|| હરિ ૐ ||
એક વિશ્ર્વાસ અસાવા પૂરતા, કર્તા હર્તા ગુરુ
સદ્ગુરુનાં ચરણોમાં કોટિ કોટિ પ્રણામ ! બાપુરાયા, મને કંઇ સમજાતુ નથી, તમારે જે લખાવવુ હોય તે લખાવો, એવુ સમજીને હું આ અનુભવ લખી રહી છું.
વર્ષ ૨૦૦૮ની વાત છે. મેં બાપુ વિષે પહેલીવાર સાંભળ્યું હતું ત્યારે મારા મનમાં ઘણી શંકાઓ હતી. આશરે પાંચ છ મહિનાઓ સુધી હું કૃપાસિંધુમાં આવતા ભક્તોનાં અનુભવ, દૈનિક પ્રત્યક્ષનાં અગ્રલેખ વાંચતી રહી હતી તથા રામનામ નોટ પણ લખતી હતી.
ત્યારબાદ એક બાપુભક્તનાં કહેવાથી શ્રીસાંઇસચ્ચરિત્રનું પઠણ પણ કરવા લાગી હતી, પરંતુ મને તેમાં ઘણુ બધુ સમજાતુ નહોતું. મને માત્ર વાંચવામાં જ રસ હતો. તેમણે મને પંચશીલ પરીક્ષા વિષે પણ માહિતી આપી હતી અને આ સમયે મેં પ્રથમાની પરીક્ષા આપી હતી. પરીક્ષા લખતા સમયે ‘શું લખુ’ એ સમજાતુ નહોતું. પરંતુ બાપુએ જ મારી પાસેથી આ પેપર લખાવ્યું હતું. થોડા સમય પછી પડોશમાં રહેતાં કાકીએ મને કહ્યું કે મને આ પરીક્ષામાં ડીસ્ટીંકશન મળ્યું છે. તેથી હું ખૂબ જ ખુશ થઈ હતી. હું મનોમન વિચારતી હતી કે લોકો બાપુને ભગવાન માને છે તો એકવાર તો તેમનાં દર્શન કરવા જોઇએ અને આ દિવસ પણ આવી ગયો. હું એક ગુરુવારે મુંબઈ ગઈ હતી. અહીં ભક્તોની પ્રચંડ ભીડમાં બાપુને પહેલીવાર જોઇને સ્વયંને ભૂલી ગઈ હતી. મારી આંખોમાંથી આંસૂ વહેવા લાગ્યાં હતાં. બાપુ સાથે નજર મળતાં તેમણે આર્શીવાદની મુદ્રામાં હાથનો ઇશારો કર્યો અને જાણે મને તેમનાંચરણોમાં શરણાગતિ મળી ગઈ હોય એવુ લાગતુ હતું. અનેક જન્મોનાં પૂણ્યોદયથી જ જીવનમાં સદ્ગુરુનાં સગુણ રુપની ભક્તિ પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગ પછી બે વર્ષ પસાર થઈ ગયા હતાં. આ સમય દરમ્યાન મને ઘણાં અવનવા અનુભવો થયાં હતાં. મારા ઘરમાં બાપુની ભક્તિનો વિરોધ હતો. પરંતુ મેં તેમનાં ચરણ મારા હૃદયમાં ધર્યા હતાં. મને પૂના કેન્દ્રનાં પ્રમુખ સેવકે એકવાર કહ્યું હતું કે આપણે બાપુની ઇચ્છા વગર કોઇને સમજાવી શકતા નથી કે બાપુ કોણ છે? બાપુનાં દર્શન કરવા અથવા સ્મરણ કરવુ એ બાપુની ઇચ્છા પર નિર્ભર રહે છે.
બાપુરાયાએ જ સૌભાગ્યદાન આપ્યું છે. ખરેખર મારી આ સદ્ગુરુમાઉલી ઘણી જ કૃપાળુ છે. આપણે ગમે તેટલી ભૂલો કરીએ અથવા પાપ કરીએ તો પણ એ આપણું ધ્યાન રાખતા રહે છે. એકદિવસ સહેજે જ મારા પતિ સાથે મારો ઝઘડો થઈ ગયો હતો. તેમણે મને કહ્યું કે બાપુને ગળામાં લઈને ફરે છે, તો તેનાંથી શું થાય છે? મેં તેમને સામે જવાબ આપ્યો કે આ લોકેટ પહેર્યા પછી કેટલાં બધા સંકટમાંથી બચી ગયા છે. બાપુ પ્રત્યે તેમને વિશ્ર્વાસ નહોતો , તેથી હું નારાજ થઈ ગઈ હતી.
૭ એપ્રિલ ૨૦૧૦નાં મારા પતિને અચાનક તાવ આવ્યો હતો અને ૧૦૨ ડીગ્રી સુધી પહોંચી ગયો હતો. દવા લેવા છતાં પણ તાવ ઉતરવાનું નામ લેતો નહોતો. તેથી રાત્રે મેં તેમને ઉદી લગાવી હતી.
ત્યારબાદ બે દિવસ પસાર થઈ ગયા હોવા છતાં તેમને તાવ ઉતર્યો નહોતો. તેમને એવુ લાગતું હતું કે કદાચ સ્વાઈન ફ્લૂ થયો હશે. તેઓ વારંવાર મને અને મારી દીકરીને દૂર જાવ, પાસે નહિં આવો, એવુ કહેતા હતાં. રાત્રે હું તેમનાં માથા પર મીઠાવાળા પાણીનાં પોતા મૂકતી હતી અને બાપુનાં મંત્રજાપ કરતી હતી. સવારે અમે ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે તેમને ખરેખર સ્વાઈન ફ્લૂ થયો છે. ત્યારબાદ ઘરે આવ્યા પછી મારા પતિે ગાડી મંગાવીને પૂના ડોક્ટરને બતાવવા માટે ગયા હતાં.
તો સીધા નાયડૂ હોસ્પિટલ ગયા હતાં. પરંતુ ત્યાં ડોક્ટરે તેમની વાત સાંભળી નહિં. તેથી મારા પરિવારજનોએ તેમને પૂનાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવ્યાં હતાં. અહીંનાં ડોક્ટરે તરત જ તેમની ટ્રીટમેન્ટ શરુ કરી હતી.
આ બાજુ ઘરે મારુ મન બેચેન રહેતુ હતું. મારી દીકરી સ્કૂલેથી આવી એ પછી હું ઘોરકષ્ટોધરણનું પઠણ કરવા લાગી હતી. આ સમયે વારંવાર ફોનની રીંગ વાગતી હોવા છતાં મેં ફોન ઉપાડ્યો નહોતો. ત્યારબાદ સાંજે મને ખબર પડી કે મારા પતિનાં મિત્રની પત્ની સ્વાઈન ફ્લૂમાં મૃત્યુ પામી હતી. આ વાત સાંભળીને મને ધ્રાસકો પડ્યો હતો, કારણ કે ૩૧ માર્ચનાં દિવસે મારા પતિ રાત્રે તેમનાં ઘરે રોકાયા હતાં અને સવારે ત્યાં ચા નાસ્તો કરીને ઘરે પાછા આવ્યાં હતાં. આ સમયે તેમનાં મિત્રની નાની દીકરીને પણ તાવ આવ્યો હતો અને તેઓ તેમને રમાડતા હતાં.
૧૦ એપ્રિલે બપોરે મારા પતિનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. પરિણામે તેઓ પણ ગભરાઈ ગયા હતાં. આ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકવા લાગી હતી. મારા પતિને ડાયબિટીસ પણ છે. આંખમાંથી આંસૂ સરતા તરત જ બાપુની યાદ આવી હતી. તેથી મેં સુચિતદાદાને મેસેજ આપવા માટે ક્લિનિકમાં ફોન કર્યો હતો. દાદાએ મને કહ્યું કે ચિંતા કરશો નહીં, તેમને કંઇ નહિં થાય. બાપુ તમારી સાથે છે અને બાપુ પરિવાર તમને મદદ કરશે.’ દાદાની વાત સાંભળીને મારી ધીરજ બંધાઇ હતી. સૌ પ્રથમ ઉદીની ડબ્બી, રામનામ નોટ અને બાપુનો ફોટો લઈને પૂના જવા માટે નીકળી હતી. હું સતત ઘોરકષ્ટોધરણનું પઠણ કરતી હતી. પૂનાં પહોંચ્યાં પછી મેં તેમનાં એક મિત્રને બાપુની ઉદી અને ફોટો તેમને આપવા માટે આપ્યાં હતાં અને તેમણે મારા પતિને આપ્યાં હતાં. અહીં ડોક્ટરે અમારા બધાનું ચેકઅપ કર્યું હતું, કોઇને ઇન્ફેકશન લાગ્યું નહોતું. ડોક્ટર તેમને સારવાર માટે લઈ જતા હતાં ત્યારે હું હિંમત કરીને તેમની પાસે ગઈ હતી અને મે તેમને કહ્યું કે મારી દાદા સાથે વાત થઈ છે અને દાદાએ કહ્યું છે કે તમને કંઇ નહીં થાય, આપણે ત્રણ દિવસમાં ઘરે પાછા જઈશું.
ડોક્ટરે તેમનું કાર્ય શરુ કરી દીધુ હતું. વોર્ડમાં મારા પતિ એકલાં હતાં. તેમને ડર લાગતો હતો. હું તેમને ઉદી લગાવવાનું કહેતી હતી. તેમનો ડર ઓછો થતો નહોતો. હું દત્તમાલામંત્ર, હનુમાનચલીસા, રામરક્ષા સ્તોત્ર, દત્તબાવની વગેરેનું પઠણ કરતી રહેતી હતી. સવારે બ્રહ્મમૂહર્તમાં ઉઠીને હું બાપુની ઉપાસના કરતી હતી. ત્યારબાદ મને થોડીવાર માટે ઉંઘ આવી ગઈ હતી.
સવારે સાડા નવ વાગ્યે હું નાસ્તો લઈને હોસ્પિટલ ગઈ હતી. હું સતત બાપુનું નામસ્મરણ કરતી હતી તથા ઘરમાં પણ બધા ભગવાનનું સ્મરણ કરતા હતાં. હકીકતમાં બધા ગભરાઈ ગયા હતા. પરંતુ મારા મનમાં વારંવાર બાપુનું એક વાક્ય યાદ આવ્યું હતું - મારા બાળકો ! ગમે તેટલું મોટુ સંકટ કેમ ના આવે, પરંતુ આ સંકટથી તમારા બાપુ બહુ મોટા છે, આ વાત ક્યારેય ભૂલશો નહિં. હું બાપુને વારંવાર મારા પતિનો જીવ બચાવવા માટે પ્રાર્થના કરતી હતી.
ડરનાં કારણે તેમની સુગર પણ વધી ગઈ હતી. ત્યારબાદ ૧૩ એપ્રિલનાં દિવસે મારી તબિયત પણ ખરાબ થઈ હતી, તેથી બધા રિપોર્ટસ કઢાવ્યાં હતાં. બાપુકૃપાથી મારા બધા રિપોર્ટસ નોર્મલ હતાં. ડોક્ટરે મને દવા અને ઇન્જેકશન આપ્યાં હતાં. મારા પતિની માનસિક સ્થિતી વધારે ખરાબ થઇ હતી. પરિણામે અમે ડોક્ટર્સ સાથે વાત કરવા માટે ગયા હતાં. ડોક્ટરે અમને કહ્યું કે ૧૧ તારીખથી તેમને તાવ આવતો નથી, તેમનાં રિપોર્ટસ પણ નોર્મલ આવે છે, પરંતુ ટેન્શનનાં કારણે સુગર વધારે છે. જ્યાં સુધી સુગર નોર્મલ નહિં થાય ત્યાં સુધી દવાની અસર થશે નહિં. ત્યારબાદ ૧૩ તારીખે મને અને મારા પતિને દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અહીં બે દિવસ સુધી હું અને મારા પતિ અમે બંને સાથે હતાં. હું નિરંતર નામસ્મરણ કરતી હતી. અહીં વિશેષ વાત એવી બની હતી કે આ સમયે જ અમને હોસ્પિટલમાં બાપુનાં ગુરુક્ષેત્રમંત્રની પ્રાપ્તિ થઈ હતી. તેથી હું શ્રદ્ધાપૂર્વક ગુરુક્ષેત્રમંત્રનું પણ પઠણ કરવા લાગી હતી. ત્યારબાદ ૧૫ તારીખે ગુરુવારે અમને ડિસ્ચાર્જ મળ્યો હોવાથી અમે ઘરે આવ્યાં હતાં.
આ સંપૂર્ણ ઘટના દરમ્યાન ડગલે અને પગલે મને બાપુનું અસ્તિત્ત્વ સમજાતું હતું. મારા પતિને ૯ તારીખથી એચ૧એન૧ વાઇરસ હતુ અને ૧૧ તારીખે તે જાહેર થયું હતું. આ સમય દરમ્યાન તેમને કોઇ વધારે તકલીફ થઈ નહોતી તથા તેમનાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ કોઇ તકલીફ થઈ નહોતી. ડાયબિટીશ હોવા છતાં આવી પરિસ્થિતીમાં ચાર દિવસમાં પેશન્ટ ઘરે આવે એ શક્ય નથી. પરંતુ બાપુનાં સુરક્ષાકવચથી જ આ વાત શક્ય બની છે.
ક્યારેય રામનામ નહિં લખનારા મારા પતિએ હોસ્પિટલમાં ત્રણ પાના રામનામ લખ્યું હતું. હું શ્રીમદ્પુરુષાર્થ ગ્રંથરાજ તથા માતૃવાત્સલ્યવિંદાનમનું પઠણ કરતી હતી અને તેનાં ફળ સ્વરુપે મને બાપુએ સૌભાગ્યદાનની પ્રાપ્તિ કરાવી છે. આવી વિકટ પરિસ્થિતીમાં બાપુએ જ મારુ મન સમર્થ બનાવ્યું હતું તથા મારી પાસેથી સતત નામસ્મરણ કરાવતા હતાં. આ સમય દરમ્યાન મારી દીકરીની પરીક્ષા ચાલતી હતી, તે પણ બાપુએ વ્યવસ્થિત પાર પાડી હતી.
ઉપાસના કેન્દ્રનાં લોકો પણ સંભવિત મંત્રપઠણ કરતા હતાં અને મારી ધીરજ બંધાવતા હતાં. પરમ પૂજ્ય બાપુએ અમને કેવા કેવા સંકટોમાંથી બહાર ઉગાર્યા હતાં, તેની અમને પાછળથી ખબર પડી હતી. સ્વાઈન ફ્લૂ સારુ થઈ ગયા પછી મારા પતિને ડેંગ્યુ તથા ચિકનગુનિયા થયા હતાં. તેના વિષે અમને પાછળથી ખબર પડી હતી. આમ છતાં તેનાં દુષ્પરિણામની કોઇ અસર વર્તાય નહોતી. ડોક્ટરને પણ ઘણાં સમય પછી ખબર પડી હતી કે ડેંગ્યુંનાં વાયરસ પણ શરીરમાં છે. આટલાં પ્રારબ્ધ તથા ભોગમાંથી પણ બાપુરાયાએ મારા પતિને સુરક્ષિત રાખ્યાં હતાં અને આજે પણ તેમનું રક્ષણ કરી રહ્યાં છે.
આ ઘટનાક્રમ દરમ્યાન અમને બાપુનાં વચનની અનુભૂતિ થઈ હતી કે હું તારો ત્યાગ કદાપિ કરીશ નહિં. ખરેખર બાપુરાયાએ અમારા માટે કેટલું બધુ કર્યું છે, તે માત્ર બાપુ જ જાણે છે. મારી યોગ્યતા ના હોવા છતાં મારુ પ્રારબ્ધ બદલ્યું છે. હું આ ઋણ ક્યારેય ચૂકવી શકુ એમ નથી. તેથી સદ્ગુરુની સેવાભક્તિ કરતી રહુ એવી પ્રાર્થના કરુ છું મેં ક્યારેય સ્વામીસમર્થ, સાંઇનાથ, રામ- કૃષ્ણનાં દર્શન કર્યા નથી, માત્ર કથાઓ જ સાંભળી હતી. પરંતુ મેં બાપુનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. ખરેખર બાપુ જ મારા સ્વામીસમર્થ, સાંઇનાથ, રામ-કૃષ્ણ છે. પરંતુ હું મારા અનુભવ વિષે કોઇની સાથે વાત કરી શકતી નહોતી કે કેટલાં મોટા સંકટમાં એકમેવ બાપુરાયાની કૃપાથી અમને કોઇ તકલીફ થઈ નહોતી. થોડા સમય પછી મારા પતિ શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રં દર્શન કરવા માટે આવ્યાં હતાં.
ખરેખર બાપુનાં ચરણોમાં રહેનાર પ્રત્યેકની ચિંતા બાપુ કરે છે. માત્ર જે બાપુને માને છે તેમનાં માટે જ નહિં, પરંતુ જે બાપુને માનતા નથી તેમનાં માટે પણ આ સદ્ગુરુમાઉલી દોડતા આવે છે.
|| હરિ ૐ ||