સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની દૃષ્ટિ
સમાજની સુરક્ષા અને કલ્યાણ પ્રત્યેના પોતાના ધ્યેયથી પ્રેરિત થઈને ડૉ. અનિરુદ્ધ ડી. જોશી, જેઓ પ્રેમપૂર્વક સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ તરીકે ઓળખાય છે, તેમણે 14 માર્ચ 2002ના રોજ અનિરુદ્ધાઝ્ એકૅડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ (AADM)ની સ્થાપના કરી. અધ્યાત્મ અને નિઃસ્વાર્થ સેવાનાં મૂલ્યો પર આધારિત AADMને સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ “ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રનું પ્રત્યક્ષ ક્રિયાત્મક સ્વરૂપ” કહ્યું છે.
જાન્યુઆરી 2001માં આવેલા ભુજ ભૂકંપ અને ડિસેમ્બર 2001માં ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલાએ આપત્તિઓ અને આપાતકાલીન પરિસ્થિતિઓનો કુશળતાપૂર્વક સામનો કરી શકે એવા પ્રશિક્ષિત નાગરિકોની જરૂરિયાતને રેખાંકિત કરી અને તેમાંથી જ AADMની સ્થાપનાની પ્રેરણા મળી. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની દૂરંદેશી અને સમર્પિત પ્રયાસોથી સાકાર થયેલી AADMની સ્થાપના આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જનજાગૃતિ ઊભી કરવા, જીવનરક્ષક કૌશલ્યોનું પ્રશિક્ષણ આપવા અને સમાજમાં નિઃસ્વાર્થ સેવાની ભાવના વિકસાવવાના ઉદ્દેશોથી કરવામાં આવી.
ધ્યેય અને પ્રશિક્ષણ
રાષ્ટ્રીયતા, જાતિ, પંથ કે ધર્મનો કોઈ ભેદ રાખ્યા વિના દરેક વ્યક્તિને કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો અસરકારક રીતે સામનો કરવા સક્ષમ બનાવવું એ જ AADMનું ધ્યેય છે. આ પ્રશિક્ષણમાં ભાગ લેનારાઓને બચાવની પદ્ધતિઓ, પ્રાથમિક સારવાર તેમજ કાર્ડિયો પલ્મનરી સેરેબ્રલ રિસસિટેશન (CPCR)નું પ્રશિક્ષણ આપવામાં આવે છે, જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં ડૉક્ટર અથવા તબીબી દળની સહાય ઉપલબ્ધ થાય ત્યાં સુધી તેઓ જરૂરી સહાય પૂરી પાડવા સક્ષમ બની શકે.
જૂન 2026 સુધીમાં AADMએ 87,000થી વધુ ‘આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો’, એટલે કે Disaster Management Volunteers (DMVs),ને પ્રશિક્ષિત કર્યા છે. તેના પરિણામે આપાતકાલીન પરિસ્થિતિઓમાં સમાજની સેવા માટે તત્પર નાગરિકોનું એક વિશાળ નેટવર્ક તૈયાર થયું છે.
આ પ્રશિક્ષણમાં વર્ગખંડમાં આપવામાં આવતા શિક્ષણની સાથે આવશ્યક તાલીમ, મૉક ડ્રિલ અને વ્યાવહારિક અભ્યાસનો પણ સમાવેશ થાય છે. સ્વયંસેવકોને બચાવકાર્યની પદ્ધતિઓ, અગ્નિશમન, પ્રાથમિક સારવાર, પાટો બાંધવો, ગાંઠો બાંધવી, સ્ટ્રેચર સંભાળવું તેમજ કાર્ડિયો પલ્મનરી સેરેબ્રલ રિસસિટેશન (CPCR – Cardio Pulmonary Cerebral Resuscitation)નું પ્રશિક્ષણ આપવામાં આવે છે. સક્ષમ સંપર્ક અને સંકલન વ્યવસ્થાના માધ્યમથી આપાતકાલીન પરિસ્થિતિ અથવા આપત્તિ રાહતકાર્યના સમયે પ્રશિક્ષિત DMVsને ખૂબ જ ઓછા સમયમાં એકત્રિત કરીને સ્થાનિક પ્રશાસનની સહાય માટે કાર્યરત કરી શકાય છે.
AADM દ્વારા વિવિધ પ્રકારના પ્રશિક્ષણ કાર્યક્રમો નિઃશુલ્ક યોજવામાં આવે છે. તેમાં પાયાનું આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ, અગ્નિશમન પ્રશિક્ષણ, બચાવકાર્ય પ્રશિક્ષણ, કૉર્પોરેટ આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ, પોલીસકર્મીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ, વર્મીકમ્પોસ્ટ બનાવવાનું પ્રશિક્ષણ, હૅમ રેડિયો પ્રશિક્ષણ તેમજ સંચલન (પરેડ) પ્રશિક્ષણનો સમાવેશ થાય છે.

સંકટના સમયે સમાજસેવા
અનિરુદ્ધાઝ્ એકૅડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ (AADM)ના ફાઉન્ડેશન સેમિનારમાં માર્ગદર્શન આપતા સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ. છેલ્લાં ઘણાં વર્ષોમાં AADMના સ્વયંસેવકોએ વિવિધ આપત્તિઓ અને જાહેર આપાતકાલીન પરિસ્થિતિઓમાં અમૂલ્ય સેવા આપી છે. 26 જુલાઈ 2005ના રોજ મુંબઈમાં આવેલા વિનાશક પૂર દરમિયાન DMVsએ બચાવ અને રાહતકાર્યોમાં સક્રિય રીતે ભાગ લીધો, વિવિધ સ્થળોએ ફસાયેલા નાગરિકોની સહાય કરી તેમજ જીવનાવશ્યક વસ્તુઓનું વિતરણ કર્યું. તેમની આ સમર્પિત સેવાની સરકારી તંત્રોએ પણ નોંધ લીધી અને ત્યારબાદ AADMએ ચોમાસામાં સંભવિત આપત્તિઓનો સામનો કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવતી પૂર્વતૈયારી અને આયોજનમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ભૂસ્ખલન, આગ, બૉમ્બ વિસ્ફોટ તેમજ અન્ય આપાતકાલીન પરિસ્થિતિઓમાં પણ DMVsએ પોલીસ, અગ્નિશામક દળ અને અન્ય સરકારી તંત્રોને સહયોગ આપ્યો છે. બચાવકાર્યોમાં સહાય કરવી, પ્રાથમિક સારવાર આપવી, ઈજાગ્રસ્તોને સુરક્ષિત સ્થળે અથવા સારવાર માટે પહોંચાડવા અને આપત્તિ રાહતકાર્યોમાં જરૂરી સહાય પૂરી પાડવી—આ રીતે તેમણે વિવિધ સ્વરૂપે યોગદાન આપ્યું છે.
આપત્તિના સમયે પ્રતિસાદ આપવા પૂરતી જ AADMની ભૂમિકા મર્યાદિત નથી, પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય ધાર્મિક ઉત્સવો અને જાહેર મેળાઓમાં ભીડ વ્યવસ્થાપનમાં પણ તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગણપતિ વિસર્જન, નવરાત્રોત્સવ, મહાશિવરાત્રિ, પંઢરપુર વારી અને વિવિધ મંદિર ઉત્સવોમાં મોટી સંખ્યામાં DMVs સરકારી તંત્રો સાથે મળીને કાર્ય કરે છે અને શ્રદ્ધાળુઓની અવરજવર સુરક્ષિત, સુચારુ અને શિસ્તબદ્ધ રીતે થાય તે સુનિશ્ચિત કરવામાં સહાય કરે છે.
આ ઉપરાંત, સરકાર દ્વારા આયોજિત પોલિયો રસીકરણ અભિયાનો જેવા વિવિધ જનકલ્યાણકારી ઉપક્રમોમાં પણ AADMના સ્વયંસેવકો નિયમિત રીતે સહભાગી થાય છે.
સરકારી તંત્રોને સહાય
AADMએ વિવિધ સરકારી અને જાહેર સંસ્થાઓ સાથે સંકલન સાધીને કાર્ય કર્યું છે. તેમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (MCGM), મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, મુંબઈ જિલ્લાધિકારી કાર્યાલય, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણો, બેસ્ટ (BEST) તેમજ નેવલ ડૉકયાર્ડનો સમાવેશ થાય છે.
આ સફરનો એક મહત્ત્વપૂર્ણ પડાવ 26 ફેબ્રુઆરી 2026ના રોજ મહારાષ્ટ્ર સરકારના વ્યવસાય શિક્ષણ અને પ્રશિક્ષણ નિદેશાલય (DVET) સાથે કરવામાં આવેલ સમજૂતી કરાર (MoU) છે. આ કરારનો ઉદ્દેશ રાજ્યભરની ઔદ્યોગિક પ્રશિક્ષણ સંસ્થાઓ (ITI)ના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું પ્રશિક્ષણ આપવાનો છે. AADM દ્વારા આ પ્રશિક્ષણ મે 2025થી આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વિવિધ કૉર્પોરેટ સંસ્થાઓ માટે પણ આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે.
આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જનજાગૃતિ ઊભી કરવાની પોતાની પ્રતિબદ્ધતાના એક ભાગરૂપે AADMએ ‘The Textbook of Disaster Management’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું, જે આ વિષય પરનાં ભારતનાં અગ્રણી પુસ્તકોમાંનું એક છે. આ પુસ્તકની પ્રથમ અંગ્રેજી આવૃત્તિ એપ્રિલ 2002માં અને મરાઠી આવૃત્તિ જુલાઈ 2002માં પ્રકાશિત થઈ. ત્યારબાદ આ પુસ્તકની અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે અને આજે પણ તે આપત્તિ વ્યવસ્થાપન પ્રશિક્ષણ તેમજ આપત્તિ-પૂર્વ તૈયારી માટે એક વ્યાવહારિક માર્ગદર્શિકા તરીકે ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
પર્યાવરણ સંબંધિત ઉપક્રમો
સેવા પ્રત્યે AADMની પ્રતિબદ્ધતા માત્ર આપત્તિ વ્યવસ્થાપન સુધી મર્યાદિત નથી, પરંતુ વર્મીકમ્પોસ્ટ બનાવવું, વૃક્ષારોપણ અને સીડબૉલ દ્વારા બીજપ્રસાર જેવા વિવિધ ઉપક્રમો મારફતે પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્ર સુધી પણ તેનો વિસ્તાર થયો છે.
AADMની વર્મીકમ્પોસ્ટ નિર્માણ પરિયોજનાઓ દ્વારા આશરે 700 ટન જૈવિક કચરાની પ્રક્રિયા કરીને લગભગ 140 ટન વર્મીકમ્પોસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. તેની સાથે જ મહારાષ્ટ્રની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને કૉર્પોરેટ સંસ્થાઓ માટે આ અંગેના પ્રશિક્ષણ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં છે.
AADMના સ્વયંસેવકોની સહભાગિતાથી સમગ્ર મહારાષ્ટ્રમાં 1.9 લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં છે. સાથે જ જૂન 2026 સુધીમાં વનવિસ્તારો અને અન્ય નિર્ધારિત વિસ્તારોમાં 9.49 લાખથી વધુ સીડબૉલ વિખેરીને બીજપ્રસાર કરવામાં આવ્યો છે. આ ઉપક્રમો દ્વારા પર્યાવરણીય પુનરુદ્ધાર અને પર્યાવરણીય સ્થિરતામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે.
ભાવિ કાર્યયોજના
વારંવાર આવતી આપત્તિઓ અને તેમની વધતી જતી તીવ્રતાને ધ્યાનમાં લેતાં, આપત્તિ-પૂર્વ તૈયારીની જરૂરિયાત આજે પહેલાં કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ AADMની પરિકલ્પના માત્ર ‘સાહસિક પ્રવૃત્તિઓ’ ચલાવતી સંસ્થા તરીકે નહીં, પરંતુ આપાતકાલીન પરિસ્થિતિઓનો અસરકારક રીતે સામનો કરી શકે એવા જવાબદાર, શિસ્તબદ્ધ અને સેવાભાવી નાગરિકો તૈયાર કરનારા એક સક્ષમ મંચ તરીકે કરી.
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની દૂરંદેશીને અનુરૂપ, જીવનનું રક્ષણ કરવા, આપાતકાલીન પરિસ્થિતિઓમાં સમાજની સહાય કરવા તેમજ તત્પરતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાની સંસ્કૃતિ વિકસાવવા માટે જરૂરી જ્ઞાન, કૌશલ્ય અને આત્મવિશ્વાસ લોકોમાં વિકસાવવાનું કાર્ય AADM સતત કરી રહી છે.
AADM સંપર્ક
Aniruddha’s Academy of Disaster Management
601, લિંક અપાર્ટમેન્ટ, છઠ્ઠો માળ, ઓલ્ડ ખાર વિલેજ, ખાર (પશ્ચિમ), મુંબઈ – 400052.
દૂરભાષ: 022-026057054, 026054474
ઈ-મેલ: [[email protected]>
વેબસાઇટ: www.aniruddhasadm.com
સોશિયલ મીડિયા
- Instagram: instagram.com/aniruddhasadm
- Facebook: facebook.com/aniruddhasADM
- X: x.com/aniruddhasadm




















