|| હરિ ૐ ||
હું વર્ષ ૨૦૦૨થી બાપુજીનાં દર્શનનો લાભ લઈ રહ્યો છું. અમે પહેલાં કોટનગ્રીનમાં રહેતાં હતાં. એકવાર બાપુનો અનુભવ વાંચીને અમને બાપુને મળવાની ઇચ્છા થઈ હતી.
મારા સસરાનાં પિતરાઇ ભાઈ કોઇક કારણસર બાંદ્રા ગયા હતા અને તે દિવસે ગુરુવાર હતો. બાંદ્રામાં તેમણે શ્રીહરિગુરુગ્રામમાં ભક્તોની ભીડ જોઇ. અહીં તેમણે સાંભળ્યું કે બાપુ દર ગુરુવારે અહીં પ્રવચન આપે છે. તેથી ઉત્સુકતાવશ તેઓ પણ પ્રવચન સાંભળવા માટે રોકાઇ ગયાં. બાપુનું પ્રવચન સાંભળીને તેમણે બાપુનો એક ફોટો લીધો હતો અને તે દિવસથી બાપુ અમારા ઘરના સદસ્ય બની ગયા હતાં તથા સંકટ સમયે તેમનાં આધારની અનુભૂતિ થાય છે.
બાપુજીનાં સાંનિધ્યમાં આવ્યાં પછી અમારા જીવનમાં ઘણુ બધુ સારુ પરિવર્તન આવ્યું છે અને ડગલે અને પગલે બાપુની કૃપાનાં અનુભવ થાય છે.
એકવાર મારા સસરાજીનાં કહેવાથી હું અને મારી પત્ની ગુરુવારે શ્રીહરિગુરુગ્રામમાં ગયાં હતાં. એ સમયે અમને ત્યાં સુધી કેવી રીતે પહોંચવાનું તે પણ ખબર નહોતી. રિક્ષાવાળાને ખબર હશે એવુ વિચારીને અમે બાંદ્રાની રિક્ષાની લાઈનમાં ઉભા રહી ગયાં. પરંતુ રિક્ષાવાળાને નહીં ખબર હોય તો અમે ત્યાં સુધી કેવીરીતે પહોંચશું એવી ચિંતા પણ થતી હતી. પરંતુ બાપુ જ્યારે કોઇને પોતાની પાસે લાવવા ઇચ્છે છે ત્યારે લાવીને જ રહે છે. અમે બાંદ્રા સ્ટેશન પર રિક્ષા પાસે જતાં હતાં ત્યારે એક બાપુભક્ત મહિલાએ અમારી પાસે આવીને પૂછ્યું, ‘બાપુ પાસે જવુ છે?’ અમે તેમને હા પાડી અને તેઓ અમારી સાથે શ્રીહરિગુરુગ્રામ આવ્યાં હતાં. અમે ભક્તોની ભીડ જોઇને બહારથી જ બાપુનાં દર્શન કરીને નીકળી ગયા હતાં.
ત્યારબાદ સમયની અનુકુળતા અનુસાર હું ગુરુવારે પ્રવચન સાંભળવા માટે જતો હતો.
અમારા લગ્નના બે ત્રણ વર્ષ થઈ ગયા હોવા છતાં અમને કોઇ સંતાન નહોતું. ડોક્ટરની સારવાર ચાલુ હતી. બાપુજીનાં દર્શન કર્યા બાદ બે મહિના પછી મારી પત્ની બિમાર થઈ હતી, તેથી હું તેને ડોક્ટર પાસે લઈ ગયો હતો. આ સમયે ડોક્ટરે અમને કહ્યું કે તમારી પત્ની ગર્ભવતી છે, તમે તેનાં ટેસ્ટ કરાવી લો.
ત્યારબાદ હું ઓફિસ ગયો હતો અને ઓફિસમાં જ બાપુનાં ફોટા સમક્ષ પ્રાર્થના કરી કે સાંજે ઘરે પહોંચુ ત્યારે મને મારા પત્નીનાં સારા સમાચાર સંભળાવજો.ખરેખર બાપુની કૃપાથી આ વાત શક્ય બની હતી.
ટેસ્ટનાં રિપોર્ટસ પોઝિટીવ આવ્યાં હતાં. અમે મનોમન બાપુજીનો આભાર માનતાં હતાં. ડોક્ટરનાંઘણાં બધાં ઉપાયથી જે વાત શક્ય નહોતી બની, તે બાપુનાં દર્શનથી શક્ય બની હતી. મને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે બાપુનાં દર્શનથી જ અમારી સમસ્યાનું નિવારણ આવ્યું છે. આવો સુંદર અનુભવ થયાં પછી મારા મનમાં બાપુ પ્રત્યેની શ્રદ્ધા વધારે દૃઢ થઈ ગઈ હતી. આ પ્રસંગ પછી અમે અમારા ગામનાં ઘરમાં પણ બાપુનો ફોટો મૂક્યો હતો. આ સમય દરમ્યાન મારી પત્નીને બાપુ પ્રત્યે જોઇએ એવો વિશ્ર્વાસ નહોતો, પરંતુ મારો દીકરો આઠ - નવ મહિનાનો થયો ત્યારે અમે ગામ ગયા હતાં, ત્યારે મારી પત્નીએ કહ્યું કે ખરેખર આપણાં પર બાપુજીની જ કૃપાવર્ષા થઈ છે. હવે અમને સંપૂર્ણ વિશ્ર્વાસ થઈ ગયો છે કે અમારો દીકરો બાપુનો જ કૃપાપ્રસાદ છે.
|| હરિ ૐ ||