|| હરિ ૐ ||
મારો દીકરો અતુલ એસ.ટી.માં કાર્યરત છે. ૧૧ ફેબ્રુઆરીનો દિવસ અમારા માટે ખરાબ સમાચાર લઈને આવ્યો હતો. બપોરે દોઢ વાગ્યે એસ.ટી.નાં બે કર્મચારી અમારા ઘરે આવ્યાં હતાં અને અમને કહ્યું કે અતુલનાં પગ પર જેક પડ્યા છે તેથી તમે તરત દવાખાને આવો. હું અને મારી વહુ અમે બંને સરકારી દવાખાનામાં ગયાં. અહીં અતુલ ગંભીર પરિસ્થિતીમાં સ્ટ્રેચર પર હતો. તેની હાલત જોઇને હું ગભરાઇ ગઈ હતી. હું મનોમન બાપુનાં મંત્રજાપ કરવા લાગી હતી. અહીંનાં ડોક્ટરે અતુલને તરત જ ઠાણે હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. અમે ઠાણે પહોંચ્યાં ત્યારે ડોક્ટરે કે.ઇ.એમ. હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું. તેથી અમે કે.ઇ.એમ. હોસ્પિટલ પહોંચ્યાં.
સંજોગાવશ અમારા એક સંબંધી અહીં ડોક્ટરનો અભ્યાસ કરતા હતાં, તે પણ હાજર થઈ ગયા હતાં. અહીં એક - દોઢ કલાકમાં અતુલનાં સીટી સ્કેન, એકસ રે, એમ.આર.આઈ, ઇ.સી.જી. વગેરે ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ સમય દરમ્યાન તેનું બ્લડપ્રેશર ઓછુ થઈ ગયું હતું. પરિણામે ડોક્ટરે મને કહ્યું કે તમારા દીકરાની પરિસ્થિતી ખરેખર ખૂબ જ ગંભીર છે તથા ઓપરેશન દરમ્યાન તેનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતીમાં કોઇ ચમત્કાર થતો નથી. તેની બચવાની શક્યતા માત્ર ૫ % છે.
ડોક્ટરની વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકવા લાગી હતી. હવે અમને માત્ર બાપુનો જ આધાર હતો. હું મનોમન બાપુને પ્રાર્થના કરતી હતી કે બાપુ ! તમે જ બધુ કરનારા છે, તમે જ ડોક્ટર છો, મારા દીકરાનું ઓપરેશન પણ તમે જ કરશો. અહીંનાં ડોક્ટરને જેમ ઉચિત લાગે તેમ કરવાનું મેં કહ્યું હતું. હવે અતુલની તબિયત એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે તેનાંથી શ્ર્વાસ પણ લઈ શકાતો નહોતો. ડોક્ટરે તરત જ તેને ઓક્સિજન આપતા કહ્યું કે જ્યાં સુધી શ્ર્વાસ નોર્મલ સ્વરુપે નહિં લઈ શકે ત્યાં સુધી ઓપરેશન કરી શકાશે નહિં.
એટલામાં અતુલનાં પિતાજી પણ હોસ્પિટલ આવી ગયા હતાં અને અતુલને જોઇને તેઓ રડવા લાગ્યાં હતાં. હું તેમને ધીરજ બંધાવતા સમજાવતી હતી કે બાપુ પર વિશ્ર્વાસ રાખો, આપણાં દીકરાને કંઇ નહિં થાય. આપણી સાથે સદ્ગુરુતત્વ હોય છે ત્યારે તેની નિશાનીનાં પણ એ દર્શન કરાવે છે. અહીં હોસ્પિટલમાં સાંઇબાબાનો એક ફોટો હતો. આ ફોટો જોઇને મને રાહત થઈ હતી કે હવે બધુ સારુ થઈ જશે.
રાત્રે ૧૧.૦૦ વાગ્યે અતુલને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતાં અને ૧.૩૦ વાગ્યે બહાર લાવ્યાં હતાં. ડોક્ટરે અમને કહ્યું કે અતુલનાં મગજમાં ૨૦૦ મિલિ. લોહી જમા થઈ ગયું હતું. તેને બહાર કાઢ્યું છે અને ઓપરેશન પણ સફળ થયું છે. પરંતુ સીટીસ્કેન પુન: કરાવવુ પડશે. જો લોહી પુન: જમા થશે તો ઓપરેશન પણ ફરીવાર કરવુ પડશે. હું મનોમન બાપુનાં મંત્રજાપ કરતી હતી અને બાપુએ જ મને આવા કપરા સમયમાં હિમંત આપી હતી.
ત્રીજા દિવસે શનિવારે રાત્રે ૧૨.૦૦ વાગ્યે ડોક્ટરે અમને કહ્યું કે અતુલનું સીટી સ્કેન કરવુ પડશે. તેથી મને પુન: ધ્રાસકો પડ્યો. ડોક્ટરની સલાહ અનુસાર અતુલનું સીટી સ્કેન કરાવ્યું. આ સમયે અમારી સાથે મારી દીકરી, જમાઈ, સગાસબંધીઓ, મિત્રો વગેરે બધા હતાં. ત્રણ દિવસથી કોઇએ ખાધુ પીધુ નહોતું તેમજ કોઇ સૂતુ પણ નહોતું.
ચોથા દિવસે બપોરે ૧૨.૦૦ વાગ્યે ડોક્ટર રાઉન્ડ પર આવ્યાં ત્યારે મારી દીકરીએ અચાનક બૂમ પાડીને મને બોલાવી. હું દોડતી અંદર ગઈ હતી. આ સમયે ડોક્ટરે કહ્યું કે તમારો દીકરો બચી ગયો છે, પરંતુ તેનાં મગજમાં જમણાં ભાગમાં જોરદાર વાગ્યું હોવાથી તેનાં ડાબા હાથ પગ કામ કરી શકે એમ નથી. અતુલનો જીવ હજી પણ જોખમમાં જ છે. જ્યારે અતુલ કુદરતી રીતે શ્ર્વાસ લેશે ત્યારે જ બધુ જોખમ ટળશે.
આ વાત સાંભળીને મને આંખમાં અંધારા આવતાં હતાં. મારી વહુ, તેનો ૮ વર્ષનો દીકરો અને ૬ વર્ષની દીકરીની મને ચિંતા થતી હતી. પરંતુ આમ છતાં મને બાપુજી પર પૂર્ણ વિશ્ર્વાસ હતો. હું મનોમન બાપુને પ્રાર્થના કરતા કહેતી હતી કે બાપુરાયા, મારા પૌત્ર અને પૌત્રીની સામે જોઇને મારા દીકરાને સારુ કરી દો.
આ સમય દરમ્યાન અમને મદદ કરવા માટે આવનારા બધા લોકોને જાણે બાપુ જ મોકલાવતા હોય એવુ લાગતુ હતું. એસ.ટી. નાં કર્મચારીઓએ મારો દીકરો સારો થઈ જાય એ માટે શિવરાત્રીનાં દિવસે મહામત્યુજંય જપ કર્યા હતાં. અમે પણ સતત બાપુનાં મંત્ર જાપ કરતા હતાં અને અતુલને ઉદી પણ લગાવતાં હતાં.
આ સમય દરમ્યાન એક ઘટના બની હતી. હું અહીં હોસ્પિટલમાં એકવાર મારી દીકરી સાથે બેન્ચ પર બેઠી હતી ત્યારે કોઇકે મારી પાસે આવીને મને કહ્યું કે હું અહીં બેસુ? અમે તેને બેસવા માટે જગ્યા આપી. તેણે અહીં બેસીને મોબાઈલમાં રામરક્ષા સ્તોત્ર ચાલુ કર્યું અને તે સાંભળતાં જ મારી આંખો ભરાઈ આવી હતી તથા શરીરનાં રુવાંટા ઉભા થઈ ગયા હતાં. હું મનોમન બાપુને વંદન કરવા લાગી હતી અને મારી દીકરીને મેં કહ્યું કે બાપુએ આપણને શુભ સંકેત આપ્યો છે, હવે અતુલને સારુ થઈ જશે.
ત્યારબાદ આ છોકરા સાથે વાતચીત કરતા મેં તેને અતુલની સમગ્ર પરિસ્થિતી વિષે વાત કરી હતી. થોડીવાર પછી તેણે ઉભા થઈને જમણો હાથ ઉઠાવતા કહ્યું કે, નિશ્ર્ચિંત રહો, તમારો દીકરો સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આ સમયે મને તેને જોઇને એવુ જ લાગતુ હતું કે જાણે બાપુ જ બોલી રહ્યાં છે. સદ્ગુરુતત્વ ક્યારે, ક્યા સ્વરુપે આવે છે તે કહી શકાતુ નથી.
ત્યારબાદ ૧૫ દિવસ પછી તો જાણે ચમત્કાર થયો હોય એવુ લાગતું હતું. અતુલની તબિયત ઝડપથી સારી થવા લાગી હતી. બાપુએ જ મારા દીકરાને જીવનદાન આપ્યું છે. હવે અતુલ સંપૂર્ણ સ્વસ્થ છે. બાપુ ! જેવી રીતે તમે મારી સાથે આધાર બનીને ઉભા હતાં તેવી રીતે બધાની સાથે ઉભા રહેજો, એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરુ છું.
|| હરિ ૐ ||