વિજ્ઞાન અને અધ્યાત્મને ઘણી વાર પરસ્પર વિરોધી માર્ગો તરીકે રજૂ કરવામાં આવે છે. વિજ્ઞાન નિરીક્ષણ, પ્રયોગ, વિશ્લેષણ અને પ્રમાણિત કરી શકાય એવા પુરાવાઓના માધ્યમથી વિશ્વને સમજવાનો પ્રયત્ન કરે છે. વિજ્ઞાન પ્રશ્નો પૂછવા, વિવેકપૂર્ણ ચિંતન કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. નવી શોધો સામે આવતાં તે પોતાની સમજને વધુ પરિષ્કૃત કરે છે. તેનાથી વિપરીત, અધ્યાત્મને ઘણી વાર શ્રદ્ધા, આત્માનુભૂતિ (Inner Experience), ભક્તિ અને ભૌતિક જગતથી પરે જીવનનાં અર્થની શોધ સાથે જોડવામાં આવે છે.

વિજ્ઞાન અને ભક્તિની પદ્ધતિઓ ઉપરથી એટલી ભિન્ન દેખાય છે કે અનેક લોકોને લાગે છે કે વૈજ્ઞાનિક તર્ક અને આધ્યાત્મિક શ્રદ્ધા સાથે-સાથે રહી શકે નહીં અને આ બંનેમાંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.

પરંતુ સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તેનાથી ભિન્ન અને વિશેષ દૃષ્ટિકોણ રજૂ કરે છે.

તબીબી ક્ષેત્રમાં અનુસ્નાતક (એમ.ડી. - મેડિસિન) ડૉક્ટર અને પ્રખ્યાત સંધિવાત નિષ્ણાત સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ ‘દૈનિક પ્રત્યક્ષ’માં પ્રકાશિત ‘આજચી ગરજ (આજની જરૂરિયાત)’ (૧૬ ડિસેમ્બર ૨૦૦૫) શીર્ષકના અગ્રલેખના માધ્યમથી ઉપરથી ભિન્ન દેખાતા આ બે માર્ગો વચ્ચેના સંબંધને સ્પષ્ટ કર્યો છે. બાપુ લખે છે -

“વિજ્ઞાન અને ભક્તિ ક્યારેય એકબીજા માટે અવરોધરૂપ નહીં બને, પરંતુ વિજ્ઞાનની સમૃદ્ધિથી ભક્તિના વૈભવમાં વૃદ્ધિ જ થશે અને ભક્તિના સામર્થ્યથી વિજ્ઞાનની સંહારક શક્તિ દુર્બળ બનીને તેના રચનાત્મક આવિષ્કારો વધુ ને વધુ શક્તિશાળી બનશે. વિજ્ઞાનની સહાયથી ભક્તિના ક્ષેત્રમાં રહેલી ખોટી ધારણાઓ અને કલ્પનાઓનો અંત આવશે તથા ભક્તિના આધાર પર વિજ્ઞાનના દુરુપયોગને રોકી શકાશે. આધુનિક સંહારક શસ્ત્રો એક જ ક્ષણમાં સામૂહિક વિનાશ કરે છે, તેથી તેમનો પ્રતિકાર કરવા માટે આપણે સામૂહિક સહયોગ, સામૂહિક પ્રેમ અને સામૂહિક સહજીવનની કળા શીખવી પડશે અને આવી અહિંસક સામૂહિક શક્તિ માત્ર વ્યક્તિગત અને સામૂહિક ભક્તિથી જ ઉત્પન્ન થશે.”

વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય વિશે વ્યાપક ચર્ચા શરૂ થઈ તેના ઘણા સમય પહેલાંથી જ સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ લોકોને વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ - બંને વિકસાવવા માટે નિરંતર પ્રોત્સાહિત કરતા રહે છે. પોતાના લેખન, પ્રવચનો, સેમિનારો અને શીખના માધ્યમથી તેમણે દર્શાવ્યું છે કે સાચું વિજ્ઞાન અને સાચી ભક્તિ અંતે એક જ લક્ષ્ય એટલે કે માનવકલ્યાણ અને સત્યની શોધ તરફ લઈ જાય છે.

આધ્યાત્મિક સત્યોની અનુભૂતિ કરાવતું વિજ્ઞાન

પોતાનાં સમગ્ર લેખનમાં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ ઘણી વાર એવા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આધ્યાત્મિક સંકલ્પનાઓ સમજાવે છે, જે વૈજ્ઞાનિક સમજ સાથે સુસંગત હોય છે.

પોતાના દ્વારા લખાયેલા પવિત્ર ગ્રંથરાજ *શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ* (પ્રથમખંડ સત્યપ્રવેશ)માં સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુ ‘બ્રહ્માંડ ઊર્જાથી વ્યાપ્ત હોવા’નું વર્ણન કરે છે. આ સંકલ્પના વૈજ્ઞાનિક શોધ અને આધ્યાત્મિક સમજ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ સેતુનું નિર્માણ કરે છે.

૧૪ માર્ચ ૨૦૧૯ના રોજ દૈનિક પ્રત્યક્ષમાં પ્રકાશિત તુલસીપત્ર ક્ર. ૧૬૧૦ શીર્ષક સંપાદકીય અગ્રલેખમાં આ સંકલ્પનાને વધુ વિસ્તારપૂર્વક સમજાવતાં સદ્‌ગુરુ બાપુએ વિજ્ઞાન અને અધ્યાત્મ બંને શાસ્ત્રોને માન્ય ‘બ્રહ્માંડની સ્પંદનરૂપ શક્તિમયતા’ વિશે લખ્યું છે.

વિજ્ઞાન સાથે જોડાયેલાં સદ્‌ગુરુ

વિજ્ઞાન અને અધ્યાત્મનો આ સુંદર સમન્વય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના પોતાના જીવનમાં પણ જોવા મળે છે. એમ.બી.બી.એસ.ની ઉપાધિ અને ત્યારબાદ મેડિસિનમાં એમ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી તેમણે સંધિવાત નિષ્ણાત તથા મેડિકલ કૉલેજમાં લેક્ચરર તરીકે પણ કાર્ય કર્યું. તેથી વૈજ્ઞાનિક ચિંતન, વિશ્લેષણાત્મક તર્ક અને આધુનિક તબીબી વિજ્ઞાન માટે આવશ્યક અનુશાસિત કાર્યપદ્ધતિનું તેમને ગહન જ્ઞાન છે.

આ જ કારણે ભક્તિમાર્ગને સમજાવતા સમયે સદ્‌ગુરુ બાપુ વૈજ્ઞાનિક સિદ્ધાંતો, તબીબી જ્ઞાન, તર્કસંગત ચિંતન અને દૈનિક જીવનનાં અનુભવજન્ય નિરીક્ષણોનો વારંવાર આધાર લે છે. તેમના પ્રવચનોમાંથી એ સ્પષ્ટ થાય છે કે સાચું અધ્યાત્મ મનુષ્યને તર્કસંગત ચિંતન છોડી દેવાનું કહેતું નથી. તેનાથી વિપરીત, તેઓ દર્શાવે છે કે વૈજ્ઞાનિક શોધની વૃત્તિ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ વચ્ચે સુમેળ સ્થાપિત કરી શકાય છે અને તેનાથી સાધકો પોતાની શ્રદ્ધાને વધુ સ્પષ્ટતા, દૃઢતા અને પરિપક્વતા સાથે સમજી શકે છે.

જિજ્ઞાસા અને નિરંતર અભ્યાસ

શ્રદ્ધાવાનોમાં વૈજ્ઞાનિક ચેતના વિકસાવવા માટે કરવામાં આવેલા નિરંતર પ્રયત્નો સદ્‌ગુરુ બાપુના કાર્યની એક વિશેષતા છે.

તેમણે ક્યારેય એવું માન્યું નથી કે ભક્તિ કરતી વખતે સમકાલીન જ્ઞાનથી અલગ રહેવું જોઈએ. તેનાથી વિપરીત, તેઓ લોકોને પોતાની બૌદ્ધિક જિજ્ઞાસા જાગૃત રાખવા તથા વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિઓની જાણકારી મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે.

ડૉ. નિકોલા ટેસ્લા

બાપુના આ દૃષ્ટિકોણનું એક ઉત્તમ ઉદાહરણ છે - ૨૭ માર્ચ ૨૦૧૪ના રોજ શ્રીહરિગુરુગ્રામમાં વિશ્વવિખ્યાત સંશોધક અને વૈજ્ઞાનિક ડૉ. નિકોલા ટેસ્લાના જીવન અને કાર્ય વિશે તેમના દ્વારા કરવામાં આવેલું વિસ્તૃત વિવેચન. ડૉ. ટેસ્લાના યોગદાનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને સદ્‌ગુરુ બાપુએ તેમના આવિષ્કારોનો વધુ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ ડૉ. ટેસ્લા અને તેમના વૈજ્ઞાનિક કાર્યો વિશે માહિતીપ્રદ લેખોની એક શ્રૃંખલા દૈનિક પ્રત્યક્ષમાં પ્રકાશિત કરવામાં આવી.

*સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ડૉ. નિકોલા ટેસ્લા વિશે માહિતી આપતાં*

ઉભરતી જતી ટેક્નોલોજી

ડૉ. અનિરુદ્ધ ડી. જોશીએ સ્વયં શ્રદ્ધાવાનો માટે નૅનોટેક્નોલોજી, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સ્વૉર્મ ઇન્ટેલિજન્સ જેવા ઉભરતા ક્ષેત્રોથી પરિચિત કરાવનારા સેમિનારોનું આયોજન કર્યું. આ સત્રોના માધ્યમથી ટેક્નોલોજી સાથે જોડાયેલી આ જટિલ સંકલ્પનાઓને સમજવી સરળ બની અને એ પણ સ્પષ્ટ થયું કે ભક્તિ પર આધારિત જીવનનું વૈજ્ઞાનિક પ્રગતિની ગતિ સાથે ચાલવું સંપૂર્ણપણે સુસંગત છે.

સ્વૉર્મ ઇન્ટેલિજન્સ શું છે?

આવા ઉપક્રમોથી બાપુના એ દૃઢ વિશ્વાસનો બોધ થાય છે કે ભક્તિની સહાયથી વિશ્વને જોવાના આપણા દૃષ્ટિકોણને સીમિત કરવાને બદલે તેને વધુ વ્યાપક બનાવવો જોઈએ.

વિજ્ઞાન પ્રત્યે સદ્‌ગુરુ અનિરુદ્ધ બાપુના મનમાં રહેલો આદર માત્ર સિદ્ધાંતો સુધી જ સીમિત રહ્યો નથી.

૪ સપ્ટેમ્બર ૨૦૨૫ના પોતાના અંગ્રેજી પ્રવચનમાં બાપુએ કહ્યું કે જિજ્ઞાસા આપણને જીવંત રાખે છે, શીખવા માટે પ્રેરિત કરે છે અને આપણી પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરે છે! બાપુ આપણને નવી-નવી વસ્તુઓ શોધવા, સર્જન કરવા અને જિજ્ઞાસુ બની રહેવા માટે એ.આઈ. (AI) ટૂલ્સનો ઉપયોગ કરવાનું આહ્વાન કરે છે. માર્મિક વિનોદ, વાસ્તવિક જીવનની કથાઓ અને આધ્યાત્મિક જ્ઞાનના માધ્યમથી બાપુ આપણને એ સ્મરણ કરાવે છે કે જીવન સુંદર છે, જ્ઞાન અસીમિત છે અને જિજ્ઞાસા પ્રગતિની ચાવી છે.

વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવતાં બૌદ્ધિક જિજ્ઞાસા જાળવી રાખવા માટે તેમણે શ્રદ્ધાવાનોને નિરંતર પ્રોત્સાહિત કર્યા છે.

સર્વોચ્ચ સમન્વય

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ માટે વિજ્ઞાન અને અધ્યાત્મ એવી બે સમાંતર યાત્રાઓ નથી, જે ક્યારેય એકબીજાને મળતી જ નથી. તેઓ એક જ અંતિમ સત્યની દિશામાં આગળ વધનારા બે માર્ગો છે.

આ ગહન દૃષ્ટિ *શ્રીમદ્‌પુરુષાર્થ ગ્રંથરાજ* (તૃતીયખંડ આનંદસાધના)માં વ્યક્ત થઈ છે -

‘વિજ્ઞાન નિરંતર પ્રગતિ કરતું રહેશે
અને
તેનું સર્વોચ્ચ બિંદુ પણ પરમેશ્વરની અનુભૂતિ જ હશે.’

આ કથન તેમનાં તત્ત્વજ્ઞાનનો સુંદર સાર રજૂ કરે છે.

વૈજ્ઞાનિક પ્રગતિને કારણે ભૌતિક વિશ્વ વિશે મનુષ્યની સમજ નિરંતર વિસ્તરતી જાય છે. આધ્યાત્મિક પ્રગતિને કારણે આ ભૌતિક વિશ્વથી પરે રહેલા સર્વોચ્ચ સત્યની અનુભૂતિ કરવી શક્ય બને છે. એક બાહ્ય વિશ્વની શોધ કરે છે, તો બીજું અંતર્મનમાં પરિવર્તન લાવે છે. જ્યારે આ બંનેને પ્રામાણિકતા અને નિષ્ઠાથી અપનાવવામાં આવે છે, ત્યારે અંતે બંને સત્યની દિશામાં જ લઈ જાય છે.

અભૂતપૂર્વ વૈજ્ઞાનિક પ્રગતિના સાક્ષી બની રહેલા આ યુગમાં સદ્‌ગુરુ બાપુની શીખ આપણને આ શાશ્વત સત્યનો બોધ કરાવે છે કે માત્ર ટેક્નોલોજી માનવકલ્યાણની ગેરેન્ટી આપી શકતી નથી. કરુણા, નૈતિકતા અને ભક્તિના માર્ગદર્શન હેઠળ ઉપયોગમાં લેવાયેલું વૈજ્ઞાનિક જ્ઞાન એવું ભવિષ્ય ઘડવાની શક્તિ ધરાવે છે, જે માત્ર વધુ ઉન્નત જ નહીં, પરંતુ માનવીય મૂલ્યોથી પણ સમૃદ્ધ હોય.

વિજ્ઞાન અને અધ્યાત્મનો આ જ સુમેળભર્યો સમન્વય સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં માનવતા સંબંધિત દૃષ્ટિકોણનાં કેન્દ્રમાં છે.