દર વર્ષે માર્ગશીર્ષ (માગશર)નાં અતિશય પવિત્ર અને મંગલમય મહિનામાં દેશ-વિદેશનાં શ્રદ્ધાવાનો શ્રી સચ્ચિદાનંદોત્સવ અતિશય શ્રદ્ધા, આનંદ અને કૃતજ્ઞતા સાથે ઊજવે છે. આ ઉત્સવનો આરંભ માગશર મહિનાનાં શુક્લ પક્ષનાં બીજા શનિવારથી થાય છે.

આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાવાનો સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની સચ્ચિદાનંદ પાદુકાઓ પ્રેમભાવથી પોતાનાં ઘરે લાવે છે અને અતિશય આદરપૂર્વક તેમનું પૂજન કરે છે. અસંખ્ય શ્રદ્ધાવાનોએ ભાવભક્તિથી લખેલી અને ‘અનિરુદ્ધાઝ્ યુનિવર્સલ બેંક ઑફ રામનામ’માં જમા કરાવેલી પવિત્ર રામનામ વહીઓનાં કાગળની લુગદીમાંથી આ પાદુકાઓ બનાવવામાં આવે છે.

આ પાદુકાઓ બાપુનાં ચરણોનાં આકારની છે, તેથી સદ્‌ગુરુનાં પ્રત્યક્ષ ચરણકમળોનું જે પ્રેમ, ભક્તિભાવ અને આદર સાથે પૂજન કરવામાં આવે છે, એ જ ભાવથી પ્રત્યેક શ્રદ્ધાવાનને પોતાના ઘરે આ સચ્ચિદાનંદ પાદુકાઓનું પૂજન કરવાની તક મળે છે.

સચ્ચિદાનંદ પાદુકાઓનું પોતાના ઘરમાં સ્વાગત કરવું એ પ્રત્યેક ભક્ત માટે જાણે સ્વયં બાપુનું પોતાનાં ઘરમાં સ્વાગત કરવા સમાન છે. તેમની પવિત્ર ઉપસ્થિતિથી શ્રદ્ધાવાનોનાં ઘર પ્રેમ, શાંતિ, ધૈર્ય અને આધ્યાત્મિક સામર્થ્યથી ભરાઈ જાય છે અને પરિવારનાં પ્રત્યેક સભ્યને તેમનાં આગમનનો ઉત્સવ ઊજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

શ્રી સચ્ચિદાનંદોત્સવમાં શ્રદ્ધાવાનો ‘સચ્ચિદાનંદોત્સવ ઉપાસના પુસ્તિકા’માં આપેલી પૂજન પદ્ધતિ અનુસાર પ્રેમ અને ભક્તિભાવથી પાદુકાઓનું પૂજન કરે છે. આ પુસ્તિકામાં ઉત્સવ માટે આપેલી પ્રાર્થનાઓની સાથે સાથે શ્રી અનિરુદ્ધ અથર્વસ્તોત્ર અને શ્રી અનિરુદ્ધ અષ્ટોત્તરશતનામાવલિનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રદ્ધાવાનો પોતાની અનુકૂળતા અનુસાર પાદુકાઓ પોતાનાં ઘરમાં દોઢ દિવસ અથવા પાંચ દિવસ સુધી રાખે છે. આ દિવસોમાં ઘર એક પવિત્ર ધામ બની જાય છે અને સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ સ્વયં પોતાની અકારણ કરુણાની વર્ષા કરવા માટે આપણાં ઘરે પધાર્યા છે, એવી અનુભૂતિ શ્રદ્ધાવાનોનાં મનમાં પ્રત્યેક ક્ષણે બની રહે છે.

શ્રી સચ્ચિદાનંદોત્સવનો સમયગાળો પૂર્ણ થયા પછી ‘પુનર્મિલાપ આવાહન’ કરીને પાદુકાઓનું આદરપૂર્વક પુનર્મિલાપ (વિસર્જન) કરવામાં આવે છે. ભૌતિક પાદુકાઓનું પુનર્મિલાપ કર્યા પછી પણ શ્રદ્ધાવાનની સાચા હૃદયથી કરાયેલી આ પ્રાર્થના સદૈવ બની રહે છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુની કૃપા, તેમનો અધિકાર, પ્રેમપૂર્ણ ઉપસ્થિતિ અને સામીપ્ય અમારાં જીવનમાં સદૈવ બની રહે.

સચ્ચિદાનંદ પાદુકાઓનું પૂજન શ્રદ્ધાવાનો માટે માત્ર એક પૂજનવિધિ નથી, પરંતુ આ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ અને શ્રદ્ધાવાનો વચ્ચેનાં પ્રેમપૂર્ણ સંબંધ અને અતૂટ બંધનનો ઉત્સવ છે. એવો ઉત્સવ, જેમાં વિવિધ સ્થળોએ રહેનારા અસંખ્ય શ્રદ્ધાવાનો એક પરિવાર, એક હૃદય બનીને પ્રાર્થનાપૂર્વક પાદુકાઓનું પૂજન અર્ચન કરે છે અને પોતાનાં પ્રિય સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુનાં ચિરંતન અસ્તિત્વનો આનંદોત્સવ ઊજવે છે.

Poojan of Sacchidananda Paduka during Shree Sacchidananda Utsav
શ્રી સચ્ચિદાનંદ ઉત્સવમાં સચ્ચિદાનંદ પાદુકાઓનું પૂજન