઇઝરાયલ સંબંધોના સામરિક મહત્ત્વ પર ભાર મૂકતાં લખ્યું હતું,
‘આવનારા સમયમાં યુદ્ધનો બહુ મોટો વિસ્ફોટ થવાનો છે....’
૭ ઑક્ટોબર ૨૦૨૩ના રોજ બનેલી ઘટનાઓ અને ત્યારબાદ ઇઝરાયલ સાથે સંબંધિત સંઘર્ષોની પૃષ્ઠભૂમિમાં બાપુનાં આ શબ્દોનું મહત્ત્વ અનુભવાયું.
અમેરિકા વિશેનું નિવેદન
જૂન ૨૦૨૫નાં પોતાના પ્રવચનોમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ભારતના ‘ઑપરેશન સિંદૂર’ પછી અમેરિકાની વિદેશનીતિ ફરી એકવાર ‘ટેરરિસ્તાન પાકિસ્તાન’ તરફ ઢળવા બદલ અમેરિકાની ટીકા કરી. આ સંદર્ભમાં બાપુએ અમેરિકાના ભૂતપૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિંજરનું કથન ટાંક્યું :
“અમેરિકાનો શત્રુ હોવું અત્યંત જોખમી છે; પરંતુ અમેરિકાનો મિત્ર હોવું સૌથી વધુ ઘાતક છે.”
આ કથનનો સંદર્ભ આપતાં બાપુએ દૃઢતાપૂર્વક કહ્યું કે અમેરિકા વાસ્તવિક અર્થમાં ક્યારેય કોઈનું મિત્ર રાષ્ટ્ર બની શકે નહીં. સાથે જ માતૃભાષા, માતૃભૂમિ અને સ્વધર્મના મહત્ત્વ પર ભાર મૂકતાં બાપુએ અમેરિકામાં રહેતા ભારતીય મૂળ નાગરિકોને અને ભારતીય પ્રવાસીઓને અત્યંત સ્પષ્ટ અને સચોટ માર્ગદર્શન આપ્યું.
‘હિમાલયની હાકલ’થી લઈને ‘આર્થિક આતંકવાદ’ સુધીના લેખોના માધ્યમથી, આપત્તિ વ્યવસ્થાપનથી લઈને આંતરરાષ્ટ્રીય રાજકારણ સુધીના વિવિધ વિષયો પર કરેલા પોતાના કાર્ય દ્વારા, સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ પેદા કરવા અને સંભવિત પડકારોનો સામનો કરવા માટે તેમને તૈયાર કરવા માટે સતત ભાર મૂક્યો છે.
પોતાનાં પુસ્તકો, સંપાદકીય લેખો, પ્રવચનો અને વિવિધ ઉપક્રમોના માધ્યમથી બાપુએ આંતરરાષ્ટ્રીય રાજકારણ જેવા અત્યંત જટિલ વિષયો પર કરેલા વિશ્લેષણમાંથી વિવિધ વિષયો અંગેની તેમની ઊંડી સમજ અને વ્યાપક અભ્યાસનો અનુભવ તો થાય જ છે; સાથે જ આ જ્ઞાનનો ઉપયોગ સામાન્ય વ્યક્તિને વૈશ્વિક ઘટનાક્રમ સમજવામાં તથા તેમાંથી ઊભા થતા સામાજિક, આર્થિક, આરોગ્ય સંબંધી અને સાંસ્કૃતિક પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે તૈયાર કરવામાં કરવાની તેમની વ્યાપક દૃષ્ટિ પણ સ્પષ્ટ થાય છે.
