ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટનું મહત્ત્વ
આદર્શ આધ્યાત્મિક અવસ્થામાં મન, પ્રાણ અને પ્રજ્ઞા વચ્ચે સંપૂર્ણ એકરૂપતા હોય છે. પરંતુ જ્યારે મનુષ્ય અહંકાર, નકારાત્મકતા, ભય, ઇચ્છાઓ અને ભગવાનનાં વિસ્મરણમાં ભટકી જાય છે, ત્યારે આ એકરૂપતા ખોરવાઈ જાય છે. મન અશાંત થઈ જાય છે, વિવેકબુદ્ધિ ક્ષીણ થઈ જાય છે અને પ્રાણશક્તિનો હ્રાસ થવા લાગે છે. આ અસંતુલનથી દુઃખ, ભ્રમ અને ચિંતા ઉત્પન્ન થાય છે તથા આધ્યાત્મિક બળ ઘટી જાય છે અને અંતે આ જ જીવનની બાધાઓ અને સંકટોનું મૂળ કારણ બને છે.
ત્રિપુરારી ત્રિવિક્રમ ચિહ્ન આપણને આ ખોવાયેલું સંતુલન ફરીથી સ્થાપિત કરવાનું નિરંતર સ્મરણ કરાવે છે. તે આપણને આપણાં મનને શુદ્ધ કરવા, ઉચિત સમજ દ્વારા બુદ્ધિને વધુ પરિપક્વ અને સામર્થ્યવાન બનાવવા તથા ભક્તિ, સદાચરણ અને સદ્ગુરુ-કૃપાના માધ્યમથી પ્રાણશક્તિને ઊર્જાવાન બનાવવાની પ્રેરણા આપે છે. તેથી આ લૉકેટ માત્ર ધારણ કરવાનું પ્રતીક નથી, પરંતુ જીવનમાં આચરણ કરવા યોગ્ય એક આધ્યાત્મિક આદર્શ છે.
ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટ ધારણ કરીને શ્રદ્ધાવાન આ સામંજસ્ય જાળવી રાખવાનો અને આ ત્રણેયને સદ્ગુરુનાં ચરણકમળોમાં અર્પણ કરવાનો મનમાં સંકલ્પ કરે છે. ‘મારું મન, પ્રાણ અને પ્રજ્ઞા મારા સદ્ગુરુનાં ચરણકમળોમાં સમર્પિત છે’ - આ શ્રદ્ધાવાનોના અંતર્મનનાં આ જ ભાવને વ્યક્ત કરનારું પ્રતીક છે.
આ માત્ર એક ચિહ્ન તરીકે ધારણ કરવા કરતાં કેટલોય અધિક શરણાગતિનો ભાવ છે. સદ્ગુરુનાં ચરણકમળોમાં સંપૂર્ણ સમર્પણ કરવું અને પોતાનાં જીવનને સ્વેચ્છાએ તેમનાં દિવ્ય માર્ગદર્શન તથા પ્રેમપૂર્ણ અધિકારને આધીન સોંપી દેવું, સદ્ગુરુને જ પોતાનાં એકમાત્ર આશ્રય અને રક્ષક માનીને હૃદયપૂર્વક સ્વીકારવું - આ શ્રદ્ધાવાનનો શારણ્યભાવ દર્શાવે છે. સમર્પણની આ જ ભાવનાથી શ્રદ્ધાવાન પોતાના દૈનિક જીવનમાં બાપુનાં આશ્વાસન આપતા અસ્તિત્વનો અનુભવ કરે છે અને બાપુ સાથેનાં પોતાનાં અતૂટ સંબંધથી તેને સામર્થ્ય, સાહસ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટ ધારણ કરવાનો અર્થ છે સદ્ગુરુનાં અસ્તિત્વને પોતાનાં હૃદયની સમીપ રાખવું. તે પ્રત્યેક શ્રદ્ધાવાનને આશ્વસ્ત કરે છે કે જીવન તેને ગમે ત્યાં લઈ જાય, બાપુ સદૈવ તેની સાથે છે - તેનું રક્ષણ કરવા માટે, યોગ્ય માર્ગદર્શન આપવા માટે, તેને બળ પ્રદાન કરવા માટે અને પ્રેમપૂર્વક પરમેશ્વરી માર્ગ પર લઈ જવા માટે!
ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટનાં બધા અનુભવો જોવા માટે અહીં ક્લિક કરો


