











પદચિહ્ન (ચરણમુદ્રા) અર્થાત સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં પ્રત્યક્ષ ચરણોની પવિત્ર છાપ. આ કોઈ પ્રતીકાત્મક અથવા કલાત્મક રુપે બનાવવામાં આવેલી પ્રતિકૃતિ નથી, પરંતુ તેમનાં પવિત્ર ચરણો પર રહેલાં વિશિષ્ટ ચિહ્નો અને સૂક્ષ્મ લાક્ષણિકતાઓને જાળવતા તેમનાં વાસ્તવિક પદચિહ્ન છે.
પ્રત્યેક શ્રદ્ધાવાન સદ્ગુરુના ચરણોમાં નતમસ્તક થઈને તેમની કૃપાનો અનુભવ કરી શકે, એ જ ઉદ્દેશથી પંચધાતુમાંથી નિર્મિત આ પવિત્ર પદચિહ્નોને શ્રી અનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં સ્થાપિત કરવામાં આવ્યાં છે. આવનારી અનેક પેઢીઓ સુધી પણ શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્માં આ પદચિહ્ન આશીર્વાદરૂપે શ્રદ્ધાવાનોની સાથે હંમેશા રહેશે.
તેથી તેમને માત્ર પવિત્ર સ્મૃતિચિહ્ન રુપે નહીં, પરંતુ સદ્ગુરુના શાશ્વત અસ્તિત્વ, કૃપા અને માર્ગદર્શનની જીવંત સ્મૃતિ સ્વરુપે સાચવી રાખવામાં આવે છે. આ જ કારણે પ્રત્યેક શ્રદ્ધાવાનનાં હૃદયમાં તેમનું અત્યંત વિશેષ સ્થાન છે.
આ ઉપરાંત, દર ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં થતાં દર્શન દરમિયાન શ્રદ્ધાવાનોને બાપુનાં પદચિહ્નોનાં દર્શન કરવાની અને તેમનાં પર શ્રી ત્રિપુરારી ત્રિવિક્રમ ચિહ્નોની માળા (તોરણ) અર્પણ કરવાની વધુ એક તક પ્રાપ્ત થાય છે. આ પદચિહ્ન પણ પંચધાતુમાંથી નિર્મિત છે.
શ્રી ત્રિપુરારી ત્રિવિક્રમ ચિહ્નોની માળામાં (તોરણમાં) ત્રણ વર્તુળ હોય છે, જે શ્રદ્ધાવાનનાં મન, પ્રાણ અને પ્રજ્ઞાનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યારે શ્રદ્ધાવાન આ પવિત્ર માળા (તોરણ) પદચિહ્નો પર અર્પણ કરીને ભક્તિભાવપૂર્વક નતમસ્તક થાય છે, ત્યારે આ ક્રિયા પૂર્ણ શરણાગતિનું પ્રતીક બની જાય છે. આ સરળ, પરંતુ અત્યંત અર્થપૂર્ણ ક્રિયાનાં માધ્યમથી શ્રદ્ધાવાન પોતાનાં મન, પ્રાણ અને પ્રજ્ઞા આ ત્રણેયને એકસાથે બાપુનાં ચરણોમાં અર્પણ કરે છે અને જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં તેમનું માર્ગદર્શન, સંરક્ષણ અને કૃપા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરે છે.
આવી રીતે પદચિહ્ન શ્રદ્ધાવાન માટે પોતાનાં પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું સાકાર માધ્યમ બની જાય છે. પદચિહ્નોનાં દર્શન કરવાં, તેમની સમક્ષ નતમસ્તક થવું અથવા ભક્તિભાવપૂર્વક તેમની ઉપાસના કરવી અર્થાત સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુની કૃપા, માર્ગદર્શન અને નિરંતર સાનિધ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવી; સાથે જ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ સાથે દિવસે ને દિવસે વધુ દૃઢ બનતા જતા સંબંધને જાળવી રાખવો.













