અધ્યાત્મનું સૌથી સરળ સત્ય
અધ્યાત્મને એક જીવંત અનુભવ તરીકે સમજાવતાં સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ ‘શ્રીમદ્પુરુષાર્થ’ (પ્રથમ ખંડ સત્યપ્રવેશ)માં લખે છે -
“આપણે આપણા જીવનનું પ્રત્યેક કાર્ય પરમેશ્વર માટે કરી રહ્યા છીએ અને પરમેશ્વરને પ્રત્યેક વાત એ જ ક્ષણે જ્ઞાત થાય છે - આ વાતને ધ્યાનમાં રાખીને જીવવું એ જ આધ્યાત્મિક જીવન છે; અને આ જ માર્ગ સાચો સંતોષ, શાંતિ અને નિત્ય પ્રસન્નતા પ્રદાન કરે છે.”
સહજ સ્પષ્ટતા સાથે સદ્ગુરુ બાપુ સમજાવે છે કે આધ્યાત્મિકતા દૈનિક જીવનથી અલગ નથી. જ્યારે કોઈ વ્યક્તિ એ જાગૃતિ સાથે જીવે છે કે પ્રત્યેક કર્મ પરમેશ્વરને કરેલું અર્પણ છે અને ઈશ્વર પ્રત્યેક ક્ષણે ઉપસ્થિત છે, ત્યારે જીવન પોતે જ આધ્યાત્મિક બની જાય છે. આવી જાગૃતિ સ્વાભાવિક રીતે આંતરિક શાંતિ, સંતોષ અને પરમાનંદ તરફ લઈ જાય છે.
આ સમજ અધ્યાત્મને માત્ર પૂજાસ્થળો સુધી સીમિત રાખવાને બદલે એવી બાબતમાં પરિવર્તિત કરી દે છે, જે ઘરમાં, કાર્યસ્થળે, બીજાની સેવા કરતી વખતે અને જીવનની પ્રત્યેક સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન આપણી સાથે રહે છે.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ‘શ્રીમદ્પુરુષાર્થ’ (પ્રથમ ખંડ સત્યપ્રવેશ)માં અધ્યાત્મ અને સાંસારિક જીવન વચ્ચેનાં આ ગહન સંબંધને વધુ વિસ્તારપૂર્વક સમજાવે છે -
“સન્માર્ગ પર ચાલતાં સાંસારિક વ્યવહાર કરતા રહેવું અને એમ કરતાં કરતાં અંતર્મનને ધીમે ધીમે પરમેશ્વરી મનના પ્રવેશ માટે ખુલ્લું કરતા જવું એ જ અધ્યાત્મ છે; અને જીવનમાં અધ્યાત્મના અંતિમ ધ્યેયને સાકાર કરવા માટે દેહ સાથે સંબંધિત ક્રિયાઓને સન્માર્ગ પર ચલાવવી એ જ વ્યવહાર છે.”
સદ્ગુરુ અનિરુદ્ધ બાપુનો દૃઢ વિશ્વાસ છે કે આધ્યાત્મિક જાગૃતિ અને સાંસારિક જાગૃતિનું સહઅસ્તિત્વ હોવું જોઈએ. આધ્યાત્મિક અને સાંસારિક જીવન વચ્ચેનું આ જ સંતુલન તેમનાં ઉપદેશોનાં કેન્દ્રમાં છે. જેમ કે તેઓ લખે છે -

ભક્તિ - અધ્યાત્મનું હૃદય
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ભક્તિમાર્ગનો એટલે કે પ્રેમમય ભક્તિનાં માર્ગનો પ્રચાર કરે છે, જેને તેઓ ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનો સૌથી સરળ અને સ્વાભાવિક માર્ગ સમજાવે છે. કર્મ, યોગ કે જ્ઞાનમાર્ગથી વિપરીત, જેમાં ઘણી વાર કઠોર અનુશાસન, ગહન શાસ્ત્રોના અભ્યાસ અથવા મન અને ઇન્દ્રિયો પર અસાધારણ નિયંત્રણની આવશ્યકતા હોય છે, ભક્તિની શરૂઆત એવી બાબતથી થાય છે, જે પ્રત્યેક મનુષ્યનાં હૃદયમાં પહેલેથી જ વિદ્યમાન છે - પ્રેમ કરવાની ક્ષમતા.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના અનુસાર, ભક્તિ પર માત્ર સંતો, વિદ્વાનો કે સંન્યાસીઓ તપસ્વીઓનો જ અધિકાર નથી. આ એવો માર્ગ છે, જેને કોઈ પણ અપનાવી શકે છે, પછી તેની ઉંમર, શિક્ષણ, વ્યવસાય કે પરિસ્થિતિઓ ગમે તે હોય.
ભક્તિની આ સાચી સમજ ગ્રંથરાજ ‘શ્રીમદ્પુરુષાર્થ’ (પ્રથમ ખંડ સત્યપ્રવેશ)માં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. અહીં બાપુએ ભક્તિની વ્યાખ્યા આ શબ્દોમાં આપી છે -
“‘ભજ્-સેવાયામ્’ - સંસ્કૃત ધાતુ ‘ભજ્’નો અર્થ છે ‘પ્રેમથી સેવા કરવી’. પોતાના પરમેશ્વરની ગહન પ્રેમ અને શ્રદ્ધા સાથે સેવા કરવી એ જ ભક્તિ છે. આ રીતે, ભક્તિ એટલે પરમેશ્વરને પ્રેમ કરવો અને તેમનાં એ સંતાનોની સેવા કરવી, જેઓ ખરાબ પ્રારબ્ધને કારણે દુઃખી છે.” (ચરણ ૩૩)
તેઓ ભક્તિનાં મર્મને આગળ સ્પષ્ટ કરે છે -
“ભક્તિ એટલે અત્યંત પ્રેમ સાથે પરમેશ્વર અને તેમનાં દર્શનનું સ્મરણ કરવું; તેમનાં મહિમાનું ગાન કરવું; નિઃસ્વાર્થ સેવા કરવી; અને સત્ય, પ્રેમ તથા આનંદ - આ દિવ્ય ગુણોને પોતાનાં જીવનમાં વણી લેવા માટે શક્ય હોય એટલા બધા પ્રયત્નો કરવા.” (ચરણ ૩૭)
