દશેરા (વિજયાદશમી)નું ગહન મહત્ત્વ
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ એક પ્રવચનમાં વિજયાદશમી અર્થાત દશેરાનું વાસ્તવિક આધ્યાત્મિક મહત્ત્વ સ્પષ્ટ કર્યું છે.
તેમણે સમજાવ્યું કે આ પવિત્ર દિવસ ‘સીમોલ્લંઘન’ દર્શાવે છે અર્થાત સીમાઓને પાર કરવી. પરંતુ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ નૈતિકતા અથવા સદાચારની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું એવો નથી. સીમોલ્લંઘનનો વાસ્તવિક અર્થ છે પોતાની સીમાઓનો વિસ્તાર કરવો, ભય, સંશય અને હીનભાવનાને કારણે સ્વયં પોતાની આજુબાજુ ઉભા કરેલા અવરોધોથી આગળ વધવું અને સાથે જ પોતાની ક્ષમતાઓ તથા કૌશલ્યમાં નિરંતર વૃદ્ધિ કરવી. આવી વૃદ્ધિ પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે આવશ્યક છે.
સીમોલ્લંઘનની સાથે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ દશેરાના દિવસે ‘સિંહાવલોકન’ કરવાનું મહત્ત્વ પણ સ્પષ્ટ કર્યું છે. ‘સિંહાવલોકન’નો સરળ અર્થ છે - ‘સિંહનું પાછળ ફરીને જોવું’. સિંહ આગળ વધતી વખતે ક્યારેક થોભીને પાછળ ફરીને જુએ છે; તે આવું ભય કે અનિશ્ચિતતાને કારણે કરતો નથી, પરંતુ એટલા માટે કરે છે કે તેને પોતાના માર્ગનું પૂર્ણ ભાન હોય છે, તેનામાં આત્મવિશ્વાસ હોય છે અને પોતાના માર્ગ પર તેનું પ્રભુત્વ હોય છે.
એ જ રીતે સિંહાવલોકનનો અર્થ છે જાગૃતિ, પ્રામાણિકતા અને વિવેક સાથે પોતાના અતીત તરફ જોવું. આ પોતાના જીવનપ્રવાસની સમીક્ષા કરવાનો, ભૂતકાળના અનુભવોમાંથી શીખવાનો, પોતાની શક્તિઓ અને ખામીઓને ઓળખવાનો તથા પોતાની પ્રગતિને પરખવાનો અવસર છે. આવુ કરતી વખતે બીજાઓ સાથે પોતાની તુલના કરવાને બદલે આપણે પોતાની વાસ્તવિક ક્ષમતાના આધારે પોતાનું મૂલ્યાંકન કરવું જોઈએ.
દશેરા ઉત્સવ - શક્તિ અને ભક્તિનો ઉત્સવ
શ્રી અનિરુદ્ધ ઉપાસના ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શ્રી હરિગુરુગ્રામમાં ભક્તિમય વાતાવરણમાં ‘દશેરા ઉત્સવ’ ઊજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે આધ્યાત્મિક અને સાંસારિક જીવનમાં સફળતા તથા સંતુલન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધાવાનો ‘વિજયોપાસના’ કરે છે. આ ઉપાસના દરમિયાન સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા પુનર્જીવિત કરવામાં આવેલી ‘પ્રાચીન ભારતીય યુદ્ધકળાઓ’નાં શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે. તેમાં મુદ્ગલ, ફરી, ગદા, જોડકાઠી, લાઠી અને કાઠી વગેરેનો સમાવેશ થાય છે.
દશેરા ઉપાસના દરમિયાન
“ૐ સામર્થ્યસિંધુ મહાબલોત્કટ શ્રી અનિરુદ્ધાય નમઃ”
આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક અને ઉત્કટ ભાવથી જપ કરવામાં આવે છે. સાથે જ
“શ્રી સ્વામી સમર્થ જય જય સ્વામી સમર્થ”
આ ગજર અને અન્ય પવિત્ર સ્તોત્રોથી વાતાવરણ ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરાઈ જાય છે.
દશેરા (વિજયાદશમી)નાં દિવસે ઘરે કરવામાં આવતું પૂજન
દશેરા અર્થાત વિજયાદશમીના દિવસે સદ્ગુરુ બાપુએ સમજાવેલી વિધિ અનુસાર શ્રદ્ધાવાનો ‘શ્રી મહાસરસ્વતી’ માતા અને ‘શ્રી સરસ્વતી’ માતાનું પણ પૂજન કરે છે.
બંને માતાઓનાં પ્રતીક-ચિહ્નો પથ્થરની પાટી - સ્લેટ પર એકબીજાની નજીક બનાવવામાં આવે છે. (આજના સમયમાં આ ચિહ્નો વ્હાઇટબોર્ડ, મોબાઇલ ફોન અથવા ટૅબ્લેટ પર પણ બનાવી શકાય છે.) ત્યારબાદ ફૂલો અને ‘આપટા વૃક્ષ’નાં પાન અર્પણ કરીને ભક્તિભાવપૂર્વક તેમનું પૂજન કરવામાં આવે છે. આ બંને ચિહ્નો પ્રેમ અને જ્ઞાન, ભક્તિ અને પ્રજ્ઞાના દિવ્ય સંગમનાં પ્રતીક છે અને સંતુલિત તથા પરિપૂર્ણ જીવન માટે આ બંનેનું મહત્ત્વ છે.
સદ્ગુરુ બાપુ સમજાવે છે કે આપણે આપણું ભાગ્ય સ્વયં બનાવીએ છીએ અને આ સર્જનાત્મક પ્રક્રિયા માટે આવશ્યક ઊર્જા આ જ ચિહ્નોમાંથી ઉત્પન્ન થાય છે.
આ રીતે દશેરા માત્ર બાહ્ય વિજયનો ઉત્સવ ન રહેતાં, અંતર્મનમાં ભય પર શ્રદ્ધાના, ભ્રમ પર જ્ઞાનના અને અહંકાર પર શારણ્યભાવના વિજયનો ઉત્સવ બની જાય છે.













