ઉપાધિઓ અને સન્માનોથી પરે
કોઈ વ્યક્તિની શૈક્ષણિક માહિતી આપણને તેણે પ્રાપ્ત કરેલી ઉપાધિઓ, તેના કાર્યકાળ અને તેણે સંભાળેલાં પદો વિશે જણાવી શકે છે; પરંતુ વ્યક્તિત્વ નિર્માણનાં એ વર્ષોના વાસ્તવિક અનુભવને સંપૂર્ણપણે ઉજાગર કરી શકતી નથી. બાપુના જીવનમાં વ્યાખ્યાનખંડ, હોસ્પિટલના વોર્ડ અને તબીબી જવાબદારીઓથી પરે પણ અસંખ્ય આનંદદાયક, જિજ્ઞાસા જગાવનારા, હૃદયસ્પર્શી અને ઘણી વાર આશ્ચર્યચકિત કરી દેનારા પ્રસંગો બની રહ્યા હતા, જેમાંથી બાપુના વ્યક્તિત્વનું વાસ્તવિક સ્વરૂપ સામે આવતું ગયું.
તેમના સહાધ્યાયીઓ, સહકર્મીઓ, દર્દીઓ અને વિદ્યાર્થીઓએ અનુભવેલા આ પ્રસંગોમાં તેમના એવા ગુણો સ્પષ્ટપણે જોવા મળ્યા, જેમણે આગળ જતાં લાખો લોકોનાં હૃદયને સ્પર્શ્યાં - અસાધારણ તબીબી કૌશલ્ય, તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં પણ અડગ રહેવું, આત્મીયતા અને સહાનુભૂતિથી સાંભળવાની વૃત્તિ, ગહન ભાવનાત્મક પોતાનાપણું અને જવાબદારી ઉપાડવાની સહજ તત્પરતા. તેમની સાથે અભ્યાસ કરનારા અથવા કામ કરનારા લોકો ઘણી વાર યાદ કરે છે કે માત્ર બાપુની ઉપસ્થિતિથી જ મૂંઝવણ અને સંકટની ક્ષણોમાં સ્પષ્ટતા અને સ્થિરતા પ્રાપ્ત થતી હતી.
વિશ્વમાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ તરીકે ઓળખાતા થયા તેના ઘણા સમય પહેલાં જ બીજાને આધાર આપવાની તેમની વૃત્તિ અને સચોટ માર્ગદર્શનની સ્પષ્ટ ઝલક જોવા મળવા લાગી હતી, જેનો અનુભવ આજે શ્રદ્ધાવાનો કરી રહ્યા છે. ટોપીવાળા નેશનલ મેડિકલ કોલેજ અને બીવાયએલ નાયર હોસ્પિટલ સાથે જોડાયેલી બાપુની આ સ્મૃતિઓ આપણને તેમના જીવનના એ અમૂલ્ય કાળખંડની ઝલક બતાવે છે, જ્યારે વિજ્ઞાન, નિઃસ્વાર્થ સેવા અને સામર્થ્યનો સુંદર સંગમ તેમની સારવારમાં અનુભવાતો હતો.
એક સહાધ્યાયીની દૃષ્ટિએ
તબીબી શિક્ષણ દરમિયાન જેમને બાપુનું સાનિધ્ય મળ્યું, તેમાં તેમનાં નિકટના મિત્ર અને સહકર્મી ડૉ. કેશવ નરસીકર પણ હતા. નાયર હોસ્પિટલમાં તેમણે પણ બાપુ સાથે શિક્ષણ મેળવ્યું. ડૉ. નરસીકર કહે છે કે એ શરૂઆતના દિવસોમાં પણ બાપુનું પ્રસન્ન સ્મિત અને અસાધારણ પરિપક્વતા કોઈની નજરથી છૂપી રહી શકતી નહોતી.
બાપુના વ્યક્તિત્વમાં એક વિલક્ષણ પ્રભાવ હતો; તેમનો અંદાજ ગરિમાપૂર્ણ હતો, છતાં તેઓ દરેકને સહજ રીતે પોતાના લાગતા હતા. વિશ્રામના સમયે, કેન્ટીનમાં, કૉમન રૂમમાં કે કૉલેજના વરંડામાં બાપુ એકલા જોવા મળે એ દુર્લભ હતું. તેમના વ્યક્તિત્વમાં એવું અનોખું આકર્ષણ હતું કે દરેક વર્ગના વિદ્યાર્થીઓ સહજ રીતે તેમની તરફ ખેંચાઈ આવતા હતા. બાપુના વ્યક્તિત્વના અદ્ભુત ગુણોએ તેમના પ્રાધ્યાપકોનું પણ ધ્યાન આકર્ષ્યું હતું. ડૉ. શાનભાગ અને પ્રખ્યાત ડૉ. વી. આર. જોશી બંને બાપુની અનુશાસિત જીવનશૈલી અને તેમની સહજ સેવાભાવી વૃત્તિની હૃદયપૂર્વક પ્રશંસા કરતા હતા.
અનેક વિદ્યાર્થીઓ પોતાને સોંપાયેલું કાર્ય પૂર્ણ કરીને ચાલ્યા જતા; પરંતુ બાપુ ગંભીર રીતે બીમાર દર્દીઓ પાસે વોર્ડમાં કલાકો સુધી રોકાતા હતા. આવા દર્દીઓની સારવારમાં તેઓ વિશેષ સાવધાની રાખતા અને ચિંતિત પરિવારજનો સાથે વાતચીત કરીને તેમને આધાર આપતા હતા. અત્યંત ધીરજ અને કરુણાથી તેઓ તેમના ભય અને અનિશ્ચિતતાનો ભાર હળવો કરતા હતા.
અનુસ્નાતક શિક્ષણના સમયના તેમના સહાધ્યાયીઓને યાદ છે કે એમડી (મેડિસિન)નો અભ્યાસ કરતી વખતે બાપુની આ પ્રતિબદ્ધતા અને કર્મનિષ્ઠા વધુ દૃઢ બની હતી. દરરોજ લગભગ અઢાર કલાક અભ્યાસ કરતાં બાપુ જ્ઞાનાર્જન માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દેતા હતા. જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ દરેક વિષયનું એક જ નિર્ધારિત પુસ્તક સમજવા માટે સંઘર્ષ કરતા હતા, ત્યાં બાપુ સૂચવાયેલા પ્રત્યેક સંદર્ભગ્રંથનો ગહન અભ્યાસ કરીને અત્યંત સ્પષ્ટતાથી અને સંદર્ભો સહિત એ બધાનો પરસ્પર સંબંધ સ્થાપિત કરતા હતા.
રોગનું નિદાન કરવાની તેમની અસાધારણ ક્ષમતા તેમના અથાગ અભ્યાસ અને અનુશાસિત પ્રયત્નોનું સ્વાભાવિક પરિણામ હતી. હોસ્પિટલની નર્સો અને અન્ય કર્મચારીઓ સાથેના તેમના આત્મીય સંબંધો પણ એટલા જ સ્મરણીય હતા. સિસ્ટર પુરોહિત અને સિસ્ટર પાંડ જેવી પરિચારિકાઓને આજે પણ યાદ છે કે બાપુની ઉપસ્થિતિથી વોર્ડમાં શાંતિ, સુવ્યવસ્થા અને આશ્વસ્તિનું વાતાવરણ રહેતું હતું. જ્યારે બાપુ ડ્યૂટી પર હોય, ત્યારે દરેક વ્યક્તિને એક પ્રકારનો આત્મવિશ્વાસ અનુભવાતો હતો.
ડૉ. નરસીકર બાપુના વ્યક્તિત્વના અન્ય એક વિશિષ્ટ પાસા પર પ્રકાશ પાડે છે. મેડિસિનમાં એમડી પૂર્ણ કર્યા પછી પણ બાપુએ માનવતાની વધુ સેવા કરવાના ઉદ્દેશથી આયુર્વેદનો અભ્યાસ કર્યો. ડૉ. નરસીકરના મતે, આવો નિર્ણય માત્ર એવી જ વ્યક્તિ લઈ શકે, જેને બધાના કલ્યાણની હૃદયપૂર્વક ચિંતા હોય.
હાસ્ય વિનોદ અને યુવાવસ્થાની મિત્રતાથી ભરેલા કૉલેજજીવનના હળવાશભર્યા વાતાવરણમાં પણ બાપુએ શાલીનતાનું એક સ્તર જાળવી રાખ્યું હતું. તેઓ ખુલ્લા મને હસતા, મિત્રો સાથે સહજ રીતે હળી-મળી જતા અને તેમની સાથેનો આનંદ માણતા; પરંતુ શાલીનતાની મર્યાદા ક્યારેય ઓળંગવા દેતા નહોતા. જો વાતચીતનો સૂર અભદ્રતા કે ફૂવડપણાની દિશામાં વળતો, તો બાપુ તેને સહજતાથી બીજી દિશામાં વાળી દેતા; અને જરૂર પડે ત્યારે પોતાની નારાજગી દૃઢતાથી વ્યક્ત કરતા હતા.
મર્યાદા માર્ગના સિદ્ધાંતોને ગ્રંથો અથવા પ્રવચનોના માધ્યમથી રજૂ કરવાના ઘણા સમય પહેલાંથી જ બાપુ પોતાના દૈનિક આચરણમાં એ સિદ્ધાંતોને સહજ રીતે જીવતા અને તેમનું પાલન કરતા હતા.
આત્મીયતા અને દૃઢતા, સ્નેહભાવ અને નિર્મળતા જેવા બાપુના સ્વભાવમાં રહેલા દુર્લભ ગુણોના સંગમને કારણે તેમના સમવયસ્કોમાં પણ તેમના પ્રત્યે અસાધારણ આદર ઊભો થયો હતો. અંતે ડૉ. નરસીકર એક સરળ, પરંતુ અર્થપૂર્ણ વાત કહે છે -
“એ સમયે બાપુ અમારા માટે જે રીતે આધાર અને આશ્રય હતા, આજે પણ એવા જ છે.”
એક પ્રભાવશાળી કથાવાચક
ડૉ. કેશવ નરસીકર બાપુના વ્યક્તિત્વના અન્ય એક નોંધપાત્ર પાસાને યાદ કરે છે, જેનાથી આજે પ્રત્યેક શ્રદ્ધાવાન સહજ રીતે પરિચિત છે. ટોપીવાળા નેશનલ મેડિકલ કોલેજ અને બીવાયએલ નાયર હોસ્પિટલમાં તેમના એમબીબીએસનાં વર્ષો દરમિયાન કૉલેજનું મરાઠી સાહિત્ય મંડળ નિયમિત રીતે સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતું હતું. તેમાં બાપુ માત્ર દર્શક તરીકે ભાગ લેતા નહોતા; પરંતુ અત્યંત ઉત્સાહપૂર્વક કથાવાચન તથા અન્ય સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય યોગદાન આપતા હતા.
ડૉ. નરસીકર મંચ પર બાપુની ઉપસ્થિતિની સરખામણી અત્યંત સુંદર રીતે એક કુશળ ઘોડેસવાર સાથે કરે છે, જે ઘોડા પર સવાર થતાં જ એક ચંચળ ઘોડાને સંપૂર્ણપણે પોતાના નિયંત્રણમાં લઈ લે છે. એ જ રીતે, મંચ પર પગ મૂકતાં જ બાપુ આત્મવિશ્વાસથી ભરેલી એક દૃષ્ટિથી સમગ્ર શ્રોતૃવર્ગને મંત્રમુગ્ધ કરી દેતા હતા. સભાગૃહમાં શાંતિ છવાઈ જતી અને વાતાવરણ ક્ષણભરમાં બદલાઈ જતું. આજે જે લોકો બાપુના પ્રવચનોમાં ઉપસ્થિત રહે છે, તેઓ બાપુમાં એ જ સ્વાભાવિક અને ભાવવિભોર કરી દેનારો પ્રભાવ અનુભવે છે.
યુવાવસ્થાના ઉત્સાહ, તબીબી વિજ્ઞાનનાં વિશાળ પુસ્તકો, વોર્ડમાં લાંબા સમય સુધી કરવાનું કાર્ય અને પરીક્ષાઓની કઠિન તથા થકવી દેનારી તૈયારીની વચ્ચે પણ બાપુનું અંતઃકરણ જગન્માતાનાં ચરણકમળ પ્રત્યેની દૃઢ ભક્તિમાં અવિરતપણે સ્થિર હતું.
કરુણાનો આશ્વાસક સ્પર્શ
એમડી (મેડિસિન)ની ઉપાધિ પ્રાપ્ત કરીને પ્રખ્યાત સંધિવાત નિષ્ણાત બન્યા પછી પણ ડૉ. અનિરુદ્ધ ધૈર્યધર જોશી તેમને નજીકથી ઓળખતા લોકો માટે પહેલાં જેવા જ સ્નેહી અને સહજ ઉપલબ્ધ “મિત્ર” બની રહ્યા. પરબ પરિવાર માટે તેઓ માત્ર દવાઓ લખી આપતા ડૉક્ટર નહોતા; તેઓ આશ્વાસન અને વિશ્વાસનો આધાર હતા. તેમની સ્મૃતિઓમાં એક પ્રસંગ કાયમ માટે અંકિત થઈ ગયો છે. પરિવારના એક નજીકના સંબંધીનું અવસાન થતાં ડૉ. અનિરુદ્ધ સ્વયં એ દિવંગત વ્યક્તિના પાર્થિવ શરીર સાથે એમ્બ્યુલન્સમાં બેસીને તેમના ઘરે ગયા.
તેમણે એવી વ્યવસ્થા કરી કે પરિવારના સભ્યો એ વ્યક્તિના અંતિમ દર્શન કરી શકે. તેમણે શોકગ્રસ્ત પરિવારજનોને ધીરજપૂર્વક સમજાવ્યું કે તેમનું અવસાન શા માટે અનિવાર્ય હતું અને અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધી સમગ્ર વ્યવસ્થા પર સ્વયં ધ્યાન આપતા રહ્યા. દુઃખની એ ઘડીમાં બાપુ જ તેમનો એકમાત્ર આધાર બન્યાં.
આ માત્ર કર્તવ્યવશ કરવામાં આવેલું કોઈ અસાધારણ કાર્ય નહોતું, પરંતુ તેમના મૂળ સ્વભાવની સહજ અભિવ્યક્તિ હતી. તેમના મતે, ડૉક્ટરની જવાબદારી માત્ર રોગનું નિદાન કરવા કે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવા સુધી સીમિત નથી; પરંતુ તે માનવજીવનની અત્યંત નાજુક ક્ષણો સુધી વિસ્તરે છે, જ્યાં કરુણા અને દૃઢ આધાર આપવામાં આવે છે. વોર્ડ ઇન્ચાર્જ દમયંતી પવાર યાદ કરે છે કે ટોપીવાળા નેશનલ મેડિકલ કોલેજ અને બીવાયએલ નાયર હોસ્પિટલના વોર્ડમાં ડૉ. અનિરુદ્ધ જોશી આવતાં જ ત્યાંનું વાતાવરણ બદલાઈ જતું હતું.
સ્વચ્છ સફેદ શર્ટ અને કાળી પૅન્ટ પહેરેલા, ચહેરા પર સ્મિત સાથે બાપુ પ્રત્યેક બેડ પાસે જતા અને સ્વયં દર્દીના હાલચાલ પૂછતા હતા. તેમની કરુણામાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો; દર્દીનું સામાજિક કે આર્થિક સ્તર ગમે તે હોય. બાપુની સારવાર કે સંભાળમાં કોઈ ભેદભાવ નહોતો; તેઓ પ્રત્યેક દર્દીની સમાન આત્મીયતા અને સાવધાનીથી સારવાર કરતા હતા. બાપુના ઓપીડી કક્ષની બહાર લાંબી કતારો લાગવી એ રોજનું દૃશ્ય હતું.
કોઈ અનિવાર્ય કારણસર બાપુને આવવામાં મોડું થાય, તો પણ દર્દીઓ બીજા કોઈ ડૉક્ટરની સલાહ લેવાને બદલે ધીરજપૂર્વક તેમની રાહ જોવાનું પસંદ કરતા હતા. અનેક લોકો કહેતા કે કોઈ દવા આપે એ પહેલાં જ તેમના સ્મિતથી અમારી અડધી બીમારી સારી થઈ જાય છે.
અનુશાસનની બાબતમાં કઠોર, પરંતુ સ્વભાવે સ્નેહી
સિસ્ટર દમયંતી પવાર આગળ યાદ કરતાં જણાવે છે કે બાપુ દરેકને પ્રેમથી “રાજા” કહીને સંબોધતા હતા પછી તે વોર્ડ બોય હોય, સફાઈ કર્મચારી હોય કે દર્દી. એ એક શબ્દથી સામેની વ્યક્તિના મનમાં પોતાનાપણાની લાગણી જન્મતી હતી. સાથે જ તેઓ પ્રામાણિકતા અને અનુશાસનના કડક માપદંડ પણ હંમેશાં જાળવી રાખતા હતા. કોઈ વ્યક્તિના પદની પરવા કર્યા વિના બેદરકારી અને અસાવધાની ક્યારેય સહન કરવામાં આવતી નહોતી. પછી તે સફાઈ કર્મચારી હોય કે કોઈ ઉચ્ચ પદસ્થ અધિકારી, બધા માટે સમાન નિયમો લાગુ પડતા હતા.
તેમણે ક્યારેય પોતાનો સંયમ ગુમાવ્યો નહોતો, પરંતુ ખોટી બાબતોને ક્યારેય સમર્થન પણ આપ્યું નહોતું. સિસ્ટર-ઇન-ચાર્જ મનીષા કાંબલીને યાદ છે કે એક સફાઈ કર્મચારી, જે પોતાના ઉગ્ર અને ક્રોધી સ્વભાવ માટે જાણીતો હતો, બાપુની ઉપસ્થિતિમાં શાંત થઈ જતો હતો અને તેનામાં આવેલું આ પરિવર્તન બધાને દેખાતું હતું. એ વ્યક્તિએ પોતે સ્વીકાર્યું હતું કે માત્ર બાપુને જોઈને જ તેને શાંતિ અને હળવાશ અનુભવાતી હતી.
સરળ અને મળતાવડા સ્વભાવવાળા, ઊંચા અને સુદૃઢ શરીરવાળા તથા હંમેશાં હસતા રહેતા આ ડૉક્ટર જે આત્મીયતાથી જુનિયર ડૉક્ટરોને ભણાવતા હતા, એ સિસ્ટર કાંબલીને આજે પણ યાદ છે. તેઓ પ્રત્યેક પ્રશ્નનો અત્યંત સ્પષ્ટતાથી જવાબ આપતા અને વિદ્યાર્થીઓને ઘણી વાર એવું લાગતું કે તેઓ તેમનું બોલવું સતત સાંભળતા જ રહે. જુનિયર ડૉક્ટરો ઘણી વાર કહેતા, “આ લેક્ચરર તો આપણામાંથી જ એક છે.” વોર્ડમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી ઊભી થતી, ત્યારે કર્મચારીઓ સ્વાભાવિક રીતે સૌથી પહેલાં બાપુ પાસે જ જતા હતા.
દરેક સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાય ત્યાં સુધી બાપુ ધીરજપૂર્વક તેમનું માર્ગદર્શન કરતા હતા. જો એવું કોઈ ઇન્જેક્શન આપવું જરૂરી હોય જેનાથી દુખાવો થઈ શકે, તો તે આપવું શા માટે જરૂરી છે, એ બાપુ સ્વયં દર્દીને સમજાવતા હતા. જો શસ્ત્રક્રિયાની સલાહ આપવામાં આવી હોય, તો તેઓ શાંતિપૂર્વક સમગ્ર પ્રક્રિયા વિગતવાર સમજાવતા અને દર્દી તથા તેના પરિવારના મનનો ભય દૂર કરતા હતા. સિસ્ટર કાંબલીના જણાવ્યા અનુસાર, ડૉ. અનિરુદ્ધે સારવારના ત્રણ મુખ્ય આધારસ્તંભો પર ભાર મૂક્યો -
- સ્વચ્છતા
- યોગ્ય પોષણ
- કરુણા (સહાનુભૂતિ)
બાપુ ઘણી વાર કહેતા હતા...
“દવાઓથી બીમારી સારી થાય જ છે, પરંતુ કરુણા (સહાનુભૂતિ)થી અડધી બીમારી સારી થઈ જાય છે.”
ઘણા લોકો પ્રેમ અને આત્મવિશ્વાસથી કહેતા હતા...
“તેઓ મારા ડૉક્ટર છે અને તેઓ મારી ખૂબ સારી સંભાળ રાખે છે.”
જીવનને આકાર આપનારા શિક્ષક
એમબીબીએસ અને એમડી પૂર્ણ કરીને નાયર હોસ્પિટલના રુમેટોલોજી (સંધિવાત-વિજ્ઞાન) વિભાગમાં સેવા આપતા હતા ત્યારે પણ ડૉ. અનિરુદ્ધે અધ્યાપન પ્રત્યેની પોતાની અસાધારણ પ્રતિબદ્ધતા જાળવી રાખી. તેમના વિદ્યાર્થીઓમાંથી એક ડૉ. આનંદ કોરેને યાદ છે કે એમબીબીએસના અંતિમ વર્ષમાં ડૉ. અનિરુદ્ધના વ્યાખ્યાનોનો વિદ્યાર્થીઓ પર કેટલો ઊંડો પ્રભાવ પડ્યો હતો.
વિદ્યાર્થીઓમાં તેમની નોટ્સની ખૂબ માંગ રહેતી હતી અને બાપુના સમજાવ્યા પછી ‘હેરિસન્સ પ્રિન્સિપલ્સ ઑફ ઇન્ટરનલ મેડિસિન’ જેવું મુશ્કેલ પુસ્તક પણ સહેલાઈથી સમજાય એવું લાગતું હતું. તેમના વર્ગો હંમેશાં વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલા રહેતા, કારણ કે તેમનું ભણાવવું માત્ર પુસ્તકીય જ્ઞાન આપવા પૂરતું સીમિત નહોતું; તેઓ અનુભવમાંથી પ્રાપ્ત જ્ઞાન પર ભાર મૂકતા હતા, જેને કારણે તેમનું શિક્ષણ વિદ્યાર્થીઓ માટે અત્યંત મૂલ્યવાન બનતું હતું.
આધુનિક શૈક્ષણિક સાધનો વ્યાપક રીતે ઉપલબ્ધ થયા તેના ઘણા સમય પહેલાંથી જ બાપુ જરૂરિયાત મુજબ તબીબી પરિસ્થિતિઓ અને તબીબી સંકલ્પનાઓને પ્રત્યક્ષ રીતે રજૂ કરીને સમજાવતા હતા. તેનાથી મુશ્કેલ વિષયો સ્પષ્ટ અને સહેલાઈથી યાદ રહી જાય એવા પાઠોમાં પરિવર્તિત થઈ જતા હતા. તેઓ અધ્યાપનને માત્ર એક વ્યવસાય તરીકે કરતા નહોતા, પરંતુ તેમના માટે આ એક વ્રત હતું. બાપુની અસાધારણ બુદ્ધિમત્તા, અપાર શારીરિક ક્ષમતા અને વિલક્ષણ નિરીક્ષણશક્તિ જોઈને વિદ્યાર્થીઓ પ્રભાવિત થતા હતા.
સમય જતાં વિદ્યાર્થીઓનો આ આદર પૂર્ણ વિશ્વાસમાં પરિવર્તિત થયો. અનેક લોકો માત્ર તબીબી ક્ષેત્રમાં જ નહીં, પરંતુ પોતાના અંગત જીવનના મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં પણ બાપુનું માર્ગદર્શન લેવા લાગ્યા.
તબીબી પ્રવીણતા અને ટેક્નોલોજી પ્રત્યે સમયથી આગળની દૃષ્ટિ
નાયર હોસ્પિટલમાં તેમના કાર્યકાળ દરમિયાન ડૉ. અનિરુદ્ધની તબીબી પ્રવીણતાને સર્વત્ર માન્યતા મળતી હતી. તેમની વિશેષ પ્રશંસનીય નિપુણતાઓમાંની એક હતી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ઈસીજી)નું સચોટ વિશ્લેષણ કરવાની તેમની કુશળતા. અત્યંત જટિલ ઈસીજીનું માત્ર થોડી જ સેકન્ડોમાં સ્પષ્ટ અને સચોટ વિશ્લેષણ કરવાની તેમની ક્ષમતા જોઈને સહકર્મીઓ અને વરિષ્ઠ ડૉક્ટરો ઘણી વાર આશ્ચર્યચકિત થઈ જતા હતા. હૃદયરોગ સંબંધિત ગંભીર અને કટોકટીની પરિસ્થિતિઓમાં તેમના સચોટ અને નિર્ણાયક નિદાનને અત્યંત મહત્ત્વ આપવામાં આવતું હતું.
ભારતમાં જ્યારે ડિજિટલ ટેક્નોલોજી હજી એકદમ પ્રારંભિક અવસ્થામાં હતી, ત્યારે ડૉ. અનિરુદ્ધ એવા શરૂઆતના તબીબી વ્યવસાયિકોમાંના એક હતા, જેમને તબીબી વ્યવસાયમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની તક મળી. નવી ટેક્નોલોજીને અપનાવવાની તેમની આ તત્પરતા તેમની દૂરદૃષ્ટિ દર્શાવતી હતી - જેમાં પરંપરાગત તબીબી જ્ઞાન અને વૈજ્ઞાનિક નવીનતાનો સુંદર સંગમ હતો.
તબીબી ક્ષેત્રથી પરે એક માર્ગદર્શક
ડૉ. હેમંત વડિયાર યાદ કરે છે કે તેઓ અને તેમના કેટલાક સહાધ્યાયીઓ જનરલ મેડિસિનમાં માર્ગદર્શન માટે કોઈ અનુભવી અને જ્ઞાનવાન શિક્ષકની શોધમાં હતા. ત્યારે ડૉ. અનિરુદ્ધ જોશીએ તેમને દર શનિવારે બપોરે ભણાવવાનું શરૂ કર્યું. શૈક્ષણિક માર્ગદર્શન તરીકે શરૂ થયેલી આ યાત્રા ટૂંક સમયમાં જ એક ઘનિષ્ઠ ગુરુ-શિષ્ય સંબંધમાં પરિવર્તિત થઈ. સ્વયં પહેલ કરીને બાપુએ ડૉ. વડિયારને અનુસ્નાતક શિક્ષણ માટે વિશેષ વિષય પસંદ કરવા અંગે માર્ગદર્શન આપ્યું.
આટલું વિચારપૂર્વકનું માર્ગદર્શન શૈક્ષણિક ક્ષેત્રમાં દુર્લભ જ હોય છે. ડૉ. વડિયારને એક અત્યંત અંગત અનુભવ પણ યાદ છે. જ્યારે તેમનાં માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં, ત્યારે ડૉ. અનિરુદ્ધ વરિષ્ઠ પદ પર હોવા છતાં અને અત્યંત વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ દરરોજ સ્વયં તેમના માટે ભોજનનો ડબ્બો લઈને આવતા હતા અને તેમને ધીરજ આપતાં તેમની સાથે સમય વિતાવતા હતા.
તબીબી અનુમાન અનુસાર તેમનાં માતાના આગામી બે-ત્રણ વર્ષ જીવિત રહેવાની સંભાવના માત્ર પચાસ ટકા હતી, આમ છતાં બાપુની દેખરેખ હેઠળ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયાં અને ત્યારબાદનાં સત્તર વર્ષ સુધી તેમણે ઉત્તમ સ્વાસ્થ્યનો અનુભવ કર્યો. ડૉ. વડિયાર માટે બાપુ માત્ર શિક્ષક ન રહ્યા. તેઓ તેમના મિત્ર, દાર્શનિક, સલાહકાર, માર્ગદર્શક અને અંતે સદ્ગુરુ બની ગયા.
ટોપીવાળા નેશનલ મેડિકલ કોલેજ અને બીવાયએલ નાયર હોસ્પિટલનાં એ વર્ષો ડૉ. અનિરુદ્ધ ધૈર્યધર જોશીના વ્યાવસાયિક જીવનનો માત્ર એક અધ્યાય નહોતાં; એ તેમની તબીબી પ્રવીણતા અને દર્દીઓ પ્રત્યેની કરુણાપૂર્ણ સેવા માટેની ગહન પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ હતાં.
દર્દીઓની તપાસ માટે વોર્ડમાં લીધેલો પ્રત્યેક રાઉન્ડ, પ્રત્યેક નિદાન, પ્રત્યેક વ્યાખ્યાન, દર્દીને કહેવામાં આવેલા સાંત્વનાના પ્રત્યેક શબ્દ અને નિઃસ્વાર્થ સેવાના પ્રત્યેક કાર્યમાં એ જ અસીમ કરુણા દેખાતી હતી, જેનો અનુભવ આજે લાખો શ્રદ્ધાવાનો સદ્ગુરુ અનિરુદ્ધ બાપુમાં કરે છે. તેમનું તબીબી જીવન માત્ર એક અસાધારણ ડૉક્ટર અને શિક્ષકને જ નહીં, પરંતુ સ્વાભાવિક રીતે બીજાઓ માટે જીવનારા એક સહૃદય વ્યક્તિત્વને પણ આપણી સમક્ષ પ્રગટ કરે છે.
