|| હરિ ૐ ||
અમારો પરિવાર બાર - તેર વર્ષથી બાપુનાં સાંનિધ્યમાં છે. અમારા પરિવારમાં બધાને બાપુનાં અવનવા અનુભવો થયાં છે. હવે તો અમે જાણે બાપુનાં ઘરનાં જ સભ્ય હોય એવુ લાગે છે. બાપુનાં નામ સાથે અમારા દરેક કાર્યોની શરુઆત થાય છે.
૪ ઓક્ટોંબર ૨૦૧૦, સોમવારનો દિવસ મને જીવનપર્યંત યાદ રહેશે. પૂનાનાં ખડગી વિસ્તારમાં અમારો કેળાનો હોલસેલનો ધંધો છે. તે દિવસે સાંજે સાત વાગ્યે હું પૈસા આપવા માટે એક મિત્રની સાથે પૂના ગયો હતો. પૈસા આપીને પાછા આવતા હતાં ત્યારે અચાનક વીજળી ચમકવા લાગી અને ગડગડાટ સાથે મુશળધાર વરસાદ વરસવા લાગ્યો હતો. તેથી અમે એ જ સ્થળે ઉભા રહી ગયા હતાં. આ સમયે એકાદ કલાકથી પણ વધારે સમય સુધી વરસાદ ચાલુ રહ્યો હતો.
થોડો વરસાદ ધીમો પડ્યો એટલે અમે સાડા નવ વાગ્યે શિવાજી નગર પહોંચ્યાં, પરંતુ અહીં રસ્તામાં બધે પાણી ભરાયું હતું. અમે પૂના - મુંબઈ રોડ ના જતાં ચતુ:શ્રુંગી રોડ પાસેથી શોર્ટકટથી પૂના-મુંબઈ રોડ પર આવતા હતાં. ચારેય બાજુ જંગલનાં નાળામાંથી વરસાદનું પાણી વહેતુ હતું. અહીં વધારે પાણી ભરાઇ એ પહેલાં અમે અહીંથી નીકળવાા માટે પ્રયાસ કરતા હતાં.
હું બાઈક ચલાવતો હતો અને મારો મિત્ર પાછળ બેઠો હતો. અમે નાળામાંથી પસાર થતાં હતાં ત્યારે પાણીની જોરદાર લહેર સામે આવી અને અમને પાછળ ફરવાનો પણ સમય મળ્યો નહિં. મારો મિત્ર બાઇક પરથી નીચે ઉતરીને ગમે તેમ કરીને બહાર આવ્યો, પરંતુ હું બાઈક ચલાવતો હોવાથી પાણીમાં ફસાઇ ગયો હતો. મારુ બાઇક તણાવા લાગ્યું હતું અને પાણી મારા માથા ઉપરથી પસાર થતું હતું. મને તરતા આવડતુ હોવાથી હું હાથ હલાવતા કિનારા સુધી પહોંચવા માટે પ્રયાસ કરતો હતો, પરંતુ કીચડમાં ફસાઈ ગયો અને ત્યારબાદ હું હિમંત હારી ગયો હતો.
આ સમયે મારા ખિસ્સામાં બાપુનો ફોટો હતો. કાળ ધીરે ધીરે મારી પાસે જ આવી રહ્યો હતો. હું બાપુને યાદ કરતો હતો અને અચાનક મારા મોઢાંમાંથી ત્રણ શબ્દો નીકળ્યાં - ‘બાપુ, મને બચાવો.’ અને ... બરાબર આ જ સમયે મારા હાથમાં બાવળની કાંટાળી ડાળ હાથમાં આવી. હું તેને પકડીને પાણીમાં રાતના અગિયાર વાગ્યાં સુધી ઉભો રહ્યો હતો. પરંતુ પાણીનો પ્રવાહ ઓછુ થવાનું નામ લેતો નહોતો.
પાણીનાં વધતાં પ્રવાહની સાથે એકવાર મારા હાથમાંથી આ ડાળ પણ છૂટી ગઈ અને હવે મને લાગ્યું.. બસ, બધુ ખતમ થઈ જશે. પરંતુ બાપુ મારી સાથે હતાં. બાપુરાયાએ મારો સાદ સાંભળ્યો હતો. પાણીનો આટલો બધો જોરદાર પ્રવાહ ચાલુ રહેવા છતાં હું મારી જગ્યાએથી બિલકુલ હલ્યો નહોતો. પરિણામે મારી ધીરજ બંધાવા લાગી અને હું પાણીમાંથી બહાર આવવા માટે પ્રયાસ કરવા લાગ્યો. અંતમાં બાપુની કૃપાથી હું પાણીમાંથી બહાર આવ્યો. મારા હાથપગમાં ઘણાં કાંટા વાગ્યા હતાં, આમછતાં હું અંધારામાં આવા જંગલમાંથી બહાર આવ્યો અને ગમે તેમ કરીને મરીઆઈ ગેટ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ મારા જીવમાં જીવ આવ્યો હતો. ખરેખર ! બાપુજી મારી સાથે ના હોત તો હું આજે જીવતો રહ્યો ના હોત.
મારા મિત્રએ મારા ઘરે જઈને સમગ્ર ઘટના વિષે વાત કરતા કહ્યું કે હું પાણીમાં તણાઈ ગયો છું. આ વાત સાંભળીને મારા માતાપિતાની સ્થિતી વીજળી પડી હોય એવી થઈ ગઈ હતી. પરંતુ તેમને બાપુ પ્રત્યે સંપૂર્ણ વિશ્ર્વાસ હતો કે બાપુ અમારા દીકરાને ગમે તેવા સંકટમાંથી બહાર કાઢશે. મારા પિતાજી આવા મુશળધાર વરસાદમાં મને શોધવા માટે નીકળ્યાં હતાં અને આ સમયે ખરેખર અચરજ થાય એવી વાત બની હતી, મારા પિતાજીનાં મોબાઈલ પર ફોન આવ્યો હતો અને કહ્યું કે હું સુરક્ષિત છું, આ ફોન કોણે કર્યો હતો તે ખબર નથી. પરંતુ આ સમાચાર સાંભળીને મારા માતાપિતાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી. મોતને આટલા બધા નજીકથી જોયાં બાદ હવે મારુ જીવન બાપુમય થઈ ગયું છે.
બાપુ તેરી અગાધ મહિમા ત્રિભુવન મેં ફૈલેગી
સંકટ મેં તુને સાથ નિભાયા યહ દાસ્તાન નહીં ભૂલેગી
|| હરિ ૐ ||