જીવનપર્યંત જ્ઞાનસાધના કરનારા ડૉક્ટર
બાપુની શીખવાની લગન તેમની શૈક્ષણિક યાત્રામાં જ સમાયેલી છે. મુંબઈની ડૉ. શિરોડકર હાઈસ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે ટોપીવાળા નૅશનલ મેડિકલ કૉલેજ અને નાયર હૉસ્પિટલમાં ચિકિત્સાશાસ્ત્રનું શિક્ષણ મેળવ્યું. તેમણે ૧૯૭૮માં એમબીબીએસ અને ૧૯૮૨માં મેડિસિનમાં એમડીની ઉપાધિ (ડિગ્રી) પ્રાપ્ત કરી. ત્યારબાદ નિષ્ણાત ચિકિત્સક તરીકે મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરતાં પહેલાં તેમણે ત્યાં જ લેક્ચરર તરીકે પણ કાર્ય કર્યું.
ચિકિત્સાનાં ક્ષેત્રમાં અદ્યતન (અપડેટેડ) રહેવા માટે નિરંતર અધ્યયન આવશ્યક હોય છે અને આ શિસ્ત બાપુએ સતત જાળવી રાખી. વ્યવસાયિક રીતે પોતાને સ્થાપિત કર્યા પછી પણ બાપુએ વિજ્ઞાન, ટેક્નોલોજી સંબંધિત નવપ્રવર્તનો, અર્થશાસ્ત્ર, વ્યવસ્થાપન અને ઇતિહાસ જેવાં પોતાનાં ક્ષેત્રની બહારનાં વિષયોનું પણ અધ્યયન ચાલુ રાખ્યું.
જીવનપર્યંત વિદ્યાર્થી બની રહો
બાપુ ઘણીવાર સમજાવે છે કે શાળા અને કૉલેજનાં મિત્રો તેમને ‘ઘાસૂ’ કહીને ચીડવતા હતાં. આ શબ્દ સતત ભણતા રહેતા વ્યક્તિ માટે વપરાય છે. તેમણે આ ઉપનામને ગર્વપૂર્વક સ્વીકાર્યું. તેઓ પોતાના શ્રદ્ધાવાન મિત્રોને હંમેશાં યાદ અપાવે છે કે -
‘શાળા કે કૉલેજ પૂર્ણ થયા પછી મોટાભાગના લોકોનું ભણવાનું અટકી જાય છે. તેના બદલે આપણે જીવનપર્યંત વિદ્યાર્થી બની રહેવું જોઈએ.’
તેમનાં અનુસાર, શીખવાનો અર્થ માત્ર માહિતી એકત્રિત કરવી નથી; તેના માટે નિરંતર નિરીક્ષણ કરતા રહેવું, સમજવું, પરિસ્થિતિ અનુસાર પોતાનામાં પરિવર્તન લાવવું અને પોતાને અધિકાધિક સારા બનાવતા રહેવું આવશ્યક છે. જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગવા માંડે કે ‘હવે શીખવા માટે કંઈ જ બાકી નથી’, ત્યારે નવા જ્ઞાનને આત્મસાત્ કરવાની તેની પ્રક્રિયા પણ ધીમે ધીમે અટકી જાય છે.
આધુનિક સેમિનારમાં ‘સત્ર’ની પ્રાચીન પરંપરા
શીખવાની વૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે બાપુએ અપનાવેલાં સૌથી વિશિષ્ટ માધ્યમોમાંનું એક છે સેમિનાર. તેઓ સ્પષ્ટ કરે છે કે ‘સેમિનાર’ શબ્દ લૅટિન ભાષાનાં ‘Seminarium’ (સેમિનારિયમ) શબ્દમાંથી આવ્યો છે, જેનો અર્થ છોડવાડી અથવા એવું સ્થાન થાય છે, જ્યાં બીજના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવામાં આવે છે. બાપુ સેમિનારનો સંબંધ ભારતની પ્રાચીન ગુરુકુળ પરંપરાનાં ‘સત્રો’ સાથે પણ જોડે છે. આ સત્રોમાં ચર્ચા કરવી, પ્રશ્નો પૂછવા અને સામૂહિક રીતે કોઈ વિષયની શોધ કરવી એ શિક્ષણનાં મહત્ત્વપૂર્ણ અંગો હતાં.
તેથી સેમિનાર માત્ર વ્યાખ્યાન નથી. કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓનો સમૂહ કોઈ વિષયનો ગહન અભ્યાસ કરીને તેને વ્યવસ્થિત રીતે રજૂ કરે છે. એનાથી અન્ય લોકોને જટિલ સંકલ્પનાઓ વધુ અસરકારક રીતે સમજવામાં અને આગળ તેમનો વધુ ગહન અભ્યાસ કરવામાં સહાયતા મળે છે. અહીં સહભાગી વ્યક્તિઓ માટે પણ સાચા વિદ્યાર્થી બની રહેવું, સમજી-વિચારીને સાંભળવું, પ્રશ્નો પૂછવા, માહિતીની પુષ્ટિ કરવી અને સ્વતંત્ર રીતે શીખતા રહેવું આવશ્યક છે.
બૌદ્ધિક જિજ્ઞાસાની સંસ્કૃતિનું નિર્માણ કરવું
અધ્યાત્મની સાથે સાથે દૈનિક જીવનને આકાર આપતા સમકાલીન ઘટનાક્રમોનું અધ્યયન કરવા માટે પણ સદ્ગુરુ બાપુએ નિરંતર પ્રોત્સાહન આપ્યું છે. તેમનું માનવું છે કે આધ્યાત્મિક રીતે જાગૃત વ્યક્તિ ઝડપથી બદલાતી દુનિયાની સમજ ધરાવતો એક વિવેકશીલ નાગરિક પણ હોવો જોઈએ. તેથી તેમનાં માર્ગદર્શન હેઠળ આયોજિત સેમિનારોમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, કમ્યુનિકેશનથી લઈને અર્થશાસ્ત્ર (ફાઇનાન્સ) અને વૈશ્વિક રાજનીતિ (જિયોપોલિટિક્સ) જેવાં વિવિધ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેનો હેતુ વિવિધ સ્થળોએ ઉપલબ્ધ માહિતી એકત્રિત કરવાનો નથી, પરંતુ બૌદ્ધિક, વ્યક્તિગત અને આધ્યાત્મિક વિકાસમાં સહાયક બને એવો સંતુલિત દૃષ્ટિકોણ વિકસાવવાનો છે.
દૂરદર્શિતાથી આયોજિત મેગા સેમિનાર
સદ્ગુરુ બાપુનાં માર્ગદર્શન હેઠળ આયોજિત અસંખ્ય સેમિનારોમાંથી ૨૦૧૨ અને ૨૦૧૩માં સ્વયં તેમણે લીધેલાં બે વિસ્તૃત સેમિનાર વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ હતાં - ‘સ્ટ્રેટેજીઝ ઑફ ધ ન્યૂ એરા’ (Strategies of the New Era) અને ‘હાઉ ધ વર્લ્ડ ઇઝ ગોઇંગ ટુ બી’ (How the World Is Going to Be).
‘સ્ટ્રેટેજીઝ ઑફ ધ ન્યૂ એરા’ (Strategies of the New Era)
૨૦૧૨માં આયોજિત આ મેરેથોન સેમિનારમાં બે દિવસ દરમિયાન લગભગ અઠ્ઠાવીસ કલાકનાં સત્રો યોજાયાં હતાં. બાપુએ ‘Jugaad’, Emotional Intelligence, Attention Economy, 3D Printing, Cloud Computing, Personal Cloud, Blogosphere, NPTEL અને Digital Education, Open-Source Software તથા HAM Radio જેવી સંકલ્પનાઓ અને ટેક્નોલોજીઓ વિશે માહિતી આપી. આમાંથી અનેક વિષયો એ સમયે દૈનિક ચર્ચાનો ભાગ પણ બન્યા નહોતા.
એ સમયે આ સેમિનાર દ્વારા તેમાં સહભાગી વ્યક્તિઓને આ વિષયોનું ભવિષ્યમાં રહેનારું દીર્ઘકાલીન મહત્ત્વ સમજવાની તક મળી.
‘હાઉ ધ વર્લ્ડ ઇઝ ગોઇંગ ટુ બી’ (How the World Is Going to Be)
૨૦૧૩નાં આ સેમિનારમાં બાપુએ કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence), હોલોગ્રાફી (Holography), નૅનોટેક્નોલોજી (Nanotechnology) અને રોબોટિક્સ (Robotics) સહિત અન્ય ઊભરતાં ક્ષેત્રોથી સહભાગી વ્યક્તિઓને પરિચિત કરાવ્યા. ત્યારબાદ આ ટેક્નોલોજીઓને પ્રાપ્ત થયેલા મહત્ત્વને જોતાં એવો અનુભવ થાય છે કે ભવિષ્યને પ્રભાવિત કરનારા ઘટનાક્રમો પર બાપુજી કેટલી સૂક્ષ્મતાથી ધ્યાન આપે છે. એનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમણે આ સેમિનારોમાં સહભાગી વ્યક્તિઓને આવા પરિવર્તનોને ભયની દૃષ્ટિએ જોવાને બદલે તેમના તરફ જિજ્ઞાસા અને પૂર્વતૈયારીના ભાવથી જોવા માટે પ્રોત્સાહિત કર્યા.
પોતાનાં આચરણથી શીખવવું
ઉપદેશ આપતાં પહેલાં સ્વયં તેને આચરણમાં મૂકવું અને બીજાનું માર્ગદર્શન કરતાં પહેલાં સ્વયં એ કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડવું - આમાં સદ્ગુરુ બાપુ વિશ્વાસ રાખે છે. કોઈ વિષય પર બોલતાં પહેલાં તેઓ તેનો ગહન અભ્યાસ કરે છે અને એ વિષયની સમગ્ર માહિતી પ્રાપ્ત કરે છે. કોઈ વિષયનું ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેઓ પોતાની સંસ્થાઓનાં સ્વયંસેવકો અને કાર્યકર્તાઓને એ વિષયનો, વિશેષ કરીને તેનાં વ્યાવહારિક ઉપયોગની દૃષ્ટિએ, વધારે અભ્યાસ કરવા માટે પ્રેરિત કરે છે.
તેમનાં કાર્યાલયમાં ઘણીવાર થતી પ્રસ્તુતિઓ (Presentations) પરસ્પર સહયોગથી શીખવાનો અનુભવ પ્રદાન કરે છે. બાપુ ચર્ચામાં સહભાગી થાય છે, પોતાનાં વિચારો રજૂ કરે છે અને જો કંઈ ખોટું જણાય તો તેને સહજતાથી સુધારે છે. આ પ્રક્રિયામાં સહભાગી વ્યક્તિઓને માહિતી એકત્રિત કરવી, સંશોધન કરવું તથા તેનું વિશ્લેષણ કરીને તેની પુષ્ટિ કરવી શીખવા મળે છે; સાથે જ પોતાના નિષ્કર્ષો રજૂ કરવાથી તેમનો આત્મવિશ્વાસ પણ વધે છે.
ડૉ. નિકોલા ટેસ્લાથી ક્લાઉડ-બેઝ્ડ રિમોટ ઑફિસ સુધી
આ અધ્યયન-સંસ્કૃતિની વ્યાપકતા વિવિધ વિષયોને સમર્પિત સેમિનારોમાં જોવા મળે છે. લગભગ બાર કલાક સુધી ચાલેલા એક સેમિનારમાં સંશોધક ડૉ. નિકોલા ટેસ્લા (Dr. Nikola Tesla)ના જીવન, સંઘર્ષો, આવિષ્કારો અને તેમના આવિષ્કારોના દીર્ઘકાલીન પ્રભાવનો ગહન અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં Alternating Current (AC) Electricityમાં તેમના યોગદાન અને Wireless Communicationની પ્રારંભિક સંકલ્પનાના વિકાસમાં ડૉ. ટેસ્લાએ ભજવેલી મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો પણ સમાવેશ થયો હતો.
નવેમ્બર ૨૦૧૯માં બાપુએ ‘Cloud-based Remote Office’ અને ‘Productivity Tools’ પર એક વિસ્તૃત સેમિનાર આયોજિત કર્યો. તેનાં થોડા જ મહિનાઓ પછી કોવિડ-૧૯ (COVID-19) મહામારીને કારણે વિશ્વભરની મોટાભાગની ઑફિસોમાં ઘરેથી ઑનલાઇન કામ કરવું (Work from Home) આવશ્યક બની ગયું.
આ પહેલાં આયોજિત સેમિનારોમાં પ્રાપ્ત તાલીમને કારણે સંસ્થાનું કામકાજ ડિજિટલ પ્લેટફૉર્મ પર સ્થાનાંતરિત કરવું, કાગળરહિત (Paperless) કામકાજને પ્રોત્સાહન આપવું અને Video Conferencing જેવાં માધ્યમો દ્વારા સાથે મળીને કાર્ય કરવું શક્ય બન્યું. એકબીજાને મળવા પર પ્રતિબંધો રહેલા એ સમયગાળામાં આવા સંપર્કે એકતા અને કામકાજની નિરંતરતા જાળવી રાખવામાં પણ સહાય કરી.
કેટલાક અન્ય સેમિનારોમાં Interactive Media Platforms, Social Media Platforms અને Digital Dashboards જેવા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ વિષયોના માધ્યમથી આપણા જીવનને પ્રભાવિત કરનારા ઘટનાક્રમો વિશે અદ્યતન રહેવાની અને તેમની જાણકારી રાખવાની આવશ્યકતા રેખાંકિત થઈ.
કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence)નાં યુગમાં પ્રવેશ
જેમ જેમ કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence) શિક્ષણ, સંવાદ અને દૈનિક જીવનમાં પરિવર્તન લાવવા લાગી, તેમ તેમ સદ્ગુરુ બાપુએ ફરી એક વાર માત્ર તેનું નિરીક્ષણ કરવાને બદલે દૈનિક જીવન અને કાર્યોમાં એઆઈ (AI)નો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવા પર ભાર મૂક્યો. ૨૦૨૫થી તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા (Artificial Intelligence), Generative AI Tools, Emerging Technologies, QR Codes અને તેમનાં વ્યાવહારિક ઉપયોગો પર સેમિનારો શરૂ કર્યા.
તેમનો ભાર માત્ર નવાં સાધનોથી પરિચિત થવા પર નથી, પરંતુ તેઓ કેવી રીતે કાર્ય કરે છે, તેમની સાથે જોડાયેલી સંભાવનાઓ અને તેમની મર્યાદાઓને ઓળખવી તથા સમજી-વિચારીને, જવાબદારીપૂર્વક અને અસરકારક રીતે તેમનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજવા પર બાપુ વિશેષ ભાર મૂકે છે.
જ્ઞાનનો ઉપયોગ માનવકલ્યાણ માટે થવો જોઈએ
પોતાનાં બધા સેમિનારોમાં સદ્ગુરુ બાપુ સ્પષ્ટ કરે છે કે જ્ઞાનની સાચી ઉપયોગિતા ત્યારે જ સિદ્ધ થાય છે, જ્યારે તેનો ઉપયોગ માનવતાની સેવા માટે કરવામાં આવે. જવાબદારીને સમજ્યા વિના જ્યારે માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે જોખમથી મુક્ત હોતો નથી; સાથે જ ટેક્નોલોજીના ઉપયોગમાં નૈતિક મૂલ્યોનો આધાર ન હોય, તો તે વર્તમાન સમસ્યાઓનું નિરાકરણ લાવવાને બદલે નવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેથી તેમના લેખન અને પ્રવચનોમાં વિજ્ઞાન અને અધ્યાત્મને એકબીજાના પૂરક સમજાવવામાં આવ્યાં છે.
વિવેકપૂર્ણ જિજ્ઞાસા અંધવિશ્વાસને દૂર કરવામાં અને સમજને વ્યાપક બનાવવામાં સહાય કરે છે, જ્યારે આધ્યાત્મિક મૂલ્યો જ્ઞાનનો સમાજના કલ્યાણ માટે જવાબદારી અને કરુણા સાથે ઉપયોગ કરવાનો માર્ગ દર્શાવે છે.
પ્રેરણાદાયી શબ્દો
સદ્ગુરુ બાપુ દ્વારા ઘણીવાર કહેવામાં આવતી બે ઉક્તિઓમાં તેઓ જે શીખવાના દૃષ્ટિકોણને નિરંતર પ્રોત્સાહિત કરે છે, તેની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. ટેક્નોલોજી ક્ષેત્રના દૂરદર્શી સ્ટીવ જોબ્સ (Steve Jobs)નું કથન -
‘સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ’ (Stay Hungry, Stay Foolish)
બાપુનાં અનુસાર, આ ‘શીખવાની અદમ્ય ઇચ્છા અને પરંપરાગત મર્યાદાઓથી આગળ વધીને નવા વિચારો અજમાવવાનું સાહસ’ જાળવી રાખવાનું આહ્વાન કરે છે. એ જ રીતે કૃષિ વૈજ્ઞાનિક અને સંશોધક જ્યોર્જ વૉશિંગ્ટન કાર્વર (George Washington Carver)નું કથન -
‘Start where you are, with what you have; make something of it and never be satisfied.’
(‘તમે જ્યાં છો, ત્યાંથી જ શરૂઆત કરો; તમારી પાસે જે છે, તેમાંથી કંઈક સાર્થક બનાવો અને ક્યારેય સંતોષ માનીને અટકી ન જાઓ.’)
આ વાક્ય પણ બાપુ ઉદ્ધૃત કરે છે. આ બંને કથનોમાં પોતાનામાં નિરંતર સુધારો કરતા રહેવાની ભાવના જોવા મળે છે.
વાસ્તવમાં, આ દૃષ્ટિકોણ માત્ર ઔપચારિક સેમિનારો પૂરતો સીમિત નથી. બાપુનાં પ્રવચનો પણ ઘણી વાર અધ્યયનનું એક સ્વરૂપ બની જાય છે. તેઓ શ્રોતાઓને માત્ર સાંભળવાને બદલે વિચારવા, વિશ્લેષણ કરવા અને સમજવા માટે પ્રેરિત કરે છે.
અધ્યયનની વિરાસત
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા શરૂ કરવામાં આવેલા સેમિનારો માત્ર જ્ઞાનના આદાન-પ્રદાન પૂરતા સીમિત નથી, પરંતુ તેનાથી ઘણાં આગળ જાય છે. તેઓ એવી જીવનપદ્ધતિને પ્રોત્સાહિત કરે છે, જેમાં શીખવાનું ક્યારેય સમાપ્ત થતું નથી. નિરંતર શીખતા રહેવાથી આપણું મન સક્રિય રહે છે, આપણી સમજ વ્યાપક બને છે અને આપણી આસપાસ થઈ રહેલા પરિવર્તનોને સમજવા માટે આપણે વધારે સક્ષમ બનીએ છીએ. સાથે જ જ્ઞાનની આ શોધનાં મૂળ ભક્તિમાં દૃઢપણે રહેલાં હોવાં જોઈએ.
સદ્ગુરુ બાપુની દૃષ્ટિએ ભક્તિ અને જ્ઞાન મનુષ્ય પાસે રહેલી સૌથી મોટી સંપદા છે - એવી સંપદા, જેને કોઈ પણ ચોરી શકતું નથી.
