|| હરિ ૐ ||
આજનો યુગ ‘ચમત્કારને નમસ્કાર’ કરનારો છે. ચમત્કાર કરનારની પાછળ દુનિયા દોડે છે. આપણાં જીવનમાં પણ આવો કંઇક ચમત્કાર થાય એવી આશા સાથે... પરંતુ પત્થરવંત મનમાંથી એક સુંદર શિલ્પ તૈયાર કરવી, મનની બંજર જમીન પર ભક્તિરુપી બગીચો તૈયાર કરવો એ જ ખરેખર ચમત્કાર છે અને આ કાર્ય માત્ર સદ્ગુરુ જ કરી શકે છે. પરંતુ આ વાત માનવા માટે કોણ તૈયાર થાય છે?
વર્ષ ૨૦૦૪માં અમે પ્રથમવાર બાપુજીનાં સત્સંગમાં આવ્યાં હતાં. શરુઆતમાં અમે ત્રણ બહેનો જ આવતાં હતાં. ઘરમાં બધા અમને પૂછતાં હતાં કે ક્યાં જાવ છો? અમે તેમને બાપુ વિષે કહેતાં હતાં અને ધીરે ધીરે ઘરનાં બધા લોકો ઉપાસનામાં આવવા લાગ્યાં હતાં. ત્યારબાદ અમે ઘરના પ્રવેશદ્વારની સામે બાપુનો આર્શીવાદ આપતો ફોટો પણ મૂક્યો હતો.
એક દિવસ સાંગલીમાં રહેતાં મારા મામા દારુ પીને અમારા ઘરે આવ્યાં હતાં. ઘરમાં આવતાં જ તેમણે બાપુનાં ફોટા સામે જોઇને પૂછ્યું કે આ કોણ છે? મેં તેમને કહ્યું કે અમારા સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધબાપુ છે. તેમણે મને કહ્યું કે આવી રીતે ભાઇગીરી કરતા ઘણાં જોયાં છે. કેવા બાપુ છે એવુ કહેતા ગાળો બોલવા લાગ્યાં હતાં. હું પલંગ પર બેસીને રામનામ નોટ લખતી હતી અને મનોમન કહેતી હતી કે તમારી ગાળોથી કંઇ ફરક પડવાનો નથી. થોડીવાર પછી મારી પાસે આવીને મારી રામનામની નોટ જોઇને તેમણે મારી પાસે નોટ માંગી હતી અને મેં તેમને રામનામની નોટ હતી. તેમણે શરુઆતમાં બે પાનાં લખીને નોટ સાઈડ પર મૂકી દીધી હતી. પરંતુ રામનામ નોટમાં લખાયેલાં બે પાનાથી જ તેમનાં જીવનમાં પરિવર્તન આવવાની શરુઆત થઈ હતી.
જ્યારે મામા અમારા ઘરે આવતા હતાં ત્યારે દારુ પીને જ આવતા હતાં. ધીરે ધીરે તેમની આ કુટેવ વધી ગઈ હતી. આ અરસામાં તેમને તાસગાવ પાસે એક બેંકમાં ફર્નિચર બનાવવા માટે કામ મળ્યું હતું. તેમનું ઘર સાંગલીમાં હતું. તેથી તેઓ દરરોજ વ્હીકલ લઈને આવતા હતાં. એક દિવસ રાત્રે ઘરે જતા સમયે તેમની ગાડી ટેમ્પો નીચે આવી ગઈ હતી અને આ દુર્ઘટનામાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતાં. દુર્ઘટના સ્થળના લોકો તેમને જોઇને કહેતાં હતાં કે આટલી બધી ભયંકર દુર્ઘટનામાંથી તેઓ કેવી રીતે બચી ગયા? બીજા દિવસે તેમનાં એક પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.તેથી થોડા દિવસ સુધી તેઓ વોકરની મદદથી ચાલતા હતાં. આ સમય દરમ્યાન તેમનું દારુ પીવાનું પણ વધી ગયુ હતું. ત્યારબાદ ૨૦૦૭માં બાપુના આર્શીવાદથી મને પુત્ર પ્રાપ્તિ થઈ હતી. અમે મે મહિનામાં શિરડી - વણી જવાનું નક્કી કર્યું હતું. અમારી સાથે મારા ભાઈ ભાભી, તેમનાં બાળકો, મારા માતા-પિતા, મારો નાનો ભાઈ, નાની, માસી અને તેમનો પરિવાર બધા જ આવવાના હતાં.
તેથી નાનીની એવી ઇચ્છા હતી કે મારા મામા પણ અમારી સાથે આવે. પરિણામે મામા પણ અમારી સાથે આવ્યાં હતાં. નાસિકમાં મોજમસ્તી કરતા કરતા અમે વણી દર્શન કરવા માટે આવ્યાં હતાં. અહીં પણ મામા દારુ પીને બેઠાં હતાં. બધાને તેમની પર ગુસ્સો આવતો હોવા છતાં કોઇ કશુંય બોલતુ નહોતું. ભગવાને આપેલાં અમૂલ્ય જીવનને તેઓ વ્યર્થ કરી રહ્યાં હતાં.
રાત્રે બે વાગ્યે તેમને ગમે તેમ સૂવડાવીને બીજા દિવસે અમે શિરડી જવા માટે નીકળ્યાં હતાં. અહીં તેમણે દારુ પીધુ નહોતું. શિરડી પહોંચીને અમે બધા દર્શન કરવા માટે લાઈનમાં ઉભા હતાં. પરંતુ વધારે ગિરદી હોવાથી અમે બધા અલગ પડી ગયા હતાં. અહીં અચરજની વાત એ છે કે અમારામાંથી માત્ર નાની અને મામાને જ બાબાના વ્યવસ્થિત દર્શન થયાં હતાં. દર્શન કરીને બહાર આવ્યાં પછી પુન: આશ્ર્ચર્ય થાય એવી ઘટના બની હતી. મારા મામા વારંવાર સાંગલી ઉપાસના કેન્દ્રનુ સરનામુ પૂછતાં હતાં. ત્યારબાદ અમે બધા ઘરે પરત આવ્યાં હતાં. ઘરે આવ્યાં પછી મામાને પુન: હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં અને ડોક્ટરે અમને કહ્યું કે તેમનાં લીવર પર સોજો છે, જો આવી જ રીતે તેઓ દારુ પીતા રહેશે તો તેઓ વધારે દિવસ સુધી જીવી શકશે નહિં. પરંતુ તેમનો કેસ બાપુનાં હાથમાં આવી ગયો હતો, તેથી આવુ કશું બન્યું નહોતું.
હોસ્પિટલમાં તેમની સાથે માત્ર નાની જ રહેતા હતાં. એકવાર તેઓ મામા માટે જમવાનુ લેવા નીચે આવ્યાં હતાં ત્યારે કોઇકનો ધક્કો વાગવાથી તેઓ પડી ગયા હતાં અને તેમને પણ દાખલ કરવા પડ્યાં હતાં. આ સમયે મામાને પહેલીવાર દુ:ખ થયું કે મારા કારણે મારા પરિવારજનો કેટલાં બધાં દુ:ખી થાય છે. હવે તેમને તેમની ભૂલો સમજાતી હતી અને તેમના મનની વેરાન જમીન પર ભક્તિના બીજનો પ્રભાવ પડવા લાગ્યો હતો. આ કાર્ય માત્ર અકારણ કારુણ્યના સાગર સદગુરુ જ કરી શકે છે. જ્યારે મને એવી ખબર પડી કે તેઓ ખરેખર ઉપાસનામાં સહભાગી થવા ઇચ્છે છે ત્યારે મે તેમને ઉપાસના કેન્દ્રનું સરનામુ આપ્યું હતું. ઉપાસનામાં પહેલાં જ દિવસે તેમને આરતી કરવાનો અવસર મળ્યો હતો.
આ સમયે મને ખરેખર આનંદ થતો હતો. ત્યારબાદ તેમની સાથી મારા મામી અને બાળકોએ પણ ઉપાસનામાં સહભાગી થવાની શરુઆત કરી હતી. ધીરે ધીરે તેઓ બાપુનાં કાર્યો સાથે બંધાઈ ગયા હતાં. તેમને જોઇને મને આશ્ર્ચર્ય થતુ હતું કે હંમેશા દારુનાં નશામાં જ રહેનાર વ્યક્તિને બાપુ કેવી રીતે શ્રદ્ધાવાન ભક્ત બનાવે છે? હું ઘણીવાર તેમની સાથે તેમને થયેલાં અનુભવોની વાતો કરતી હતી. એકવાર તેમણે મને તેમનાં જીવનમાં આવેલાં ટર્નિંગ પોઇન્ટ વિષે વાત કરી હતી.
તેમણે મને કહ્યું કે ‘જ્યારે શિરડીમાં હું બાબાની સામે ઉભો હતો ત્યારે મને બાબાને બદલે તમારા ઘરે મૂકેલા બાપુના ફોટાની ઝાંખી થતી હતી. હું આંખ મીંચકારતો ફરીવાર બાબાનો જોવા માટે પ્રયાસ કરતો હતો પરંતુ મને બાબા દેખાતા નહોતાં. આ સમયે હું સમજી ગયો કે બાબા અને બાપુ એક જ છે.’
ત્યારબાદ તેમણે દારુને હાથ શુદ્ધા પણ લગાવ્યો નથી. આવી રીતે તેમને કુટેવમાંથી મુક્તિ મળી હતી. મામાએ બાપુના જે ફોટા સામે જોઇને ગાળો બોલી હતી તે જ ફોટો તેમને બાબાની મૂર્તિને બદલે દેખાતો હતો.
હવે એવો સમય આવી ગયો છે કે તેઓ મને સામેથી સંસ્થાના કાર્યક્રમ વિષે સમાચાર આપે છે અને મુખ્યત્ત્વે તેઓ શનિવારની ઉપાસનામાં સ્વંયસેવક પણ બની ગયા છે.
હવે મામા કોઇકવાર તબિયત બગડતા ડોક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટર તેમને કહે છે કે જેનાં કારણે તમે બચી ગયા છો તેને હું મન:પૂર્વક પ્રણામ કરુ છું.
બાપુ ! ખરેખર તમારો લાખ લાખ આભાર ! તમે જ ખોટા માર્ગે દોરવાયેલાં વ્યક્તિને તમારા અકારણ કારુણયથી ભક્તિ - સદ્માર્ગે ખેંચી લાવ્યાં છો. તમે જ ખરબચડા પત્થરમાંથી સુંદર મૂર્તિ તૈયાર કરી છે. આ જ છે તમારી અદ્ભૂત લીલા !
|| હરિ ૐ ||