‘અનિરુદ્ધજીની પાલખીના સેવેકરી’ એ ‘અનિરુદ્ધ બાપુ એન્ડ ઑલ’ (મરાઠી) યુટ્યુબ ચૅનલ પર પ્રસારિત એક વિડિયો સિરીઝ છે. આ વિડિયો સિરીઝ મધુર સ્મૃતિઓ, આત્મીયતા અને નિરંતર ભક્તિની એક અવિસ્મરણીય યાત્રા છે. આ સિરીઝના માધ્યમથી સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના કાર્યના પ્રારંભિક કાળની મધુર સ્મૃતિઓ ફરીથી જીવંત થઈ ઊઠે છે. વર્ષ ૧૯૯૬થી શરૂ થયેલા તેમના કાર્યના આ નિર્માણકાળમાં બાપુને નજીકથી અનુભવેલા શ્રદ્ધાવાનોના શબ્દો અને ભાવનાઓના માધ્યમથી આ યાત્રા ધીરે ધીરે આપણી સમક્ષ ખૂલતી જાય છે.

સમયની સાથે બાપુના શ્રદ્ધાવાન મિત્રોની સંખ્યા અનેકગણી વધતી ગઈ. એ પ્રારંભિક કાળનો અનુભવ કરનારા શ્રદ્ધાવાનો આ અદ્‌ભુત વિસ્તારના પ્રત્યક્ષ સાક્ષી છે. પ્રારંભિક દિવસોમાં ‘શ્રીસમર્થ વ્યાયામ મંદિર’માં ગણ્યાગાંઠ્યા શ્રદ્ધાવાનો જ પ્રવચનોમાં ઉપસ્થિત રહેતા હતા. ત્યાંથી લઈને આજે બાપુના આશીર્વાદ લેવા માટે આવનારા શ્રદ્ધાવાનોના અથાગ સાગર સુધીની આ યાત્રાને તેમણે પોતાની આંખો સામે સાકાર થતી જોઈ છે. એ સમયના યુવાન શ્રદ્ધાવાનો હવે ઉંમરમાં મોટા થઈ ગયા છે અને આજે તેમની પાસેથી બાપુ વિશે વધુ જાણવું ખરેખર આપણા જીવનને પણ સમૃદ્ધ કરનારું છે.

આ શ્રદ્ધાવાનોનું આપણા હૃદયમાં એક વિશેષ સ્થાન છે, કારણ કે તેઓ એ શરૂઆતના સમયનાં શ્રદ્ધાવાનો હતા, જેમણે સૌથી પહેલાં બાપુનાં પ્રવચનો સાંભળ્યાં અને તેમના પર સંપૂર્ણપણે તથા કોઈ પણ શંકા વગર વિશ્વાસ મૂક્યો. આ જ શ્રદ્ધાવાનોએ વર્ષ ૧૯૯૬માં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના કૃપાશીર્વાદ સાથે જોડાયેલા પોતાના અનુભવોને પ્રેમપૂર્વક સંકલિત કરીને એક વિશેષ પ્રકાશનરૂપે પ્રકાશિત કરવાની પહેલ કરી. આ બધા અનુભવો સાથે મળીને સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની અગાધ કૃપાના વૈભવનું એક પ્રત્યક્ષ પ્રમાણ બની ગયા. આ બાપુની અકારણ કરુણા, અસીમ કૃપા અને કોઈ પણ લાભની અપેક્ષા વિનાના પ્રેમથી પરિવર્તિત થયેલા અસંખ્ય શ્રદ્ધાવાનોનો અમૂલ્ય ખજાનો છે.

‘અનિરુદ્ધજીની પાલખીના સેવેકરી’ના માધ્યમથી આપણે એવા સમર્પિત શ્રદ્ધાવાનોને મળીએ છીએ, જેઓ બાપુના કાર્યના પ્રારંભિક કાળમાં તેમની સાથે હતા અને જેમની આ યાત્રા આજે પણ બાપુ સાથે આનંદપૂર્વક ચાલુ છે. તેઓ બોલવાનું શરૂ કરે છે અને સ્મૃતિઓનાં પડ એક પછી એક ખૂલતાં જાય છે, એ જાદુઈ ક્ષણો ફરીથી જીવંત થઈ ઊઠે છે, કોમળ લાગણીઓ ફરી જાગી ઊઠે છે અને તેમનું મૌન જ ઘણું બધું કહી જાય છે. તેમનો સ્વર ભરાઈ આવે છે, આંખોમાં આંસુ છલકાઈ ઊઠે છે, કારણ કે મનથી તેઓ જાણે એ સમયમાં ખોવાયેલા દેખાય છે. એ સમયે બાપુની આજુબાજુ ખૂબ જ ઓછા લોકો રહેતા હતા અને તેઓ બાપુની આજુબાજુ એકત્ર થઈને તેમની સાથે સહજતાથી સંવાદ કરી શકતા હતા.

અનિરુદ્ધજીની પાલખીના સેવેકરી

પહેલો ભાગ - પ્રથમ પાહિલે તુલા (પહેલી વાર તમને જોયાં)

સિરીઝનો પહેલો ભાગ ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં પ્રદર્શિત કરવામાં આવ્યો. આ ભાગનો વિષય હતો “પ્રથમ પાહિલે તુલા” (પહેલી વાર તમને જોયાં).

આ ભાગમાં જૂના, અનુભવી અને નિષ્ઠાવાન શ્રદ્ધાવાનોએ પોતાની અમૂલ્ય સ્મૃતિઓ, ખાસ કરીને બાપુ સાથે થયેલી પોતાની પ્રથમ ભેટ - મુલાકાત વિશે જણાવ્યું છે. કેટલાક લોકોની બાપુ સાથે પ્રત્યક્ષ ભેટ થઈ અને તેમની સાથે વાતચીત થઈ; કેટલાકને તેમનાં દર્શનના માધ્યમથી અનુભવ થયો; કેટલાકે તેમને પહેલી વાર તસવીરના માધ્યમથી જોયા; તો કેટલાક લોકોના જીવનને એક વિલક્ષણ અનુભવને કારણે સાવ જુદો જ વળાંક મળ્યો. હૃદયને સ્પર્શી જાય એવા આ બધા કથનોને આ વિડિયોમાં એકસાથે રજૂ કરવામાં આવ્યા છે અને તેમના જ શબ્દોમાં તેમના અનુભવો સાંભળતાં આપણે પણ ભાવવિભોર થઈ જઈએ છીએ. તેમનું આ કથન માત્ર કોઈ વાર્તા કહેવા પૂરતું નથી; પરંતુ પ્રેમ, કૃતજ્ઞતા અને આદરથી આનંદપૂર્વક તરબતર એક સ્મૃતિ છે.

આ પ્રદર્શનની ઉપસ્થિત શ્રદ્ધાવાનો પર અત્યંત ઊંડી અસર થઈ. શ્રીહરિગુરુગ્રામનું સભાગૃહ નિઃશબ્દ હતું, આંખો ભીની હતી અને વાતાવરણ પ્રેમની ઉત્કટ ભાવનાથી છલકાતું હતું. ત્યાં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિનું હૃદય બાપુ સાથે થયેલી પોતાની પ્રથમ ભેટની એ ક્ષણમાં પાછું ફરી ગયું. જાણે પ્રત્યેક વ્યક્તિ એ દિવસને ફરીથી જીવી રહી હતી, જ્યારે બાપુએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો અને અજાણતાં જ બધું બદલી નાખ્યું.

આ ભાવના માત્ર શ્રીહરિગુરુગ્રામ સુધી સીમિત રહી નહીં. સોશિયલ મીડિયા પર શ્રદ્ધાવાનો #PrathamPahileTula હૅશટૅગ હેઠળ એકત્ર થયા અને બાપુ સાથેની પોતાની પ્રથમ ભેટની સ્મૃતિઓ વહેંચવા લાગ્યા. પછી તે કોઈ તસવીરના માધ્યમથી હોય, બાપુનાં અલૌકિક દર્શનના માધ્યમથી હોય કે તેમની ઉપસ્થિતિનો એવો અનુભવ હોય, જેને અનુભવી તો શકાય, પરંતુ જોઈ ન શકાય અને તેમ છતાં જે સ્પષ્ટ હોય - દરેકના કથનમાં કૃતજ્ઞતા, વિસ્મય અને પ્રેમની જ ભાવના અભિવ્યક્ત થતી હતી.

કારણ કે જ્યારે બાપુ કોઈના જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તેનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે પ્રત્યક્ષ દર્શન, તસવીર કે અનુભવ..... પરંતુ તેનાથી આપણા જીવનને નિશ્ચિતપણે એક નવો વળાંક મળે છે.

બાપુ સાથે શિર્ડી રસયાત્રા - ૧૯૯૬

સિરીઝના તાજેતરના ભાગોમાં વર્ષ ૧૯૯૬માં થયેલી શિર્ડી રસયાત્રાની સ્મૃતિઓને ફરીથી તાજી કરવામાં આવી. એ સમયે માત્ર લગભગ સો શ્રદ્ધાવાનો બાપુ સાથે શિર્ડી ગયા હતા. જેઓ આ રસયાત્રાના સાક્ષી રહ્યા, તેમના માટે આ અનુભવ ખરેખર અનોખો હતો. બાપુ સ્વયં આગળ ચાલીને તેમનું માર્ગદર્શન કરતાં તેમને શિર્ડીનાં પવિત્ર સ્થળોનાં દર્શન કરાવી રહ્યા હતા. એ બાપુની નજીક, તેમના સાનિધ્યમાં રહેવાનો અનુભવ હતો. આજે આવા અનુભવની માત્ર કલ્પના જ કરી શકાય છે; હવે એવું ફરીથી થવું લગભગ અશક્ય લાગે છે.

આ વિડિયોમાં તેમની સ્મૃતિઓ અત્યંત હૃદયસ્પર્શી રીતે સામે આવે છે. તેમના અનુભવો, હૃદયને સ્પર્શી જાય એવા કથનો, બાપુ સાથેનો તેમનો સંવાદ અને બાપુનો તેમની સાથે થયેલો સંવાદ - પ્રત્યેક ક્ષણ સાંભળવા જેવી અને મનમાં સાચવી રાખવા જેવી છે. આવનારા સમયમાં આ સિરીઝ વધુ વિસ્તૃત થતી જશે અને આવી અનેક અજાણી, પરંતુ અત્યંત અમૂલ્ય ક્ષણોને સામે લાવતી રહેશે. એવી ક્ષણો, જેના વિશે કદાચ આપણને ખબર પણ ન હોય; પરંતુ આ સ્મૃતિઓના માધ્યમથી તેમને અનુભવવાનું આપણને નિશ્ચિતપણે ગમશે.

આ સિરીઝ આપણને વિશ્વાસ અપાવે છે કે સમય બદલાયો, ઉંમર વધી અને શ્રદ્ધાવાનોનો પરિવાર વધતો ગયો, આમ છતાં પોતાના શ્રદ્ધાવાનો પ્રત્યેનો બાપુનો પ્રેમ નિરંતર, શાશ્વત અને અપરિવર્તનીય છે. પ્રારંભિક કાળમાં તેમણે એ ગણ્યાગાંઠ્યા શ્રદ્ધાવાનો પર જે પ્રેમ વરસાવ્યો હતો, એ જ પ્રેમનો અનુભવ આજે પણ આપણે બધા કરી રહ્યા છીએ.

‘અનિરુદ્ધજીની પાલખીના સેવેકરી’ એ બાપુ અને તેમનાં શ્રદ્ધાવાનો વચ્ચેનાં ચિરંતન બંધનનું એક હૃદયસ્પર્શી ગૌરવગાન છે; સાથે જ બાપુનું સ્મરણ કરવા, તેમને અનુભવવા અને આજે પણ આપણને બાપુ તરફ ખેંચી લઈ જનારી એ ભાવનાઓ સાથે ફરીવાર જોડાવાનું એક સસ્નેહ આમંત્રણ પણ છે.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ માટે આ શ્રદ્ધાવાનો માત્ર પ્રારંભિક કાળના અનુયાયીઓ નહોતા; પરંતુ તેઓ એ ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓમાંના હતા, જેઓ બાપુની સાથે સાથે ચાલતા હતા અને તેમનાં પર સંપૂર્ણ વિશ્વાસ રાખતા હતા. બાપુનું કાર્ય અસંખ્ય હૃદયો સુધી પહોંચે એ પહેલાં જ આ શ્રદ્ધાવાનોએ બાપુ પર અતૂટ વિશ્વાસ મૂક્યો હતો. એ નિર્માણકાળમાં તેમની અવિચલ ભક્તિ, વિશ્વાસ અને દૃઢ સાથને કારણે બાપુનાં હૃદયમાં તેમનાં માટે એક વિશિષ્ટ અને આત્મીય સ્થાન છે.