શિવગંગાગૌરીમાતાનું દિવ્ય સ્વરૂપ
શિવગંગાગૌરીમાતા પદ્માસનમાં બિરાજમાન છે. મગર તેમનું વાહન છે. શિવગંગાગૌરીમાતાને ‘રુદ્રગંગા’ પણ કહેવામાં આવે છે. શિવગંગાગૌરીમાતા ‘ત્રિનેત્રા’ છે અને તેમનું આ ત્રીજું નેત્ર જ ન્યગ્રોધભૂમ અરણ્ય છે. શિવગંગાગૌરી માતાની પાછળ એક ‘ગંગાધ્વજ’ રાખવામાં આવ્યો છે. તેનાં પર મગરનું ચિહ્ન છે. સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પ્રસન્નોત્સવમાં આ ધ્વજની સ્થાપના કરી હતી. શિવગંગાગૌરી માતા પાસે હરિદ્રાથી ભરેલો ‘મંગલ કળશ’ છે અને તેમનું શસ્ત્ર ગદા છે.
માતાનાં સાત સ્વરૂપ
માતા શિવગંગાગૌરીએ અત્યાર સુધી વિશ્વનાં રક્ષણ માટે સાત વખત અવતાર ધારણ કર્યા છે અને દરેક વખતે ભગવાન કિરાતરુદ્ર પણ તેમની સાથે આવ્યાં છે. આ અવતારોમાં સાતમો અવતાર માતેશ્વરી અર્થાત માતા રેણુકા અને શ્રીતપોભૈરવ અર્થાત જમદગ્નિનો છે.
ભગવાન કિરાતરુદ્ર અને શિવગંગાગૌરી પરશુરામનાં પિતા અને માતા બનીને અવતર્યાં. કિરાતરુદ્ર જમદગ્નિ ઋષિના સ્વરૂપમાં ધર્મ અને તપનાં મૂર્તિમંત સ્વરૂપ હતાં, જ્યારે માતા શિવગંગાગૌરી, જે કંઈ અશુભ અને હાનિકારક છે તેનો પ્રતિબંધ અને અવરોધ કરનારી શક્તિ, માતા રેણુકાના સ્વરૂપમાં ધાર્મિક આચરણ, અનન્ય પતિવ્રત અને પરાક્રમનાં સ્રોત હતાં. ભગવાન પરશુરામ તેમનાં દિવ્ય પુત્ર હતાં.
આદિમાતાનાં અત્રિ-સ્વરૂપનો પવિત્ર અગ્નિ જમદગ્નિમાં પવિત્ર ક્રોધનાં સ્વરૂપે પ્રગટ થયો, જ્યારે આદિમાતાનાં અનસૂયા સ્વરૂપનું ધર્માચરણ રેણુકામાં પતિવ્રત અને પરાક્રમનાં પરમ જ્ઞાનનાં સ્વરૂપે અવતર્યું, જેની પરિણતિ આગળ જતાં ભગવાન પરશુરામનાં સ્વરૂપમાં પૂર્ણ થઈ.

પવિત્ર હરિદ્રા
શિવગંગાગૌરી ગદાસ્તોત્રમાં માતા શિવગંગાગૌરીનું પ્રેમપૂર્વક ‘હરિદ્રાસ્થિતા’ અર્થાત પવિત્ર હરિદ્રામાં વાસ કરનારી, હરિદ્રામાં સ્થિત રહેનારી તરીકે વર્ણન કરવામાં આવ્યું છે.
જગદમ્બ ત્વં બ્રહ્માસ્ત્રવિદ્યા । હરિદ્રાસ્થિતા પીતવર્ણા ત્રિનેત્રા ।
આ ગહન વિશેષણથી એ સ્પષ્ટ થાય છે કે હરિદ્રા માત્ર એક ઔષધીય વનસ્પતિ નથી, પરંતુ માતા શિવગંગાગૌરીની સ્તંભનશક્તિ એટલે તેમની રક્ષણ કરનારું અને મંગલમય શક્તિને પ્રગટ કરનારું એક પવિત્ર માધ્યમ છે.
ભારતીય પરંપરામાં અનાદિ કાળથી હળદરને પવિત્રતા, મંગલતા, આરોગ્ય અને સંરક્ષણનું પ્રતીક માનવામાં આવ્યું છે. આધુનિક વિજ્ઞાને પણ હળદરના જીવાણુનાશક (antiseptic), સોજો ઘટાડનારા (anti-inflammatory), antioxidant તથા શરીરના પુનર્નિર્માણમાં સહાયક એવા નોંધપાત્ર ઔષધીય ગુણો સ્વીકાર્યા છે. સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુએ જેવી રીતે જણાવ્યું છે, તેવી રીતે આ હળદરમાં રહેલાં લાભદાયક ગુણો માત્ર તેનાં ભૌતિક ગુણો નથી, પરંતુ પવિત્ર હરિદ્રામાં પ્રેમપૂર્વક વાસ કરનારી માતા શિવગંગાગૌરીની દિવ્ય કૃપાનું જ સ્વરૂપ છે.
તેથી હરિદ્રા માત્ર એક ઔષધીય વસ્તુ ન રહેતાં આદિમાતાની કલ્યાણકારી ઉપસ્થિતિનું સજીવ સ્વરૂપ બની જાય છે અને તેનાં આરોગ્યદાયક, રક્ષણકારી તથા મંગલમય સ્પંદનો તેમનાં બાળકોના જીવનમાં પ્રવાહિત કરે છે.

શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્માં શ્રીરુદ્રગૌરી હરિદ્રા
શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્માં શ્રીચંડિકાકુળનાં ફોટા પાસે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં સંકલ્પ અનુસાર પવિત્ર હરિદ્રાથી ભરેલો એક કુંભ રાખવામાં આવ્યો છે. રેણુકા માતા સતી થયા એ સમયે તેમનાં શરીર પર જે હળદર (હરિદ્રા) લાગી હતી, તેનું પ્રતીક જ આ રુદ્રગૌરી હરિદ્રા છે અને તેથી શ્રદ્ધાવાનો માટે આ એટલી જ પવિત્ર છે.
મંગળવાર, ૦૭ ફેબ્રુઆરી ૨૦૧૨નાં રોજ આપણા સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ માતા રેણુકાને ભાવપૂર્વક વંદન કર્યાં અને આ હરિદ્રાને, એટલે રેણુકા માતાની અંતિમ નિશાની અને તેમની પ્રેમભરી સ્મૃતિનાં સ્વરૂપે, સર્વ શ્રદ્ધાવાનો માટે સદૈવ માટે ઉપલબ્ધ કરાવી. આ સમયે બાપુએ આ મંગલ કળશને કસીને પોતાનાં હૃદયે લગાવ્યો હતો અને તેમનો કંઠ ભરાઈ આવ્યો હતો.
મંગલકાર્યમાં પવિત્ર હરિદ્રા
આવી આ દિવ્ય હરિદ્રા શ્રદ્ધાવાન મંગલકાર્યમાં, સમારોહમાં, વિશેષકર લગ્નકાર્યમાં ઉપયોગ કરી શકે છે. લગ્ન પહેલાં વર-વધૂને જે હળદર લગાડવામાં આવે છે, તેમાં આ ‘પવિત્ર હરિદ્રા’ની બિલકુલ થોડી માત્રા ભેગી કરવાની છે અને હળદર લગાડતી વખતે નીચેની પરંપરાગત ઓવી (પંક્તિ) ગાવામાં આવે છે. જ્યારે આપણે વર-વધૂને હળદર લગાડતા સમયે આ ઓવી ગાઇએ છીએ, ત્યારે માતા શિવગંગાગૌરીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે, એવો શ્રદ્ધાવાનોનો વિશ્વાસ છે.
“મારી મા રેણુકા, રેણુકા, રેણુકા મા
મારી મા રહે છે, રહે છે માહૂર ગઢ પર
હળદ લગાવવા ઝટ દોડી આવી
મારી મા રેણુકા, રેણુકા, રેણુકા મા"
આવી રીતે કોઈ પણ પૂજનમાં આ હરિદ્રાનો ઉપયોગ કરવાથી પૂજન કરનારથી અજાણતાં થતી ભૂલો અને પૂજામાં રહી જતી ત્રુટિઓનું આપોઆપ ધ્યાન રાખવામાં આવે છે.
આવી રીતે આ હરિદ્રા ચંડિકાકુળમાંથી આવનારા શુભ, પવિત્ર અને મંગલમય સ્પંદનોને શ્રદ્ધાવાનોનાં જીવનમાં પ્રવાહિત કરે છે તથા અશુભ, અપવિત્ર અને અમંગલ શક્તિઓ સામે શ્રદ્ધાવાનોનું રક્ષણ કરે છે. શ્રદ્ધાવાનોનો વિશ્વાસ છે કે આ હરિદ્રાને ઉદીની જેમ દરરોજ પોતાના કપાળ પર ભક્તિ અને સંરક્ષણનાં પ્રતીક રૂપે લગાવી શકાય છે. તેમનો વિશ્વાસ છે કે ઉદી અથવા આ હરિદ્રા ધારણ કર્યા પછી કોઈ પણ દુષ્ટ શક્તિ તેમને પરેશાન કરી શકતી નથી.
ૐ ત્ર્યંબકાયૈ ચ વિદ્મહે । અરિષ્ટસ્તંભનકારિણ્યૈ ચ ધીમહિ । તન્નો શિવગંગાગૌરી પ્રચોદયાત્ ॥
શિવગંગાગૌરી ગાયત્રી મંત્ર
પવિત્ર હરિદ્રા શ્રીઅનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્માં સર્વ શ્રદ્ધાવાનો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને માતા રેણુકાનાં આશીર્વાદ સ્વરૂપે તે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.













