સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધે દૈનિક ‘પ્રત્યક્ષ’માં સુંદરકાંડ પર આધારિત ‘તુલસીપત્ર’ અગ્રલેખમાળા અંતર્ગત તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ પ્રકાશિત અગ્રલેખ દ્વારા શ્રદ્ધાવાનોને ‘ભક્તિભાવ ચૈતન્ય’ની સંકલ્પનાથી પરિચિત કરાવ્યા. આ સંકલ્પના વિશે બાપુએ અનેક અગ્રલેખોમાં લખ્યું છે, જેના દ્વારા ‘ભક્તિભાવ ચૈતન્ય’ આપણી સમક્ષ વધુ સ્પષ્ટ રીતે ઉજાગર થાય છે.

બાપુ કહે છે -

પ્રત્યેક માનવને પોતાના જીવનને પ્રારબ્ધના ગાઢ જંગલમાંથી સહીસલામત બહાર કાઢવા માટે માત્ર એક જ વસ્તુની આવશ્યકતા હોય છે અને તે છે - ‘સદ્‌ગુરુ ભક્તિભાવ ચૈતન્ય’ (Sadguru Devotion Sentience).

અહીં ‘સદ્‌ગુરુ’નો અર્થ નિત્ય સદ્‌ગુરુ અર્થાત સ્વયંભગવાન ત્રિવિક્રમ છે. જ્યારે ‘ભક્તિભાવ ચૈતન્ય’નો અર્થ છે - પોતાની ક્ષમતા અનુસાર જેટલું શક્ય હોય તેટલું વધુમાં વધુ ‘તેમનાં’ નામસ્મરણ, અનુભવસંકીર્તન, લીલાશ્રવણ, ભજન-અભંગ શ્રવણ, ચરિત્રપઠન, પૂજન, સેવા અને તેમના ધ્યાનમાં તલ્લીન રહેવું. એટલે કે તેમની સાથે નિરંતર બંધાયેલા (Connected) રહેવું અને તેમનાં અખંડ સાનિધ્ય તથા સંવાદ (Communication)માં રહેવું.

આ સાનિધ્ય કેવું હોવું જોઈએ? તે ચૈતન્યપૂર્ણ એટલે કે જીવંત, રસપૂર્ણ અને ઊર્જાથી ઓતપ્રોત હોવું જોઈએ. કારણ કે માત્ર ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ પ્રત્યે કરવામાં આવતી ભક્તિ જ માનવને વાસ્તવિક અર્થમાં ચૈતન્યમય બનાવી રાખે છે અને તેના જીવનને નવીનતા તથા ઉત્સાહથી ભરી દે છે. તેનું કારણ એ છે કે ‘આદ્ય જીવનીય શક્તિ’ એટલે કે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત અને વિશ્વથી પરે પણ વિદ્યમાન ‘જગદંબા’, સ્વયંભગવાન ત્રિવિક્રમનાં હૃદયમાં નિવાસ કરે છે.

ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્ય શું છે?

મુખમાં ભગવાન ત્રિવિક્રમની મંત્રગજર, હૃદયમાં સદ્‌ગુરુ ત્રિવિક્રમ પ્રત્યે નિરંતર વધતો પ્રેમ અને તેમનાં ચરણકમળોની અખંડ અભિલાષા એટલે કે તેમની સેવા કરવાની નિરંતર ઉત્કંઠતા - આને જ ‘ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્ય’ કહેવામાં આવે છે.

બાપુ આગળ કહે છે -

ગમે તેટલું બૌદ્ધિક ચિંતન અથવા ગહન અધ્યયન કરવામાં આવે, તેના દ્વારા શ્રી ત્રિવિક્રમને વાસ્તવિક સ્વરૂપમાં સમજવા શક્ય નથી. તેમને માત્ર પ્રેમ દ્વારા જ એટલે કે તેમને અને તેમના ચરણકમળોને પ્રેમ કરીને જ સમજી શકાય છે; અને તેમનાં પ્રત્યે નિરંતર વધતા પ્રેમનું સંવર્ધન કરતા રહેવું એ જ ‘ભક્તિભાવ ચૈતન્ય’ છે. જેની પાસે આવું ભક્તિભાવ ચૈતન્ય છે, તેનાં જ હૃદયમાં આ શ્રી ત્રિવિક્રમ નિવાસ કરે છે.

જીવનમાં બીજું બધું પ્રાપ્ત થઈ જાય, તેમ છતાં જ્યાં સુધી ‘ભક્તિભાવ ચૈતન્ય’ પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી પ્રાપ્ત થયેલી એ વસ્તુઓના વાસ્તવિક આનંદનો ઉપભોગ કરી શકાતો નથી. બીજી તરફ, જો કોઈની પાસે ‘ભક્તિભાવ ચૈતન્ય’ હોય, તો જે વસ્તુઓ આપણને પ્રાપ્ત થઈ નથી, તે પણ સંતોષ અને આનંદનો સ્રોત બની જાય છે.

દાસ્યત્વ અને સખ્યત્વ જ છે વાસ્તવિક ગુરુચાવી (પરમ રહસ્ય)

સ્વયંભગવાન શ્રી ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્યનું સગુણ-સાકાર ચિરંતન સ્વરૂપ છે.

જ્યારે કોઈ ભક્ત ‘ત્રિવિક્રમ જ મારા દેવાધિદેવ, પરમેશ્વર છે અને હું તેમના ચરણોનો દાસ છું’, આ ભાવમાં જીવન જીવે છે, ત્યારે એ ભક્તનો પ્રત્યેક વિચાર, પ્રત્યેક શબ્દ અને પ્રત્યેક કર્મ ‘ભક્તિભાવ ચૈતન્ય’નું જ મૂર્ત સ્વરૂપ બની જાય છે.

બીજા શબ્દોમાં કહીએ તો ‘આ જ મારા ઇષ્ટદેવતા, મારા દેવાધિદેવ અને મારા જન્મનાયક છે’, એવી અવિરત શ્રદ્ધા સાથે ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ને અર્પિત કરવામાં આવેલી નવવિધા ભક્તિમાંથી કોઈ પણ એક, બે, ત્રણ, ચાર અથવા બધી ભક્તિ જ ‘ભક્તિભાવ ચૈતન્ય’ છે.

વાસ્તવમાં માત્ર ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ પ્રત્યે રહેનારું ભક્તિભાવ ચૈતન્ય જ એકમાત્ર શાશ્વત સત્ય છે; કારણ કે આપણા સમગ્ર જીવનનો ભાર વહન કરવાનું સામર્થ્ય માત્ર આ જ ભાવમાં છે.

ભક્તિભાવ ચૈતન્યનો સાર

જેવી રીતે પવિત્ર ગંગા નદીના કિનારે કાશી, પ્રયાગ અને હરિદ્વાર જેવાં અત્યંત પવિત્ર તીર્થક્ષેત્રો છે, એવી રીતે ‘ભક્તિભાવ ચૈતન્ય’રૂપી ગંગાજીના કિનારે ‘રામનામ’, ‘પંચાક્ષરી શિવમંત્ર’ (ૐ નમઃ શિવાય) અને ‘સદ્‌ગુરુના પવિત્ર ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ’ - આ ત્રણ પવિત્ર તીર્થક્ષેત્રો છે.

ભક્તિભાવ ચૈતન્યમાં આપણે માત્ર અધિકાધિક મંત્રગજર કરતા રહેવાનું છે અને ‘તેમના’ પ્રેમનો સ્વીકાર કરવાનો છે.

ભક્તિભાવ ચૈતન્યમાં આપણે ‘સ્વયંભગવાન’ના દાસ બનીને રહીએ છીએ; અને એ જ સમયે, અપાર સામર્થ્યવાન તથા ‘અનિરુદ્ધ ગતિ’થી અર્થાત અખંડ અને ક્યારેય ન અટકનારી ગતિથી સંચાર કરનારા સ્વયંભગવાન આપણા દાસ અને આપણા પ્રિય સખા બનીને રહે છે.

ઉન્નતિનો માર્ગ

‘ભક્તિભાવ ચૈતન્ય’ને કારણે સાંસારિક જીવન (Worldly Life) સુખમય બને છે, અસંખ્ય અવરોધો દૂર થાય છે અને જીવનમાં આપણને અનેક અવસર તથા સફળતાઓ પ્રાપ્ત થાય છે. ભક્તિભાવ ચૈતન્ય જ સર્વશ્રેષ્ઠ તપ છે અને તેનાં માધ્યમથી ‘સ્વયંભગવાન’ પોતાના શ્રદ્ધાવાનોનાં પ્રેમને કારણે આનંદપૂર્વક તેમનાથી પરાજિત થવાનું સ્વીકારે છે.

સ્વયંભગવાન ત્રિવિક્રમ માત્ર ‘ભક્તિભાવ ચૈતન્ય’માં જ લિપ્ત હોય છે. તેઓ પાપના ‘પાપત્વ’ અને પુણ્યના ‘પુણ્યત્વ’ આ બંનેથી અલિપ્ત રહે છે. જે કોઈ ભક્તિભાવ ચૈતન્યમાં સ્થિર રહે છે, તેના માટે ઉદ્ધારનો માર્ગ ખૂલી જાય છે. સબૂરીપૂર્વક પ્રતીક્ષા કર્યા પછી સ્વયંભગવાન સ્વયં જ આવા ભક્તને પાપમુક્ત કરે છે. આ રીતે કર્મના અટલ સિદ્ધાંતનો પ્રભાવ ક્ષીણ થતો જાય છે અને અંતે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય છે.

જ્ઞાન, યોગ અને કર્મ

‘ભક્તિભાવ ચૈતન્ય’ માત્ર આ જન્મને જ નહીં, પરંતુ આવનારા બધા જન્મોને આનંદથી ભરી દેનારું સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન છે. આ જીવનનો અત્યંત ઉદાત્ત અને પવિત્ર માર્ગ છે. આ એવી પવિત્ર વૃત્તિ છે, જે યોગ, જ્ઞાન અને કર્મ - આ ત્રણેય અત્યંત કઠિન માર્ગોને સરળ બનાવી દે છે અને પ્રત્યેક ‘શ્રદ્ધાવાન’ના જીવનમાં એ સર્વશક્તિમાન ઈશ્વરના શાશ્વત અસ્તિત્વને સ્થાપિત કરે છે. આ જ ‘સચ્ચિદાનંદ ધર્મ’ છે; એટલે કે સત્ય, ચૈતન્ય અને પરમાનંદ પર અધિષ્ઠિત જીવનમાર્ગ.

‘હું એ સર્વશક્તિમાન ભગવાનનો એક અંશ છું અને તેમ છતાં તેમનાથી ક્યારેય અલગ નથી’ - આ સત્યનો પોતાનાં જીવનમાં પ્રત્યક્ષ અનુભવ કરવાનો સર્વોચ્ચ, અત્યંત સરળ અને સહજ માર્ગ છે - ‘ભક્તિભાવ ચૈતન્ય’.

તેથી બધા મનુષ્યો માટે ‘સ્વયંભગવાન’ની દિવ્ય લીલાઓ જ વાસ્તવિક ‘જ્ઞાન’ છે; ‘ભક્તિભાવ ચૈતન્ય’ના મંત્રગજર દ્વારા પોતાને ભગવાન સાથે જોડવું (બંધાઇ જવું) એ જ વાસ્તવિક ‘યોગ’ છે; અને તેમને નિરંતર પ્રેમ કરતાં પોતાના તમામ સારાં-નરસાં કર્મોને તેમના ચરણકમળોમાં અર્પિત કરવાં એ જ વાસ્તવિક ‘કર્મ’ છે. આ ત્રણ સૂત્રોથી સમૃદ્ધ ‘ભક્તિભાવ ચૈતન્ય’ વાસ્તવમાં તમામ પ્રકારની વૃત્તિઓ અને તમામ પ્રકારના સ્વભાવ ધરાવતા મનુષ્યો માટે જીવનને સુખમય બનાવતો અદ્વિતીય માર્ગ છે.

મનુષ્યમાં રહેલી પ્રત્યેક પ્રકારની ઉત્તમ ક્ષમતા અને કૌશલ્યને વિકસિત કરનારું એકમાત્ર અમૃત અર્થાત જીવનદાયી રસ છે - ‘ભક્તિભાવ ચૈતન્ય’.

સ્વયંભગવાન ત્રિવિક્રમ - વાસ્તવિક સ્વામી

‘સર્વવ્યાપી આકાશના સ્વરૂપમાં સ્વયંભગવાન સર્વત્ર છે; તેઓ મારી અંદર પણ છે અને બહાર પણ છે’ - આ ભાવને કાયમ રાખવો એ જ ‘ભક્તિભાવ ચૈતન્ય’ છે.

‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ મને જેટલો પ્રેમ કરે છે, તેનો દસમા ભાગ જેટલો પ્રેમ પણ મારા અસંખ્ય જન્મોના બધા સ્વજનોએ મળીને મને કર્યો નહીં હોય - આ જાણીને ‘તેમને’ ભરપૂર પ્રેમ કરતાં રહેવું એ જ ભક્તિભાવ ચૈતન્ય છે.

“હું માત્ર મારા જીવનરૂપી ખેતરની ખેતી કરનાર ખેડૂત છું અને ‘સ્વયંભગવાન’ જ તેના વાસ્તવિક સ્વામી છે” - એવી દૃઢ શ્રદ્ધા હૃદયમાં રાખીને મંત્રગજર કરતા રહેવું એ જ ‘ભક્તિભાવ ચૈતન્ય’ની અવસ્થા છે.

આ ‘ત્રિવિક્રમ ભક્તિભાવ ચૈતન્ય’ એવો ક્યારેય સમાપ્ત ન થનારો અક્ષય ખજાનો છે, જેને પ્રત્યેક શ્રદ્ધાવાને ભરપૂર લૂંટી લેવો જોઈએ. આ ખજાનાને મન ભરીને લૂંટવાની સ્વતંત્રતા અને અનુમતિ સ્વયં શ્રી ત્રિવિક્રમે જ પ્રદાન કરી આપી છે.

શ્રદ્ધાવાનોનાં જીવનમાં ભગવાનનું પડનારું ચરણ અર્થાત ‘સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર’.

‘સ્વયંભગવાન’નું જે સ્વરૂપ આપણાં હૃદયને સૌથી વધુ પ્રિય હોય છે, એ જ આપણા માટે તેમનું સૌથી સત્ય સ્વરૂપ હોય છે.

આપણને અતિશય પ્રિય ‘સ્વયંભગવાન ત્રિવિક્રમ’ના સ્વરૂપ, નામ અને દિવ્ય લીલાઓને પોતાનાં હૃદયમાં સંઘરી રાખવાં જોઈએ અને અસીમ ભક્તિ સાથે તેમને પ્રેમ કરવો જોઈએ. પરંતુ તેનાં માટે ‘તેમણે’ સમજાવેલાં માર્ગનું જ અનુસરણ કરતાં, તેમનાં પદચિહ્નો પર પોતાનાં પગલાં મૂકતાં આગળ વધતા રહેવું જોઈએ.

જિજ્ઞાસુ થી શ્રદ્ધાવાન

આદિમાતા અને ભગવાન દત્તગુરુ પ્રત્યે સ્વયંભગવાનની ભક્તિ જ મૂળ ભક્તિ છે. તેથી પ્રત્યેક ભક્ત કોઈ પણ દેવતાને જે ભક્તિ અર્પણ કરે છે, એ ભક્તિ અંતે ‘ભક્તિભાવ ચૈતન્ય’માં જ વિલીન થાય છે.

જ્યારે ભક્તનાં હૃદયમાં દાસ્ય, સખ્ય અને શરણાગતિના ભાવ ભલે ક્યારેક ક્યારેક જાગૃત થાય છે, ત્યારે સ્વયંભગવાન સ્વયં એ સાધકને ભક્તિનાં માર્ગ પર તીવ્ર ગતિથી આગળ લઈ જાય છે. તેઓ તેની નાનકડી સેવાને પણ દસગણી કરીને સ્વીકારતા રહે છે અને ત્યારબાદ અતિશય કોમળ હાથોથી એ સાધકને ‘શ્રદ્ધાવાન’ બનાવીને, તેને પોતાનો મિત્ર બનાવીને, ધીમેથી ‘ભક્તિભાવ ચૈતન્ય’માં લાવી મૂકે છે.

શ્રદ્ધાવાન બનવા માટે માત્ર એક જ વાત સમજવાની આવશ્યકતા છે - સાચો ૧૦૮% પ્રેમ માત્ર ‘સ્વયંભગવાન’ પાસેથી જ પ્રાપ્ત થઈ શકે છે અને સ્વયંભગવાન આવો પ્રેમ કરવા માટે હંમેશા આતુર રહે છે.

એક વાર આ સત્ય સમજાઇ ગયા બાદ એ ભક્ત ‘શ્રદ્ધાવાન’ બની જાય છે અને ‘ભક્તિભાવ ચૈતન્ય’ અર્થાત આનંદસરોવરમાં નિવાસ કરવા લાગે છે.

ભક્તિભાવ ચૈતન્ય અર્થાત સાક્ષાત્ સ્વયંભગવાન જ છે અને એ ભક્તિભાવ ચૈતન્યમાં મગ્ન થઈને નિવાસ કરવો અર્થાત એ સર્વશક્તિમાન પરમેશ્વરનાં અનંત સ્વરૂપમાં નિવાસ કરવો.

વાસ્તવમાં આ જ પ્રત્યેક જીવની સ્વાભાવિક અવસ્થા છે, કારણ કે સ્વયંભગવાન પહેલેથી જ સમગ્ર વિશ્વ અને તેના અણુ-રેણુઓમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને એટલા માટે જ તેમને ‘મહાવિષ્ણુ’ કહેવામાં આવે છે. (સંસ્કૃતની ‘વિશ્’ ધાતુનો અર્થ ‘પ્રવેશ કરવો’ અથવા ‘વ્યાપ્ત થઈને રહેવું’ છે.)

સમગ્ર ભગવદ્‌ગીતા અને સમગ્ર રામાયણ મૂળભૂત રીતે ‘ભક્તિભાવ ચૈતન્ય’ અર્થાત સાક્ષાત્ ‘સ્વયંભગવાન’નું ગ્રંથસ્વરૂપ છે.

સ્પંદ શક્તિ

આ વિશ્વનાં પ્રત્યેક દેહ અને પ્રત્યેક પદાર્થનું મૂળભૂત સ્વરૂપ શક્તિમય એટલે કે ‘સ્પંદ’ રૂપ જ છે. તેથી આ વિશ્વના તમામ વ્યવહારો અને તમામ કર્મો પણ ‘સ્પંદ’ રૂપ જ છે.

મનુષ્ય જે પુણ્ય અથવા પાપ કરે છે, એ પાપ કે પુણ્ય પણ સ્પંદમય જ હોય છે અને એ પાપ અથવા પુણ્યનું ફળ એટલે કે તેનું પરિણામ પણ મૂળભૂત રીતે ‘સ્પંદ’ રૂપ જ હોય છે.

કોઈ વ્યક્તિના કર્મોનાં પરિણામોથી ઉત્પન્ન થતાં સ્પંદ મુખ્યત્વે મનના માધ્યમથી એ વ્યક્તિના ‘ત્રિવિધ શરીરો’માં પ્રવેશ કરીને કાર્યરત થાય છે અથવા એ વ્યક્તિની આસપાસની પરિસ્થિતિઓમાં પ્રવેશ કરીને કાર્ય કરે છે. પાપકર્મોના સ્પંદ (પાપ-સ્પંદ) વિનાશકારી અને હાનિકારક પરિણામો ઉત્પન્ન કરે છે, જ્યારે પુણ્યકર્મોના સ્પંદ (પુણ્ય-સ્પંદ) વિધાયક, કલ્યાણકારી અને ફળદાયી પરિણામો ઉત્પન્ન કરે છે.

તેથી પાપકર્મો અને તેમનાં પરિણામોનો નાશ કરવા માટે પણ વિશિષ્ટ પ્રકારના સ્પંદો (Vibrations)ની આવશ્યકતા હોય છે; માત્ર સત્કર્મોથી ઉત્પન્ન થતાં સ્પંદો આ કાર્ય કરી શકતા નથી.

પરંતુ તેના માટે ભક્તિભાવ ચૈતન્યમાં રહેવું આવશ્યક હોય છે અને પૂર્વજન્મો તથા આ જન્મનાં પાપો જેટલાં વધુ હોય છે, એટલું જ ભક્તિભાવ ચૈતન્યમાં ટકી રહેવું મુશ્કેલ બનતું જાય છે.

અને બરાબર આ જ સ્થાને ‘સ્વયંભગવાન’ હસ્તક્ષેપ કરે છે. પરંતુ કોના માટે? માત્ર એ વ્યક્તિ માટે, જે તમામ તર્ક-કુતર્કોને એક તરફ રાખીને સ્વયંભગવાન અથવા તેમના કોઈ પણ સ્વરૂપની પ્રેમપૂર્વક શરણ લે છે.

એટલા માટે જ સાક્ષાત્ પ્રેમસ્વરૂપ ‘સ્વયંભગવાન’ પોતાના ‘ભક્તિભાવ ચૈતન્ય’માં નિરંતર પવિત્ર સ્પંદોને અખંડિત રુપે પ્રવાહિત કરતા રહે છે, જેથી આ ભક્તિભાવ ચૈતન્યમાં રહેનારા પ્રત્યેક શ્રદ્ધાવાન માટે આ પવિત્ર સ્પંદોની અક્ષય સમૃદ્ધિ સદૈવ ઉપલબ્ધ રહે.

ભક્તિભાવ ચૈતન્યનું ઉદ્ગમ

હવે પ્રશ્ન એ ઉદ્‍ભવે છે કે સ્વયંભગવાનનું આ ‘ભક્તિભાવ ચૈતન્ય’ કેવી રીતે ઉત્પન્ન થાય છે?

મનુષ્ય શોક ક્યારે કરે છે? જ્યારે તે અસહાય બનીને દુઃખનો સામનો કરે છે, ત્યારે જ તે શોક કરે છે; અને આ અસહાયતા પૂર્વજન્મોનાં સંચિત પાપોને કારણે ઉત્પન્ન થાય છે.

તો પછી શોક ક્યારે સમાપ્ત થાય છે? જ્યારે કોઈ વ્યક્તિ સામર્થ્ય અને દૃઢતા સાથે સંકટો અથવા દુઃખોનો સામનો કરવા માટે સક્ષમ બની જાય છે, ત્યારે તેનો શોક સમાપ્ત થઈ જાય છે. આવું સામર્થ્ય માત્ર ‘ભક્તિભાવ ચૈતન્ય’માંથી ઉત્પન્ન થતા શુદ્ધ અને પવિત્ર સ્પંદોથી જ પ્રાપ્ત થઈ શકે છે.

બધા માર્ગો ત્રિવિક્રમમાં વિલીન થાય છે

બાપુ આગળ લખે છે -

કોઈ વ્યક્તિ શ્રીરામ, શ્રીકૃષ્ણ, વિષ્ણુજી, શિવજી અથવા કોઈ પણ અન્ય દિવ્ય સ્વરૂપની ઉપાસના કરવાનું પસંદ કરે, તો તેમાં કોઈ વાંધો નથી. કારણ કે પરમાત્મા અને પરમેષ્ઠીના કોઈ પણ સ્વરૂપનું ભજન, પૂજન, નમન, વંદન, તપ, ચિંતન, ધ્યાન અથવા યજ્ઞ - આ બધું અંતે ભગવાન દત્તગુરુ, આદિપિતા સહજશિવ નારાયણ અને આદિમાતા જગદંબા નારાયણી - આ ‘ત્રિ-નાથો’ સુધી જ પહોંચે છે.

પરંતુ આ કેવી રીતે થાય છે?

પ્રત્યેક ભક્ત અને તેના ઇષ્ટદેવતા વચ્ચે નિરંતર વિકસતો સંબંધ તથા એ ભક્ત દ્વારા કરવામાં આવતા ઉપરોક્ત તમામ પ્રયત્નો અંતે એકમાત્ર ‘અંતિમ સેતુ - સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમમાં જ વિલીન થાય છે અને ત્યારબાદ એ જ શ્રી ત્રિવિક્રમ એ ભક્તનાં તમામ પ્રયત્નો ત્રિ-નાથોને અર્પણ કરે છે.

સાચી આધ્યાત્મિક અનુભૂતિ