સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ વર્ષ ૨૦૧૬ સુધી શ્રીહરિગુરુગ્રામમાં ગુરુવારનાં પ્રવચન પહેલાં મુખ્ય પ્રવેશદ્વારથી મુખ્ય મંચ સુધી ચાલીને આવતા હતા અને પ્રવચન પછી પાછા જતા સમયે મુખ્ય મંચથી મુખ્ય પ્રવેશદ્વાર સુધી ચાલીને જતા હતાં.

એ સમયે તેમનાં ચરણોની માટીમાં અંકિત થનારી છાપ જ ‘પ્રત્યક્ષ પાદુકા’ કહેવાતી હતી. બાપુ ત્યાંથી ગયા પછી અનેક શ્રદ્ધાવાનો એ ચરણચિહ્નોને અતિશય આદરપૂર્વક વંદન કરતા હતા.

આ ચરણચિહ્નોને ‘પ્રત્યક્ષ પાદુકા’ આ નામ ચૌબળ આજોબાએ આપ્યું હતું. ચૌબળ આજોબાને બાળપણમાં સ્વયં શ્રીસાઈનાથનાં દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. આગળ જતાં જ્યારે બાપુ, અર્થાત ડૉ. અનિરુદ્ધ જોશી, આ ચૌબળ આજોબાના ઘરે ગયા, ત્યારે ચૌબળ આજોબાએ આ સદ્‌ગુરુતત્ત્વને ઓળખી લીધું હતું.

“આ ચરણ અતિશય પુરાતન છે....... આ ચરણ પુરાણપુરુષનાં છે. આ ચરણોને હું ઓળખું છું. આ ચરણો જ્યાં પણ હોય, ત્યાં તમારું મસ્તક નમાવજો.”

બાપુનાં ચરણોને જોઈને ચૌબળ આજોબાએ મહેશસિંહ ગડકરી (ચૌબળ આજીની બહેનના પુત્ર)ને આ કહ્યું હતું.

આજે બાપુ ગાડીમાં શ્રીહરિગુરુગ્રામ આવે છે જાય છે અને શ્રદ્ધાવાનોના મનમાં બાપુ પ્રત્યે રહેનારો પ્રેમ અને ભક્તિ આજે પણ પહેલાં જેવાં જ છે. તેથી શ્રદ્ધાવાનો આજે પણ એ જ ભાવથી ગાડીના ટાયરો નીચેની માટી પોતાની સાથે લઈ જાય છે. તેમની દૃષ્ટિએ બાપુ જ્યાં પોતાનાં ચરણ મૂકે છે, ત્યાંની માટીનો પ્રત્યેક કણ તેમની પવિત્ર ઉપસ્થિતિથી પાવન બની જાય છે. તેથી શ્રદ્ધાવાનો માટે એ માટી બાપુની ચરણધૂળ છે, બાપુની ‘પ્રત્યક્ષ પાદુકા’ છે.

બાપુએ એક પ્રવચનમાં કહ્યું હતું કે ભરતજી વંદન-ભક્તિના આચાર્ય છે. ‘ભરત-ભેટ’ શબ્દ આપણે ઘણી વાર સાંભળીએ છીએ. ‘ભરત-ભેટ’નો અર્થ શું છે?

શ્રીસાઈસચ્ચરિત્રમાં હેમાડપંતજી એક સુંદર શબ્દનો પ્રયોગ કરે છે. સાઈનાથનાં પ્રથમ દર્શન કેવી રીતે થયાં? ‘ધૂળભેટ’ થઈ.

હેમાડપંતજી પહેલી વાર શિરડી ગયા હતા. તેઓ વાડામાં જઈને બેઠા જ હતા કે કોઈએ કહ્યું,

“ચાલો, ચાલો, જલદી ચાલો, બાબા વાડાના ખૂણા પાસે આવ્યા છે.”

બધા લોકો દોડીને જાય છે. આ વર્ણન આપણે વાંચ્યું છે અને ત્યાં જ હેમાડપંત બાબા (સાઈબાબા)ના રૂપને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

“અરે, જે ભગવાનને હું શોધી રહ્યો હતો, એ મારી સામે ઊભા છે. મારા પરમાત્મા મારી સામે ઊભા છે.”

અને એ ધૂળમાં પોતાની પ્રતિષ્ઠા, શુચિતા, મૅજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ હોવાની કોઈ પણ લાજ કે પરવા કર્યા વિના તેઓ બાબાનાં ચરણોમાં આળોટે છે. પોતાના આખા શરીરને એ ચરણધૂળથી ભરી દે છે.

સદ્‌ગુરુનાં ચરણોની ધૂળ જ આપણા માટે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. સદ્‌ગુરુનાં ચરણોની ધૂળ જ આપણા માટે સૌથી પવિત્ર વસ્તુ છે. આ ધૂળ જ કોઈ પણ ભક્તને પ્રાપ્ત થનારો સૌથી મોટો ખજાનો છે અને ભક્તના જીવનનાં સૌથી પવિત્ર આશીર્વાદ છે. આ જ ‘ધૂળભેટ’ અર્થાત ‘ભરત-ભેટ’ છે.