બાપુનાં અગ્રલેખ - માર્ગદર્શક દીપસ્તંભ
સમયની સાથે બધું બદલાય છે; જે નથી બદલાતું, તેને સમય બદલી નાખે છે. બાપુના અગ્રલેખ બદલાતા સમયને અનુરૂપ પોતાને ઢાળીને આગળ વધવામાં સહાય કરનાર સાધન તરીકે કાર્ય કરે છે.
આઘાત અંધકારમાં જ થાય છે. આપણી આસપાસની વાસ્તવિકતાનું સ્પષ્ટ જ્ઞાન ન હોવું એ જ અંધકાર છે! દૈનિક ‘પ્રત્યક્ષ’ અને તેમાં પ્રકાશિત અગ્રલેખોના માધ્યમથી બાપુએ આપણા જીવનને પ્રભાવિત કરતી સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય અને આધ્યાત્મિક બાબતોને વાચકો માટે સમજવા યોગ્ય બનાવીને આ અંધકાર દૂર કરવાનો સતત પ્રયાસ કર્યો છે.
બાપુના આ અગ્રલેખ અજ્ઞાનની સાથે ગેરસમજો, અનુમાનો અને અટકળોને પણ દૂર કરે છે અને નીચે મુજબના પરિવર્તનો લાવે છે:
- * માહિતીનું જ્ઞાનમાં રૂપાંતર
- * સ્વપ્નનું વાસ્તવિકતામાં રૂપાંતર
- * દુર્બળતાનું સામર્થ્યમાં રૂપાંતર
- * દ્વેષનું સંવાદ અને પ્રેમમાં રૂપાંતર (શિક્ષાનું દીક્ષામાં રૂપાંતર)
- * અભાવનું વૈભવમાં રૂપાંતર
- * ભયનું વિવેકમાં રૂપાંતર
- * જીવનનું મંદિરમાં રૂપાંતર.
પહેલો અગ્રલેખ
‘ઉદ્ધરેત્ આત્મના આત્માનમ્’ (“મારો ઉદ્ધાર માત્ર હું જ કરી શકું છું.”) શીર્ષક ધરાવતા પોતાના પહેલા જ અગ્રલેખમાં બાપુએ દૃઢતાપૂર્વક કહ્યું કે જ્યાં સુધી આપણે પોતાના વિકાસ માટે આસપાસની પરિસ્થિતિઓ, અન્ય કોઈની સહાયતા, ચમત્કારો અથવા પ્રારબ્ધ પર નિર્ભર રહીએ છીએ, ત્યાં સુધી આપણે પોતાના લક્ષ્ય સુધી ક્યારેય પહોંચી શકતા નથી.
પોતાના અગ્રલેખોના માધ્યમથી બાપુએ સતત એવા સમાજની સંકલ્પના રજૂ કરી છે, જે અન્યાયને મૂકદર્શક બનીને જોતો ન રહે અને લાગણીઓને વશ થઈને અનિયંત્રિત પ્રતિક્રિયા પણ ન આપે. તેના સ્થાને તેમણે પોતાના વાચકો સમક્ષ અનુશાસિત, જવાબદાર અને દૃઢ નિશ્ચય સાથે કાર્ય કરતા સમાજનો આદર્શ રજૂ કર્યો છે.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો પહેલો અગ્રલેખ ‘ઉદ્ધરેત્ આત્મના આત્માનમ્’ વાંચવા માટે અહીં ક્લિક કરો.
‘તૃતીય વિશ્વયુદ્ધ’
બાપુની સૌથી મહત્ત્વપૂર્ણ અગ્રલેખ શ્રૃંખલાઓમાંથી એક છે - તૃતીય વિશ્વયુદ્ધ પર આધારિત શ્રૃંખલા. આ શ્રૃંખલામાં પહેલાં બે વિશ્વયુદ્ધોનો ક્રમબદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો અને તૃતીય વિશ્વયુદ્ધ તરફ ઝડપથી આગળ વધતા વિશ્વનું પરીક્ષણ કરવામાં આવ્યું. ગહન સંશોધન અને સૂક્ષ્મ વિશ્લેષણના આધારે લખાયેલા આ અગ્રલેખોએ માત્ર ભવિષ્યની ઘટનાઓનું પૂર્વાનુમાન જ કર્યું નહીં, પરંતુ ઊભરી રહેલી વૈશ્વિક વાસ્તવિકતાઓ પ્રત્યે સાવધાન પણ કર્યા.
સંભવિત વૈશ્વિક સંઘર્ષનાં વિનાશકારી પરિણામોને રેખાંકિત કરવાની સાથે બાપુએ ભારત સમક્ષ ઉપલબ્ધ વ્યૂહાત્મક વિકલ્પો અને તેમનાં સંભવિત પરિણામોની રૂપરેખા પણ રજૂ કરી. આ અગ્રલેખો માત્ર જોખમની ચેતવણી આપવા સુધી સીમિત નહોતા. વૈશ્વિક સંઘર્ષ સામાન્ય નાગરિકોના દૈનિક જીવનને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ત્યાં સુધી કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ કેવી રીતે પ્રભાવિત કરી શકે છે, તે તેમણે સ્પષ્ટ કર્યું. આ રીતે આ અગ્રલેખોએ વાચકોને સજાગ, તૈયાર અને સંકટોનો સામનો કરવા સક્ષમ બની રહેવા માટે માર્ગદર્શન આપ્યું. પોતાની વૈચારિક ઊંડાઈ, વસ્તુનિષ્ઠતા અને દૂરદૃષ્ટિને કારણે વિશેષ નોંધપાત્ર બનેલા આ અગ્રલેખોએ માત્ર સામાન્ય વાચકોનું જ નહીં, પરંતુ વૈશ્વિક રાજકારણના ક્ષેત્રના નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓનું પણ ધ્યાન આકર્ષિત કર્યું.
સમર્થ ઇતિહાસ
‘પ્રત્યક્ષ’માં પ્રકાશિત બાપુની અન્ય એક વિસ્તૃત અને પ્રશંસનીય અગ્રલેખ શ્રૃંખલાનું નામ હતું ‘સમર્થ ઇતિહાસ’. જો કોઈ રાષ્ટ્રને પોતાનું ભવિષ્ય ઘડવું હોય, તો તેણે પોતાના ભૂતકાળને સમજવો જરૂરી છે - આ વિચારથી પ્રેરાઈને આ લેખમાળાના માધ્યમથી સમ્રાટ સમુદ્રગુપ્તના કાળખંડ દ્વારા ભારતીયોને પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતના મૂળ સાથે પુન: જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
‘સમર્થ ઇતિહાસ’ માત્ર ભૂતકાળના વૈભવનું ગૌરવગાન કરતી લેખમાળા નહોતી, પરંતુ ભારતને અભૂતપૂર્વ સમૃદ્ધિ અને વૈશ્વિક પ્રભાવ પ્રદાન કરનારા સિદ્ધાંતોની શોધ કરતી શ્રૃંખલા હતી. જનકેન્દ્રિત શાસનવ્યવસ્થા, ધર્મ પર આધારિત સમાજવ્યવસ્થા અને સત્તા કરતાં જ્ઞાનને વધુ મહત્ત્વ આપનારી મૂલ્યવ્યવસ્થા - આ સિદ્ધાંતોનું ‘સમર્થ ઇતિહાસ’ લેખમાળામાં ગહન વિવેચન કરવામાં આવ્યું.
સુંદરકાંડ
સંત તુલસીદાસજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડ પર આધારિત પોતાની ‘તુલસીપત્ર’ અગ્રલેખ શ્રૃંખલાનાં માધ્યમથી સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ એ વાતને રેખાંકિત કરી કે સુંદરકાંડ માત્ર પાઠ કરવાનો એક અંશ નથી, પરંતુ આચરણમાં ઉતારીને જીવન જીવવા માટેનું માર્ગદર્શન છે. શાંતિપૂર્ણ, ઉદ્દેશ્યપૂર્ણ અને સંતોષકારક જીવનના નિર્માણ માટે આવશ્યક વ્યાવહારિક જ્ઞાન સુંદરકાંડમાંથી પ્રાપ્ત થાય છે - આ તેમણે આ લેખમાળાના માધ્યમથી સ્પષ્ટ કર્યું.
આ શ્રૃંખલામાં બાપુએ અગ્રલેખોની એક નોંધપાત્ર શ્રૃંખલા પણ લખી, જેના માધ્યમથી ભારતના ઇતિહાસની સાથે માનવ ઇતિહાસનાં અનેક અજ્ઞાત સત્યો સામે આવ્યાં. આ લેખને વાચકો સમક્ષ એવા વિવિધ દૃષ્ટિકોણો રજૂ કર્યા, જે પ્રચલિત ઐતિહાસિક કથનોમાં બહુ ઓછા જોવા મળે છે. સાથે જ, ‘સત્ય ઘણી વાર કલ્પના કરતાં પણ વધુ અણધાર્યું અને વિલક્ષણ હોય છે’ - આ શાશ્વત સત્યની પ્રભાવશાળી અનુભૂતિ પણ આ લેખોના માધ્યમથી વાચકોને થઈ.
શ્રીગણપતિ
વિઘ્નહર્તા અને પ્રત્યેક શુભ કાર્યના આરંભે વિશેષરૂપે સ્મરણ કરવામાં આવતા શ્રીગણપતિ ભક્તોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવતા આરાધ્ય દેવતા છે. ‘પ્રત્યક્ષ’માં પ્રકાશિત અગ્રલેખોની એક શ્રૃંખલાના માધ્યમથી સદ્ગુરુ અનિરુદ્ધ બાપુએ વેદો, પુરાણો અને સંતોના ઉપદેશોના આધારે ગણપતિના ગહન તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિક મહત્ત્વને ઉજાગર કર્યું.
અત્યંત સરળ અને સુબોધ ભાષામાં બાપુએ ગણપતિના સ્વરૂપ, ગુણો, પૂજન અર્ચન તથા પવિત્ર કથાઓ અને ગણેશજીના સ્વરૂપ પાછળ રહેલી પ્રતીકાત્મકતાને સ્પષ્ટ કરી. સર્વવિદિત પરંપરાઓ અને કથાઓની પાછળ છુપાયેલાં ગહન તત્ત્વોને ઉજાગર કરતાં બાપુએ વાચકોને ઉપરછલ્લી સમજથી આગળ વધીને તેમના વાસ્તવિક આધ્યાત્મિક મહત્ત્વને જાણવામાં સહાયતા કરી. આ અગ્રલેખોએ માત્ર ભક્તિને સમૃદ્ધ જ ન કરી, પરંતુ અજ્ઞાન, મિથ્યા ધારણાઓ અને ખોટાં કથનો પર વિજય મેળવીને ભક્તોને પોતાની શ્રદ્ધાને વધુ સ્પષ્ટતા, દૃઢ વિશ્વાસ અને સજાગતા સાથે સમજવા તથા તેને આચરણમાં ઉતારવાની દૃષ્ટિ પણ પ્રદાન કરી.
કથામંજિરી અને ભારતનો ઇતિહાસ
સુંદરકાંડ પર આધારિત પોતાની લોકપ્રિય અગ્રલેખશ્રૃંખલા પછી બાપુએ ‘કથામંજિરી’ નામની વિસ્તૃત લેખમાળા શરૂ કરી. આ લેખમાળા ચાર સ્વતંત્ર શ્રેણીઓમાં પ્રકાશિત થઈ. ‘કથામંજિરી’ના માધ્યમથી બાપુએ ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને અધ્યાત્મનાં અપરિચિત પાસાંઓનો ગહન અભ્યાસ રજૂ કર્યો. પ્રાચીન કાળથી લઈને ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ સુધીના લાંબા કાળખંડને આવરી લેતા આ વૃત્તાંતને તેમણે પ્રભાવશાળી રીતે વાચકો સમક્ષ રજૂ કર્યો.
‘કથામંજિરી’ના પહેલા ત્રણ ભાગોમાં રજૂ થયેલા અગ્રલેખો વિજયરુદ્ર અને ધર્મલેખાના જીવન સાથે જોડાયેલા છે, જે સમ્રાટ અને સામ્રાજ્ઞી હોવા છતાંય સ્વયંભગવાન ત્રિવિક્રમના વિનમ્ર દાસ તરીકે જીવન જીવવાનું પસંદ કરે છે. વિજયરુદ્ર ભારતીય સંસ્કૃતિના સુંદર સ્વપ્નના પ્રતીક છે, જ્યારે ધર્મલેખા એ સ્વપ્નનું તેજસ્વી સાકાર સ્વરૂપ છે. તેમનું જીવન ભક્તિ, ધર્મ, સાહસ, પ્રેમ અને નિઃસ્વાર્થ સેવાનું આદર્શ ઉદાહરણ છે. આ કથાના માધ્યમથી બાપુએ સ્પષ્ટ કર્યું છે કે જીવનમાં સાચી સફળતા ભલે પછી એ આધ્યાત્મિક હોય કે સાંસારિક, તે અવિચલ ભક્તિના સુદૃઢ પાયા પર જ ઊભી રહે છે.
‘કથામંજિરી’નો ચોથો ભાગ રાણી લક્ષ્મીબાઈ અને અનેક ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓની કથાને એક નવા દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તેમના જીવન અને વ્યક્તિત્વનાં એ પાસાંઓ પર આ ભાગમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે, જેનાથી સામાન્ય જન ઘણી હદ સુધી અપરિચિત છે.
આ મહાન વ્યક્તિત્વોને જોતાં આપણને પરમભક્તિથી ઓતપ્રોત એવા ભક્તો દેખાય છે, જેમણે ઉપરથી અજેય અને દુર્ધર્ષ લાગતાં સંકટોનો સામનો કર્યો. આ કથાઓમાંથી વિશેષરૂપે અનુભવાય છે કે તેમના સામર્થ્ય અને અડગ સંકલ્પનો મૂળ પાયો આ જ ભક્તિ હતી.
ભક્તિભાવ ચૈતન્ય
બાપુના અગ્રલેખોમાં રજૂ થયેલા અનેક વિષયોમાં ‘ભક્તિભાવ ચૈતન્ય’ એવો વિષય છે, જે ભક્તિના વાસ્તવિક સ્વરૂપ અને સારને સ્પષ્ટ કરે છે.
સદ્ગુરુ બાપુના અનુસાર, ભક્તિભાવ ચૈતન્યનો અર્થ છે સ્વયંભગવાન ત્રિવિક્રમના ચરણોમાં પ્રેમપૂર્વક પોતાને સમર્પિત કરીને તેમના થઈને રહેવું અને તેઓ હંમેશા મારી સાથે છે, અમારુ માર્ગદર્શન કરી રહ્યા છે અને અમારી સંભાળ રાખી રહ્યા છે - આ દૃઢ અનુભૂતિ સાથે જીવન જીવવું.
ભક્તિભાવ ચૈતન્ય અર્થાત ભગવાનનું વાસ્તવિક જ્ઞાન ધરાવતા ‘ભગવત્જ્ઞાન’ અને ભગવાનની નિરંતર ઉપસ્થિતિની જીવંત અનુભૂતિ ધરાવતા ‘ભગવત્ભાન’નો સુંદર સંગમ. આ કઠોર નિયમોનું પાલન કરવાનો કે ભારરૂપ કર્મકાંડોથી ભરેલો માર્ગ નથી, પરંતુ પ્રેમ, સંબંધ અને સમર્પણનો માર્ગ છે. આ માર્ગ પર ભક્તનાં પ્રત્યેક વિચાર, શબ્દ અને કર્મ ભક્તિભાવમાંથી જ ઉદ્ભવે છે.
બાપુ સ્પષ્ટ કરે છે કે સ્વયંભગવાન ત્રિવિક્રમની મંત્રગજર અને ભક્તિભાવ ચૈતન્યમાં ઓતપ્રોત જીવનના માધ્યમથી શ્રદ્ધાવાન ધીરે ધીરે અધિક પરિપૂર્ણતા, આંતરિક સૌંદર્ય અને ભગવાન સાથે સતત દૃઢ બનતા સંબંધનો અનુભવ કરવા લાગે છે. પોતાના પ્રત્યેક ભક્તના અંતઃકરણમાંથી ઊઠતી હૃદયપૂર્ણ પોકારનો ભગવાન અસીમ પ્રેમ અને કરુણાથી પ્રતિસાદ આપે છે.
પેઢી દર પેઢી માર્ગદર્શન અને પ્રેરણા આપનારા બાપુનાં અગ્રલેખ
બે દાયકાથી પણ વધારે સમયથી સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના અગ્રલેખોએ પત્રકારત્વની પરંપરાગત સીમાઓથી આગળ વધીને પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો છે. ઉપર ઉલ્લેખાયેલા અગ્રલેખો વૈશ્વિક રાજકારણ, સાંસ્કૃતિક ઇતિહાસ, અધ્યાત્મ અને વ્યક્તિગત ઉત્કર્ષથી લઈને કમ્પ્યુટર સાક્ષરતા જેવા વિવિધ વિષયો પર લખાયેલા હજારો લેખોની માત્ર એક નાનકડી ઝલક છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિને પ્રેમ કરનારા સ્ટીવ ઇરવિનના નિધન પછી તેમના જીવનકાર્યની પ્રશંસા, ભારત-રશિયા સંબંધોનું વ્યૂહાત્મક મહત્ત્વ અને તેમની આવશ્યકતા તથા અન્ય અનેક ભક્તિપરક, સામાજિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક વિષયો પર પણ તેમણે પોતાના સંપાદકીયોમાં વિચાર રજૂ કર્યા.
જે વિષયોની અનેક લોકોએ ઉપેક્ષા કરી, જેને અવગણ્યા અથવા જેને ઉઠાવવામાં સંકોચ અનુભવ્યો, એવા વિષયોને પણ બાપુએ સ્પર્શ્યા; અને તેની પાછળ એક જ ઉદ્દેશ હતો - વર્તમાનનાં પડકારો અને ભવિષ્યની વાસ્તવિકતાઓનો સામનો કરવા માટે સમાજને તૈયાર કરવો.
સમાજ અને વિશેષ કરીને સામાન્ય વ્યક્તિના કલ્યાણ અને હિતને કેન્દ્રમાં રાખીને લખાયેલા આ અગ્રલેખોએ વાચકોને જ્ઞાન આપવાની સાથે તેમને સક્ષમ બનાવવાનું કાર્ય પણ કર્યું છે.
જ્યારે સાવચેત રહેવાની જરૂર હતી, ત્યારે બાપુએ સાવધાન કર્યા; જ્યારે સ્પષ્ટતાનો અભાવ હતો, ત્યારે તેમણે માર્ગદર્શન આપ્યું; જ્યાં સ્મૃતિ ધૂંધળી પડી ગઈ હતી, ત્યાં તેમણે ભૂતકાળનું સ્મરણ કરાવ્યું; અને જ્યાં ભક્તિની જ્યોતિ મંદ પડી ગઈ હતી, ત્યાં તેને પુન: પ્રજ્વલિત કરી.
