|| હરિ ૐ ||
પરમ પૂજ્ય બાપુનાં ચરણોમાં મન:પૂર્વક વંદન કરીને હું બાપુ કૃપાથી થયેલી સુંદર પ્રચિતીનું અહીં વર્ણન કરુ છું. પરમ પૂજ્ય બાપુએ આપણને ‘ગ્રંથરાજ’નાં માધ્યમ દ્વ્રારા સુંદર વાત સમજાવી છે કે - ‘ પરમાત્માએ મારો સાદ સાંભળ્યો ના હોય એવુ ક્યારેય બન્યું જ નથી.’ ખરેખર ‘એ’ સદૈવ આપણી સાથે જ રહે છે અને આપણી પ્રત્યેક કૃતિથી એ જ ક્ષણથી જ્ઞાત રહે છે.
હું નયનાવીરા પટેલ, ‘સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ ઉપાસના કેન્દ્ર - ઇચ્છાપોર’ માં નિયમિત સ્વરુપે સહભાગી થાઉં છું. હકીકતમાં ઉપાસનામાં સહભાગી થવુ એ પણ બાપુનાં જ આર્શીવાદ હોય છે. બાપુનાં સાંનિધ્યમાં આવ્યાં પછી આપણને ડગલે અને પગલે નાના-મોટા અનુભવો થતાં જ રહે છે. આ અનુસાર અમને થયેલાં અનુભવોની વાતો અમે અમારા સંબંધીઓ સાથે પણ કરતા રહીએ છીએ અને તેમની ઇચ્છા અનુસાર તેમને બાપુનાં ફોટા, ઉદી, ત્રિપુરારી પેન્ડલ વગેરે આપીએ છીએ. આ માધ્યમથી તેઓ પણ બાપુ સાથે કેવી રીતે બંધાય જાય છે તેની ખબર જ પડતી નથી. આ અનુસંધાનમાં તેઓ પણ અન્ય બીજાં લોકોને બાપુનો મહિમા સમજાવવા માટે પ્રયાસ કરે છે. આ સંદર્ભમાં એક શ્રદ્ધાવાન બહેનને થયેલાં સુખદ અનુભવનું અહીં વર્ણન કરુ છું.
ઇચ્છાપોર ગામની પાસે જૂનાગામ નામનું એક ગામ છે. આ ગામની એક ભાણેજ નજીકનાં અન્ય બીજા ગામ રાજગિરિની વહુ છે. આ બહેન જૂનાગામ સ્થિત તેમનાં મામાનાં ઘરે આવતાં હતાં, ત્યારે અહીં રહેતી મારી ભત્રીજી સાથે તેની સમસ્યા વિષે વાતો કરતાં હતાં. મારી ભત્રીજી પણ થોડા સમય પહેલાં બાપુનાં કૃપાઅર્શીવાદથી એક જીવલેણ સંકટમાંથી સહજતાપૂર્વક બચી ગઈ હતી. તેથી તે ઘણીવાર આ બહેન સાથે સદ્ગુરુ બાપુ વિષે વાતો કરતી રહેતી હતી. એક દિવસ તેણે આ બહેનને બાપુનો ફોટો, ઉદી અને ત્રિપુરારી પેન્ડલ આપ્યું હતું અને તેને તેનું મહત્ત્વ પણ સમજાવ્યું હતું. આ બહેનને થોડા સમયમાં જ બાપુની ઉદી અને ત્રિપુરારી પેન્ડલથી તેમની સમસ્યાઓમાંથી મુક્તિ મળી હતી, પરિણામ સ્વરુપે તેઓ બાપુ સાથે સુંદરતાથી બંધાઈ ગયા હતાં અને આવી રીતે બાપુનાં માત્ર ફોટા સાથે જ તેની દૃઢ આત્મીયતા બંધાઈ ગઈ હતી. ત્યારબાદ તે બાપુનાં ફોટા સાથે જ વાતો કરતી થઈ ગઈ હતી.
ત્યારબાદ એક દિવસ એવુ બન્યું કે તેનાં પતિ નોકરીએ ગયા હતાં, ત્યારે તેમનું પર્સ ક્યાંક ખોવાય ગયું હતું. આ પર્સમાં માત્ર ૫૦૦.૦૦ રુપિયા જ હતાં,પરંતુ તેમાં આવશ્યક પેપર્સ તથા કંપનીનો ગેટપાસ પણ હતો. તેમને પૈસા કરતા વધારે અગત્યનાં પેપર્સ અને ગેટપાસનું ટેન્શન થતું હતું. તેમણે આ પર્સ શોધવા માટે ઘણાં પ્રયાસ કર્યા હતાં,પરંતુ તેમને પર્સ મળ્યું નહોતું. તેથી તેઓ નિરાશ થઈને ઘરે આવ્યાં હતાં અને ઘરે આવીને તેમની પત્ની સાથે આ વિષે વાત કરી હતી. તેમની પત્નીએ તેમને માત્ર એટલું જ કહ્યું કે ‘મને બાપુ પર વિશ્ર્વાસ છે, તમારુ પર્સ ચોક્કસ મળી જ જશે, તમે તમારુ શાંતિથી કામ કરો.’ તેનાં પતિને બાપુ વિષેની વાતોમાં કંઇ સમજ પડતી નહોતી. ત્યારબાદ આ બહેન બાપુનાં ફોટા સમક્ષ ઉભા રહીને બાપુ સાથે સહજતાથી વાત કરતા હતાં કે ‘બાપુ, અમારુ પર્સ ખોવાય ગયુ છે, તેમાં રહેલાં પૈસા કરતાં પેપર્સ અમારા માટે વધારે અગત્યનાં છે, તેથી તે અમને પુન: મળી જાય તેની જવાબદારી તમને સોંપુ છું.’ આટલુ કહીને તે પણ તેનાં કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે તેનાં પતિનાં સાહેબનાં હાથમાં આ પર્સ આવ્યું હતું, તેમાંથી ફોન નંબર લઈને તેમણે આ ભાઈ સાથે તેમનાં પર્સ વિષે વાત કરી હતી. આ ઘટનાથી આ બહેન અતિશય ખુશ થઈ ગયા હતાં અને તેઓ બાપુને મનોમન કહેવા લાગ્યાં કે બાપુ તમારી લીલા પણ અપંરપાર જ છે.
થોડા સમય પછીઆ બહેનને અન્ય બીજી એક સુંદર પ્રચિતી થઈ હતી. આ બહેન સૂકા લસણની ખેતીકરે છે. તેઓ નિત્ય ખેતરમાંથી ઉગેલા લસણની ૨૫ નંગની ઝૂંડી બાંધીને ઘરે લાવતા હતાં. આ બહેનનું ૬-૭ મહિનાનું નાનુ બાળક પણ છે. એક દિવસ તેનું બાળક બિમાર હોવાથી તે ખૂબ જ રડતુ હતું અને તેને શાંત રાખવામાં જ તેનો વધારે સમય પસાર થઈ ગયો હતો તથા સાંજ પણ પડી ગઈ હતી. તેથી ઘરે જવાનાં સમયે તે લસણ ઉખાડતાં બાપુ સાથે મનોમન વાતો કરતી હતી કે ‘બાપુ, હવે તો સાંજ પડી ગઈ છે, લસણ લેવા આવનારને આજે હું મારી ૨૫ નંગની ઝૂંડી કેવી રીતે આપીશ, ખબર નહિં આજે તો ૧૦-૧૨ ઝૂંડી થાય તો પણ સારુ’ અને આવી રીતે અંધારુ થઈ જતાં તે બાંધેલી ઝૂંડી ગણવા લાગી હતી. તેણે સંપૂર્ણ ઝૂંડી ગણી તો આ સમયે તેની ૨૫ નાં બદલે ૨૭ નંગ ઝૂંડી બની હતી. તેને ખૂબ જ આશ્ર્ચર્ય થતું હતું અને તે પુન: બાપુ સાથે વાતો કરવા લાગી કે ‘બાપુ, તમે મારુ અશક્ય લાગતુ કામ પણ ઝડપથી શક્ય કરી આપો છો. તમે મારી કેટલી બધી મદદ કરો છો.’ આવી રીતે બાપુ સાથે વાતો કરતા કરતા આ ભોળા બહેન બાપુને કહેતાં હતાં કે, ‘બાપુ, તમે આવી જ રીતે મારુ બધુ કામ કરતા રહેશો તો હું તો લાલચુ જ બની જઈશ અને તમારી પાસે વારંવાર કંઇક ને કંઇક માંગતી જ રહીશ. તેથી બાપુ દર વખતે હું માંગુ એટલે તમારે આપવાનું જ એવુ ના કરતા, મારા માટે જેટલું જરુરી અને ઉચિત હોય એટલું જ આપજો.’
ખરેખર આ બહેનની બાપુ સાથેની અનેરી આત્મીયતાનું મારાથી શબ્દોમાં નિરુપણ થઈ શકે તેમ નથી. આ શ્રદ્ધાવન ભક્તે બાપુનાં સાક્ષાત દર્શન પણ કર્યા નથી અને બાપુનાં માત્ર ફોટા સાથે જ આવો અનન્ય ભાવ ધરાવે છે. અહીં આપણે પણ આવો અનન્યભાવ કેળવવા માટેની વાત સમજાય છે અને એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઇએ કે પરમ પૂજ્ય સદ્ગુરુ બાપુ હંમેશા આપણી દરેક વાત સાંભળે જ છે અને ઉચિત સમય આવતાં જ તેનો પ્રતિસાદ પણ આપે છે.
|| હરિ ૐ ||