શ્રીવિદ્યામકરંદ ગોપીનાથશાસ્ત્રી પાધ્યે - ભક્તિમાં ઓતપ્રોત વિદ્વત્તા
આ પરંપરાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક હતા બાપુના પરનાના શ્રીવિદ્યામકરંદ ગોપીનાથશાસ્ત્રી પાધ્યે.
વેદો અને શાસ્ત્રોના પ્રકાંડ પંડિત તરીકે આજે પણ તેમનું સ્મરણ કરવામાં આવે છે. તેમના વ્યક્તિત્વમાં બુદ્ધિમત્તાનું તેજ અને ગહન ભક્તિનો સુંદર સંગમ હતો. શ્રીગોપીનાથશાસ્ત્રીને જાણનારા લોકોને તેમની અંદર માત્ર એક વિદ્વાન વ્યક્તિ જ દેખાતા નહોતા, પરંતુ તેઓ એ પણ જોતા હતા કે આ વિદ્વત્તાથી તેમનો અહંકાર વધવાને બદલે તેમની વિનમ્રતા વધુ ને વધુ વધી હતી.
તેઓ શ્રીસ્વામી સમર્થ અને શિર્ડીના શ્રીસાઈબાબાના અનન્ય ભક્ત હતા. પારિવારિક પરંપરા અનુસાર તેમના વિશે એક પ્રસંગ સાંભળવા મળે છે - શ્રીસાઈબાબા સાથેની તેમની પ્રથમ જ મુલાકાતમાં બાબાએ તેમની સામે જોઈને માત્ર એક વાક્ય કહ્યું -
“આતા તરી ખૂણ પટલી ના?” (“હવે તો ઓળખ થઈ ગઈ ને?”)
શ્રીગોપીનાથશાસ્ત્રી પાધ્યે માટે આ શબ્દો જીવનભરની આધ્યાત્મિક સાધના બની ગયા. તેમણે આ જ વાક્યને પોતાનો ગુરુમંત્ર સ્વીકાર્યો અને જીવનભર દરરોજ તેનો ૧,૦૦૮ વખત જપ કર્યો.
તેમનો આખો દિવસ બે ગહન આધ્યાત્મિક ગ્રંથોના અભ્યાસ અને નિરૂપણમાં પસાર થતો હતો અને આ ગ્રંથો હતા ‘એકનાથી ભાગવત’ અને ‘પંચદશી’. આ ગ્રંથો પર પ્રવચન કરવું એ માત્ર બૌદ્ધિક અભ્યાસ નહોતો, પરંતુ એ જ તેમના આધ્યાત્મિક જીવનનો સાર હતો. તેમની વિદ્વત્તા તેમની ભક્તિથી ક્યારેય અલગ થઈ નહીં.
પરિવારનાં આધ્યાત્મિક વિરાસતનાં આધારસ્તંભ
આ પરિવારની આધ્યાત્મિક સંસ્કૃતિના ઘડતરમાં અસાધારણ મહિલાઓની પણ એટલી જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. તેમનું શાંત સમર્પણ શક્તિનો ચિરંજીવ સ્રોત બની ગયું.
રમાબાઈ પાધ્યે
શ્રીગોપીનાથશાસ્ત્રી પાધ્યેનાં પ્રથમ પત્ની રમાબાઈ પાધ્યેએ આઠ વર્ષની ઉંમરથી દરરોજ ૧,૦૦૮ વખત “ૐ ગં ગણપતયે નમઃ” આ પવિત્ર મંત્રનો જપ કરવાનું શરૂ કર્યું. લગ્ન પછી પતિના માર્ગદર્શન અનુસાર તેમણે ગણેશ ગાયત્રીનો જપ અપનાવ્યો અને અનુશાસન, અડગ શ્રદ્ધા તથા ભક્તિથી પરિપૂર્ણ જીવન જીવવાનું ચાલુ રાખ્યું.
દ્વારકાબાઈ પાધ્યે (માઈ)
રમાબાઈના નિધન પછી શ્રીગોપીનાથશાસ્ત્રી પાધ્યેનાં બીજાં પત્ની દ્વારકાબાઈ પાધ્યે, જેમને પ્રેમથી ‘માઈ’ કહેવામાં આવતાં હતાં, આ પરિવારમાં આવ્યાં. તેમણે માત્ર ઘરની જવાબદારીઓ જ સંભાળી નહીં, પરંતુ સમગ્ર પરિવારને માતૃવત્ સ્નેહથી અપનાવ્યો. તેમણે નાની ઉંમરની માલતી પાધ્યે (બાપુનાં નાની)નો પોતાની દીકરીની જેમ ઉછેર કર્યો અને જીવનભર ભક્તિમાર્ગ પર અડગ રહ્યાં.
બાપુનાં જીવનને પ્રભાવિત કરનારાં નાની
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધના બાળપણને સૌથી વધુ પ્રભાવિત કરનાર કોઈ એક વ્યક્તિ હતાં, તો તે બાપુનાં નાની શકુંતલાબાઈ પંડિત હતાં, જેમનું પિયરનું નામ માલતી પાધ્યે હતું.
તેમનો પ્રભાવ માત્ર એક વાલી તરીકેની ભૂમિકા સુધી સીમિત નહોતો. તેઓ બાપુનાં પ્રથમ શિક્ષિકા, માર્ગદર્શક અને જીવનમૂલ્યોને દિશા આપનાર વ્યક્તિ બન્યાં.
બાપુનાં નાની સ્વયં એક વિદુષી મહિલા હતાં. તેમનામાં વિલક્ષણ આધ્યાત્મિક સામર્થ્યની સાથે પરિસ્થિતિઓનો દૃઢતાથી સામનો કરવાની અસાધારણ ક્ષમતા હતી. તેઓ શ્રીસ્વામી સમર્થ, શ્રીવિઠ્ઠલ-રખુમાઈ અને ભગવાન શ્રીકૃષ્ણનાં નિષ્ઠાવાન ભક્ત હતાં. તેમને સોંપવામાં આવેલી દરેક જવાબદારી નિભાવતાં તેઓ સેવાભક્તિથી સમૃદ્ધ જીવન જીવતાં રહ્યાં.
નાની ઉંમરે જ વિધવા થવા છતાં તેમણે અત્યંત સાહસપૂર્વક સંકટોનો સામનો કર્યો. જે સમયમાં સામાજિક રૂઢિઓને કારણે મહિલાઓને કેટલીક જવાબદારીઓ સ્વીકારવાની પણ બહુ ઓછી છૂટ મળતી હતી, એ સમયે તેમણે સ્વયં પોતાના પતિના અંતિમ સંસ્કાર કર્યા અને મંત્રાગ્નિ આપી.
તેમનું આધ્યાત્મિક જીવન પણ એટલું જ વિલક્ષણ હતું.
પોતાના સસરા શ્રી અનંત વામન પંડિત પાસેથી દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ તેમણે સતત ત્રેસઠ વર્ષ સુધી દરરોજ ૧૦૮ વખત રામરક્ષા સ્તોત્રના જપનો નિયમ અવિરત અને દૃઢતાપૂર્વક પાળ્યો.
પરંતુ તેમની આધ્યાત્મિકતા ક્યારેય પૂજાસ્થળની ચાર દીવાલો સુધી સીમિત રહી નહીં.
જીવનભર તેમણે વિધવા મહિલાઓ, વંચિત મહિલાઓ તથા વિવિધ સામાજિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારોને શાંતિપૂર્વક આધાર આપ્યો અને જાતિ કે પરિસ્થિતિને ક્યારેય કરુણાના માર્ગમાં આવવા દીધી નહીં.
ઘણાં વર્ષો પછી સ્વયં બાપુએ તેમના વિશે અત્યંત પ્રેમથી કહ્યું હતું -
“તેમણે જ મારું જીવન ઘડ્યું. તેમણે મને હંમેશાં પોતાના પ્રેમના સંરક્ષણમાં રાખ્યો. મારે જે કંઈ બનવાનું હતું, તે બનાવવું જ તેમના જીવનનું લક્ષ્ય બની ગયું હતું. તેઓ મારાં સૌથી વહાલાં નાની હતાં.”
કદાચ કોઈ પણ જીવનચરિત્ર કરતાં બાપુના આ શબ્દો જ તેમનાં નાનીના વ્યક્તિત્વનો તેમના પર પડેલો પ્રભાવ વધુ સ્પષ્ટ રીતે રેખાંકિત કરે છે.
માતાનો પ્રેમ
બાપુનાં માતા સૌ. અરુન્ધતી જોશીએ પરિવારની ભક્તિમય વૃત્તિને આત્મસાત્ કરી હતી.
તેઓ સપ્તશૃંગી માતા, ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીદત્તગુરુનાં અત્યંત નિષ્ઠાવાન ભક્ત હતાં.
૧૯૫૬માં ગર્ભાવસ્થા દરમિયાન તેમને કેટલીક વિલક્ષણ આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હોવાની વાત પારિવારિક સ્મૃતિઓમાં જણાવવામાં આવે છે. તેમને વારંવાર એક મોટો નંદાદીપ પ્રજ્વલિત થયેલો દેખાતો હતો; તેમને અનુભવ થતો કે એ નંદાદીપની જ્યોતિ તેમની આંખો સામે વધુ ને વધુ તેજસ્વી બનતી જઈ રહી છે. સાથે જ તેઓ જ્યાં પણ બેસતાં, ત્યાં દીવાલ પર શ્રીસાઈબાબાની પ્રતિમા તેમની સામે પ્રગટ થતી હોય એવું પણ તેમને વારંવાર દેખાતું હતું.
તેમણે આ અનુભૂતિઓને દૈવી આશીર્વાદ માન્યાં અને આ સમયગાળા દરમિયાન તેમને અનેક આધ્યાત્મિક દૃષ્ટાંતો પ્રાપ્ત થયા.
આ અનુભૂતિઓને વ્યક્તિગત અનુભવ તરીકે જોવામાં આવે કે ગહન શ્રદ્ધાની અભિવ્યક્તિ તરીકે, અનિરુદ્ધ બાપુના જન્મ સાથે જોડાયેલી પારિવારિક કથાનો આ એક ચિરંજીવ ભાગ બની ગયો.
કરુણાનું આચરણ કરનારા પિતા
બાપુનાં માતાના જીવનમાંથી ભક્તિ પ્રતિબિંબિત થતી હતી અને તેમના પિતાના જીવનમાંથી સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા દેખાતી હતી.
ડૉ. ધૈર્યધર હરેશ્વર જોશી માત્ર તેમના તબીબી જ્ઞાન માટે જ જાણીતા નહોતા, પરંતુ જે દર્દીઓ સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નહોતા, એવા દર્દીઓ પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા માટે પણ અત્યંત આદરપૂર્વક જાણીતા હતા.
ઘણાં દાયકાઓ સુધી તેમણે અનેક ગરીબ દર્દીઓની સારવાર કરી અને તેમની પાસેથી ઘણી વાર માત્ર નામમાત્રની ફી લીધી. તેમના દવાખાનામાં આર્થિક સ્થિતિ કરતાં કરુણાને વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું.
તેમને જાણનારા લોકો ઘણી વાર કહેતા કે તેમણે “Service is Worship” (સેવા જ ઈશ્વરભક્તિ છે) આ વાક્ય માત્ર કહ્યું નહોતું, પરંતુ બાપુના પિતાએ એ વાક્યને અક્ષરશઃ જીવ્યું હતું.
પારિવારિક ઇતિહાસ અનુસાર એવો પ્રસંગ જણાવવામાં આવે છે કે તેમને અવધૂત સ્વરૂપમાં શ્રીદત્તગુરુનાં દર્શન થયાં હતાં. આ અનુભૂતિથી તેમની ભક્તિ વધુ દૃઢ થઈ અને નિઃસ્વાર્થ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પણ વધુ મજબૂત બની.
જીવનનાં અંતિમ સમય સુધી જરૂરિયાતમંદોની સેવા કરવી તેમના જીવનનું કેન્દ્રબિંદુ બની રહ્યું.
મૂલ્યોની વિરાસાત
પાછળ ફરીને જોતાં એક વિલક્ષણ ક્રમ આપણાં ધ્યાનમાં આવે છે.
- 1. પરનાના પાસેથી બાપુને ગહન અને અનુશાસિત શાસ્ત્ર અભ્યાસની વિરાસાત મળી.
- 2. પરનાની પાસેથી બાપુને અનુશાસન અને અડગ ભક્તિની વિરાસાત મળી
- 3. નાની પાસેથી બાપુને સાહસ, કરુણા અને આધ્યાત્મિક માર્ગદર્શન મળ્યું.
- 4. માતા પાસેથી બાપુને નિષ્ઠા મળી.
- 5. અને પિતા પાસેથી બાપુને નિઃસ્વાર્થ સેવાભાવ તથા માનવતા પ્રત્યે આદરની ભાવના મળી.
આ મહાન પરંપરા ધરાવતા પરિવારમાં જન્મેલું આ બાળક પોતાના વ્યક્તિત્વના ઘડતર દરમિયાન સમાજથી દૂર નહોતું, પરંતુ પરેલના ભીડભાડવાળા વિસ્તારમાં મોટું થઈ રહ્યું હતું. ઘરમાં તમામ સુખસુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, સમાજના એક મોટા વર્ગના જીવનની વાસ્તવિકતા ગરીબી અને સંઘર્ષનો નજીકથી અનુભવ થઈ શકે એ માટે આર્થિક રીતે નબળા વર્ગનાં બાળકો માટે બનાવવામાં આવેલી એક શાળામાં બાપુને પ્રવેશ અપાવવામાં આવ્યો. અહીંથી જ તેમના જીવનપ્રવાસનો આગળનો અધ્યાય વાસ્તવમાં શરૂ થયો.
ઉંમરથી પરે વિચારતું પરિપક્વ બાળમન
અનિરુદ્ધ બાપુએ શાળાકીય જીવનમાં પ્રવેશ કર્યો ત્યાં સુધીમાં પરિવાર પાસેથી મળેલા મૂલ્યો તેમના વ્યક્તિત્વમાં મૂળિયાં જમાવવા લાગ્યા હતા. પરંતુ ટૂંક સમયમાં જ તેમની આસપાસના લોકોના ધ્યાનમાં આવ્યું કે તેમની અંદર માત્ર અનુશાસન અને કરુણા જ નહીં, પરંતુ અસાધારણ બૌદ્ધિક પરિપક્વતા અને ક્યારેય ન સમાપ્ત થનારી જિજ્ઞાસા પણ હતી. તેમના શિક્ષકો અને સહાધ્યાયીઓ માત્ર તેમની શૈક્ષણિક સિદ્ધિઓને કારણે જ નહીં, પરંતુ તેમના વિચારોની ગહનતા અને તેમની રુચિઓના વ્યાપને કારણે પણ ઘણી વાર આશ્ચર્યચકિત થઈ જતા.
વિચારોમાં સ્પષ્ટતા
ખૂબ નાની ઉંમરે પણ અનિરુદ્ધ બાપુમાં પોતાની ઉંમરથી અપેક્ષિત સ્તર કરતાં ઘણું આગળ વિચારવાની ક્ષમતા જોવા મળતી હતી.
હિમાલયની પુકાર
જ્યારે બાપુ ત્રીજા ધોરણમાં ભણતા હતા, ત્યારે તેમણે શાળાની ‘વિકાસ’ પત્રિકા માટે “હિમાલયની પુકાર” શીર્ષકથી એક નિબંધ લખ્યો. ભારત પર થયેલા ચીની આક્રમણની પૃષ્ઠભૂમિમાં લખાયેલા આ નિબંધમાંથી તેમનામાં રહેલી અસાધારણ દેશભક્તિ અને જવાબદારીની ભાવના દેખાતી હતી.
ભય કે અસહાયતાની લાગણી વ્યક્ત કરવાને બદલે આ બાળવિદ્યાર્થીએ પોતાની ઉંમરના બાળકોને શારીરિક અને માનસિક રીતે પોતાને તૈયાર રાખવાનું આહ્વાન કર્યું, જેથી આગળ જઈને એક દિવસ તેઓ દેશની સેવા અને રક્ષા કરી શકે. તેમણે લખ્યું કે સેનામાં જોડાવા માટે તેઓ હજુ બહુ નાના છે, પરંતુ નિયમિત વ્યાયામ કરવો, સારું સ્વાસ્થ્ય જાળવવું અને ભાવિ સૈનિકો પાસેથી અપેક્ષિત શક્તિ વિકસાવવી - એની તૈયારી તેઓ અત્યારથી શરૂ કરી શકે છે.
માત્ર સાત-આઠ વર્ષના બાળકના મનમાં આવા વિચારો હોવા એ નોંધપાત્ર બાબત હતી. જે ઉંમરે મોટા ભાગનાં બાળકો ઋતુઓ, તહેવારો કે રજાઓ વિશે નિબંધ લખે છે, એ ઉંમરે અનિરુદ્ધ બાપુએ રાષ્ટ્રીય કર્તવ્ય અને સામૂહિક જવાબદારી વિશે લખવાનું પસંદ કર્યું.
તેમનાં આગળનાં શાળાકીય જીવનમાં પણ તેમની બૌદ્ધિક પરિપક્વતા સતત દેખાતી રહી.
આ મારો મત છે
દસમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે તેમણે “આ મારો મત છે” શીર્ષકથી બીજો એક લેખ લખ્યો. તેમાં તેમણે એક સર્વમાન્ય ધારણા સામે પ્રશ્નચિહ્ન લગાવતા પૂછ્યું -
“સંન્યાસાશ્રમનો અનુભવ લીધા પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવામાં શું વાંધો છે?”
તેમનાં શિક્ષકોને માત્ર આ પ્રશ્ન જ પ્રભાવશાળી લાગ્યો નહોતો, પરંતુ બાપુએ જે સ્વતંત્ર રીતે આ પ્રશ્ન રજૂ કર્યો હતો, એ બાબત પણ તેમને વિશેષ ગમી. પ્રચલિત વિચારોનું માત્ર પુનરાવર્તન કરવાને બદલે તેમણે તેનો વિચારપૂર્વક અભ્યાસ કર્યો અને પોતાના તારણો કાઢ્યાં. કિશોરાવસ્થામાં હોવા છતાં તેમણે પરંપરાનો આદર જાળવી રાખીને વિવેકપૂર્ણ રીતે વિચારવાની તૈયારી દર્શાવી. આ જ સંતુલન આગળ જતાં તેમના લેખન અને પ્રવચનોની એક વિશેષતા બન્યું.
આટલી નાની ઉંમરે કોઈ વ્યક્તિ આટલી સ્પષ્ટતા અને પરિપક્વતા સાથે કેવી રીતે વિચારી શકે, એ બાબતે બાપુના શિક્ષકો ઘણી વાર આશ્ચર્ય પામતા હતાં.
પ્રતિભાની અભિવ્યક્તિ
શૈક્ષણિક ઉત્કૃષ્ટતા એ અનિરુદ્ધ બાપુનાં શાળાકીય જીવનનું માત્ર એક પાસું હતું.
શાળા તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવતી દરેક તકમાં તેઓ પૂરા મનથી સહભાગી થતા હતા. નિબંધ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, મંચ પરની રજૂઆત હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ - તેઓ ઉત્સાહ અને લગનપૂર્વક તેમાં ભાગ લેતા.
વિવિધ ક્ષેત્રોમાં રુચિ વિકસાવતાં હોવા છતાં તેમણે સતત પોતાનું શૈક્ષણિક સ્તર ઊંચું જાળવી રાખ્યું.
મરાઠી ભાષા અને સાહિત્ય પ્રત્યેનો તેમનો પ્રેમ વિશેષ રુપે જોવા મળતો હતો.
શાળાકીય જીવનમાં પણ ભાષા પર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું અને તેમનામાં નાટ્યકલા પ્રત્યે વિશેષ રુચિ વિકસી હતી. પ્રસિદ્ધ રંગમંચ અને ફિલ્મ અભિનેતા ડૉ. કાશીનાથ ઘાણેકર તેમના પ્રિય કલાકારોમાંના એક હતા. નવરાશના સમયમાં તેઓ ‘ગારંબીચા બાપુ’, ‘અશ્રૂંચી ઝાલી ફુલે’ અને ‘રાયગડાલા જેવ્હા જાગ યેતે’ જેવા પ્રસિદ્ધ મરાઠી નાટકોના પ્રસંગો ઉત્સાહપૂર્વક રજૂ કરતા હતા.
શાળાની સવારની પ્રાર્થના પછી જો કોઈ ઔપચારિક કાર્યક્રમ આયોજિત ન હોય, તો શિક્ષકો તેમને વિદ્યાર્થીઓ સમક્ષ બોલવા માટે આમંત્રિત કરતા. સમગ્ર શાળાની સામે ઊભા રહીને તેઓ વિવિધ વિષયો પર અસાધારણ આત્મવિશ્વાસ, સ્પષ્ટતા અને સહજતા સાથે ભાષણ આપતા. તેમની ઉંમરના કોઈ વિદ્યાર્થી માટે આ એક અસામાન્ય ક્ષમતા હતી.
કુમાર કલા કેન્દ્ર દ્વારા આયોજિત આંતરશાળાકીય સ્પર્ધાઓમાં શાળાને મળેલી સફળતામાં તેમના યોગદાનની મોટી ભૂમિકા હતી. વક્તૃત્વ, નિબંધલેખન કે નાટક - ક્ષેત્ર ગમે તે હોય, બાપુએ સતત પોતાની શાળાને પ્રતિષ્ઠા અપાવવામાં યોગદાન આપ્યું.
ડૉ. શિરોડકર હાઈસ્કૂલનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેમણે રામનારાયણ રુઇયા મહાવિદ્યાલયમાં વિજ્ઞાન શાખામાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવ્યું અને આગળ થનારા તેમના તબીબી શિક્ષણનો પાયો ત્યાં નંખાયો.
કરુણામાંથી અંકુરિત નેતૃત્વ
જો શૈક્ષણિક સફળતાથી બાપુની ક્ષમતાઓ દેખાતી હતી, તો લોકો સાથેના તેમના વ્યવહારથી તેમનું ચારિત્ર્ય પ્રગટ થતું હતું.
શાળાની ફી માફી
બાપુના શાળાકીય જીવનની એક ઘટનાએ તેમના સહાધ્યાયીઓના મન પર ઊંડી છાપ છોડી.
જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા, ત્યારે વર્ગશિક્ષકે જાહેરાત કરી કે વર્ગપ્રતિનિધિ (મૉનિટર)ની શાળાની ફી માફ કરવામાં આવશે. અનિરુદ્ધ બાપુએ તરત જ આ સુવિધા સ્વીકારવાનો ઇનકાર કર્યો. આર્થિક રીતે નબળા પરિવારની એક સહાધ્યાયિની તરફ નિર્દેશ કરીને તેમણે વિનંતી કરી કે આ સુવિધા તેને આપવામાં આવે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે તેમના પિતા ડૉક્ટર છે, તેથી તેમની ફી ભરવા માટે તેઓ સંપૂર્ણપણે સક્ષમ છે.
તેમના આ કૃત્યથી આખો વર્ગ આશ્ચર્યચકિત થઈ ગયો.
આ એક સરળ બાબત હતી; પરંતુ તેમાંથી બાપુમાં રહેલી ન્યાય અને સહાનુભૂતિની એવી સહજ ભાવના જોવા મળી, જે પાઠ્યપુસ્તકોમાંથી શીખવી શકાતી નથી.
શાળાનો પ્રવાસ
લોકોના મનમાં બાપુએ જે વિશ્વાસ ઊભો કર્યો હતો, તેનો પરિચય આપતો બીજો એક પ્રસંગ છે.
એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત પછી શાળાએ ઘણાં વર્ષો સુધી પ્રવાસનું આયોજન કરવાનું બંધ કરી દીધું હતું. ઇતિહાસના શિક્ષક શ્રી જી. ડી. પાટીલ સરે જ્યારે આ પરંપરા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો, ત્યારે ઘણા વાલીઓ પોતાનાં બાળકોને પ્રવાસમાં મોકલવા તૈયાર નહોતા. પરંતુ જેવી તેમને ખબર પડી કે અનિરુદ્ધ બાપુ પણ પ્રવાસમાં જવાના છે, ત્યારે અનેક પરિવારોએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો.
આ વિશ્વાસ બાપુના કોઈ પદ કે અધિકારને કારણે ઊભો થયો નહોતો. એ સમયે તેઓ માત્ર એક વિદ્યાર્થી હતા. પરંતુ તેમણે પોતાના વ્યવહાર, જવાબદારીની ભાવના અને પરિપક્વતા દ્વારા આ વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો.
અનિરુદ્ધ બાપુના નેતૃત્વના ગુણો કોઈ પદને કારણે નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વમાંથી સ્વાભાવિક રીતે પ્રગટ થયા હતા.
તેમને જાણનારા લોકોનાં શબ્દોમાં
ઘણાં વર્ષો પછી અનિરુદ્ધ બાપુનાં અનેક શિક્ષકો અને સહાધ્યાયીઓએ ‘મેં જોયેલા બાપુ’ નામના પુસ્તકમાં તેમની સ્મૃતિઓ રજૂ કરી. દરેક વ્યક્તિને જુદા જુદા પ્રસંગો યાદ હતા, આમ છતાં એ તમામ સ્મૃતિઓમાંથી ઊભરતી બાપુની છબી આશ્ચર્યજનક રીતે એકસરખી હતી.
તેમનાં શિક્ષિકા માનનીય પ્રભા પરાડકરને યાદ હતું કે બાપુએ અભ્યાસ, નાટક, વક્તૃત્વ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી; પરંતુ આ સફળતાઓની પોતાના અભ્યાસ પર કોઈ પ્રતિકૂળ અસર થવા દીધી નહીં. તેઓ ઘણી વાર બીજા વિદ્યાર્થીઓને તેમના ઉદાહરણમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરતાં અને તેમને યાદ અપાવતાં કે સફળતા હંમેશાં પ્રામાણિક પ્રયત્ન અને અનુશાસનનું પરિણામ હોય છે.
તેમનાં સહાધ્યાયિની શુભદા ભાંગલેને બાપુનું મરાઠી ભાષા પરનું અસાધારણ પ્રભુત્વ, સાહિત્ય અને નાટક પ્રત્યેનો પ્રેમ તથા શ્રોતાઓનું ધ્યાન સહજ રીતે આકર્ષિત કરવાની તેમની ક્ષમતા યાદ હતી. પરંતુ તેમના મન પર સૌથી ઊંડી છાપ બાપુની પ્રતિભાની નહીં, પરંતુ શાળાની ફી માફીના પ્રસંગમાંથી દેખાતી તેમની કરુણાની પડી હતી.
ઇતિહાસના શિક્ષક શ્રી જી. ડી. પાટીલને યાદ હતું કે નાની ઉંમરે જ વાલીઓએ બાપુ પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો અને તેમણે કેટલી જવાબદારી દર્શાવી હતી.
બીજાં એક સહાધ્યાયિની, બકુલ મર્ચન્ટે તેમના વ્યક્તિત્વનો અત્યંત સરળ શબ્દોમાં સાર રજૂ કર્યો. પ્રતિષ્ઠિત અને આર્થિક રીતે સંપન્ન પરિવારમાંથી હોવા છતાં અનિરુદ્ધ બાપુએ ક્યારેય ગર્વ કે શ્રેષ્ઠતાની ભાવના દર્શાવી નહીં. શિક્ષકો, સહાધ્યાયીઓ, પ્રયોગશાળા સહાયકો, શાળાના કર્મચારીઓ, ગ્રંથપાલ કે કેન્ટીનના કર્મચારીઓ - તમામ સાથે તેઓ સમાન આત્મીયતા અને આદરપૂર્વક વ્યવહાર કરતા હતા.
તેમની વિનમ્રતાને કારણે દરેક વ્યક્તિ તેમની સાથે વાત કરી શકતી, હળી-મળી શકતી; અને તેમની પ્રામાણિકતાને કારણે તેમણે પોતાની આસપાસના દરેક વ્યક્તિનો સ્નેહ પ્રાપ્ત કર્યો.
અલગ અલગ લોકો દ્વારા રજૂ કરવામાં આવેલી આ સ્મૃતિઓ સાથે મળીને યુવાવસ્થાના અનિરુદ્ધની એક અત્યંત સુસંગત છબી આપણી સમક્ષ રજૂ કરે છે.
બાપુનાં આ ગુણો ક્યારેક ક્યારેક પ્રગટ થતા સદ્ગુણો નહોતા, પરંતુ તેમનાં વ્યક્તિત્વનો અભિન્ન અંગ બની ચૂક્યા હતાં.
પ્રારંભિક પાયો
આજે પાછળ ફરીને જોતાં બાળપણનાં આ અનુભવો માત્ર અલગ-અલગ પ્રસંગો કે સ્મૃતિઓ લાગતા નથી, પરંતુ એક વ્યાપક જીવનકથાનાં પ્રારંભિક અધ્યાયો સમાન લાગે છે.
બાપુનાં નાનીએ જતનપૂર્વક વિકસાવેલું અનુશાસન, બાપુના પિતાએ પોતાના આચરણ દ્વારા દર્શાવેલી નિઃસ્વાર્થ સેવાની વૃત્તિ, બાપુનાં માતાની અડગ શ્રદ્ધા અને અગાઉની પેઢીઓ પાસેથી મળેલો સમૃદ્ધ આધ્યાત્મિક વિરાસત - આ બધાનું પ્રગટીકરણ એ યુવાન વિદ્યાર્થીમાં જોવા મળ્યું, જેમણે માત્ર વર્ગખંડમાં જ નહીં, પરંતુ ચારિત્ર્યમાં પણ ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી.
તેમની જિજ્ઞાસા આગળ જતાં તેમને ચિકિત્સા વિજ્ઞાનના અભ્યાસ તરફ લઈ ગઈ. સ્વતંત્ર રીતે વિચારવાની તેમની ક્ષમતા તેમના લેખન અને પ્રવચનોને આકાર આપવાની હતી. સમાજના દરેક વર્ગના લોકો પ્રત્યેની તેમની આત્મીયતા આગળ જતાં તેમના તબીબી વ્યવસાય, સામાજિક ઉપક્રમો અને આધ્યાત્મિક કાર્યમાં જોવા મળવાની હતી.
