












‘શ્રી અનિરુદ્ધ પૂર્ણિમા ઉત્સવ’નાં બીજા દિવસે પ્રત્યેક અધિકૃત ‘સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્ર’ને ‘ચિન્મય પાદુકાઓ’ સન્માનપૂર્વક પ્રદાન કરવામાં આવે છે. જે ‘પ્રાયોગિક ઉપાસના કેન્દ્રો’ને અધિકૃત ઉપાસના કેન્દ્રનો દરજ્જો પ્રાપ્ત થાય છે, તેમને પણ આ ચિન્મય પાદુકાઓ પ્રદાન કરવામાં આવે છે.
નવાં માન્યતા પ્રાપ્ત ઉપાસના કેન્દ્રો માટે ચિન્મય પાદુકાઓ પ્રાપ્ત થવી એ માત્ર એક ઔપચારિક માન્યતા નથી, પરંતુ એ પવિત્ર પાદુકાઓના માધ્યમથી ઉપાસના કેન્દ્રમાં સદ્ગુરુની જીવંત ઉપસ્થિતિનો અનુભવ કરવાની એક આનંદમય ક્ષણ હોય છે.
પ્રત્યેક ઉપાસના કેન્દ્રને પ્રદાન કરવામાં આવતી ચિન્મય પાદુકાઓ ‘શ્રી કૃપાચૈતન્ય પાદુકાઓ’ના પવિત્ર સ્પર્શથી પાવન થયેલી હોય છે. ‘કૃપાચૈતન્ય પાદુકાઓ’ બીજું કંઈ નહીં, પરંતુ સાક્ષાત્ સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ જ છે; તેઓ તેમનું આત્મસ્વરૂપ અને સંપૂર્ણ અનિરુદ્ધમય સ્વરૂપ છે.
આજે ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ ઉપાસના કેન્દ્રો કાર્યરત છે. દર શનિવારે આ ચિન્મય પાદુકાઓને અત્યંત ભક્તિભાવપૂર્વક ઉપાસના કેન્દ્રમાં લાવવામાં આવે છે અને તેમની ઉપસ્થિતિમાં સામૂહિક ઉપાસના કરવામાં આવે છે. એકસાથે પ્રાર્થના કરવાથી શ્રદ્ધાવાનોને સામૂહિક રીતે ભક્તિભાવ ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રદ્ધાવાનોની આ દૃઢ ભાવના છે કે સદ્ગુરુ અનિરુદ્ધ બાપુની ચિન્મય પાદુકાઓની ઉપસ્થિતિથી આપણને સદ્ગુરુના સાનિધ્યની અનુભૂતિ થાય છે.
શ્રદ્ધાવાનો આ પાદુકાઓને પોતાના ઘરે લઈ જઈને ‘પાદુકા પૂજન’ પણ કરે છે. ચિન્મય પાદુકાઓના આગમન સમયે શ્રદ્ધાવાનોના હૃદયમાં એવો ભાવ હોય છે કે સાક્ષાત્ સદ્ગુરુ બાપુ તેમની સાથે છે. તેનાથી શ્રદ્ધાવાનોનું મન ભક્તિભાવ ચૈતન્યથી ભરાઈ ઊઠે છે. ભક્તો ક્યારેય એવું નથી કહેતા કે “પાદુકાઓ આવી છે”; પરંતુ પ્રેમવશ તેઓ માત્ર એટલું જ કહે છે કે,
“બાપુ સ્વયં અમારા ઘરે આવ્યા છે” અથવા “બાપુ સ્વયં અમારા ઉપાસના કેન્દ્રમાં આવ્યા છે.”














