વિજ્ઞાન અને ભક્તિ - બે માર્ગ, એક જ સત્ય
અનેક લોકોને વિજ્ઞાન અને અધ્યાત્મ બે અલગ-અલગ દુનિયાનાં ભાગ લાગે છે. વિજ્ઞાનને તર્ક, પ્રમાણ અને નિરીક્ષણ સાથે જોડવામાં આવે છે, જ્યારે ભક્તિને ઘણી વાર ભૂલથી અંધશ્રદ્ધા માની લેવામાં આવે છે. ૧૬ ડિસેમ્બર ૨૦૦૫ના રોજ દૈનિક ‘પ્રત્યક્ષ’માં પ્રકાશિત ‘આજચી ગરજ (આજની જરૂરિયાત)’ શીર્ષકનાં અગ્રલેખમાં બાપુએ લખ્યું હતું -
“વિજ્ઞાન અને ભક્તિ ક્યારેય એકબીજા માટે અવરોધરૂપ નહીં બને; તેનાથી વિપરીત, વિજ્ઞાનની સમૃદ્ધિથી ભક્તિનાં વૈભવમાં વૃદ્ધિ જ થશે અને ભક્તિનાં સામર્થ્યથી વિજ્ઞાનની સંહારક શક્તિ દુર્બળ બનીને તેનાં રચનાત્મક આવિષ્કારો વધુ ને વધુ શક્તિશાળી બનશે.”
આ જ વિચારધારા તેમનાં સમગ્ર જીવનમાં પ્રતિબિંબિત થાય છે. બાપુનાં અનુસાર વિજ્ઞાન અધ્યાત્મનું અંધશ્રદ્ધા અને તર્કહીનતાથી રક્ષણ કરે છે, જ્યારે ભક્તિ વિજ્ઞાનને સ્વાર્થ અને વિનાશકારી દુરુપયોગથી બચાવે છે. વિજ્ઞાન અને અધ્યાત્મ સાથે મળીને માનવતાનાં કલ્યાણનાં સાધન બને છે. પોતાનાં તબીબી શિક્ષણ દરમિયાન બાપુએ પોતાને ક્યારેય ભગવાનથી દૂર કર્યા નહોતાં. તેનાથી વિપરીત, સૃષ્ટિમાં વ્યાપ્ત સુવ્યવસ્થા, ચોકસાઈ અને બુદ્ધિમત્તાનો તેમને વધુ ને વધુ બોધ થતો ગયો. એ જ રીતે તેમનાં અધ્યાત્મે વૈજ્ઞાનિક ચિંતનનો ક્યારેય અસ્વીકાર કર્યો નહીં. આ અનુભવથી તેમના મનમાં વિનમ્રતાનો ભાવ વધુ ઊંડાણપૂર્વક દૃઢ થતો ગયો. માનવજ્ઞાન ગમે તેટલું વિશાળ કેમ ન બની જાય, તેનાથી પણ શ્રેષ્ઠ વૈશ્વિક બુદ્ધિમત્તા સમક્ષ તે સદૈવ નાનું જ છે - આ બોધ તેમનાં મનમાં ઉત્પન્ન થયો.
સદ્ગુરુ - એક શાશ્વત ભક્ત
લાખો લોકો બાપુને પોતાનાં સદ્ગુરુ માને છે, તેમ છતાં બાપુએ ‘હું એક શિષ્ય અને એક ભક્ત છું’ - આ ભાવ ક્યારેય છોડ્યો નથી. બાપુ દ્વારા લખાયેલાં શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ એટલે કે ‘સત્યસ્મૃતિ’નાં બીજા ખંડ ‘પ્રેમપ્રવાસ’માં તેમણે પોતાનાં એ પંચગુરુઓનો પરિચય આપ્યો છે, જે તેમનાં જીવનનાં પ્રત્યેક પાસાનું માર્ગદર્શન કરે છે. આ પંચગુરુઓ માત્ર તેમના ઉપાસ્ય દેવતા જ નથી, પરંતુ તેમનાં જીવનનો આધ્યાત્મિક પાયો છે. બાપુનું જીવન પોતાના પંચગુરુઓ પ્રત્યેની તેમની અવિચલ ગુરુભક્તિ અને સંપૂર્ણ સમર્પણનું સાકાર સ્વરૂપ છે. આ પંચગુરુઓનું વર્ણન તેમણે ‘પ્રેમપ્રવાસ’ ગ્રંથમાં આ પ્રમાણે કર્યું છે -
- 1. શ્રી દત્તગુરુ - બાપુનાં કરવિતા (કરાવનારા) ગુરુ છે.
- 2. શ્રી ગાયત્રીમાતા - બાપુનાં વાત્સલ્યગુરુ છે.
- 3. શ્રીરામ - બાપુનાં કર્તા ગુરુ છે.
- 4. મહાપ્રાણ હનુમાનજી - બાપુનાં રક્ષક ગુરુ છે.
- 5. શ્રી સાઈબાબા - બાપુનાં દિગ્દર્શક ગુરુ છે.
આ પંચગુરુઓ સાથે મળીને બાપુનાં જીવનની આધ્યાત્મિક સંરચનાને પ્રગટ કરે છે અને તેમની શીખમાં રહેલા ભક્તિ, અનુશાસન, વિનમ્રતા, કરુણા તથા વ્યાવહારિક જીવનનાં સુંદર સમન્વયને સ્પષ્ટ કરે છે.

મા જગદંબા પ્રત્યે અનન્ય ભક્તિ
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં આધ્યાત્મિક જીવનની અન્ય એક વિશેષતા છે આદિમાતા મહિષાસુરમર્દિની પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ. બાપુ આદિમાતા મહિષાસુરમર્દિનીને માત્ર શક્તિસ્વરૂપા ન માનતાં, પોતાની માતા સ્વરુપે તેમની ઉપાસના કરે છે. તેઓ સ્વયંને પ્રેમપૂર્વક તેમનાં પુત્ર કહે છે. આ સંબંધ સંપૂર્ણ વિશ્વાસ, કોઈ પણ શરત વગરનાં પ્રેમ અને સંપૂર્ણ શરણાગતિ પર આધારિત છે. બાપુ માટે આદિમાતા સદૈવ પ્રેમ કરનારી એવી માતા છે, જેમની અસીમ મમતા અને સંરક્ષણની છાયામાં તેઓ તેમનાં બાળક સ્વરુપે રહે છે. આ સરળ અભિવ્યક્તિ એક ગહન આધ્યાત્મિક દૃષ્ટિકોણ પ્રગટ કરે છે. ગુરુની ભૂમિકા સ્વીકારતાં પહેલાં તેઓ સ્વયંને એક બાળકની ભૂમિકામાં રાખે છે - એવું બાળક, જેને પોતાની દિવ્ય માતાનાં અસીમ પ્રેમ અને સંરક્ષણ પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ભક્તિમાં તલ્લીનતા
બાપુનાં પુસ્તકો અને પ્રવચનો તેમની ભક્તિનાં તત્ત્વજ્ઞાનની વ્યાખ્યા કરે છે; પરંતુ તેમની દૈનિક જીવનશૈલીમાં ભક્તિ કેટલી ઊંડાઈ સુધી સમાયેલી છે, તેનો વાસ્તવિક અનુભવ શ્રીહરિગુરુગ્રામમાં કરી શકાય છે. ત્યાંનું મંચ જ તેમનાં અંતર્મનનું પ્રતિબિંબ હોય એવું જોવા મળે છે.
મંચની મધ્યમાં સર્વોચ્ચ આદરના સ્થાને શ્રી દત્તગુરુ બિરાજમાન છે અને તેમની સમીપ શ્રી સ્વામી સમર્થ તથા શ્રી સાઈનાથ છે. આ વ્યવસ્થા મૌન રુપે એક મહત્ત્વપૂર્ણ સત્યનો બોધ કરાવે છે કે હજારો લોકો સમક્ષ તેમના સદ્ગુરુ તરીકે ઊભા રહેતાં પહેલાં બાપુ પરમેશ્વર સમક્ષ એક ભક્ત તરીકે ઊભા રહે છે. એક પણ શબ્દ બોલ્યાં વગર તેઓ શીખવે છે કે માન-સન્માન પ્રાપ્ત કરતાં પહેલાં આદર હોવો જોઈએ; માર્ગદર્શન કરતાં પહેલાં કૃતજ્ઞતા હોવી જોઈએ; અને સમર્પણ જ નેતૃત્વનો સુદૃઢ પાયો હોવો જોઈએ.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનું જીવન અનુશાસિત અને અત્યંત સમૃદ્ધ બનાવતી ઉપાસનાની પરંપરા સાથે દૃઢતાથી જોડાયેલું છે. તેમની આધ્યાત્મિક સાધનામાં નિત્ય, નૈમિત્તિક અને વિશેષ ઉપાસનાઓનો સમાવેશ થાય છે અને પ્રત્યેક ઉપાસના તેઓ નિયમિત રીતે તથા ભક્તિભાવથી કરે છે.
પોતાની નિત્ય ઉપાસના અંતર્ગત બાપુ શ્રી હનુમાન ચલીસા, સુંદરકાંડ, શ્રી રામરક્ષા સ્તોત્ર, ઘોરકષ્ટોદ્ધારણ સ્તોત્ર, દત્તમાલા મંત્ર, દત્તબાવની, દેવી અપરાધક્ષમાપન સ્તોત્ર, શુભંકરા અને અશુભનાશિની સ્તોત્રનો પાઠ કરે છે. સાથે જ, આ પવિત્ર ગ્રંથોનાં શાશ્વત જ્ઞાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતાં તેઓ નિયમિત રીતે શ્રીરામચરિતમાનસનો અભ્યાસ કરે છે અને શ્રી સાઈસચ્ચરિત્રનાં એક અધ્યાયનો પાઠ કરે છે. તેનાથી આવા પવિત્ર ગ્રંથોના શાશ્વત જ્ઞાન પ્રત્યેનો તેમનો આદરભાવ પ્રગટ થાય છે.
આ ઉપરાંત બાપુ નિયમિત રીતે માસિક અને વાર્ષિક ઉપાસનાઓ કરે છે. પ્રત્યેક વર્ષે તેઓ એક નિશ્ચિત સમયગાળા માટે સાંગલી સ્થિત પોતાના નિવાસસ્થાને આધ્યાત્મિક ઉપાસના માટે જાય છે. મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને પણ દર વર્ષે બે દત્તયાગ કરવામાં આવે છે. નવરાત્રિમાં પરાંબા પૂજન, શ્રી સ્વામી સમર્થ પ્રકટ દિનના અવસરે કરવામાં આવતી ઉપાસના અને ગુરુપૂર્ણિમાના અવસરે તેમના પરિવાર દ્વારા કરવામાં આવતું પૂજન - આવી વિશેષ ઉપાસનાઓમાં પણ તેમના પરિવારની ભક્તિની અખંડ અને સમૃદ્ધ પરંપરા જોવા મળે છે. વેદો અને તેમની પરંપરાઓનું ગહન જ્ઞાન ધરાવતા બાપુ પ્રત્યેક ઉપાસના ઊંડી શાસ્ત્રોક્ત સમજ, કડક અનુશાસન અને સૌથી મહત્ત્વનું, હૃદયપૂર્વકની ભક્તિ સાથે કરે છે. તેમના જીવનમાં ઉપાસના માત્ર કોઈ વિશેષ અવસરે કરવામાં આવતું આચરણ નથી, પરંતુ પરમેશ્વર પ્રત્યેનાં તેમનાં પ્રેમ, કૃતજ્ઞતા અને સંપૂર્ણ સમર્પણની નિરંતર અભિવ્યક્તિ છે.
ભક્તિ - જીવન જીવવાનો માર્ગ
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ માટે ભક્તિ માત્ર કર્મકાંડ સુધી સીમિત નથી. પૂજન કરવાનું હોય, આરતીમાં સહભાગી થવાનું હોય, પવિત્ર મંત્રોનો પાઠ કરવાનો હોય, પુસ્તકો લખવાનાં હોય, ‘દૈનિક પ્રત્યક્ષ’ માટે અગ્રલેખ લખવાનો હોય કે પ્રવચન આપવાનું હોય - તેમનાં પ્રત્યેક કાર્યમાં ભક્તિનો એ જ ભાવ સ્પષ્ટપણે જોવા મળે છે. ધર્મગ્રંથો પ્રત્યે પણ તેમનો આ જ દૃષ્ટિકોણ જોવા મળે છે. તેઓ રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા, શ્રીમદ્ભાગવત, ગુરુચરિત્ર, શ્રી સાઈસચ્ચરિત્ર અને સંતોના ચરિત્રગ્રંથોનો અભ્યાસ તથા નિરૂપણ માત્ર પવિત્ર સાહિત્ય રુપે નથી કરતા, પરંતુ શ્રદ્ધાવાનોનાં દૈનિક જીવનનું માર્ગદર્શન કરનારા જીવંત માર્ગદર્શક તરીકે કરે છે.

શ્રદ્ધાનાં બળે આગળ વધવું
બાપુ દ્વારા આપણને આપવામાં આવેલી અતિશય મહત્ત્વપૂર્ણ શીખમાંથી એક છે - માત્ર પરમેશ્વર પર વિશ્વાસ રાખવો અને પરમેશ્વર સાથે જીવવું એટલે કે શ્રદ્ધાપૂર્વક જીવનપથ પર આગળ વધવું - આ બંને વચ્ચેનો તફાવત. અનેક લોકોનાં જીવનમાં શ્રદ્ધા મુશ્કેલ સમયમાં સામે આવે છે. પ્રાર્થના સહાયતાની યાચના બની જાય છે અને ભક્તિનાં મૂળ આશામાં સમાયેલાં હોય છે. બાપુ સાધકોને પ્રેમપૂર્વક આ અવસ્થાથી આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
ભગવાન ભવિષ્યમાં ક્યારેક આવવાના નથી, પરંતુ તેઓ તો જીવનમાં પહેલેથી જ ઉપસ્થિત છે, જે પ્રત્યેક પગલે માર્ગદર્શન કરે છે, રક્ષણ કરે છે, બળ આપે છે અને સાથે રહે છે. આ બોધ સંકટોનો સામનો કરવાની આપણી દૃષ્ટિ બદલી નાખે છે. “આ મારી સાથે જ કેમ થયું?” એવો પ્રશ્ન કરવાને બદલે ભક્ત વિચારવા લાગે છે, “આ અનુભવના માધ્યમથી પરમેશ્વર મને શું શીખવી રહ્યા છે?” આ રીતે શ્રદ્ધા માત્ર ક્યારેક મળતો આધાર ન રહેતાં નિરંતર સાથે રહેનારી સંગિની બની જાય છે.
સમાજસેવાને સમર્પિત ભક્તિ
બાપુની શીખ અધ્યાત્મને સાંસારિક જવાબદારીઓથી ક્યારેય અલગ કરતી નથી. તેમનાં અનુસાર સાચી ભક્તિ વ્યક્તિને વધુ સત્યનિષ્ઠ, કરુણામય, અનુશાસિત, વિશ્વસનીય અને બીજાની સેવા કરવા માટે તત્પર બનાવનારી હોવી જોઈએ. તેમની પ્રેરણાથી કરવામાં આવતી અસંખ્ય નિઃસ્વાર્થ સેવાઓ આ જ વિચારધારાનું સાકાર સ્વરૂપ છે. તેમાં સ્વાસ્થ્ય સંબંધિત ઉપક્રમો, આપત્તિ વ્યવસ્થાપન, રક્તદાન શિબિરો, શૈક્ષણિક પરિયોજનાઓ અને અન્ય વિવિધ સમાજસેવાઓનો સમાવેશ થાય છે. બાપુ માટે આ બાબતો ભક્તિથી અલગ નથી - આ તો કર્મનાં માધ્યમથી વ્યક્ત થનારી ભક્તિ જ છે.
કરુણા વગર પ્રાર્થના અધૂરી રહે છે.
સેવા વગર ઉપાસના અધૂરી રહે છે.
વિનમ્રતા વગર જ્ઞાન અધૂરું રહે છે.
તેમનું જીવન દર્શાવે છે કે પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિક રીતે માનવતા પ્રત્યેનાં પ્રેમ રૂપે વ્યક્ત થાય છે.
આજનાં એવા સમયમાં, જ્યાં ચારિત્ર્ય કરતાં વધારે સિદ્ધિઓનું અને આદર કરતાં વધારે પ્રસિદ્ધિનું ગૌરવ કરવામાં આવે છે, ત્યાં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આપણી સમક્ષ એક અલગ આદર્શ રજૂ કરે છે. તેમનું જીવન દર્શાવે છે કે વૈજ્ઞાનિક પ્રવીણતા અને ગહન અધ્યાત્મ સાથે સાથે રહી શકે છે અને સાચા જ્ઞાનની સર્વોચ્ચ અભિવ્યક્તિ વિનમ્રતાનાં ગુણમાં જ જોવા મળે છે. તેમનાં જીવનનાં કેન્દ્રમાં અંબજ્ઞ (Ambadnya) રહેવાનો સિદ્ધાંત છે. ‘અંબજ્ઞ’ શબ્દ આદિમાતા મહિષાસુરમર્દિનીનાં ચરણકમળ પ્રત્યેની અપાર અને અવિચલ કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરે છે. બાપુ સ્વયં આ કૃતજ્ઞતાનાં ભાવમાં જીવે છે; સાથે જ તેઓ પ્રત્યેક શ્રદ્ધાવાનને જીવનની દરેક પરિસ્થિતિમાં અંબજ્ઞ રહેવા માટે નિરંતર પ્રોત્સાહિત કરે છે.
તેથી ડૉક્ટર, વિદ્વાન, સફળ લેખક અને લાખો લોકોનાં સદ્ગુરુ - આ બધી ઓળખોથી પરે તેમની સૌથી ચિરસ્થાયી ઓળખ સૌથી સરળ અને કદાચ સૌથી મહાન છે.






















