ભગવાન વિઠ્ઠલનું આધ્યાત્મિક મહત્ત્વ અને સ્વરૂપ
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ પોતાનાં અનેક પ્રવચનો અને અગ્રલેખોમાં તેમનાં પરિવારમાં પેઢીઓથી ચાલી આવતી વિઠ્ઠલ ભક્તિ અને ભગવાન વિઠ્ઠલની વારીની સાથે સંતો, તેમનાં અભંગો તથા વારકરી સંપ્રદાય વિશે અનેક વખત જણાવ્યું છે. ભક્તો ભગવાન વિઠ્ઠલને પોતાના ‘કૈવારી’ અને ‘માયબાપ’ માને છે. સંત જ્ઞાનેશ્વર ભગવાન વિઠ્ઠલનો ઉલ્લેખ ‘બાપરખુમાદેવીવરૂ’ (પિતા સમાન એવા રખુમાદેવી-રુક્મિણી માતાના સ્વામી) તરીકે કરે છે અને સંત જનાબાઈ પણ ભગવાન વિઠ્ઠલને પ્રેમથી ‘વિઠુ માઝા લેકુરવાળા’ (મારા ભગવાન વિઠ્ઠલ ખૂબ વાત્સલ્યપૂર્ણ) કહે છે.
‘વિઠો વાહી શિરી કૈલાસીચા રાણા’ (ભગવાન વિઠ્ઠલે પોતાનાં મસ્તક પર કૈલાસરાણા - ભગવાન શિવને ધારણ કર્યા છે) આ ઉક્તિ અનુસાર ભગવાન વિઠ્ઠલ એટલે ‘હરિ’નું એવું સ્વરૂપ, જે પોતાના મસ્તક પર શિવલિંગ અર્થાત ‘હર’ને ધારણ કરે છે.
તેથી આષાઢી એકાદશીનાં દિવસે શ્રદ્ધાવાનો શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં શ્રીત્રિવિક્રમ લિંગ પર ભક્તિભાવપૂર્વક શ્રીવિઠ્ઠલને પ્રિય તુલસીપત્ર અર્પણ કરે છે.
૨૦૧૩નો અવિસ્મરણીય અનુભવ
૨૦૧૩માં આષાઢી એકાદશીનાં પાવન પર્વે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુને મુંબઈનાં વડાલા સ્થિત પ્રાચીન અને પ્રસિદ્ધ શ્રીવિઠ્ઠલ મંદિરમાં શ્રીવિઠ્ઠલ અને શ્રીરખુમાઈનાં પૂજન માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
બાળપણમાં પરેલમાં રહેતાં હતાં ત્યારે બાપુ તેમની નાની સાથે ઘણી વખત આ મંદિરમાં આવતાં હતાં. અહીં આઠ વર્ષની ઉંમરે બાપુની મુલાકાત સાધનાતાઈ ઉપાધ્યે સાથે થઈ હતી. એ સમયે બાપુએ તેમને એક મોરપીંછ આપ્યું હતું. આ સંબંધમાં સાધનાતાઈ ઉપાધ્યેનાં પુત્રએ જણાવેલો અનુભવ આપણે સાઈનિવાસનાં વીડિયોમાં જોઈ શકીએ છીએ.
પંઢરપુર ભાવયાત્રા ૨૦૦૧
ચંદ્રભાગા નદીનાં તટ પર વસેલું શ્રીક્ષેત્ર પંઢરપુર એ સ્થાન છે, જ્યાં ભગવાન સ્વયં પોતાનાં અનન્ય ભક્ત પુંડલિકને મળવા આવ્યાં હતાં. ‘આધી રચિલી પંઢરી, મગ વૈકુંઠનગરી’ (પહેલાં પંઢરીની રચના થઈ, પછી વૈકુંઠનગરીની. અર્થાત પંઢરપુર - પંઢરીનો મહિમા વૈકુંઠ કરતાં પણ પ્રાચીન અને અતિશય મહાન માનવામાં આવ્યો છે.) પંઢરીની આવી ખ્યાતિ છે. પંઢરપુર આવી પાવન નગરીમાં વર્ષ ૨૦૦૧માં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ ભાવયાત્રાનું આયોજન કર્યું હતું. શિર્ડી, અક્કલકોટ, આળંદી અને ગોવાનાં મંગેશ-શાંતાદુર્ગા - આ ચાર રસયાત્રાઓ સંપન્ન થયા બાદ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ આ ભાવયાત્રાની જાહેરાત કરી હતી.
“પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલની સાથે આપણને પ્રાપ્ત થનારું સોળમું ઐશ્વર્ય ભક્તિ છે. સંતો માને છે કે પંઢરપુર તેમનું પિયર છે, ચંદ્રભાગા તેમની બહેન છે અને પાંડુરંગનાં પરમ ભક્ત પુંડલિક તેમનાં ભાઈ છે. ભક્ત પંઢરીની વાટે માત્ર પોતાનાં પિયર પહોંચવા માટે, અર્થાત ભક્તિરૂપી સોળમું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે ચાલે છે. પરમેશ્વર અને ભક્ત વચ્ચેનો એકમાત્ર સંબંધ ભક્તિ છે, એ સિવાય બીજું કશું જ નથી.”
પંઢરપુર ભાવયાત્રાની વિશેષતા સમજાવતાં બાપુએ આ કહ્યું હતું.

નિઃસ્વાર્થ સેવાભાવનાં સ્વરૂપમાં ભક્તિ
બાપુએ પોતાના પ્રથમ ગ્રંથ ‘સત્યપ્રવેશ’માં લખ્યું છે -
“ભક્તિ ‘ભાવ’રૂપી હૃદય ધરાવતી, નિરંતર વધતી જતી અંતરંગ પ્રેમશક્તિ અને સ્નેહપૂર્ણ સેવા છે.”
તેથી ભગવાનનું ભજન, કીર્તન અને નામસ્મરણ કરવાની સાથે શ્રદ્ધાવાનો પ્રેમપૂર્વક ભક્તિસેવામાં પણ સહભાગી થાય છે.
આપત્તિ વ્યવસ્થાપન સેવા (AADM)
પોલીસ અને પ્રશાસનની વિનંતીથી ‘અનિરુદ્ધાઝ્ અકૅડમી ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ (AADM)નાં આપત્તિ વ્યવસ્થાપન સ્વયંસેવકો (DMVs) પંઢરપુરમાં આષાઢી એકાદશીનાં સમયે નિઃસ્વાર્થ ભાવથી ચોવીસે કલાક ભીડ વ્યવસ્થાપન (Crowd Management)ની સેવા કરે છે. આ ઉપક્રમ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવે છે. વિઠુરાયાનાં દર્શન માટે આવેલાં લાખો શ્રદ્ધાળુઓની ભીડને સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે નિયંત્રિત કરીને આવનારા પ્રત્યેક ભક્ત માટે ભગવાન વિઠ્ઠલનાં દર્શન સહજ અને સુલભ બને એ માટે આપણાં સ્વયંસેવકો ભક્તિભાવથી સેવા કરે છે.
આ સેવાથી માત્ર શ્રદ્ધાળુઓનો જ નહીં, પરંતુ સ્થાનિક પ્રશાસન, પોલીસ અને મંદિર વ્યવસ્થાપનનો પણ ઘણો મોટો ભાર હળવો થાય છે. ઘણાં વરિષ્ઠ અધિકારીઓએ DMVsની ભક્તિમય અને શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિની મનઃપૂર્વક પ્રશંસા કરી છે. સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ પ્રત્યેનાં ભક્તિપ્રેમને કારણે આ સેવામાં સહભાગી થતાં શ્રદ્ધાવાનો માટે આ સેવા ભક્તિભાવ ચૈતન્ય (Devotion Sentience)ની એક અભિવ્યક્તિ છે, એવી દરેકની ભાવના છે.
ઘણાં શ્રદ્ધાવાનો આ દિવસે પ્રેમ અને ભક્તિભાવથી સ્વયંભગવાન શ્રીત્રિવિક્રમનાં સાર્વભૌમ મંત્રગજરની ૧૬ માળા કરે છે અને આ ઉપાસના સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનાં ચરણોમાં અર્પણ કરે છે.
રામા રામા આત્મારામા ત્રિવિક્રમા સદ્ગુરુસમર્થા
સદ્ગુરુસમર્થા ત્રિવિક્રમા આત્મારામા રામા રામા





















