|| હરિ ૐ ||
‘પરિસ્થિતી ગંભીર છે. મા અથવા બાળક, અમે બે માંથી એકને જ બચાવી શકીશું અને તે પણ સિઝેરિયન કરીને’ - ડોક્ટરનાં શબ્દો હતાં.
પરંતુ ‘જાકો રાખે સાંઇયા, માર શકે ના કોઇ’ અનુસાર મા પણ બચી જાય છે અને બાળક પણ બચી જાય છે. કારણ કે તેમનાં જીવનનાં કર્તાધર્તા સદ્ગુરુ છે અને સદ્ગુરુ માટે તેમના બાળકનો એકમાત્ર સાદ જ પૂરતો હોય છે.
વર્ષ ૨૦૦૮ની આ વાત છે. મારી પત્ની મેઘના ડિલિવરી માટે તેનાં પિયર ગઈ હતી. આ સમય દરમ્યાન મારી માતા વિજ્યાબહેન પણ વૃદ્ધાવસ્થાનાં કારણે બિમાર રહેતાં હતાં.
ડોક્ટરે મેઘનાને ડિલિવરી માટે ૬ સપ્ટેમ્બર તારીખ આપી હતી. પરંતુ ઓગસ્ટ મહિનાની શરુઆતમાં રક્તસ્ત્રાવ થવાના કારણે ૪ ઓગસ્ટનાં દિવસે ડાભેલ નામનાં ગામમાં એક ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ વાત સાંભળીને મારી ઇચ્છા તેની પાસે જવાની હતી, પરંતુ ઘરે મારી માતા પણ પથારીમાં હતી, તેથી હું મારી પત્ની પાસે જઈ શક્યો નહોતો.
હોસ્પિટલમાં મારી પત્નીની સોનોગ્રાફી કરવામાં આવી હતી અને તેનાં રિપોર્ટ અનુસાર તેને રજા આપવામાં હતી તથા ૬ સપ્ટેમ્બરનાં દિવસે જ આવવા માટે સલાહ આપી હતી. ત્યારબાદ ૭ ઓગસ્ટનાં દિવસે ગુરુવાર હોવા છતાં હું શ્રીહરિગુરુગ્રામ જવાના બદલે શ્રીઅનિરુદ્ધહુરુક્ષેત્રં ગયો હતો. આ સમયે પરમ પૂજ્ય બાપુ પ્રવચન માટે અહીંથી નીકળતાં હતાં. આ સમયે મારુ મન અશાંત હતું. પરંતુ મારા મનમાં દ્રઢ વિશ્ર્વાસ હતો કે બાપુરાયાનાં દર્શનથી મારુ મન શાંત થઈ જશે. બાપુની એક ઝલકનાં દર્શનથી મારુ મન ભરાયુ ના હોય તેમ હું બાપુની ગાડી પાછળ દોડતો ગયો હતો અને બાપુએ મને જોઇને ગાડીમાંથી જ આર્શીવાદ આપ્યાં હતાં. હવે મારુ મન શાંત થઈ ગયુ હતું અને વિશ્ર્વાસ પણ બંધાયો કે બાપુ જ કોઇક રસ્તો કાઢશે. ધીરે ધીરે મારા મનમાં ચાલતાં ખરાબ વિચારો પણ ગાયબ થઈ ગયા હતાં.
ત્યારબાદ બીજા દિવસે ૮ ઓગસ્ટનાં દિવસે મારી પત્નીને પેટમાં દુ:ખાવો થતાં તે ડોક્ટર પાસે ગઈ હતી અને ડોક્ટરે તરત જ ઓપરેશનની વ્યવસ્થા કરવા માટે સૂચના આપી હતી.
ધીરે ધીરે દુ:ખાવો વધતો જતો હતો તેથી મારી પત્ની અને તેની માતા ગભરાઈ ગયા હતાં. એટલામાં ડોક્ટરે કહ્યું કે ‘પરિસ્થિતી ગંભીર છે, અમે બાળક અથવા માતા બંનેમાંથી એકને જ બચાવી શકીશું અને તે પણ સિઝેરિયન કરીને જ !’
હવે અમને માત્ર બાપુનો જ આધાર હતો. મેધના નિરંતર સદ્ગુરુ બાપુનું નામસ્મરણ કરતી હતી. જેમ જેમ સમય પસાર થતો હતો તેમ તેમ મેધનાનું નામસ્મરણ વધતુ જતું હતું. તે મન:પૂર્વક બાપુનું સ્મરણ કરતી હતી.
...અને જાણે કે બાપુએ જ સમગ્ર પરિસ્થિતી સંભાળી લીધી હોય તેમ તર્કની બહાર ઘટના બની હતી.
૮ ઓગસ્ટનાં દિવસે બપોરે એક વાગ્યે મેઘનાએ એક ક્ધયારત્નને જન્મ આપ્યો અને મા-દીકરી બંને સહીસલામત હતાં.
આ વાત માત્ર બાપુરાયાની કૃપાથી જ શક્ય બની હતી. પ્રિમેચ્યુઅર બાળક હોવાનાં કારણે તેની આવશ્યક સારવાર કર્યા પછી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ અમે અમારી દીકરીનું નામ તિનિષ્કા પાડ્યું હતું અને મેધના ત્રણ મહિના સુધી તિનિષ્કાને ‘હરિ ૐ બાપુ ’ સંભળાવતી રહેતી હતી અને તેને સૂવડાવતી વખતે ‘અનિરુદ્ધા અનિરુદ્ધા સાઈસમર્થા અનિરુદ્ધા’ની ગજર સંભળાવતી હતી.
મારી માતાને મારી દીકરીને જોવાની ખૂબ જ ઈચ્છા હતી અને બાપુએ તેમની આ ઇચ્છા પણ પૂર્ણ કરી હતી. ત્યારબાદ એક વર્ષ પછી મારી માતા દેવલોક પામી હતી.
આજે બાપુકૃપાથી મારી દીકરી ખુશીથી જીદંગી જીવી રહી છે. પ્રિમેચ્યુઅર હોવા છતાં તે મજબૂત અને સ્ફુર્ત છે. જ્યારે તે બોલતા શીખી ત્યારે થોડા સમયમાં જ હરિ ૐ બાપુ બોલતી થઈ ગઈ હતી. જેનાં જીવનની કોઇ આશા નહોતી, તેને મારા બાપુએ સ્વસ્થ જીવન આપ્યું છે. આ વાતથી મારુ મન કૃતજ્ઞાપૂર્વક ભરાઈ આવે છે.
નંદાઈ, બાપુ, દાદાનાં ચરણોમાં અમારા કોટિ કોટિ પ્રણામ !
બાપુ મને હંમેશા તમારા ઋણમાં જ રાખજો.
|| હરિ ૐ ||